લોકસભા ચૂંટણી 2019 : મોદીએ અમીર મિત્રોનું દેવું માફ કર્યાનો રાહુલ ગાંધીનો દાવો કેટલો સાચો?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી
    • લેેખક, જુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

કૉંગ્રેસના પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણીની રેલીઓમાં દાવો કરતા રહ્યા છે કે વડા પ્રધાન મોદીએ 15 ટોચના ઉદ્યોગપતિઓનું બૅંકનું કરજ માફ કર્યુ છે.

રાહુલના મતે, આ કરજની રકમ 3.5 લાખ કરોડ રૂપિયા છે. જે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના એક વર્ષના બજેટની બરોબર છે.

આ દાવાથી રાહુલ ગાંધી એવું કહેવા માગે છે કે નરેન્દ્ર મોદી દેશના સૌથી અમીર લોકોના મિત્ર છે. તેઓ પહેલાં જ મોદી સરકારને 'સૂટ-બૂટની સરકાર' કહી ચૂક્યા છે.

તેઓ પોતાના ભાષણોમાં કહે છે કે મોદીજી ખેડૂતોનું દેવું માફ કેમ કરતા નથી, એ સાંભળવામાં ખેડૂતોને રસ પડશે તેવું તેઓ જાણે છે.

તો પ્રશ્ન છે કે રાહુલના દાવા અનુસાર તેમના મિત્ર કોણ છે?

રસપ્રદ વાત એ છે કે રાહુલ ગાંધીએ મોદીના મિત્રો કહેવાતા '15 સૌથી અમીર લોકો'ના નામ ક્યારેય લીધાં નથી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

કોણ છે મોદીના અમીર મિત્રો?

રાહુલ ગાંધી રેલી

ઇમેજ સ્રોત, TWITTER @CONGRESS

તેઓ ક્યારેક 15 મિત્રો કહે છે ક્યારેક 20 પણ ક્યારેય નામ નથી લેતા. જો કે, સરકારી બૅંકોના કરજદાર મોટા ભાગે મોટા ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓ જ છે તે વ્યાપક રીતે સ્વીકારવામાં આવે છે.

તેથી ડિફૉલ્ટર્સમાં તેમના નામ ઉપર છે. એટલે જ્યારે પણ કરજ માફીની વાત આવે તો મોટા ઉદ્યોગપતિઓની સંખ્યા વધારે હોય છે.

રાહુલ ગાંધીના નિવેદનથી વિરુદ્ધ રાજ્યસભામાં જૂન 2016માં રજૂ થયેલા સરકારી નિવેદન મુજબ જે પોતાનું દેવું ન ચૂકવી શક્યા તેવા 50 કરોડથી વધુ દેવું ધરાવતા 2,071 લોકો છે.

પરંતુ 20 માર્ચે કૉંગ્રેસે એક પ્રેસ કૉન્ફરન્સમાં એક નામ જાહેર કર્યું અને જેટ એરવેઝના નરેશ ગોયલનું હતું.

કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ મુકતા કહ્યું કે તેમણે નરેશ ગોયલના 8500 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે.

પાર્ટીના જણાવ્યા અનુસાર જેટમાં એતિહાદ એરલાઇન્સનો 24 ટકા ભાગ છે. જેને ભારત સરકાર ખરીદવા જઈ રહી છે.

રાહુલ ગાંધી સભા

ઇમેજ સ્રોત, Twitter

જેટ એરવેઝ મુશ્કેલીમાં છે, તે વાતથી કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. આ કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં બૅંકોનું દેવું નથી ચૂકવ્યું તે પણ જાહેર છે. પરંતુ કૉંગ્રેસના આક્ષેપ પર સરકારે કોઈ ટિપ્પણી નથી કરી.

કૉંગ્રેસ અધ્યક્ષ કહે છે કે વડા પ્રધાને 3.5 લાખ કરોડનું દેવું માફ કર્યું. એક સરકારી નિવેદન મુજબ 2000થી વધુ ઉદ્યોગપતિઓ અને કંપનીઓ બૅંકોનું 3.55 લાખ કરોડનું દેવું ચૂકવી શકી નથી.

જોકે, આવું પહેલી વાર થયું નથી, કે રાહુલ ગાંધીએ જાહેર રેલીમાં આવો દાવો કર્યો હોય, તેમણે તાજેતરમાં આવું ઘણી વખત કર્યું છે.

સૌથી પહેલા ડિસેમ્બર 2017ની ગુજરાત ચૂંટણી પહેલાં એક ચૂંટણીના ભાષણમાં રાહુલ ગાંધીએ આ આક્ષેપ કર્યા હતા.

ત્યાર બાદ તેમણે ગયા વર્ષે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણી વખતે પણ આ વાત કરી હતી.

લાઇન
લાઇન
line

રાહુલ ગાંધીના દાવાનો સ્રોત શું છે?

મોદી - શાહ

ઇમેજ સ્રોત, EPA

એવું લાગે છે કે રાહુલ ગાંધી ગયા વર્ષે સંસદમાં રજૂ થયેલાં એક સરકારી અહેવાલના આધારે આ દાવો કરે છે.

મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું હતું કે સરકારી બૅંકોએ એપ્રિલ 2014 અને સપ્ટેમ્બર 2017 વચ્ચે 2.41 લાખ કરોડ રૂપિયાના નૉન પર્ફૉર્મિંગ ઍસેટને ખાતામાંથી દૂર કરી હતી. આ રકમ 2018ના અંત સુધીમાં 3.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ.

નાણા મંત્રી અરૂણ જેટલીએ કૉંગ્રેસ અધ્યક્ષના દાવાને કાલ્પનિક ગણાવ્યો છે.

જેટલીએ પોતાના એક ફેસબુક બ્લૉગમાં ગાંધીના દાવાને રદિયો આપતાં લખ્યું, "બૅંકો પોતાની બૅલેન્સ શીટ સાફ કરવા માટે નૉન પર્ફૉર્મિંગ ઍસેટ્સને દૂર કરે છે, તે એક સામાન્ય બાબત છે. આ પ્રકારનું દેવું ચૂકતે કરવા માટે કરજદાર પાસે વસૂલી ચાલુ રાખવામાં આવે છે."

કેન્દ્ર સરકારના મતે ગયા વર્ષે આ પ્રકારના કરજની વસૂલી 74000 કરોડ રૂપિયાથી વધુ હતી.

આર્થિક બાબતોના વરિષ્ઠ પત્રકાર સુદીપ બેનર્જી નાણા મંત્રીના નિવેદનને યોગ્ય માને છે. તેમણે કહ્યું, "એનપીએ એક જૂની સમસ્યા છે અને આવા દેવાને રાઇટ ઑફ કરવું સામાન્ય છે. વિલફુલ ડિફૉલ્ટર્સના દેવા પણ માફ કરવામાં આવે છે અને તેમાં મોટાં નામો હોય છે."

અર્થવ્યવસ્થાના જાણકાર પ્રિયરંજન દાસ અરૂણ જેટલી સાથે સહમત છે. તેઓ કહે છે, "નાણા મંત્રીનો આ દાવો સાચો છે કે બૅંક બૅલેન્સ શીટ પરથી ખરાબ દેવાને દૂર કરી દે એ દેવા વસૂલીનો અંત નથી."

line

યૂપીએ શાસન દરમિયાન આ સમસ્યા કેટલી વ્યાપક હતી?.

રિઝર્વ બૅંક

ઇમેજ સ્રોત, Getty Images

હકીકતમાં વધતું જતું એનપીએ ભારતીય અર્થવ્યવસ્થાની એક મોટી સમસ્યા રહ્યું છે. જો એક ટૂંકા સમયગાળામાં એનપીએની રકમ જોખમકારક રીતે વધી જાય તો સેન્ટ્રલ બૅંક એટલે કે આરબીઆઈએ તેને કાબૂમાં લેવા માટે નક્કર પગલાં લેવા પડે છે.

આર્થિક અને રાજકીય મજબૂરીઓનું એક સંયોજન સરકારને દેવું માફ કરવા માટે મજબૂર કરે છે.

સુદીપ બેનર્જી કહે છે કે, યૂપીએ શાસન દરમિયાન પણ આવાં દેવાને ખાતામાંથી દૂર કરવામાં આવતા હતાં અને તેમાં લગભગ મોટી કંપનીઓ અને મોટા વ્યક્તિઓ જ ડિફૉલ્ટર હોય છે.

