ભાજપનો ચૂંટણીઢંઢેરો 2019 : સૌથી મોટું વચન મોદી ખુદ છે

ચૂંટણીઢંઢેરો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ ઍડિટર, બીબીસી હિંદી

વર્ષ-2014માં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'થી ભાજપની સફર શરૂ થઈ, જે વર્ષ-2019માં 'મોદી છે, તો શક્ય છે' સુધી પહોંચી છે.

ફરી વડા પ્રધાન બનવાનો સંકલ્પ લેવાની સાથે નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2022માં દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂર્ણ થશે, એટલે પાર્ટીએ તેના સંકલ્પપત્રમાં 75 વચન આપ્યાં છે, જેને પૂર્ણ કરવાની દિશામાં સરકાર કામ કરશે.

નેતા ચાહે ગમે તે પાર્ટીનો હોય, ચૂંટણી પૂર્વે અનેક વચનો આપે છે અને મોટાં ભાગનાં વચનો પૂર્ણ થતાં નથી. આ બાબતમાં ભાજપ કે કૉંગ્રેસ કોઈ અપવાદ નથી.

મોદીએ કહ્યું કે આમ તો આ મૅનિફેસ્ટો 2024 માટે છે પરંતુ કાર્યકાળના મધ્યમાં 2022માં મૂલ્યાંકન થઈ શકશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગત વખતે ભાજપે કેટલાં વચનો આપ્યાં, કેટલાં અધૂરાં છે અને કેટલાં પૂર્ણ કર્યાં તે જાણવા માટે મોદી સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ અહીં વાંચો.

2014 અને 2019ના ચૂંટણીઢંઢેરાની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે પાંચ વર્ષના ગાળામાં અનેક વખત લક્ષ્યાંક બદલવામાં આવ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

2014નો ચૂંટણીઢંઢેરો બહાર પાડતી વખતે ઉપરોક્ત વીડિયોમાં મોદીને એમ કહેતા સાંભળી શકાય છે, "આ મૅનિફેસ્ટોમાં અમે જેટલી વાતો કહી છે, તેને અમે 60 મહિનામાં પૂર્ણ કરીશું અને તેને પાર પાડવામાં કોઈ કસર નહીં છોડીએ, અમે તેને પૂર્ણપણે હાંસલ કરીશું."

2014માં વડા પ્રધાનપદના ઉમેદવાર મોદીએ અનેક વાયદા કર્યા હતા, જેની સરખામણીએ આ વખતે ચૂંટણીઢંઢેરો માત્ર 50 પાનાંનો છે.

કદાચ એ સમીક્ષા થવી જોઈએ કે નવું શું આવ્યું, જૂનું શું ગાયબ થયું તથા શું યથાવત્ છે. સૌથી પહેલાં ભાજપના ત્રણ શાશ્વત મુદ્દાઓ ભવ્ય રામમંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી 370ની નાબૂદી અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પર નજર કરીએ.

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન

ત્રણ શાશ્વત મુદ્દાનું શું થયું?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

'રામમંદિરના નિર્માણ'નો નારો લગાવનારી પાર્ટીએ સંકલ્પપત્રમાં લખ્યું છે, "રામમંદિર મુદ્દે ભાજપ તેનું વલણ ફરી એક વખત સ્પષ્ટ કરે છે અને બંધારણની મર્યાદામાં રહીને વહેલામાં વહેલી તકે રામમંદિરના નિર્માણ માટેની શક્યતાઓને ચકાસવામાં આવશે અને તે માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવશે."

અગાઉ એવું કહેવાતું કે પૂર્ણ બહુમતવાળી સરકાર ન હોવાથી રામમંદિરના નિર્માણમાં અવરોધ આવતો હતો.

એવું પણ કહેવાતું હતું કે પૂર્ણ બહુમતવાળી સરકાર બનતાની સાથે જ અયોધ્યામાં જન્મભૂમિના સ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવશે.

આવી જ રીતે કાશ્મીરમાં 370 સંદર્ભે સંકલ્પપત્રમાં લખ્યું છે, "જનસંઘના સમયથી 370 અંગે અમારું વલણ સ્પષ્ટ છે, જેનો પુનરુચ્ચાર કરીએ છીએ, અમે 35-Aને સમાપ્ત કરવા માટે કટિબદ્ધ છીએ."

જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સાથે યુતિ સરકાર ચલાવનારા ભાજપે આ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે શું પ્રયાસ કર્યા હતા?

ત્રીજો મુદ્દો છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો. મોદી સરકારે ત્રણ તલાકને ગુનો ઠેરવતો વટહુકમ બહાર પાડ્યો છે.

2019ના સંકલ્પપત્રમાં આ વિશે લખ્યું છે, "અમે ટ્રીપલ તલાક અને નિકાહ હલાલા જેવી પ્રથાઓને નાબૂદ કરવા અને તેમને અટકાવવા માટે કાયદો પસાર કરીશું."

line

'રોજગાર'નો માત્ર ઉલ્લેખ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

અનેક સર્વેક્ષણનાં તારણો પ્રમાણે હાલમાં દેશમાં બેરોજગારીનો મુદ્દો સૌથી ગંભીર છે. આ મૅનિફેસ્ટોમાં બેરોજગારીના મુદ્દે કોઈ નક્કર વચન આપવામાં આવશે, એવી આશા હતી.

આમ તો આ ડૉક્યુમૅન્ટમાં 'યુવા ભારત-ભવિષ્યનું ભારત'ના શીર્ષક હેઠળ એક આખું ચૅપ્ટર છે, જેમાં રમતગમત મામલે વાયદા કરવામાં આવ્યા છે.

ઉપરાંત સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ તથા યુવાનોને સમાજ સાથે જોડવા જેવી વાતો કહેવામાં આવી છે.

રોજગાર સંદર્ભે કહેવામાં આવ્યું છે, "ભારતીય અર્થતંત્રને વેગ આપતાં 22 ઉત્કૃષ્ટ ક્ષેત્રોને ઓળખી, તેમાં નિર્ણાયક નીતિઓ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા માટે પ્રયાસ કરીશું."

"આંતરિક તથા વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ તકોને ધ્યાનમાં રાખીને ઉચ્ચક્ષમતાવાળા સંરક્ષણ તથા ફાર્મા સૅક્ટરમાં રોજગારીના સર્જનની દિશામાં કાર્ય કરીશું" એટલો જ ઉલ્લેખ છે.

યુવાનોના ચૅપ્ટરમાં નરેન્દ્ર મોદીનું એક નિવેદન છાપવામાં આવ્યું છે, "ભારત યુવા દેશ છે, જે દેશની મોટા ભાગની વસ્તી યુવા હોય તે દેશ માત્ર પોતાની જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાની કિસ્મત બદલવાની ક્ષમતા ધરાવે છે."

લાઇન
લાઇન

રાષ્ટ્રવાદ પર ભાર

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Bjp

સંકલ્પપત્રના પ્રથમ ચૅપ્ટરનું શીર્ષક છે - 'રાષ્ટ્ર સર્વપ્રથમ', 2014ના ચૂંટણીઢંઢેરામાં પણ દેશને સશક્ત બનાવવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.

રાષ્ટ્રવાદ હંમેશાં ભારતના ઍજન્ડામાં ટોચ ઉપર રહે છે. આ મુદ્દો લાગણી સાથે જોડાયેલો છે અને તેની સફળતા કે નિષ્ફળતાને માપવાનું કોઈ પરિમાણ નથી.

આતંકવાદ સામે સુરક્ષા, સંરક્ષણક્ષેત્રે સ્વનિર્ભરતા, સૈનિકોનું કલ્યાણ, પોલીસનું આધુનિકરણ, ઘૂસણખોરીની સમસ્યાનો ઉકેલ, માઓવાદ-ઉગ્રવાદને નાબૂદ કરવા જેવાં વચનો આપવામાં આવ્યાં છે.

રાષ્ટ્રવાદના નેજા હેઠળ આવરી લેવામાં આવેલી બે બાબતો ઉપર સરકારે આંશિક રીતે કામ કર્યું છે અને બંને વિવાદાસ્પદ મુદ્દે વધુ કામ કરવાનું વચન આપવામાં આવ્યું છે.

આ મુદ્દા એટલે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ તતા નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સને તત્કાળ લાગુ કરવા.

મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે ત્રણ મુખ્ય બાબતોને ધ્યાનમાં રાખીને સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

"રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે, અંત્યોદય અમારી ફિલસૂફી છે અને સુશાસન અમારો મંત્ર છે."

line

ખેડૂતો માટે વાયદા-ઇરાદા

ભાજપના ઝંડા સાથે લોકો

ઇમેજ સ્રોત, Getty Images

દેશભરમાં કૃષિસંકટ અંગે સતત વાત થઈ રહી છે. મોદી સરકાર અગાઉ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપી ચૂકી છે.

સંકલ્પપત્રમાં આપવામાં આવેલાં 75 વચનોમાંથી 31 ખેડૂત કે ગ્રામીણ વિકાસ સાથે જોડાયેલાં છે.

'ખેડૂતોની આવક બમણી કરવી' આ શીર્ષકવાળા ચૅપ્ટરનો પહેલો ફકરો છે, "ભાજપ સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય મિશન મોડમાં હાથ ધર્યું છે."

"અમે તેને 2022 સુધીમાં પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશું."

નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન આપવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

આ સિવાય કિસાન ક્રૅડિટ કાર્ડ ઉપર રૂપિયા એક લાખ સુધીની લૉન મળી શકશે, જેની ઉપર પાંચ વર્ષ સુધી કોઈ વ્યાજ નહીં ચૂકવવું પડે.

આ સિવાયના મધમાખી ઉછેર, મત્સ્યદ્યોગ, પશુપાલન તથા જૈવિક ખેતી સાથે જોડાયેલા મુદ્દાનો પણ ઉલ્લેખ છે.

અનાજના સંગ્રહ માટે ગોદામ અને બિયારણની વ્યવસ્થાને સુધારવાનું વચન આપવામાં આવ્યું છે.

લાઇન
લાઇન

જૂના સંકલ્પના નવા વિકલ્પ

નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરુણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અનેક નવી જાહેરાતો કરી છે, જેમાંથી મોટા ભાગના મુદ્દાઓનો સંકલ્પપત્રમાં ઉલ્લેખ જ નથી અથવા તો નામમાત્રનો ઉલ્લેખ છે.

ગત ચૂંટણી સમયે કાળુંનાણું અને ભ્રષ્ટાચાર એ ભાજપ માટે મહત્ત્વપૂર્ણ મુદ્દા હતા.

'સુશાસન' નામના અધ્યાયમાં ભારતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની દિશામાં પ્રયાસ કરવાની વાત કહેવામાં આવી છે.

દેશમાંથી કાળુંનાણું નાબૂદ કરવા તથા વિદેશમાંથી કાળુંનાણું પરત લાવવા સંદર્ભે કોઈ ઉલ્લેખ નથી.

નોટબંધી અને જીએસટી જેવાં મહત્ત્વપૂર્ણ પગલાં સરકારે લઈ લીધાં હોવાથી ફરી તેનો ઉલ્લેખ કરવાનો કોઈ અર્થ નથી.

જોકે, લાંબા ગાળાની યોજનાઓને પૂર્ણ કરવા માટે કોઈ નક્કર સંકલ્પ કર્યો હોય એમ નથી જણાતું.

'મેક ઇન ઇન્ડિયા' મોદી સરકારની સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના હતી, જેનો સંકલ્પપત્રમાં ઉલ્લેખ માત્ર છે.

આ માટે શું લક્ષ્યાંક રહેશે તથા ક્યાં સુધીમાં હાંસલ કરવામાં આવશે તેનો કોઈ ઉલ્લેખ નથી.

'નવભારતનો પાયો'એ શીર્ષકવાળા ચૅપ્ટરમાં 'ડિજિટલ ઇન્ડિયા'નો ઉલ્લેખ છે.

માત્ર બે વાક્યોમાં વાયદો કર્યો છે કે 2022 સુધીમાં દેશનાં તમામ ગામડાંને હાઈ-સ્પીડ ઑપ્ટિકલ ફાઇબર નૅટવર્ક સાથે જોડી દેવામાં આવશે.

ગંગાની સફાઈ માટે કૅબિનેટ મંત્રાલય ઊભું કર્યું અને 'નમામિ ગંગે'ના નામે અભિયાન ચલાવ્યું, પરંતુ હવે સરકારે માત્ર એટલું જ કહ્યું છે કે વર્ષ 2022 સુધીમાં ગંગાને શુદ્ધ કરવાનો લક્ષ્યાંક હાંસલ કરી લેવાશે.

સંકલ્પપત્રમાં 'સ્માર્ટસિટી'નો કોઈ જ ઉલ્લેખ નથી.

100 સ્માર્ટસિટી બનાવવાનું લક્ષ્ય કાં તો હાંસલ થઈ ગયું છે અથવા તો તેની ઉપર કોઈ સંકલ્પ ન લેવાનો નિર્ણય થયો હોય તેમ લાગે છે.

'સ્માર્ટસિટી' શબ્દ વગર શહેરી વિસ્તારનો વિકાસ કરવાની વાત કહેવામાં આવી છે.

'સ્કિલ્ડ ઇન્ડિયા' હાંસલ કરવા માટે કૌશલ્ય સંવર્ધન મંત્રાલય ઊભું કરવામાં આવ્યું હતું.

આ કામ પૂર્ણ નથી થયું, છતાં 'સ્કિલ ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ સંકલ્પપત્રમાં એક પણ વખત નથી થયો.

જોકે, આ સંદર્ભે 'નૅશનલ રિ-સ્કિલિંગ તથા અપ-સ્કિલિંગ સંદર્ભે નીતિ ઘડવામાં આવશે' એવું લખવામાં આવ્યું છે.

સરવાળે, આ સંકલ્પપત્રમાં માત્ર એક જ વાયદો આપવામાં આવ્યો છે કે જો ભાજપને મત આપશો તો 'શક્તિશાળી નેતા મોદી અને તેમની મજબૂત સરકાર' મળશે.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો