રાહુલ ગાંધીની વાયનાડ લોકસભા બેઠકમાં હિંદુ વધારે છે કે મુસ્લિમો? - ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, TWITTER/@INCINDIA
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારના રોજ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી.
ગુરુવારના રોજ જ્યારે રાહુલ ગાંધી પોતાનાં બહેન પ્રિયંકા ગાંધી સાથે વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા તો ટ્વિટર પર #RahulTharangam (રાહુલની લહેર) ટ્રૅન્ડ કરી રહ્યું હતું.
ગત અઠવાડિયે જ કૉંગ્રેસ પાર્ટીએ તેની ઔપચારિક ઘોષણા કરી હતી કે 'ગાંધી પરિવારની પરંપરાગત સીટ' અમેઠી (ઉત્તર પ્રદેશ) સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી મેદાનમાં ઊતરશે.

ઇમેજ સ્રોત, TWITTER/@INCINDIA
ઉમેદવારી નોંધાવતા પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું, "હું દક્ષિણ ભારતને એ સંદેશ આપવા માગતો હતો કે અમે તમારી સાથે ઊભા છીએ. એ જ કારણ છે કે મેં કેરળથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે."
રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી સંસદીય વિસ્તારથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીને હરાવીને અમેઠી સીટ પોતાના નામે કરી હતી.
કૉંગ્રેસી કાર્યકર્તાઓમાં પાર્ટીના આ નિર્ણયથી ઉત્સાહ દેખાય છે અને પાર્ટી દાવો કરી રહી છે કે દક્ષિણ ભારતમાં કૉંગ્રેસની પકડને વધારે મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ આ નિર્ણય કર્યો છે.

ઇમેજ સ્રોત, TWITTER/@INCINDIA
જોકે, ભાજપ તેને 'ડરમાં લેવાયેલો નિર્ણય' ગણાવે છે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહ કહી ચૂક્યા છે કે રાહુલ ગાંધી ભાજપના ડરથી ભાગી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બેઠકની પસંદગી કરવા મુદ્દે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો અને ધર્મના આધારે પસંદગી કરાઈ હોવાનું પણ કહ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જમણેરી વલણ ધરાવતાં ટ્વિટર યૂઝર્સ અને ફેસબુક ગ્રૂપ્સમાં સામેલ લોકો કેટલાક ટીવી રિપોર્ટ્સના માધ્યમથી એવું લખી રહ્યા છે કે 'વાયનાડમાં મુસ્લિમોની સંખ્યા હિંદુઓ કરતાં વધારે છે, એ માટે રાહુલ ગાંધી ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે.'
પરંતુ સોશિયલ મીડિયા પર એક વર્ગ એવો પણ છે કે જે જમણેરી લોકોના આ તર્ક સાથે અસહમત છે. આ લોકોનું કહેવું છે કે વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસતી હિંદુઓ કરતાં ઓછી છે.
આ સંદર્ભે અમે સોશિયલ મીડિયા પર જોવા મળતા બન્ને દાવાની તપાસ કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

પહેલો દાવો :

ઇમેજ સ્રોત, SM VIRAL POST
વાયનાડ બેઠકમાં સૌથી વધારે હિંદુઓની વસતી
ફૅક્ટ : સોશિયલ મીડિયા પર જે લોકો વાયનાડ સંસદીય ક્ષેત્રમાં હિંદુઓની જનસંખ્યા આશરે 50% જણાવી રહ્યા છે, તે ખરેખર વાયનાડ જિલ્લાની જનસંખ્યાના આંકડા શૅર કરી રહ્યા છે.
લોકો વાયનાડ જિલ્લા અને વાયનાડ લોકસભા બેઠક વચ્ચે અંતર નથી કરી રહ્યા.

ઇમેજ સ્રોત, SM VIRAL POST
આ લોકોએ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા 2011ના વસતી ગણતરીના આંકડાને સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.
આ માહિતી અનુસાર વાયનાડ જિલ્લામાં હિંદુઓની વસતી મુસ્લિમો કરતાં ઘણી વધારે નોંધાઈ હતી.
વર્ષ 2011 સુધી વાયનાડ જિલ્લામાં આશરે 50% હિંદુ અને આશરે 30% મુસ્લિમ વસતી હતી.
પરંતુ વાયનાડ જિલ્લાની જનસંખ્યા વાયનાડ સંસદીય ક્ષેત્રના મતદાતાઓની સંખ્યા તરીકે બતાવવી ખોટી છે.


બીજો દાવો

ઇમેજ સ્રોત, SM VIRAL POST
વાયનાડમાં મલાપ્પુરમ જિલ્લાના કારણે મુસ્લિમ મતાદાતાઓની સંખ્યા 50% કરતાં વધારે.
આ દાવાને સાચો સાબિત કરવા માટે લોકોએ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના નંબર શૅર કરવામાં આવ્યા છે, જેમાં વાયનાડ સંસદીય ક્ષેત્રની અંદર મુસ્લિમોની વસતી 50%થી 60% વચ્ચે દર્શાવવામાં આવી છે.
લોકોએ લખ્યું છે કે વાયનાડ લોકસભા બેઠકમાં મુસ્લિમ વસતી ધરાવતા મલાપ્પુરમ જિલ્લાનો ખૂબ મોટો વિસ્તાર પડે છે.
આ વિસ્તારમાં મુસ્લિમ લીગ પાર્ટીની પકડ છે. આ જ કારણે વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે.


ફૅક્ટ :
વર્ષ 2009માં નવા સીમાંકન બાદ રાજકીય અસ્તિત્વમાં આવેલી ઉત્તરી કેરળની વાયનાડ લોકસભા બેઠક વિસ્તારના ત્રણ જિલ્લા (કોઝીકોડ, મલાપ્પુરમ અને વાયનાડ)ને મેળવીને બનાવવામાં આવી હતી.
- કોઝીકોડ જિલ્લામાં આવતી 13 વિધાનસભા બેઠકોમાંથી માત્ર એક વિધાનસભા બેઠકનો વિસ્તાર વાયનાડ લોકસભા બેઠકમાં આવે છે.
- વાયનાડ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોનો વિસ્તાર વાયનાડ લોકસભા સીટમાં આવે છે.
- મલાપ્પુરમ જિલ્લાની 16માંથી માત્ર 3 વિધાનસભા બેઠકોનો વિસ્તાર જ વાયનાડ લોકસભા બેઠકમાં સામેલ છે.

ઇમેજ સ્રોત, SM VIRAL POST
વર્ષ 2011માં મલાપ્પુરમ જિલ્લામાં મુસ્લિમોની વસતી હિંદુઓ કરતાં ઘણી વધારે નોંધાઈ હતી.
સરકારી આંકડા અનુસાર આ જિલ્લામાં આશરે 74% મુસ્લિમ અને આશરે 24% હિંદુ રહે છે.
પરંતુ મલાપ્પુરમ જિલ્લાનો એક ચતુર્થાંશ વિસ્તાર જ વાયનાડ લોકસભા સીટ સાથે જોડાયેલો છે.
વાયનાડ લોકસભા સીટમાં આવતા ત્રણ જિલ્લાના મતદારોને જો જોડી દેવામાં આવે તો અહીં 13,25,788 મતદાતા છે.
નોંધાયેલા મતદારોની સંખ્યા આ ક્ષેત્રમાં રહેતા લોકોની જનસંખ્યા કરતા ઘણી ઓછી છે.
કેરળના ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર વાયનાડ સીટ પર 2014ની લોકસભા ચૂંટણી બાદ આશરે 75,000 નવા મતદાતા જોડાયા છે.
પરંતુ તેમાંથી હિંદુ મતદાતા કેટલા છે અને મુસ્લિમ મતદાતા કેટલા છે? તેનો કોઈ ઔપચારિક આંકડો ચૂંટણીપંચ પાસે હાજર નથી.


