ફેસબુકે ડિલીટ કરેલાં ભાજપનાં પેજ ગુજરાતની કંપની ચલાવતી હતી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુકે તેમની સાઇટ પર મોજૂદ ભારત અને પાકિસ્તાનનાં અમુક પેજ અને એકાઉન્ટ્સને 'અપ્રામાણિક વર્તન' કરવાને કારણે હઠાવી દીધાં છે.

આ પગલાના ભાગરૂપે ફેસબુકે ભાજપ અને કૉંગ્રેસ સાથે જોડાયેલાં 687 એકાઉન્ટ્સ તથા પેજને સાઇટ અને ઇન્સ્ટાગ્રામ પરથી હઠાવી દીધાં છે.

ફેસબુકના સાયબર સુરક્ષાના વડા નાથેનિયલ ગ્લેઇકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનમાં ચાલતાં આ પ્રકારનાં એકાઉન્ટ્સને હઠાવી દેવામાં આવ્યાં છે.

ફેસબુકે ભારતના પરિપ્રેક્ષ્યમાં આ પગલું ભરવાનું કારણ ચૂંટણીને લઈને આ 'એકાઉન્ટ્સ'માં ચાલતી ગતિવિધિઓ હોવાનું જણાવ્યું હતું.

line

ગુજરાતની કંપનીનું નામ ખૂલ્યું

ફેસબુકે હટાવેલું પેજ

ઇમેજ સ્રોત, newsroom.fb

ઇમેજ કૅપ્શન, ભાજપની તરફેણમાં ચાલતા આ પેજને 2.6 મિલિયન લોકો ફોલો કરતા હતા

જો કૉંગ્રેસની વાત કરવામાં આવે તો તેમનાં હઠાવી દેવાયેલાં તમામ એકાઉન્ટ્સ સાથે કુલ 2,06,000 લોકો જોડાયેલાં હતાં.

ભાજપનાં હઠાવી દેવાયેલાં તમામ 15 ઍકાઉન્ટ્સના 26,45,000 ફોલોઅર્સ હતા, જેમને ગુજરાતના અમદાવાદ સ્થિત આઈટી કંપની 'સિલ્વર ટચ' ચલાવતી હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં નાથેનિયલ ગ્લેઇકરે જણાવ્યું હતું કે અમુક એકાઉન્ટ્સ ન્યૂઝ પેજ લાગતાં હતાં પરંતુ ખરેખર તે રાજકીય પક્ષ અને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં.

ગ્લેઇકરને ટાંકતા અખબાર લખે છે, "અમે જે 15 એકાઉન્ટ્સને હઠાવ્યાં તે આઈટી કંપની સિલ્વર ટચ સાથે જોડાયેલાં હતાં. તેમાંથી 'ધ ઇન્ડિયન આઈ' નામનું પેજ ખૂબ જ જાણીતું હતું જે ભાજપ મતદારોનું હતું. આ પેજને 2.6 મિલિયન લોકો ફોલો કરતા હતા."

"ગ્રૂપના ઇન્સ્ટાગ્રામમાં 30 હજાર ફોલોઅર્સ હતા અને આ ગ્રૂપે જાહેરાત પાછળ 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સિલ્વર ટચ માટે સરકાર પણ 'ગ્રાહક'

ફેસબુકે હટાવેલું પેજ

ઇમેજ સ્રોત, newsroom.fb

ઇમેજ કૅપ્શન, ફેસબુકે હટાવેલું પેજ

'સિલ્વર ટચ'ની સત્તાવાર વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ આ એક ખાનગી આઈટી કંપની છે જે 1995માં સ્થપાઈ હતી.

તેનું મુખ્ય કેન્દ્ર અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલું છે.

કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડિજિટલ ક્ષેત્રે કામ કરે છે જેના વિશ્વમાં બે હજારથી પણ વધુ ગ્રાહકો છે.

એટલું જ નહીં ભારત સરકાર સહિત રાજ્ય સરકાર માટે પણ આ કંપની કામ કરે છે.

'એનડીટીવી'માં છપાયેલા એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારના અંદાજે 17 વિભાગો આ કંપની સાથે જોડાયેલા છે.

એટલું જ નહીં રાષ્ટ્રપતિભવન અને ભારતીય નેવીની વેબસાઇટ પણ આ કંપનીએ જ બનાવી છે.

'સિલ્વર ટચ' કંપની સાથે જોડાયેલા ગ્રાહકોની યાદી નીચે મુજબ છે.

  • ગુજરાત ઇન્ફર્મેટિક લિમિટેડ (ગુજરાત સરકાર)
  • નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર સર્વિસ (કેન્દ્ર સરકાર)
  • મેક ઇન ઇન્ડિયા મોબાઇલ ઍપ
  • ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી
  • રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (અમદાવાદ)
  • ડિજિટલ ગુજરાત ઍપ (ગુજરાત સરકાર)
  • નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર
  • રાષ્ટ્રપતિભવનની વેબસાઇટ
  • આધારકાર્ડ માટેનું યૂનિક આઇડેન્ટિફિકેશ ઑથોરિટી ઑફ ઇન્ડિયા
  • પાવર ફાયનાન્સ કોર્પોરેશન
  • ભારતીય નેવીની વેબસાઇટ
  • ભારતીય વિદેશ મંત્રાલયની વેબસાઇટ અને ઍપ્લિકેશન
  • સ્ટાર્ટઅપ ગુજરાત ઍપ (ગુજરાત સરકાર)

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર રિલાયન્સ, ટાટા ગ્રૂપ્સ, અદાણી, નિરમા સહિત ઘણી ખાનગી કંપનીઓ આ કંપની સાથે જોડાયેલી છે.

સમાચાર એજન્સી રોઇટર્સ સાથે થયેલી ગ્લેઇકરની વાતચીતને ટાંકતા ઇન્ડિયન એક્સપ્રેસે નોધ્યું કે 'સિલ્વર ટચ' કંપની ભાજપની મોબાઇલ ઍપ સાથે જોડાયેલી હતી.

આ મુદ્દે ભાજપના આઈટી હેડ અમિત માલવિયાએ રોઇટરને જણાવ્યું હતું કે ભાજપ અને ઍપ્લિકેશનને 'સિલ્વર ટચ કંપની સાથે લેવાદેવા નથી.'

ફેસબુકે હટાવેલું પેજ

ઇમેજ સ્રોત, newsroom.fb

'ધ ક્વિન્ટ'માં છપાયેલા અહેવાલ અનુસાર 'PRFree.com' વેબસાઇટ 18 જૂન 2015માં એક અહેવાલ છાપ્યો હતો જેમાં લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'નમો' ઍપ લૉન્ચ કરી જે 'સિલ્વર ટચ' દ્વારા બનાવાઈ છે.

ફેસબુક પર રિપબ્લિક ટીવીનો જેમની સાથે સંબંધ છે તે એશિયાનેટ ન્યૂઝ ગ્રૂપના પેજ 'માય નેશન'ને પણ ફેસબુકે હઠાવી દીધું છે.

એટલું જ નહીં લખનૌના સંતોષ શ્રીવાસ્તવનાં 11 પેજને હઠાવી લેવામાં આવ્યાં છે જેને 2.5 કરોડ લોકોએ લાઇક કરેલાં હતાં.

આ તમામ પેજ પોતાની જાહેર પાછળ 39 હજાર ડૉલર એટલે ક 27 લાખ રૂપિયા ખર્ચતા હતા.

લાઇન
લાઇન

અમદાવાદમાં છે મુખ્ય કેન્દ્ર

કંપનીના ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર

ઇમેજ સ્રોત, Screen Grab/Silver Touch

ઇમેજ કૅપ્શન, કંપનીના ડિરેક્ટર અને મૅનેજિંગ ડિરેક્ટર

કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર વિપુલ ઠક્કર છે તેમજ અન્ય પાંચ ડિરેક્ટર છે. જેમાં જિજ્ઞેશ પટેલ, પલક શાહ, મિનેષ દોષી, હિમાંશુ જૈન અને વિજયકુમાર શાહનો સમાવેશ થાય છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર 31 ઑગસ્ટના રોજ 2017ના રોજ ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહિમના કેસ મુદ્દે હરિયાણામાં હિંસા ફાટી નીકળી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ હતી.

ખટ્ટરની છબી સુધારવા માટે #HaryanaWithKhattar સોશિયલ ટ્રૅન્ડ ઊભો કરવામાં આવ્યો હતો. આ ટ્રૅન્ડ પાછળ ભાર્ગવ જાની (@bhargavjanibjp)નો હાથ હોવાનું બહાર આવ્યું હતું.

એનડીટીવીએ ટાંકેલી માહિતી મુજબ જાની 'ભાજપના સોશિયલ મીડિયા મૅનેજર' તરીકે કામ કરતા હતા અને 'સિલ્વર ટચ' કંપનીમાં 'મૅનેજર ઇન સોશિયલ મીડિયા'ના પદ પર કામ કરતા હતા.

વેબસાઇટે એવું પણ નોંધ્યું છે કે વડા પ્રધાન મોદી પણ ભાર્ગવ જાનીને ફોલો કરે છે.

નામ ન જણાવવાની શરતે કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એક સોફ્ટવેર કંપની છે જે બે દાયદાથી કાર્યરત છે.

તેઓ કહે છે, "કોઈ પણ રાજકીય પક્ષના પેજ ચલાવવા માટેની મેં ના પાડી હતી. પરંતુ જો કોઈ વ્યક્તિ આવું કરી રહી છે તો અમે તપાસ કરીશું."

લાઇન
લાઇન

ભાજપ વિશે ચર્ચા દબાઈ ગઈ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, BJP-TWITTER

1 એપ્રિલ, 2019ના રોજ જ્યારે ફેસબુકે આ અંગે જાહેરાત કરી હતી ત્યારે દરેક મીડિયા સંસ્થાએ તેની નોંધ લીધી હતી.

પરંતુ મીડિયામાં આ ન્યૂઝને 'ફેસબુકે કૉંગ્રેસનાં પેજ હઠાવ્યાં'ના મથાળાથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં આ સમાચારને લોકસભા ચૂંટણી સાથે જોડી 'ફેસબુકે કૉંગ્રેસનાં 687 પેજ, એકાઉન્ટ્સને હઠાવ્યાં'ના મથાળા હેઠળ છાપ્યા હતા.

'ઇન્ડિયા ટુડે'એ એ સમાચારને પણ આ રીતે જ પ્રકાશિત કર્યા હતા. એટલું જ નહીં સંસ્થાએ આ મુદ્દાને બુલેટિનમાં સ્થાન આપ્યું હતું.

આ સહિત 'ઇકૉનૉમિક ટાઇમ્સે' પણ સમાચારને 'અપ્રમાણિક વર્તન' બદલ કૉંગ્રેસનાં 687 પેજને ફેસબુકે હટાવી દીધાં છે, એવી રીતે છાપ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો