ભાજપના ચૂંટણીઢંઢેરામાં નોકરી અને રોજગાર ક્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કૉંગ્રેસે ભાજપના સંકલ્પપત્રની ટીકા કરી છે અને કહ્યું છે કે તેમાં 'ઍમ્પ્લૉયમૅન્ટ અને જોબ'નો ઉલ્લેખ જ નથી.
વર્ષ 2014ના ભાજપના ચૂંટણીઢંઢેરામાં 13 વખત 'જોબ'નો ઉલ્લેખ હતો, જ્યારે આ વખતે ત્રણ વખત કર્યો છે.
થોડો સમય પહેલાં NSSOનો ડેટા બહાર આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે.
'word cloud' દ્વારા ભાજપ અને કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાની એક તુલનાત્મક સમીક્ષા તો બંને પક્ષોની પ્રાથમિક્તા અંગે અંદાજ આવે છે.

ગુજરાત મૉડલની વાત નહીં

ઇમેજ સ્રોત, Getty Images
2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ફરીને 'ગુજરાત મૉડલ' રજૂ કર્યુ હતું. જોકે, ગત પાંચ વર્ષ દરમિયાન તેની ચમક ઘટી છે.
બેકારીને કારણે રોજગારમાં અનામત માટે પાટીદાર સમાજે આંદોલન હાથ ધર્યું, જ્યારે ઓબીસી ક્વૉટા ઘટી ન જાય તે માટે ઓબીસી આંદોલન પણ થયું.
બીબીસી ગુજરાતીના કાર્યક્રમ 'ગુજરાતની વાત'માં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ કહ્યું, "સમાજમાં અસંતોષના કારણે આંદોલનો થયાં છે."
"અહીં વાત આવે છે આજીવિકાની. ઝડપથી વધતા શિક્ષણના કારણે શહેરીકરણ વધ્યું છે. ગામડાંમાંથી યુવાનો શહેરમાં આવ્યા અને અહીં આજીવિકા ન મળે તો અસંતોષ ઊભો થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ વિકલ્પો ઊભા કરવાનું કામ સત્તામાં બેઠેલા લોકોનું છે. જો રોજગારીના વિકલ્પો ઊભા ના થાય તો અસંતોષ ઊભો થાય છે."
તાજેતરના ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી 'ગુજરાત મૉડલ'ની કોઈ વાત નથી કરી રહ્યા.

આ વિશે વધુ વાંચો

'દેશને યાદ છે'

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપના સંકલ્પપત્રને 'જૂઠાણું' ઠેરવ્યું હતું અને કહ્યું હતું કે ભાજપે 'વિશ્વાસમાં 'વિષ' ભેળવ્યું છે.'
સુરજેવાલાએ કહ્યું, "દેશને યાદ છે કે ભાજપે બે કરોડથી વધુ લોકોને રોજગાર તથા દરેક નાગરિકને રૂ. 15 લાખનું વચન આપ્યું હતું અને ખેડૂતોની આવક બમણી કરવાની વાત કહી હતી."
"ભાજપ સરકાર આ દરેક મોરચે નિષ્ફળ રહી છે. જનતા તમને (ભાજપ સરકાર)ને માફ નહીં કરે."
જોકે, વચગાળાનું બજેટ રજૂ કરનારા પીયૂષ ગોયલે કહ્યુ હતું કે "માળખાકીય સુવિધાઓ માટે અમે રૂ. 100 લાખ કરોડ ખર્ચીશું, જેના કારણે રોજગારની કરોડો તકો ઊભી થશે."

NSSOના આંકડા

ઇમેજ સ્રોત, Getty Images
નૅશનલ સૅમ્પલસરવે ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, નાણાંકીય વર્ષ 2012-18 દરમિયાન લગભગ બે કરોડ લોકોએ રોજગાર ગુમાવ્યા હતા.
રિપોર્ટ મુજબ, 2011-12 દરમિયાન 30.4 કરોડ લોકો પાસે કામ હતું, પરંતુ 2017-18 દરમિયાન 28.6 કરોડ લોકો પાસે કામ હતું.
દેશમાં 6.1 ટકાના દરે બેકારી પ્રવર્તે છે, જે ગત 45 વર્ષની સર્વોચ્ચ સપાટી છે.
ચૂંટણી પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આંકડાઓને 'અપૂર્ણ ચિત્ર' દર્શાવતાં હોવાનું જણાવીને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના વિરોધમાં બે ઉચ્ચ અધિકારીઓએ રાજીનામા આપી દીધા હતા.
ભારત સરકારના વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુના કહેવા પ્રમાણે, "જીડીપી તથા રોજગાર સર્જન વચ્ચેના સંબંધ અંગે પુનઃવિચાર કરવાની જરૂર છે, કારણ કે કુલ જીડીપીમાં કૃષિક્ષેત્રનું પ્રદાન માત્ર 16 ટકા છે, જ્યારે તે 60 ટકા વસ્તીને રોજગાર આપે છે."
પ્રભુએ ઉમેર્યું કે રોજગાર સર્જન થઈ રહ્યું છે, પરંતુ તેને 'નોંધવાની વ્યવસ્થા' નથી.
લગભગ 100થી વધુ અર્થશાસ્ત્રીઓ અને પ્રબુદ્ધોના મતે ભારતની સંસ્થાઓ દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવે છે, તેની ઉપર રાજકીય વ્યવસ્થાનો પ્રભાવ રહે છે.


યુવા અને રોજગાર

ઇમેજ સ્રોત, WORDART.COM
કૉંગ્રેસે કેન્દ્ર સરકારની 22 લાખ તથા ગ્રામ પંચાયતમાં 10 લાખ ખાલી જગ્યાઓને ભરવાની જાહેરાત કરી છે.
ભાજપે રોજગારની બાબતમાં આંકડાકીય જાહેરાત નથી કરી, પરંતુ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે સુધાર માટે રૂ. એક લાખ કરોડ ખર્ચવાની જાહેરાત કરી છે.
દેશની કુલ વસ્તીના 65 ટકાના લોકો 35 વર્ષની ઉંમરથી નીચેના છે. દરવર્ષે લગભગ એક થી 1.2 કરોડ યુવા વર્કફોર્સમાં ઉમેરાય છે.

ગરીબ માટે વીજળી-ઘર

ઇમેજ સ્રોત, WORDART.COM
કૉંગ્રેસે તેના ઘોષણાપત્રમાં તમામને 'ઘરનો અધિકાર' આપવાની વાત કરી છે, જ્યારે ભાજપે વર્ષ 2022 સુધીમાં તમામ પરિવારોને 'પાકું ઘર' આપવાની જાહેરાત કરી છે.
કૉંગ્રેસ તથા ભાજપે તમામ પરિવારોને વીજળીનું કનેકશન આપવાની જાહેરાત કરી છે.
કૉંગ્રેસે 11 વખત ગરીબ અને ગરીબીનો ઉલ્લેખ કર્યો છે.


ખેડૂતોને માટે

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે ખેડૂતોને માટે અલગ બજેટ અને આ ક્ષેત્રની સમસ્યાઓને દૂર કરવા ઉપર ભાર મૂકવાની જાહેરાત કરી હતી.
ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના નાના-સીમાંત ખેડૂતો તથા નાના વેપારીઓને પેન્શન આપવાની જાહેરાત કરી છે.
આ સિવાય 'કિસાન સન્માન નિધિ' તમામ ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે.
જોકે, તેનાથી કેટલા વ્યક્તિ તથા પરિવારોને લાભ થશે, તે અંગે સ્પષ્ટતા નથી કરી.
કૉંગ્રેસે 35 વખત, જ્યારે ભાજપે 41 વખત ખેડૂત શબ્દનો ઉપયોગ કર્યો છે.

'ન્યાય' અને ગરીબી

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે ગત સપ્તાહે બહાર પાડેલાં ઘોષણાપત્રમાં ન્યાય (ન્યૂનતમ આય યોજના) હેઠળ દેશના 'સૌથી ગરીબ' પાંચ કરોડ પરિવારોને વાર્ષિક રૂ. 72 હજાર આપવાની જાહેરાત કરી હતી.
પાર્ટીનું કહેવું છે કે આ રીતે 25 કરોડ લોકોને સીધો લાભ થશે.
ખેડૂતો તથા વેપારીઓને પેન્શનને 'ન્યાય'ના જવાબ તરીકે જોવામાં આવે છે.

માછીમારો માટે

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ તથા ભાજપે દેશમાં માછીમારી માટે અલગ મંત્રાલયનું ગઠન કરવાનો પુનર્રોચ્ચાર કર્યો છે. આ સિવાય માછીમારો માટે રાષ્ટ્રીય પંચ રચવાનું વચન આપ્યું છે.
ગુજરાત લગભગ 1,600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે, જે દેશના કુલ વિસ્તારના લગભગ વીસ ટકા જેટલો છે.
ગુજરાતના માછીમારો પર પાકિસ્તાનનું તથા તામિલનાડુના માછીમારો ઉપર શ્રીલંકાની દરિયાઈ સુરક્ષા એજન્સીનું જોખમ તોળાતું રહે છે.


મહિલા અનામત

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપ તથા કૉંગ્રેસે તેમના મૅનિફેસ્ટોમાં બંધારણીય સુધાર દ્વારા સંસદ તથા રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.
જોકે, ગત પાંચ વર્ષ દરમિયાન કૉંગ્રેસ તથા ભાજપના સંયુક્ત સંખ્યાબળ દ્વારા લોકસભા તથા રાજ્યસભામાં આ સુધારો પસાર થઈ શક્યો હોત.
મહિલા સંદર્ભે શબ્દપ્રયોગ કૉંગ્રેસે 39 વખત, જ્યારે ભાજપે 44 વખત કર્યો છે.

ભાજપ અને કૉંગ્રેસનું વર્ડ ક્લાઉડ

ઇમેજ સ્રોત, WORDART.COM
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સૌથી વધુ 138 વખત 'ensure' (પ્રતિબદ્ધ) શબ્દનો, જ્યારે મુખ્ય વિપક્ષે પાર્ટીનું નામ 'કૉંગ્રેસ'નો ઉલ્લેખ 402 વખત કર્યો છે.
કૉંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં 30 વખત 'BJP'નો ઉલ્લેખ કર્યો છે, જ્યારે ભાજપના મૅનિફેસ્ટોમાં માત્ર એક વખત 'કૉંગ્રેસ' ઉલ્લેખ થયો છે.
ભાજપ તથા કૉંગ્રેસે અનુક્રમે 112 અને 104 વખત India શબ્દનો ઉલ્લેખ કર્યો છે.

વર્ડ્ ક્લાઉડનું 'ગણિત'

ઇમેજ સ્રોત, WORDART.COM
આ તારણ ઉપર પહોંચવા માટે વર્ષ 2014 તથા વર્ષ 2019ના ભાજપ-કૉંગ્રેસના અંગ્રેજી ભાષાના ચૂંટણીઢંઢેરાનો આધાર લેવામાં આવ્યો હતો.
વર્ડ ક્લાઉડમાં કોઈ એક શબ્દનો કેટલી વખત વપરાયો તેની ઉપર ભાર આપવામાં આવે છે.
કોઈ શબ્દનો ઉપયોગ વારંવાર થયો હોય, છતાંય તેનું ઔપચારિક વધારે ન પણ હોય.
જેમ કે, કૉંગ્રેસ દ્વારા AFSPA અને ભારતીય દંડ સંહિતાની કલમ 12-બંને હટાવવાની જાહેરાત કરી છે, જેનો ઉલ્લેખ આંગળીના વેઢે ગણી શકાય તેટલી વાર જ થયો છે, છતાંય તેની ચર્ચા વધુ થઈ હતી.
આવી જ રીતે અયોધ્યાના સંદર્ભમાં 'મંદિર' શબ્દનો ઉલ્લેખ માત્ર બે વખત જ કર્યો છે.
બંને પક્ષોના ચૂંટણીઢંઢેરામાં પાર્ટીનાં નામ અને વચનનો સૌથી વધુ વખત ઉપયોગ થયો છે, જે સ્વાભાવિક પણ છે.
મૅનિફેસ્ટો ઍડિટેબલ ફૉર્મેટમાં ન હોવાથી પીડીએફ કન્વર્ટર, વર્ડ કાઉન્ટર, ટૅગ જનરેટર જેવા ટુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની ખુદની ટેકનિકલ મર્યાદા હોય શકે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