'મતદાતાના ધર્મનો હિસાબ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી પંચના પ્રવક્તાએ જણાવ્યું, "2014ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ સંસદીય ક્ષેત્રમાં રજીસ્ટર્ડ મતદારોની સંખ્યા 12,47,326 હતી. આ સંખ્યા હવે વધી ગઈ છે."
"પણ તેમાં હિંદુ કે મુસ્લિમ મતદાતા કેટલા છે એનો હિસાબ ચૂંટણી પંચ પાસે હોતો નથી."

'બન્નેની એકસમાન વસતી'

ઇમેજ સ્રોત, Getty Images
'ડેટા નેટ' નામની એક ખાનગી વેબસાઇટે ધર્મના આધારે ભારતના વિભિન્ન સંસદીય ક્ષેત્રોનો ડેટા તૈયાર કર્યો છે.
ડૉક્ટર આર. કે. ઠકરાલ આ વેબસાઇટના ડાયરેક્ટર છે કે જેઓ 'ઇલેક્શન એટલસ ઑફ ઇન્ડિયા' નામનું એક પુસ્તક પણ લખી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું કે વર્ષ 2001 અને 2011ની વસતીગણતરીના આંકડા અનુસાર, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 2008ના સીમાંકન રિપોર્ટ અને ગ્રામ્યસ્તર પર જાહેર કરવામાં આવેલી મતદાતાઓની યાદીને આધાર બનાવીને તેમણે ડેટા તૈયાર કર્યો છે.
ઠકરાલે જણાવ્યું કે મોટાભાગની ગ્રામીણ વસતી ધરાવતી વાયનાડ લોકસભા ક્ષેત્રમાં હિંદુઓ અને મુસ્લિમોની વસતી લગભગ એકસમાન છે.
તેમના અનુમાન પ્રમાણે આ લોકસભા ક્ષેત્રમાં હિંદુ અને મુસ્લિમ, બન્ને 40-45% વચ્ચે છે અને 15% કરતાં વધારે ખ્રિસ્તી સમાજના લોકો વસે છે.
(આ ખાનગી વેબસાઇટના અનુમાનિત આંકડાની ચૂંટણી પંચે કોઈ પુષ્ટિ કરી નથી અને બીબીસીએ સ્વતંત્ર રુપે તેની તપાસ કરી નથી.)


વાયનાડમાં કોની કોની વચ્ચે ટક્કર?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2009 અને 2014ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો વાયનાડમાં કૉંગ્રેસ પાર્ટીની ટક્કર કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા સાથે રહી છે.
વાયનાડ લોકસભા સીટ કેરળનાં 20 સંસદીય ક્ષેત્રોમાંથી એક છે જેને વર્ષ 2009માં કુલ સાત વિધાનસભા સીટને એક કરીને બનાવવામાં આવ્યો હતો.
વાયનાડ સીટના કેટલાક ભાગ તામિલનાડુ અને કર્ણાટકની સરહદમાં આવે છે.
વાયનાડ જિલ્લો કેરળમાં સૌથી વધારે જનજાતીય વસતી ધરાવતો જિલ્લો માનવામાં આવે છે.
તેની અસર વાયનાડ લોકસભા ક્ષેત્ર પર પણ દેખાય છે જેમાં 90% કરતાં વધારે ગ્રામીણ વસતી છે.
વાયનાડ લોકસભા ક્ષેત્રમાં 80 કરતાં વધારે ગામડાં છે અને માત્ર 4 ગામ છે.
ચૂંટણીપંચના અનુસાર 2014ની લોકસભા ચૂંટણીમાં 9,14,226 મત (73.29% મતદાન) પડ્યા હતા જેમાંથી 3,77,035 (41.20%) મત કૉંગ્રેસ પાર્ટીને મળ્યા હતા.
તો બીજા નંબર પર રહી ચૂકેલી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાને 3,56,165 (39.39%) મત મળ્યા હતા.
2014માં જ્યારે ભાજપે દેશના બાકી વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે વાયનાડમાં ભાજપને આશરે 80 હજાર મત મળ્યા હતા અને પાર્ટી ત્રીજા સ્થાન પર રહી હતી.
(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