પરંતુ પ્રિયરંજન દાસ કહે છે કે હાલના વર્ષોમાં એનપીએનું પ્રમાણ વધારે છે.

"એનપીએને ખાતામાંથી રદ્દ કરવા એ કોઈ મોટી ઘટના નથી. એવું ચોક્કસ છે કે 2014થી 2017 વચ્ચે ખરાબ દેવાને રાઇટ ઑફ કરવાની ગતિ અને વ્યાપકતામાં ઝડપ આવી છે."

"બૅંકિંગ નિયામકે બૅંક ખાતાઓમાં એનપીએ જાળવી રાખવા વિરુદ્ધ કડક નિયમો લાગૂ કર્યા છે, તેથી આવું થયું છે."

વધતાં એનપીએ પર નિયંત્રણ અને બૅંક સુધારા માટે 1990ના દાયકામાં નરસિમ્હમ સમિતિ - 2 અને અંધ્યરુજિના સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.

તેમની ભલામણોમાંથી કેટલા સુધારા થયા તે સ્પષ્ટ નથી પરંતુ 2002માં કેટલાંક સુધારા કરવામાં આવ્યા હતા.

line

યૂપીએ દરમિયાન પણ હતી એનપીએની સમસ્યા

શક્તિકાંત દાસ અને ઊર્જિત પટેલ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, શક્તિકાંત દાસ અને ઊર્જિત પટેલ

યૂપીએના દસ વર્ષના શાસનમાં પણ વધતા એનપીએની સમસ્યા હતી. મનમોહનસિંહની સરકારે કેટલીક વાર ડિફૉલ્ટરોના દેવા માફ કર્યા હતા.

ઔપચારિક રીતે લોન આપવાવાળી બૅંક અને આરબીઆઈ નક્કી કરે છે કે કોનું દેવું માફ કરવું પણ ખરેખર સરકાર નિર્ણય લે છે.

હકીકતનાં વડા પ્રધાને હાલના એનપીએ સંકટ માટે યૂપીએ શાસનને દોષિત ગણાવ્યું છે. તેમણે તાજેતરમાં જ સંસદમાં જાહેરાત કરી હતી કે તેમની સરકાર "આ એનપીએ સંકટ માટે જવાબદાર નથી, પણ કૉંગ્રેસ જવાબદાર છે."

યૂપીએ સરકારના પહેલાં પાંચ વર્ષ દરમિયાન અર્થ વ્યવસ્થામાં જબરસ્ત ઉછાળો આવ્યો હતો. તેથી કમર્શિયલ બૅંકો દ્વારા લોન આપવામાં તેજી આવી.

લાઇન
લાઇન
જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

ત્રણ મહિના પહેલાં સંસદમાં એક લેખિત નિવેદનમાં સરકારે કહ્યું કે 2008થી 2014માં બૅંકોએ મોટા પ્રમાણમાં લોન આપી હતી.

સરકારે કહ્યું કે 2008 માર્ચમાં બૅંકો દ્વારા આપવામાં આવેલું કરજ 23.3 લાખ કરોડ રૂપિયા હતું જે માર્ચ 2014 સુધીમાં વધીને 61 લાખ કરોડ થઈ ગયુ હતું.

મોદી સરકારે વર્ષ 2015થી ઍસેટ ક્વોલિટી રિવ્યુ(એક્યૂઆર) તંત્ર અમલમાં મુક્યું, જેનાથી એનપીએના પ્રમાણનો ખ્યાલ આવ્યો. જેને પહેલાં બૅંકો દ્વારા એનપીએ જાહેર કરાયું નહોતું.

આ એક મોટું કારણ છે કે માર્ચ 2014માં એનપીએ 2.51 કરોડથી વધીને (માર્ચમાં મોદી સત્તા પર આવ્યા તે પહેલાં) માર્ચ 2018 સુધીમાં 9.52 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, એટલે કે કુલ રકમના 11 ટકા.

પ્રિયરંજન દાસના મતે રાહુલ ગાંધીનો આ આક્ષેપ કરવાનો હેતુ મોદી વિરુદ્ધ અમીરોના મિત્ર અને ખેડૂતોની ચિંતા ન કરનારા વડાપ્રધાનની છાપ ઊભી કરવાનો છે, જેમાં તેઓ કેટલાક અંશે સફળ રહ્યા છે.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો