બ્રુનેઈમાં ગે-સેક્સ કરનારાને પથ્થર મારીને મારી નાખવાની સજા

ઇમેજ સ્રોત, Getty Images
બ્રુનેઈમાં બુધવારે સમલૈંગિકતા વિરોધી કાનૂન લાગુ થઈ ગયા છે, જેના મુજબ ગે-સેક્સ માટે પથ્થર મારીને મોતની સજા આપવામાં આવશે.
સાથે જ અલગ-અલગ ગુનાઓ માટે પણ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેવી કે ચોરી કરવાના આરોપમાં હાથ કાપવા.
ગે-સેક્સના ગુનામાં આરોપી ખુદ કબૂલ કરે અથવા આવું કરતા આરોપીને ઓછામાં ઓછા ચાર લોકોએ જોયા હોય તો જ સજા ફટકારાશે.
દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ બ્રુનેઈના નવા ઇસ્લામિક કાયદાઓની આંતરરાષ્ટ્રીય નિંદા થઈ રહી છે.
હૉલીવૂડના પ્રખ્યાત અભિનેતા જ્યૉર્જ ક્લૂની સહિત અનેક હસ્તીઓએ બ્રુનેઈના સુલતાનની આલીશાન હોટેલનો બહિષ્કાર કરવાનું આવાહન કર્યું છે.
લંડનમાં સ્કૂલ ઑફ ઑરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝના વિદ્યાર્થીઓએ સ્કૂલની ઇમારતનું નામ બ્રુનેઈ ગૅલરી હટાવીને બીજું નામ આપવાની માગ કરી છે.

અઢળક સંપત્તિના માલિક છે બ્રુનેઈના સુલતાન

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે એક સાર્વજનિક ભાષણમાં બ્રુનેઈના સુલતાને વધારે કડક ઇસ્લામિક કાયદાઓ લાગુ કરવાની વાત કહી હતી.
સમાચાર એજન્સી એએફપી અનુસાર સુલતાન હસનલ બોલ્કિયાએ કહ્યું, "હું આ દેશમાં ઇસ્લામિક શિક્ષણને વધારે મજબૂત રીતે જોવા માગું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રનેઈમાં સમલૈંગિકતા પહેલાંથી જ પ્રતિબંધિત છે અને તેના માટે વધારેમાં વધારે 10 વર્ષની સજા થઈ શકે છે.
બ્રુનેઈના ગે સમુદાયે આવા કાયદા અને મધ્યયુગની સજા મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
નામ જાહેર કર્યા વિના એક ગે વ્યક્તિએ બીબીસીને જણાવ્યું, "તમને ખબર હશે કે તમારો પાડોશી, તમારો પરિવાર અથવા એક મહિલા જે રસ્તાની સાઇડ પર લારી લઈને ઊભાં છે, બની શકે કે તેઓ એક દિવસ તમને માણસ ના ગણે. પથ્થર મારવાથી તેમને કોઈ ફરક ના પડે. આ ધ્રુજાવી દેનારી વાત છે."
બોર્નિયો ટાપુ પર સ્થિત બ્રનેઈમાં સુલતાન હસનલનું શાસન છે અને તેલ અને ગૅસ નિકાસ કરનારો એક સાધનસંપન્ન દેશ બની ગયો છે.
72 વર્ષના સુલતાન બ્રનેઈની ઇનવેસ્ટમૅન્ટ એજન્સીઓના વડા પણ છે. આ એજન્સીઓના પૉર્ટફૉલિયામાં દુનિયાની મોટી હોટેલ્સમાં લંડનમાં ડૉરચેસ્ટર અને લૉસ ઍન્જલસમાં બૅવર્લી હિલ્સમાં આવેલી હોટલો પણ સામેલ છે.
બ્રુનેઈનો સત્તારૂઢ પરિવાર અઢળક દોલતનો માલિક છે અને આ દેશની મોટા ભાગની મલય વસતિને તમામ સરકારી સુવિધાઓ મળે છે અને તેમણે ટૅક્સ પણ આપવો પડતો નથી.

બુધવારથી શરિયતનો કાયદો લાગુ

ઇમેજ સ્રોત, Getty Images
આ દેશની 4 લાખ 20 હજાર વસતિમાં બે તૃતિયાંશ મુસ્લિમ છે.
બ્રુનેઈએ મૃત્યુની સજાને ચાલુ રાખી છે પરંતુ અહીં 1957થી કોઈને મૃત્યુની સજા આપવામાં આવી નથી.
ચારેતરફની ટીકાઓ બાદ દેશમાં પ્રથમ વાર 2014માં શરિયતનો કાયદો લાગુ કરવામાં આવ્યો.
અહીં બે કાયદાઓ છે, એક શરિયત અને બીજો સામાન્ય કાયદો.
ત્યારે સુલતાને કહ્યું હતું કે નવો કાયદો આવનારા સમયમાં લાગુ કરવામાં આવશે.
પ્રથમ ચરણમાં દંડ અને જેલની સજાવાળા ગુનાઓ સંબંધિત કાયદો 2014માં લાગુ કરવામાં આવ્યો હતો.
જે બાદ બ્રુનેઈએ અંતિમ બે ચરણ, જેમાં અંગભંગ અને પથ્થરથી મોતની સજા સામેલ છે, તેને લાગુ કરવામાં ઢીલ મૂકી.
પરંતુ શનિવારે સરકારે પોતાની વેબસાઇટ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે શરિયત પીનલ કોડે બુધવારના રોજ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.
જે બાદ સમગ્ર દુનિયામાં તેની ટીકાઓ થવા લાગી છે અને તેને પરત લઈ લેવાની માગ થવા લાગી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












