દલિતની વ્યથા: 'ગોળીબારમાં દીકરો ગુમાવ્યો એટલે અમિત શાહ સામે ઉમેદવારી કરી'

થાનગઢના રાઠોડ પરિવારની તસવીર

ઇમેજ સ્રોત, Valji Rahod

ઇમેજ કૅપ્શન, થાનગઢ પોલીસ ગોળીબારમાં રાઠોડ પરિવારે દીકરો ગુમાવ્યો
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"સાત વર્ષ પહેલાં પોલીસ ફાયરિંગમાં મારા એકના એક દીકરાનું મોત થયું, છતાં સજા તો દૂર હજુ ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. ગાંધીનગરની જનતાને મારું કહેવું છે કે આજે મારો દીકરો છે, કાલે તમારો હોઈ શકે છે." આ શબ્દ છે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે ઉમેદવારી કરનારા વાલજીભાઈ રાઠોડના.

દલિત કાર્યકર્તા માને છે કે ગાંધીનગરની બેઠક ઉપરથી વાલજીભાઈની હાર કે જીત કરતાં તેઓ જે સંદેશ આપે છે, તેને સાંભળવાની જરૂર છે.

દલિત નેતા જિગ્નેશ મેવાણી આગામી દિવસોમાં ગાંધીનગરની બેઠક ઉપર વાલજીભાઈના સમર્થનમાં પ્રચાર કરશે.

સપ્ટેમ્બર-2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામનારા ત્રણ દલિત યુવકોમાં વાલજીભાઈના સગીરવયના પુત્ર મેહુલનો પણ સમાવેશ થતો હતો.

ગુજરાતમાં ફૉર્મ દાખલ કરવાની અંતિમ તારીખ ચોથી એપ્રિલ હતી.

તા. આઠમી એપ્રિલ સુધી ઉમેદવાર ફૉર્મ પરત ખેંચી શકશે, ત્યારબાદ ચૂંટણીજંગમાં કોણ-કોણ રહ્યું, તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

line

'દીકરા માટે ન્યાય મેળવવા માગું છું'

મેહુલ રાઠોડની તસવીર

ઇમેજ સ્રોત, Valji Rathod

ઇમેજ કૅપ્શન, મૃત્યુના એક દિસવ પહેલાં મેહુલ રાઠોડની તસવીર

વાલજીભાઈ કહે છે, "સચિવાલયમાં મને પ્રવેશવા નથી દેવાતો. હું રજૂઆત નથી કરી શકતો. લોકશાહી માર્ગે ચૂંટણી લડી, જીતીને હું સંસદમાં દલિતોનો અને મારા દીકરા માટે ન્યાયનો મુદ્દો ઉઠાવવા માગું છું."

વાલજીભાઈ ખેતમજૂરી કરીને જ્યારે તેમના પત્ની ચંદ્રિકાબહેન છૂટક મજૂરી કરીને આવક રળે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વાલજીભાઈ કહે છે, "બસપા (બહુજન સમાજ પક્ષ)ની ટિકિટ ઉપર ચૂંટણી લડવાની ઇચ્છા હતી. આ માટે મને સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો."

"જોકે, ત્રીજી તારીખ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ ન હતી. અંતે ત્રીજી તારીખે રાત્રે ત્રણ વાગ્યે મેં અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો."

તેઓ લોકો પાસેથી ફાળો મેળવીને લોકશાહીની લડત ચલાવી રહ્યા છે.

આગામી દિવસોમાં વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પ્રચાર અભિયાનમાં વાલજીભાઈની સાથે જોડાશે.

લાઇન

આ વિશે વધુ વાંચો

લાઇન

...એ દિવસ

દલિત યુવાનોની તસવીર

ઇમેજ સ્રોત, Valji Rathod

ઇમેજ કૅપ્શન, થાનગઢમાં ત્રણ દલિત યુવાનોનાં મૃત્યુ થયાં હતાં

વાલજીભાઈ કહે છે, "તા. 23મી સપ્ટેમ્બરે સામખિયાળી ખાતે નોકરી કરતી મારી દીકરી ઘરે આવી રહી હતી. નાની દીકરી મીના ઘરે જ હતી.

ધો. 11માં અભ્યાસ કરતા મેહુલને તરણેતરના મેળાની રજાઓ હતી પરંતુ મેળા પસંદ ન હોવાથી તે ઘરે માતાની સાથે જ હતો.

કેટલાય દિવસો પછી સમગ્ર પરિવાર એકસાથે જમવાનો હતો એટલે મારી પત્નીએ ઘરમાં સારું ભોજન બનાવ્યું હતું.

એટલામાં મેહુલને આગલી રાત્રે પંકજ સુમરા નામના યુવકનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયું હોવાની માહિતી મળી એટલે મિત્રો સાથે તે પણ ઘરેથી નીકળ્યો.

આજે પારૂલબહેન 23 વર્ષ અને મીનાબહેન 19 વર્ષનાં થઈ ગયાં છે અને બંનેનું લગ્ન થઈ ગયું છે.

line

સંદેશ મહત્ત્વપૂર્ણ

વાલજીભાઈ

ઇમેજ સ્રોત, Valji Rathod

ઇમેજ કૅપ્શન, વાલજીભાઈ દલિતોનો મુદ્દો ઉઠાવવા માગે છે

દલિત રાઇટ્સ ઍક્ટિવિસ્ટ માર્ટિન મૅકવાનના કહેવા પ્રમાણે, "ગાંધીનગરની બેઠક ઉપર વાલજીભાઈની હાર કે જીત કરતાં તેઓ શું સંદેશ આપવા માગે છે, તે વધુ મહત્ત્વપૂર્ણ છે."

"સરકાર કમિશન નીમે અને તેનો રિપોર્ટ જ બહાર ન પાડે, તે દર્શાવે છે કે સરકાર પોતાના જ અધિકારીઓની કમિટીના રિપોર્ટથી કેટલું ભયભીત છે.આ સ્થિતિ લોકશાહીનું બહુ ખરાબ ચિત્ર રજૂ કરે છે."

1986માં ખંભાતના ગોલાણામાં દલિતો ઉપરના ગોળીબારનું પ્રકરણ યાદ કરાવતા મૅકવાન કહે છે કે 'આજે ગુનેગારોને સજા થઈ ગઈ છે, પરંતુ એ સમયે સરકારે નિમેલા તપાસપંચનો અહેવાલ હજુ બહાર નથી આવ્યો.'

તા. 23મી એપ્રિલના ગાંધીનગર સહિત ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન થશે, જ્યારે તા. 23મી મેના રોજ સમગ્ર દેશની સાથે ચૂંટણી પરિણામો જાહેર થશે.

line

એ સમયે શાહ ગૃહપ્રધાન

મોદી અને શાહની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદીએ સમયે ગૃહ પ્રધાન અને શાહ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હતા

સપ્ટેમ્બર-2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ભરવાડ અને દલિત જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. .

આ દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં પંકજ સુમરા (ઉં.વ.16), મેહુલ રાઠોડ (ઉં.વ.17) અને પ્રકાશ પરમાર (ઉં. વ.26) એમ ત્રણ દલિત યુવકોનાં મૃત્યુ થયાં હતાં.

તપાસમાં બહાર આવ્યું હતું કે પોલીસે એકે-47 જેવી ઘાતક રાઇફલનો ઉપયોગ કર્યો હતો.

એ સમયે ગાંધીનગરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હતા, જ્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગૃહખાતું હતું.

આજે અમિત શાહ કેન્દ્રમાં શાસકપક્ષ ભાજપના અધ્યક્ષ છે, જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે.

ગુજરાત સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના ગઠનની જાહેરાત કરી હતી આ સમિતિએ રિપોર્ટ સોંપી દીધો છે, પરંતુ તેને જાહેર કરવામાં આવ્યો નથી.

નિરાશ સ્વરે વાલજીભાઈ કહે છે કે 'એ સમયે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી, તેમને પણ રજૂઆતો કરી હતી, જોકે કંઈ થયું ન હતું.'

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો