ગુજરાતમાં પટેલ વિ. પટેલ, કોળી વિ. કોળી, ઠાકોર વિ. ઠાકોરનાં સમીકરણો

ભાજપના સમર્થકોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં કોની સામે કોણ ટકરાશે, તેની યુદ્ધરેખા ગુરૂવારે સાંજે ખેંચાઈ ગઈ, જ્યાં મોટાભાગની બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.

આ વખતે પણ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ અને કોમ આધારિત સમીકરણો અને જીતવાની શક્યતાએ ચાવીરૂપ ભાગ ભજવ્યો છે.

પાટીદાર ફૅક્ટરની અસર ઓછી કરવા માટે ભાજપે ઓબીસી ઉમેદવારો તરફ નજર દોડાવી છે, જ્યારે કૉંગ્રેસે સવર્ણ ઉમેદવારો ઉપર ભાર મૂક્યો છે.

ગુજરાતમાં અડધોઅડધ મતદાતા મહિલા છે, છતાં ભાજપ દ્વારા 26માંથી પાંચ અને કૉંગ્રેસ દ્વારા એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.

મુખ્ય પક્ષોના કુલ 52 ઉમેદવારોમાંથી કૉંગ્રેસે ભરૂચ બેઠક ઉપર શેરખાન પઠાણ સ્વરૂપે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.

line

પાટીદાર વિરુદ્ધ પાટીદાર

અમિત શાહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમિત શાહ ઉપરાંત કૉંગ્રેસના બિમલ શાહ વણિક ઉમેદવાર

અમદાવાદ-પૂર્વ (ભાજપના એચ. એસ. પટેલ અને કૉંગ્રેસના ગીતાબહેન પટેલ), મહેસાણા (ભાજપના શારદાબહેન પટેલ અને કૉંગ્રેસના એ. જે. પટેલ), રાજકોટ (ભાજપના મોહનભાઈ કુંડારિયા અને કૉંગ્રેસના લલિત કગથરા), પોરબંદર (ભાજપના રમેશભાઈ ધડૂક અને કૉંગ્રેસના લલિત વસોયા), અમરેલીની (કૉંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને ભાજપના નારણભાઈ કાછડિયા) બેઠક ઉપર બંને મુખ્ય પક્ષોએ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

ગાંધીનગરની બેઠક ઉપર વણિક સમુદાયના અમિત શાહને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડા ક્ષત્રિય સમાજના છે.

વડોદરાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ બ્રાહ્મણ સમુદાયના છે, જ્યારે કૉંગ્રેસે પાટીદાર સમુદાયના પ્રશાંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

આણંદની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ (પાટીદાર)ની સામે ઓબીસી ક્ષત્રિય સમુદાયના ભરતસિંહ સોલંકીને કૉંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે.

line

ઠાકોર વિરુદ્ધ ઠાકોર

અલ્પેશ ઠાકોરની તસવીર

ઇમેજ સ્રોત, Facebook/AlpeshThakor

ઇમેજ કૅપ્શન, વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોર સમાજનો ચહેરો બન્યા

સાબરકાંઠા અને પાટણની બેઠકો ઉપર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો ઉપર નજર કરીએ તો ત્યાં ઠાકોરની સામે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પાટણની બેઠક ઉપર ભરતસિંહ ડાભી (ભાજપ) સામે કૉંગ્રેસના જગદીશ ઠાકોર છે, જ્યારે સાબરકાંઠાની બેઠક ઉપર ભાજપના દીપસિંહ રાઠોડની સામે રાજેન્દ્ર ઠાકોર (કૉંગ્રેસ) ચૂંટણી લડી રહ્યા છે.

બનાસકાંઠાની બેઠક ઉપર ભાજપે પરબત પટેલ અને કૉંગ્રેસે પર્થીભાઈ ભટોળને ઉતાર્યા છે.

બંને આંજણા ચૌધરી સમાજના છે, જે ઓબીસીના નેજા હેઠળ આવે છે.

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન

કોળી વિરુદ્ધ કોળી

ભાજપના સમર્થકોની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભાજપના સમર્થકોની તસવીર

સુરેન્દ્રનગર અને જૂનાગઢની બેઠક ઉપર ભાજપ તથા કૉંગ્રેસે કોળી ઉમેદવારો ઉપર દાવ લગાવ્યો છે.

સુરેન્દ્રનગર બેઠક ઉપર ડૉ. મહેન્દ્ર મુંજપરા (ભાજપ) અને સોમાભાઈ પટેલ (કૉંગ્રેસ)ની વચ્ચે ટક્કર છે. આ બેઠક ઉપર 39 ટકા મતદાર કોળી છે.

જૂનાગઢમાં લગભગ સાડા ત્રણ લાખ કોળી મતદાતા છે, જે કુલ વસ્તીના અંદાજે 19.55 ટકા છે.

આ બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમાને રીપિટ કર્યા છે, જ્યારે કૉંગ્રેસે ઉનાની બેઠક ઉપરથી ધારાસભ્ય પૂંજાભાઈ વંશને ઉતાર્યા છે, જેઓ કોળી સમુદાયના છે.

જામનગરની બેઠક ઉપર પૂનમબહેન માડમ (ભાજપ) અને મૂળુભાઈ કંડોરિયા (કૉંગ્રેસ) બન્ને ઓબીસી આહીર સમુદાયના છે.

line

OBCની સામે સવર્ણ

મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાહ-મોદીના હોમસ્ટેટમાં ફરી 26માંથી 26 બેઠક મેળવવાનું ભાજપ પર દબાણ

સુરતની બેઠક ઉપર ભાજપે ઓબીસી સમુદાયના દર્શનાબહેન જરદોશને ફરી ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસે પટેલ સમુદાયના અશોક અધેવડાને ટિકિટ આપી છે.

પાટીદાર અનામત આંદોલન સમયે વિરોધનું ઍપિસેન્ટર બનેલા સુરતમાં કૉંગ્રેસ મૂળ સૌરાષ્ટ્રના પટેલ મતો ઉપર આશા રાખી શકે છે, જ્યાં હાર્દિક પટેલ 'ઉદ્દીપક'ની ભૂમિકા ભજવી શકે છે.

સામે પક્ષે ભાવનગરની બેઠક ઉપર ભાજપે કોળી સમુદાયના ડૉ. ભારતીબહેન શિયાળને ટિકિટ આપી છે, તેમની સામે મનહર પટેલ છે, જેઓ સવર્ણ પાટીદાર સમુદાયના છે.

ખેડાની બેઠક ઉપર ભાજપે ઓબીસી સમુદાયના દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, જેમની સામે કૉંગ્રેસે સવર્ણ વણિક સમાજના બીમલ શાહની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

નવસારીની બેઠક ઉપર ભાજપે જનરલ કૅટેગરી મરાઠી સી. આર. પાટીલને ટિકિટ આપી છે, જેમની સામે ઊતરેલા ધર્મેશ પટેલ (કૉંગ્રેસ) કોળી સમુદાયના છે.

લાઇન
લાઇન

મહિલાઓનું પ્રતિનિધિત્વ

મહિલા મતદાતાની તસવીર

ઇમેજ સ્રોત, AFP

ગુજરાતમાં દર એક હજાર પુરુષો સામે 924 મહિલાઓ છે. રાજ્યમાં કુલ મહિલા મતદાતાઓની સંખ્યા બે કરોડ 14 લાખ જેટલી છે.

ભાજપે રંજનબહેન ભટ્ટ (વડોદરા), દર્શનાબહેન જરદોશ (સુરત), શારદાબહેન પટેલ (મહેસાણા), પૂનમબહેન માડમ (જામનગર), ડૉ. ભારતીબહેન શિયાળ (ભાવનગર), ગીતાબહેન રાઠવા (છોટા ઉદેપુર- ST)ને ટિકિટ આપી છે.

કૉંગ્રેસે અમદાવાદ પૂર્વની બેઠક ઉપરથી ગીતાબહેન પટેલને ટિકિટ આપી છે.

કૉંગ્રેસે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીના ઢંઢેરા 'અમે નિભાવીશું'માં જણાવ્યું છે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળે તે માટેનો કાયદો પસાર કરાવવામાં આવશે.

યૂપીએના કાર્યકાળ દરમિયાન મહિલા અનામત બિલ પસાર કરવાનો પ્રયાસ થયો હતો, જેમાં સફળતા મળી ન હતી.

line

જીત, જાત અને જંગ

પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

2014 બાદ શરૂ થયેલા પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનો બાદ ભાજપે ઓબીસી સમુદાય ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ખુદ મોદી ઓબીસી સમુદાયના છે.

ભાજપે ઓબીસી સમુદાયના દસ ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસને નવમાં જીતની સંભાવના દેખાઈ છે.

ભાજપે નવ સવર્ણોને ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસે આઠ પાટીદાર સહિત 10 સવર્ણોને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે ફરજિયાત ચાર બેઠક સિવાય ભરૂચની બેઠક ઉપરથી શિડ્યુલ્ડ ટ્રાઇબના મનસુખ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કૉંગ્રેસે ચાર એસ. ટી. ઉમેદવારને ટિકિટ આપી છે.

ભાજપે એક બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી છે, જ્યારે કૉંગ્રેસે એક પણ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપી, જ્યારે ભાજપ તથા કૉંગ્રેસે એક-એક વણિક ઉમેદવાર ઉપર દાવ ખેલ્યો છે.

line

SC, ST અનામત બેઠકો

અનામતની માગ કરી રહેલી મહિલાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસે મહિલા અનામત આપવાનું વચન આપ્યું

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.

જ્યારે દાહોદ, બારડોલી, વલસાડ અને છોટાઉદેપુર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ (ST) માટે, જ્યારે અમદાવાદ વેસ્ટ અને કચ્છ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC) માટે અનામત રાખવામાં આવી છે.

સ્વાભાવિક રીતે જ કાયદાકીય જરૂરિયાતને પૂર્ણ કરવા બન્ને મુખ્ય પક્ષોએ આ બેઠકો ઉપરથી SC કે ST ઉમેદવાર જ ઉતાર્યા છે.

નવસારી, અમરેલી, પોરબંદર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી બિનઅનામત બેઠક છે.

line

ક્યાં, કોની સામે કોણ

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો