લોકસભા ચૂંટણી 2019 : ઔદ્યોગિક વિકાસ માટે અપાયેલાં વચનોનું પાલન થયું છે ખરું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી રિયાલિટી ચેક
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરમાં ઝડપી તેજી માટે મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધર્યો છે.
2025 સુધીમાં ભારતના અર્થતંત્રમાં મૅન્યુફૅક્ચરિંગનો હિસ્સો વધીને 25 ટકા જેટલો થઈ જાય એવો લક્ષ્યાંક તેમણે નક્કી કર્યો છે.
જોકે નરેન્દ્ર મોદીએ નક્કી કરેલા લક્ષ્યાંકનું મૂલ્યાંકન કરવું હજી વહેલું ગણાશે, પરંતુ ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બીબીસી રિયાલિટી ચેકની ટીમે આ દિશામાં કેટલી પ્રગતિ થઈ છે તેના પર એક નજર દોડાવી છે.

'મેક ઇન ઇન્ડિયા'

સપ્ટેમ્બર 2014માં 'મેક ઇન ઇન્ડિયા' યોજનાની જાહેરાત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું, "2025 સુધીમાં જીડીપીમાં મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરનો હિસ્સો વધારીને 25% સુધીનો કરવામાં આવશે."
સરકાર આ લક્ષ્યને પાર પાડવા માટે નીચે પ્રમાણે કરવા માગે છે:
- ચોક્કસ સૅક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરવું
- વર્તમાન કંપનીઓને સહાય પૂરી પાડવી
- વિદેશી રોકાણ આકર્ષવું
જોકે વિપક્ષ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ કાર્યક્રમની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે મૅન્યુફૅક્ચરિંગમાં કોઈ "તેજી આવી રહી નથી" અને 'મેક ઇન ઇન્ડિયા' માટેનો વિચાર ઢંગધડા વિનાનો છે.
વિશ્વ બૅન્કે જાહેર કરેલા આંકડા પર નજર કરવામાં આવે તો જણાય છે કે મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર લગભગ પોતાના સ્થાને યથાવત્ રહ્યું છે.
વર્ષ 2017 સુધીમાં લગભગ 15%થી થોડે નીચે સુધીનો હિસ્સો રહેતો આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિર્ધારિત લક્ષ્ય કરતાં આ આંકડો ઘણો નીચો છે. એટલું જ નહીં તેમાં વધારો થાય તેવા કોઈ ચિહ્નો ભાગ્યે જ જોવા મળી રહ્યા છે.
બીજી બાજુ બૅન્કિંગ, રિટેલ, ફાઇનાન્સિયલ અને પ્રૉફેશનલ્સ સહિતના સર્વિસ સેક્ટરનો હિસ્સો જીડીપીમાં લગભગ 49% સુધીનો રહેતો આવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉત્સાહજનક ચિહ્નો
જોકે સરકાર હાલના તાજા આંકડા દર્શાવીને જણાવે છે કે ઔદ્યોગિક વિકાસનો દર સુધરી રહ્યો છે.
'મેક ઇન ઇન્ડિયા' પ્રોજેક્ટમાં થયેલા વિકાસ અંગેના તાજા અહેવાલમાં સરકારે જણાવ્યું છે કે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વિકાસનો દર 2017-18ના પ્રથમ ત્રિમાસિકના મુકાબલે 2018-19ના પ્રથમ ત્રિમાસિકમાં 13% જેટલો વધ્યો છે.
ભારતીય જનતા પક્ષની સરકાર 2014 સત્તામાં આવી તે પછીના પ્રથમ વર્ષે ભારતમાં સીધા વિદેશી રોકાણમાં પણ વધારો થયો હતો.
જોકે હાલના વર્ષોમાં સીધા વિદેશી રોકાણમાં ઘટાડો થયો છે. બીજું, સરકારી આંકડા દર્શાવે છે કે મોટાભાગનું સીધું વિદેશી રોકાણ મૅન્યુફૅક્ચરિંગ નહીં, પણ સર્વિસ સૅક્ટરમાં થઈ રહ્યું છે.
"ચાર વર્ષ કાર્યક્રમ ચલાવ્યા પછી તેમાં આપણને કદાચ જ કોઈ પ્રગતિ થયેલી જોવા મળે છે," એમ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના લેક્ચરર પ્રોફેસર બિશ્વજિત ધર કહે છે.

સમસ્યા જૂનીછે

ઇમેજ સ્રોત, Getty Images
જોકે એવું નથી કે માત્ર વર્તમાન ભાજપ સરકાર માટે દેશના અર્થતંત્રને ઔદ્યોગિક ઉત્પાદન તરફ વાળવું મુશ્કેલ બની રહ્યું હોય.
અગાઉની કૉંગ્રેસની સરકાર તથા ભૂતકાળની સરકારો દ્વારા પણ પ્રયાસો કરાયા હતા, પરંતુ જીડીપીમાં મૅન્યુફૅક્ચરિંગનો હિસ્સો યથાવત્ રહ્યો છે અથવા તો છેલ્લા બે દાયકામાં થયું છે તે રીતે ઘટી રહ્યો છે.
હકીકતમાં દાયકાઓથી જીડીપીમાં મૅન્યુફૅક્ચરિંગનો હિસ્સો 25% કરવા માટેની મથામણ ચાલતી રહી છે, પરંતુ આ લક્ષ્ય જવલલ્લે જ હાંસલ થઈ શક્યું છે.
સમગ્ર પ્રદેશની અને એશિયાના બીજા દેશોની વાત કરીએ તો ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોએ પોતપોતાના અર્થતંત્રમાં ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ ઊંચું રાખવામાં સફળતા મેળવી છે.
ખાસ કરીને ચીન મૅન્યુફૅક્ચરિંગમાં મોટાપાયે રોજગારી ઊભી કરી શક્યું છે. 2002થી 2009 સુધીમાં દર વર્ષે ચીન વધુમાં વધુ નોકરીઓ ઊભી કરી શક્યું હતું.
જોકે ઘણા વિશ્લેષકો માને છે કે આવી રીતે સરખામણી કરવી યોગ્ય નહીં ગણાય.
લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના સ્વાતિ ધિંગરા કહે છે, "એ યાદ રાખવું જરૂરી છે કે ચીને આ દિશામાં પ્રગતિ શરૂ કરી તે પહેલાં તેની પાસે વધારે વ્યાપક કક્ષાએ શિક્ષિત કામદારનો સમુદાય તૈયાર થઈ ગયો હતો."
"ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરમાં મોટાભાગે રોજગારીમાં વધારા સિવાય વિકાસ થતો રહ્યો છે. અથવા કહો કે તેમાં સુનિશ્ચિત રોજગારી ઊભી થઈ શકી નથી."
તેથી જો 'મેક ઇન ઇન્ડિયા' પાછળનો એક હેતુ મૅન્યુફૅક્ચરિંગમાં વધારે રોજગારી ઊભી કરવાનો હતો, તો તે હેતુ પાર પડી રહ્યો નથી.
જોકે આ દિશાના પ્રયત્નોમાં આખરે સફળતા મળી પણ શકે છે.
વર્તમાન સરકાર કેટલાક વિશેષ સૅક્ટરમાં પ્રગતિ થઈ હોવા તરફ ધ્યાન દોરે છે:
- શસ્ત્રોની નિકાસ અને સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદનમાં વધારો થયો છે
- બાયોટેક ઉદ્યોગમાં સારું એવું મૂડીરોકાણ થયું છે
- મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કુશળતા માટે વધારે શૈક્ષણિક અને તાલીમી પ્રયાસો થયા છે
- નવા કેમિકલ અને પ્લાસ્ટિક પ્લાન્ટ્સ સ્થપાયા છે
ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ (વેપારમાં સરળતા) વિશેના વિશ્વ બૅન્કના વાર્ષિક અહેવાલમાં 2018ના વર્ષમાં ભારતનું સ્થાન ઘણું આગળ આવ્યું છે. સરકાર આ સફળતાને પણ મહત્ત્વની ગણાવી રહી છે.
આ ઉપરાંત અન્ય કેટલાક પ્રોત્સાહક ચિહ્નો પણ જોવા મળી રહ્યા છે - દાખલા તરીકે, વાહન ઉદ્યોગમાં ભારત મહત્ત્વના ખેલાડી તરીકે આગળ આવી રહ્યો છે.
જોકે અન્ય મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર્સ પર નજર કરીએ ખ્યાલ આવે છે કે ઘણી કંપનીઓ વ્યક્તિગત ધોરણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
બીબીસી ન્યૂઝે બાયૉટૅક્નૉલૉજી, કેમિકલ્સ, મોબાઇલ તથા ટેક્સ્ટાઇલ સહિતના ઉત્પાદન ક્ષેત્રોના ઘણા જાણકારો સાથે વાતચીત કરી હતી.
તે પૈકી કેટલાકે કહ્યું કે સરકારી નીતિઓ અમુક હદ સુધી ઉપયોગી છે, પરંતુ મૅન્યુફૅક્ચરિંગને નડી રહેલા કેટલાક મુદ્દાઓ તરફ તેઓએ ધ્યાન પણ દોર્યું હતું:
- સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ
- સંકુલ વેરા વ્યવસ્થા અને નિયંત્રણો
- જુદા જુદા સ્તરે વ્યાપેલો ભ્રષ્ટાચાર
- મર્યાદિત કરનારા મજૂર કાયદાઓ અને અપૂરતી માળખાકીય સુવિધાઓ
- સાચા અર્થમાં ઇન્નોવેશન અને કુશળતાનો અભાવ

વાત માત્ર મૅન્યુફૅક્ચરિંગની નથી
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અભિજિત મુખોપાધ્યાય કહે છે, "આગામી પાંચ કે સાત વર્ષમાં મૅન્યુફૅક્ચરિંગમાં સારો એવો વધારો થાય તેવી શક્યતા જણાતી નથી."
"આર્થિક વિકાસનું તે એંજિન બની રહે તે માટે લાંબા ગાળાના અને એક ધારા પ્રયત્નો કરવા ખૂબ જરૂરી હોય છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આમ છતાં, ભલે મૅન્યુફૅક્ચરિંગ આઘારિત ના હોય, પણ ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર બન્યું છે.
હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં એવો અંદાજ મુકાયો હતો કે ભારતનું અર્થતંત્ર 2019માં 7.6%ના દરે અને તે પછીના વર્ષે 7.4%ના દરે વધશે, તેના કારણે ભારત અન્ય દેશોનાં વિશાળ અર્થતંત્રોથી પણ આગળ નીકળી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














