આસામમાં લઠ્ઠાકાંડ : ઝેરીલો દારૂ પીવાથી 130 લોકોનાં મૃત્યુ, ડઝનબંધ હૉસ્પિટલમાં દાખલ

ઇમેજ સ્રોત, RITUPALLAB SAIKIA
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, બીબીસી માટે, આસામથી
આસામમાં ઝેરીલો દારૂ પીવાને કારણે મરનારા લોકોની સંખ્યા 130ને પાર થઈ ગઈ છે, જ્યારે 200થી વધુ લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
તમામ મૃતકો ગોલાઘાટ અને જોરઘાટ જિલ્લામાં આવેલા ચાના બગીચાઓમાં કામ કરતાં હતાં. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ગોલાઘાટ જિલ્લાના પોલીસ અધિક્ષક પુષ્કરસિંહે બીબીસીને જણાવ્યું કે જિલ્લાના 130 લોકોનાં મૃત્યુ ઝેરીલો દારૂ પીવાને કારણે થયાં છે.
એસ. પી. પુષ્કરસિંહે જણાવ્યું છે કે હાલમાં સરકારી હૉસ્પિટલોમાં ડઝનબંધ લોકોની સારવાર ચાલી રહી છે.

બગીચામાંથી પરત ફર્યા બાદ દારૂ પીધો હતો

ઇમેજ સ્રોત, Getty Images
ગોલાઘાટ હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલા 35 વર્ષના બિરેન ઘટવારે બીબીસીને જણાવ્યું કે ગુરુવારે ચાના બગીચોમાંથી પરત ફર્યા બાદ તેમણે દારૂ પીધો હતો.
તેમણે જણાવ્યું, "મેં અડદો લિટર દારુ ખરીદ્યો હતો અને ખાતાં પહેલાં પીધો હતો. શરૂઆતમાં બધુ જ સામાન્ય હતું પણ થોડી વાર બાદ માથું દુઃખવા લાગ્યું."
તેઓ ઉમેરે છે, "માથાનો દુઃખાવો એટલો વધી ગયો કે ના તો હું ખાવાનું ખાઈ શક્યો કે ના તો ઊંઘી શક્યો."
સવાર પડતાં સુધીમાં તો બિરેન અસ્વસ્થ થવા લાગ્યા અને તેમની છાતીમાં પણ દુઃખાવો ઊપડવા લાગ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ બાદ એમનાં પત્ની તેમને ચાના બગીચાના હૉસ્પિટલમાં લઈ ગયાં.
અહીં પ્રારંભિક સારવાર બાદ પણ સ્થિતિ ના સુધરતાં બિરેનને જિલ્લાની હૉસ્પિટલમાં મોકલી દેવાયા.

'દારૂ પીવો પરંપરાનો ભાગ'

ઇમેજ સ્રોત, RITUPALLAB SAIKIA
આસામમાં ચાના બગીચામાં કામ કરનારા મજૂરો સામાન્ય રીતે પોતાનો થાક દૂર કરવા માટે કામમાંથી પરત ફર્યા બાદ દારૂ પીતા હોય છે.
જે પીવાથી આટલા લોકોનાં મૃત્યુ નીપજ્યા એ દારૂ સ્થાનિક લોકો દ્વારા બનાવાયો હતો.
જાણકારોનું માનવું છે કે આ દારૂ અહીં મળનારા દેશી દારૂ કરતાં સસ્તો અને વધુ નશાકારક હોય છે.
આવા દારૂના પાંચ લિટર માટે માત્ર 300થી 400 રૂપિયા જ ચૂકવવા પડતા હોય છે.
એસ.પી. પુષ્કરસિંહે જણાવ્યું કે આ દારૂ બનાવવા માટે મિથાઈલ અને યૂરિયાનો ઉપયોગ કરાય છે.
તેઓ જણાવે છે કે આ રસાયણોનો વધુ પડતો ઉપયોગ કરવાથી ક્યારેક-ક્યારેક દારૂ ઝેરીલો બની જતો હોય છે.

જૂની પરંપરા

ઇમેજ સ્રોત, RITUPALLAB SAIKIA
રાજ્યમાં ખાનગી રીતે બનાવાયેલો દારૂ વેચવો ગેરકાયદેસર છે. આબકારી વિભાગના મંત્રી પરિમલ શુક્લ વેદે બીબીસીને કહ્યું કે મૃત્યુની તપાસ માટે વરિષ્ઠ આઈએએસ અધિકારીની આગેવાની હેઠળ એક ટીમની રચના કરાઈ છે.
મત્રીએ કહ્યું, "ખાનગી સ્તરે બનાવાયેલા દારૂ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદો સખત કરાયો છે. સજાની જોગાવાઈ પણ આકરી કરાઈ છે."
"કેટલાયની ધરપકડ કરાઈ છે. જોકે, આ એક જૂની પરંપરા છે, જેને તુરંત જ બદલી શકાય એમ નથી."
આ મામલે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયો છે.
નોંધનીય છે કે ઝેરીલા દારૂ પીવાથી મૃત્યુ થવાની આ પ્રથમ ઘટના નથી.
આ પહેલાં ગત વર્ષે પણ ઝેરીલો દારૂ પીવાથી અહીં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













