પુલવામા CRPF હુમલો : 'કાશ્મીરમાં કોઈ મા પોતાના દીકરાના હાથમાં બંદૂક નથી આપતી'

ઇમેજ સ્રોત, Majid Jahangir/ BBC
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી ગુજરાતી માટે, શ્રીનગરથી
"કોઈ મા પોતાના દીકરાને બંદૂક નથી આપતી."
"જ્યારે અમારા દીકરા બંદૂક ઉપાડે ત્યારે કુટુંબને જાણ નથી કરતા.'
'તેઓ કદાચ એ વખતે માબાપ વિશે વિચારતા પણ નથી'
કુલગામના ખુદવાનીમાં પરંપરાગત કાશ્મીરી પરિવેશમાં પોતાના ત્રણ માળના ઘરની સામે બેઠેલાં ફિરદૌસા બાનુ પાસે હવે માત્ર ઉમરની યાદો અને સપનાં સિવાય કશું જ નથી.
પુલવામા હુમલા બાદ સૈન્યના વરિષ્ઠ અધિકારી- લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ ઢિલ્લને કાશ્મીરી માતાઓને કહ્યું હતું કે જેમના સંતાનોએ બંદૂક ઉઠાવી લીધી છે, તેમને સમજાવીને આત્મસમપર્ફણ કરાવાય, નહીં તો તેઓ માર્યા જશે.
કે.જે.એસ. ઢિલ્લને કહ્યું હતું, "જે બદૂક ઉપાડશે એ માર્યા જશે."
ઢિલ્લને તો આ વાત કરી દીધી પણ કાશ્મીરી માતાઓની પોતાની પણ અલગ કહાણી છે.


ઇમેજ સ્રોત, Majid Jahangir/ bbc
ફિરદૌસા બાનુના પુત્ર ઉમર વાનીનું મૃત્યુ 2018ના અનંતનાગ બહરામસાબ વિસ્તારમાં ભારતીય સેના સાથેની અથડામણમાં થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હથિયાર ઉપાડવાના માત્ર ત્રણ મહિનાની અંદર જ ઉમર વાનીનું મૃત્યુ થયું. એ વખતે તે માત્ર 21 વર્ષનો હતો. અથડામણ વખતે તેની સાથે તેના બે મિત્રો પણ હાજર હતા.
ફિરદૌસા બાનુ જણાવે છે કે ઉમરે આ નિર્ણય કદાચ જેલમાંથી પરત ફર્યા બાદ લીધો હતો.
તેઓ કહે છે, "તેને વારંવાર હેરાન કરાયો હતો. પકડીને જમ્મૂની કોટબિલાવલ જેલમાં ધકેલી દેવાયો હતો."
"એ બહાર તો આવી ગયો પણ એને વારંવાર કૅમ્પમાં કહેણ મોકલાતું હતું. એને કૅમ્પમાં બોલાવવો સહજ વાત થઈ હતી."
"સુરક્ષા દળોએ જો એને પજવ્યો ના હોત બંદૂક ઉપાડવા એ ક્યારેય મજબૂર ના થયો હોત. વારંવાર ત્રાસ આપવાના કારણે જ તેણે કટ્ટરપંથનો માર્ગ અપનાવી લીધો."

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતીય સૈન્યએ આ પ્રકારના આક્ષેપોનો વારંવાર નકારી કાઢ્યા છે.
સૈન્યનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનું અભિયાન હાથ ધરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ના ગુમાવવો પડે.
જોકે, કાશ્મીરી નેતાઓ, ભાગલાવાદીઓ, માનવાધિકાર સંસ્થાઓ અને લોકો તરફથી આ પ્રકારના આરોપ સતત કરાતા જ રહ્યા છે.


ઇમેજ સ્રોત, Majid jahangir/ bbc
ફિરદૌસા બાનુનું કહેવું છે, "કાશ્મીરના યુવાનોને એટલા લાચાર કરવામાં આવી રહ્યા છે કે તેઓ કટ્ટરપંથે ચાલી નીકળવા મજબૂર થઈ જાય છે."
તેઓ ઉમેરે છે આ વધા વચ્ચે એક દિવસ એ ઘરેથી નીકળ્યો તે નીકળ્યો. આઠ દિવસ બાદ તે પરત ફર્યો તો ખ્યાલ આવ્યો કે તે કોઈ અલગ રસ્તે ચાલી નીકળ્યો છે.
મેં એમને પૂછ્યું કે શું આજે એમનો દીકરો જીવતો હોત તો તેઓ તેને આ રસ્તો છોડી દેવાનું કહેત?
જવાબમાં તેમણે કહ્યું એમણે ચોક્કસથી ઉમરને એ રસ્તો છોડી દેવા કહ્યું હોત. જોકે, તેઓ એવું પણ કહે છે કે તેને બહુ જ આઘાત લાગ્યો હતો એટલે કાદચ એમની વાત ના માન્યો હોત.

તમે આ વાંચ્યું કે નહીં?

ફિરદૌસા બાનુનું દુઃખ છલકે છે, "એક વખત તેણે ઉગ્રવાદી સંગઠનમાં જોડાવાનું નક્કી કરી લીધું તો પછી અમારા હાથ પણ એક રીતે બંધાઈ ગયા હતા."
"કોઈ માતાપિતા નથી ઇચ્છતાં કે તેમનું સંતાન તેમનાથી દૂર રહે. પણ અહીં સ્થિતી બિલકુલ અલગ છે."
"જો અહીંનો માહોલ આવો ના હોત તો અમે ચોક્કસ કશુંક કર્યુ હોત. તેને જતાં રોકી શક્યા હોત. જ્યારે મારા દીકરાનો મૃતદેહ ઘરે આવ્યો તો હું બસ તેને તાકી રહી, કંઈ પણ બોલી ના શકી."
તેઓ કહે છે, "જ્યારે અમારા દીકરા બંદૂક ઉપાવે છે, ત્યારે કુટુંબને જાણ નથી કરતા."
"તેમને એ વાતની ચિંતા નથી રહેતી કે તેમનાં માતાપિતાનું શું થશે. ઉમર જ્યારે જેલમાં હતો ત્યારે પોતાનાં લગ્ન વિશે વાત કરતો હતો. કહેતો કે પોતાની પસંગીની છોકરી સાથે જ લગ્ન કરશે. પણ પછી બધું જ બદલાઈ ગયું."

ઝરીફા આજે પણ રાહ જુએ છે..

ઇમેજ સ્રોત, Majid jahangir/BBC
અનંતનાગની એસ.કે. કૉલોનીમાં રહેતાં ઝરીફા આજે પણ પોતાના દીકરાના પરત ફરવાની રાહ જુએ છે. પોતાનો દીકરો પરત ફરીને સમાજસેવામાં જોડાય એવી આ માની ઇચ્છા છે.
ઝરીફાનો દીકરો બુરહાન ગની ગયા વર્ષની 24 જૂનથી ગુમ છે. શ્રીનગરની સી.આર.સી કૉલેજમાં અભ્યાસ કરતો બુરહાન એક દિવસ ઘરેથી નીકળ્યો અને પછી ક્યારયે પરત ના ફર્યો.
ઝરીફાને આજે પણ યાદ છે કે એ રવિવારનો દિવસ હતો.
ઘેથી ગાયબ થયાના ત્રણ દિવસ પછી એક તસવીર સામે આવી જેમાં બુરહાન બંદૂક પકડીને ઊભો હતો.
ઝરીફા કહે છે કે એ તસવીર જોઈને એમના આખા કુટુંબને ભારે આઘાત લાગ્યો.


ઇમેજ સ્રોત, Majid jahangir
ઝરીફાએ પોતાના પુત્રને અપીલ કરી, "હું વિતંતી કરું છું કે મારો દીકરો ક્યાં છે એની કોઈને જાણ હોય તો એને પાછો આપી દો. મારો દીકરો મને પરત મળશે તો એનાથી વધારે ખુશી બીજી કોઈ નહીં હોય."
પોતાના પુત્રને સંબોધીને તેઓ કહે છે, "મારા દીકરા ઘરે પાછો આવી જા. તારે લોકોની સેવા કરવી જોઈએ. એ જ તારું કામ છે."

આપને આ પણ વાચવું ગમશે

"ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરવી એ જ તારા માટે ખરી જેહાદ છે. મેં તેને સારી કેળવણી આપી છે."
સૈન્યએ કાશ્મીરી માતાઓને કરેલી અપીલ અંગે ઝરિફા કહે છે, "મને નથી લગતું કે કોઈ પણ મા ઇચ્છે કે તેનો દીકરો માર્યો જાય."
"અમે તો ઇચ્છિએ છીએ કે અમારા દીકરા સહી સલામત રહે અને ઘરે પરત ફરે. એક મા પોતાના દીકરાને બંદૂક નથી આપી શકતી. દરેક જાણે છે કે એક મા પોતાના દીકરાને કેટલા લાડ-પ્રેમથી ઉછેરે છે."

"દીકરાને ઉગ્રવાદનો માર્ગ છોડવાનું ના કહી શકું."

ઇમેજ સ્રોત, Majid Jahangir/BBC
હમીદાના વિચાર ઝરીફાથી જુદા છે. તેઓ માને છે કે કાશ્મીરી યુવાનો બંદૂક ઉપાડવા માટે મજબૂર છે.
હમીદાનો દીકરો તારીક અહેમદ ખાન ઓગસ્ટ 2018માં ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાઈ ગયો.
તારીકના પિતા નઝીર અહેમદ ખાનનો ભાગલાવાદી રાજકારણનો લાંબો ઇતિહાસ રહ્યો છે.
હમીદા માને છે કે કાશ્મીર વિવાદને ઉકેલવામાં થઈ રહેલો વિલંબ જ અહીંના યુવાનોના હથિયાર ઉપાડવવા મજબૂર કરે છે.
તેઓ કહે છે, "કાશ્મીરમાં તમામ લોકો અશક્ત છે અને હથિયાર ઉપાડવા માટે મજબૂર છે."
"મારા દીકરાનો કિસ્સો એમનાથી કોઈ જુદો નથી. જાહેર સુરક્ષા કાયદા(પી.એસ.એ.)ના નામે નિર્દોષ લોકોને જેલમાં ધકેલી દેવાય છે. પૅલેટગનથી લોકો અંધ થઈ રહ્યા છે. કાશ્મીરના વિવાદનો ઉકેલ આવી જશે ત્યારે બધુ જ ઠીક થઈ જશે."

આપને આ પણ વાચવું ગમશે

સૈન્યની આત્મસમર્પણ માટેની અપીલ પર હમીદાએ કહ્યું, "હું મારા દીકરાને કહી ના શકું કે ઉગ્રવાદનો રસ્તો છોડી દે."
"જે બંદૂક ઉઠાવશે તે માર્યા જશે. મારા દીકરાનું ભાગ્ય પણ એમનાથી જુદું નહીં હોય. કાશ્મીરમાં માર્યા ગયેલા છોકરાઓ પણ અમારા દીકરા જેવા જ છે."

'તો કોઈ ઉગ્રવાદ તરફ નહીં જાય...'

ઇમેજ સ્રોત, Majid Jahangir/BBC
જ્યારે એમને પૂછવામાં આવ્યું કે અત્યાચાર કોણ કરે છે? તો હામિદાએ કહ્યું, "સૈન્ય, સીઆરપીએફ, એસઓજી અને પોલીસ અહીં અત્યાચાર કરે છે."
અધિકારીઓનો દાવો છે કે છેલ્લાં બે વર્ષમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં લગભગ 500 ઉગ્રવાદીઓને માર્યા ગયા છે.
સુરક્ષા અધિકારીઓએ હાલમાં જ એવું પણ જણાવ્યું છે કે કાશ્મીરમાં 200થી વધુ ઉગ્રવાદીઓ સક્રીય છે.
અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે 90ના દાયકામાં કાશ્મીરમાં ઉગ્રવાદે જોર પકડ્યું હતું ત્યારથી અનેક કાશ્મીરી યુવાનોએ એ માર્ગ અપનાવ્યો છે અને આ સિલસિલો હજુ પણ અટકવાનું નામ નથી લેતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














