કૉંગ્રેસ દેશદ્રોહના કાયદાના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ કરી રહી છે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
ફેબ્રુઆરી 2019, જિલ્લા ખંડવા, કૉંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશની પોલીસે ગૌહત્યા મામલે ત્રણ લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) અંતર્ગત કેસ દાખલ કર્યો.

જાન્યુઆરી 2019, જિલ્લો બુલંદશહેર, ભાજપ શાસિત ઉત્તર પ્રદેશની પોલીસે બુલંદશહેર હિંસા મામલે ત્રણ લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવ્યો.

જાન્યુઆરી 2019માં જ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર વિરુદ્ધ દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાના અનુચ્છેદ 124એ અંતર્ગત દેશદ્રોહનો મામલો નોંધ્યો.

વર્ષ 2012માં યુપીએ સરકાર દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની દેશદ્રોહની કલમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી.

હવે એ જ યુપીએ ગઠબંધનના સૌથી મોટા પક્ષ કૉંગ્રેસે જાહેર કરેલા પોતાના મૅનિફેસ્ટોમાં એ વાયદો કર્યો છે કે આગામી લોકસભા ચૂંટણી બાદ તેમની સરકાર બને તો તે દેશદ્રોહની કલમ 124એને સમાપ્ત કરી દેશે.
તેની સાથે જ કૉંગ્રેસનો વાયદો છે કે તે સુરક્ષાદળોને વધારાની શક્તિઓ આપતા આર્મ્ડ ફૉર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ એટલે કે આફ્સપા અને ટ્રાયલ વગર ધરપકડ કરવાની પરવાનગી આપતા એનએસએ કાયદામાં પણ ફેરફાર કરશે.
કૉંગ્રેસે એ વાયદો કર્યો હતો કે સત્તારુઢ ભાજપે તેની ટીકા કરવાનું શરુ કરી દીધું છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ ગણાવ્યો છે.
નાણામંત્રી અરુણ જેટલીએ આ મામલે ત્યાં સુધી કહી દીધું છે કે આ ઘોષણાપત્રને ડ્રાફ્ટ કરવાવાળા કૉંગ્રેસ અધ્યક્ષના એ મિત્ર છે કે જેઓ ટૂકડે ટૂકડે ગૅંગમાં હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ અને ભાજપ બન્ને સરકારોના સમયે આ કાયદાનો ઉપયોગ થતો રહ્યો છે. પરંતુ હાલ જોવામાં આવ્યું છે કે આ કાયદા અંતર્ગત ઘણા મામલા નોંધાયેલા છે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો અંતર્ગત માત્ર 2014માં દેશદ્રોહના કુલ 47 કેસ નોંધાયા હતા જેમાં 58 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તરફ 2014થી 2016 વચ્ચે અનુચ્છેદ 124એ અંતર્ગત 179 લોકોની ધરપકડ કરવામાં આવી.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે એનએસએ, દેશદ્રોહ અને આફસ્પા કાયદો?

ઇમેજ સ્રોત, AFP
સેડિશન લૉ અથવા દેશદ્રોહ કાયદો એક બ્રિટિશરોના સમયનો કાયદો છે જે બ્રિટિશ રાજના સમયે બન્યો હતો.
કલમ 124એ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સરકાર વિરોધી સામગ્રી લખે છે અથવા બોલે છે અથવા તો એવી સામગ્રીનું સમર્થન પણ કરે છે તો તેને આજીવન કેદ અથવા ત્રણ વર્ષની સજા થઈ શકે છે.
બ્રિટિશ રાજના સમયે તેનો ઉપયોગ મહાત્મા ગાંધી વિરુદ્ધ પણ કરવામાં આવ્યો હતો.
તેના પર માર્ચ 1922માં તેમણે કહ્યું હતું કે આ કાયદો લોકોની સ્વતંત્રતાને દબાવવા માટે બનાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ)ને 1980માં અમલમાં લાવવામાં આવ્યો હતો.
તે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એવી શક્તિઓ આપે છે કે જેના અંતર્ગત રાષ્ટ્રહિતમાં કોઈ પણ વ્યક્તિની સૂચના વગર ધરપકડ કરી શકાય છે.
આ કાયદામાં ટ્રાયલ વગર કોઈ વ્યક્તિને એક વર્ષ સુધી કેદમાં રાખી શકાય છે.
હાલ જ મણિપુરના ટીવી પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમની એનએસએ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.
તેમના પર આરોપ હતો કે તેમણે મુખ્ય મંત્રી એન. બીરેન સિંહની ટીકા કરતો એક વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.
આર્મ્ડ ફૉર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ એટલે કે આફ્સપા કાયદો સેના અને અર્ધસૈનિક બળોને એવી શક્તિઓ આપે છે કે જેના અંતર્ગત તેઓ કોઈની પણ ધરપકડ કરી શકે છે અને હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
તેના માટે તેઓ કોઈ ક્રિમિનલ કોર્ટમાં જવાબ આપવા જવાબદાર પણ નથી.
આફ્સપા કોઈ વિસ્તારમાં લાગુ કરવા માટે તે વિસ્તારને અશાંત ઘોષિત કરવો જરુરી હોય છે. જમ્મુ-કાશ્મીર સહિત આ કાયદો પૂર્વોત્તર રાજ્યોના ઘણા વિસ્તારોમાં લાગુ છે.
2015માં ત્રિપુરામાંથી આ કાયદો હટાવી દેવાયો હતો.


કાયદાનો અંત લાવવો કેટલો યોગ્ય?

એનએસએ, દેશદ્રોહ અને આફ્સપા જેવા કાયદાનો દુરુપયોગ થવાની વાતો હંમેશાં થતી રહી છે.
વિભિન્ન સરકારો પર પોતાના લાભ માટે આ કાયદાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે.
કૉંગ્રેસના આ વાયદા સાથે આ કાયદાઓ પર ફરી ચર્ચાએ જોર પકડ્યું છે. તો શું આ દેશદ્રોહ અને એનએસએ જેવા કાયદાઓને સમાપ્ત કરવા જ યોગ્ય ઉપાય છે?
આ સવાલ પર ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉન્ફિ્લક્ટ મૅનેજમૅન્ટના ઍક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અજય સાહની કહે છે કે કાયદો ખતમ કરવો જ વિકલ્પ નથી કેમ કે કોઈ પણ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે.
તેઓ કહે છે કે આવા કાયદામાં દુરુપયોગ કરતા લોકો માટે સજાનું જોગવાઈ હોવી જોઈએ.
અજય સાહની કહે છે, "કેટલાક અશાંત વિસ્તાર અને લોકો એવા હોય છે જેમના પર તમે તુરંત કાર્યવાહી કરી શકતા નથી."
"તેવામાં એનએસએ જેવા કાયદા ખૂબ જરુરી છે કેમ કે તે અસ્થાયી રૂપે શક્તિઓ આપે છે. તમે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી શકો છો."
દેશદ્રોહ જેવા કાયદાનો હાલ ખૂબ ઉપયોગ થયો છે. જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં કથિત ભારત વિરોધી નારાથી લઈને ગૌહત્યાના આરોપીઓ પર આ લગાવવામાં આવ્યો.
આ કાયદાનો ખોટી રીતે ઉપયોગ થવા અંગે અજય સાહની કહે છે કે આ દેશદ્રોહ કાયદાની પરિભાષા આજ સુધી સ્પષ્ટ નથી અને જોવામાં આવ્યું છે કે તેમાં અત્યાર સુધી જેટલા મામલા દાખલ થયા છે, તે લાંબા ખેંચાય છે અને તેની કોઈ અસર થતી નથી.
કાયદાના રાજકીય ઉપયોગ પર તેઓ કહે છે કે દેશદ્રોહ કાયદાનો સરકારના ટીકાકારો વિરુદ્ધ રાજકીય ઉપયોગ વધારે થયો છે.
તેમનું કહેવું છે, "દુનિયાભરનું વલણ જોવામાં આવે તો લોકતાંત્રિક દેશોમાં દેશદ્રોહના કાયદા હટાવવામાં આવી રહ્યા છે. આ કાયદા પર ઘણા સમયથી સહમતી બનતી જોવા મળી રહી છે કે તેને હટાવવામાં આવે."
દેશદ્રોહનો કાયદો બ્રિટિશ રાજના સમયે લાવવામાં આવ્યો હતો. તેને 1837માં બ્રિટિશ ઇતિહાસકાર અને રાજનીતિજ્ઞ થૉમસ મૈકાલેએ ડ્રાફ્ટ કર્યો હતો.
રસપ્રદ વાત એ છે કે ભારત આ કાયદા પર અત્યારે અમલ કરી રહ્યો છે જ્યારે બ્રિટનમાં તે ઘણા સમયથી સમાપ્ત થઈ ગયો છે.


શું છે ઉકેલ?

ઇમેજ સ્રોત, FACEBOOK/CHANDRASHEKHAR
સહારનપુરમાં દલિતો અને સવર્ણો વચ્ચે હિંસા બાદ ભીમા આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની 2017માં એનએસએ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.
તેઓ કોઈ સુનાવણી વગર છ મહિના સુધી જેલમાં રહ્યા હતા.
આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યા બાદ તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા.
ચંદ્રશેખરનો કેસ લડનારા અને માનવાધિકાર કાર્યકર્તા કૉલિન ગૉન્જાલવિસ કહે છે કે જો કૉંગ્રેસ પાર્ટીએ દેશદ્રોહ અને એનએસએ જેવા કાયદામાં ફેરફારની વાત કરી છે તો આ સ્વાગત યોગ્ય છે.
કૉલિન કહે છે, "આ ખુશીની વાત છે પરંતુ હું રાજનેતાઓની વાત પર વિશ્વાસ કરતો નથી. એનએસએથી જો તેઓ ખોટી જોગવાઈઓ હટાવે છે તો તે લોકો માટે સારું રહેશે. પરંતુ આ દેશમાં એનએસએ અને દેશદ્રોહ, બન્ને કાયદાની કોઈ જરુર નથી."
તેઓ કહે છે, "આ કાયદાઓનો ખાસ કરીને ઉપયોગ વિરોધી કાર્યકર્તાઓ વિરુદ્ધ કરવામાં આવ્યો."
"ચંદ્રશેખર વિરુદ્ધ પહેલી વખત ઘણી એફઆઈઆર થઈ અને તેમાં પણ સીધો એનએસએ લગાવી દેવામાં આવ્યો."
"આ કાયદાઓનો દુરુપયોગ જ થઈ રહ્યો છે જેને ખતમ કરી દેવા જોઈએ."

જોકે, આફ્સપા જેવા કાયદા પર અજય સાહની અને કૉલિનના વિચાર અલગ છે.
અજય સાહની કહે છે કે આફ્સપામાં કોઈ એવી વસ્તુ લખવામાં આવી નથી કે સેનાને કોઈ ખોટું કામ કરવાની પરવાનગી છે.
તેઓ કહે છે, "અહીં પણ કાયદાના ઉપયોગ પર સવાલ છે. સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ તપાસને લઈને હંમેશાં સવાલ ઊઠે છે કે તેમના વિભાગની પરવાનગી વગર તપાસ થઈ શકતી નથી. આવી જોગવાઈઓ દરેક સરકારી વિભાગમાં છે જ્યાં પરવાનગી વગર તપાસ થઈ શકતી નથી."
અજય સાહની કહે છે કે જો આફ્સપા કાયદાથી કંઈ ખોટું થઈ રહ્યું છે તો તે ખોટુ કરવાવાળી વ્યક્તિ જવાબદાર છે, આ કાયદામાં કોઈ ખામી નથી.
આ તરફ કૉલિન કહે છે કે જે કાયદામાં શંકાના આધારે કોઈને પણ ગોળી મારી દેવાની પરવાનગી હોય, તેવા કાયદાનો અંત કરી નાખવો જોઈએ.
વર્ષ 2019ની શરુઆતથી માંડીને અત્યાર સુધી ઘણા લોકો પર દેશદ્રોહ અને એનએસએના દાખલ કરવાના મામલા સામે આવી ચૂક્યા છે.
તેમાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના 14 વિદ્યાર્થીઓ સહિત સાહિત્ય એકેડમી પુરસ્કાર વિજેચા હીરેન ગોહેન અને ત્રિપુરાની આઈએનપીટીના નેતા જગદીશ દેવવર્મા જેવા નેતા સામેલ છે.
મોદી સરકાર દરમિયાન દાખલ કરવામાં આવેલા ઘણા દેશદ્રોહના મામલાને કૉંગ્રેસ પાર્ટીએ મુદ્દો ચોક્કસ બનાવ્યો છે. પણ મોદી સરકાર કૉંગ્રેસને દેશની સુરક્ષા સાથે ખિલવાડ કરવા વાળી પાર્ટી ગણાવી રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષાના નામે જીવિત આ કાયદો ક્યારે ખતમ કે પરિવર્તિત થાય છે તે તો કોઈ જણાવી શકતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













