મોદી સરકારનો દાવો છે કે દરેક ગામમાં વીજળી પહોંચી, તેવું થયું છે ખરું?

ઇમેજ સ્રોત, JINEN MAIBAM
- લેેખક, ગીતા પાંડે,
- પદ, બીબીસી ન્યૂઝ, લેઇસંગ ગામ, મણિપુર
ભારતમાં ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે અને ચૂંટણીસભાઓ યોજવા માટે નેતાઓ ખૂણેખૂણે ફરવા લાગ્યા છે.
આમ તો ચૂંટણી પ્રચારમાં અનેક મુદ્દાઓ ગાજતા હોય છે, પણ તેમાં ભાગ્યે જ લાખો લોકોને સ્પર્શતા મુદ્દાનો ઉલ્લેખ થતો હોય છે.
પ્રજાના આવા જ કેટલાક મુદ્દાઓ જાણવા અને તેનો અહેવાલ તૈયાર કરવા માટે બીબીસીનાં ગીતા પાંડે દેશભરમાં પ્રવાસ કરી રહ્યાં છે.
ઉત્તર-પૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં નાનકડું ગામ આવ્યું છે લેઇસંગ. ગયા વર્ષે આ ગામ 'ભારતનું છેલ્લું ગામ કે જ્યાં વીજળી પહોંચી' એવા મથાળાં સાથે વિશ્વભરના સમાચારોમાં ચમક્યું હતું.
અહીં એ વાત પણ નોંધવી રહી કે રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓમાં રસ્તાઓનું નિર્માણ કે પાણી સાથે વીજળી આપવાનાં વચનો અપાતાં જ રહે છે.
ઉપર જે ગામનો ઉલ્લેખ કરાયો, તેની ફરીથી વાત કરીએ તો એપ્રિલ 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે "લેઇસંગને વીજળી આપી દેવાઈ છે અને સશક્ત બનાવાયું છે (Leisang had been powered and empowered)."
તે વખતે એવું લાગ્યું હતું કે ત્રણમાંથી સરકારે કમ સે કમ એક સમસ્યાનો ઉકેલ લાવવા કોશિશ તો કરી જ છે.
પરંતુ ગયા અઠવાડિયે મેં આ ગામની મુલાકાત લીધી ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં ભાગ્યે જ લાઈટ ચાલુ હોય છે અને ગામના લોકો "powered" કે "empowered" જેવું કંઈ થઈ શક્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહાડી આદિવાસી કુકીઓના આ નાનકડા ગામમાં ફક્ત 13 પરિવારો અને 70 જેટલા સભ્યો જ રહે છે.
મણિપુરની રાજધાની ઇમ્ફાલથી તે ફક્ત 80 કિમી દૂર આવેલું છે. આમ છતાં ત્યાં પહોંચવું સહેલું નથી.
ગામની સૌથી નજીકનો હાઈવે 35 કિલોમિટર દૂર કાંગપોક્પી ગામ પાસે મળે છે.
35 કિમીનો આ રસ્તો ખરાબ છે અને ઠેરઠેર ખાડા પડી ગયા છે. છેલ્લા ત્રણ કિલોમિટરનો રસ્તો પર્વત પર તીવ્ર ચઢાણ ધરાવતો કાચો રસ્તો છે.
આ રસ્તા પર માત્ર બાઇક જ જઈ શકે અથવા ચાલીને ઉપર જવું પડે.
વરસાદ પડે ત્યારે આ ગામ સાવ વિખૂટું પડી જાય, કેમ કે વચ્ચે પાણી ભરાઈ જાય છે કે રસ્તો બહુ લપસણો થઈ જાય.

તમે આ વાંચ્યું કે નહીં?

આસપાસનાં ગામોને 2017માં વીજળી મળી

ઇમેજ સ્રોત, JINEN MAIBAM
ગામમાં શાળા કે દવાખાનું નથી. ગામના લોકોને મતદાર ઓળખપત્ર મળી ગયાં છે અને અહીંના જૂજ લોકો રાજકારણમાં રસ લે છે.
ગામના સરપંચ ટોંગસાટ હાઓકિપ કહે છે કે તેમની આસપાસનાં તમામ ગામોને 2017માં વીજળી મળી ગઈ હતી.
તેઓએ તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે તેમના ગામને એ આયોજનમાં લેવામાં આવ્યું જ નહોતું.
ટોંગસાટ હાઓકિપ કહે છે, "કોઈએ અમને કારણ આપ્યું નહોતું, તેથી અમે કાંગપોક્પીના ટોચના વીજ અધિકારીને અરજી કરી. તેમણે કહ્યું કે ધીરજ રાખો, આવતા વર્ષના આયોજનમાં તમારા ગામનું નામ સૌથી પહેલું મુકાયું છે."
ગયા વર્ષે એપ્રિલની શરૂઆતમાં ગામમાં અચાનક જ સરકારી માણસોની અવરજવર વધી ગઈ.
પહેલાં કેટલાક અધિકારીઓ તપાસ માટે આવ્યા અને બે અઠવાડિયા પછી થાંભલા, વાયર અને બીજાં સાધનો તથા ટ્રાન્સફૉર્મર આવી પહોંચ્યાં.
આખરે ગામના લોકોને જણાવાયું કે 27 એપ્રિલે સાંજે પાંચથી છ વાગ્યાની વચ્ચે "તમને ગ્રીડ સાથે જોડી દેવામાં આવશે."


જ્યારે મહિલાઓ વૉશિંગ મશીન-રાઇસ કૂકર ખરીદવાનું વિચારવા લાગી

આ પ્રસંગના સાક્ષી બનવા માટે સરપંચના ઘરે એકઠા થયેલા 20-30 લોકોમાં લેમ્નેથાન લોત્જેમ પણ હતા.
ઓસરીમાં બલ્બ લગાવાયો હતો. તેની સ્વીચ પાડી દેવાઈ હતી અને સૌ તેની નીચે બેસીને, તેની સામે તાકીતાકીને ચાનો સ્વાદ લઈ રહ્યા હતા.
લોત્જેમનાં પત્ની બલ્બની બરાબર નીચે બેઠાં હતાં અને અચાનક જે ઝબૂકી ઊઠ્યો.
તેઓ થોડા સંકોચ સાથે હસતાંહસતાં કહે છે, "અમે બધાએ તાળીઓ પાડી અને ખુશીથી ઊછળી પડ્યાં. હું બોલી રહી હતી, લાઇટ અહુંતાઈ, લાઇટ અહુંતાઇ (પ્રકાશ થયો, પ્રકાશ થયો). બધા લોકો ખુશ હતા. કેટલાક નાચવા પણ લાગ્યા હતા."
તે રાત્રે ગામમાં કોઈ સૂતું નહોતું. ગામમાં એક જ ઘરમાં ટીવી હતું, જેને આખી રાત ચાલુ રાખી લોકો જોતા રહ્યા. ગામના લોકોની ખુશીનો પાર નહોતો.
હાઓકીપના કાકા નેખમ ડોંગલ કહે છે, "નવજીવન મળ્યું હોય એમ બધા બહુ ખુશ હતા."
તે પછીના દિવસોમાં ઘણાં ઘરોમાં ટેલિવિઝન આવી ગયું. કેટલીક મહિલાઓ તો વૉશિંગ મશીન અને રાઇસ કૂકર ખરીદવાનું પણ વિચારવા લાગી હતી.


'લાઇટ આવવાનું કંઈ નક્કી હોતું નથી'

ઇમેજ સ્રોત, JINEN MAIBAM
જોકે, આ ખુશી બહુ લાંબી ટકી નહીં.
ગામના લોકોના જીવનમાં પ્રકાશ રેલાયો એને તેને હવે વર્ષ થવા આવ્યું છે, પણ લોકોએ મને કહ્યું કે દિવસના પાંચથી છ કલાક માંડ વીજળી મળે છે.
એટલું જ નહીં, કોઈ નાનકડો ફૉલ્ટ પણ આવી જાય તો તેને રિપૅર કરવામાં ઓછામાં ઓછા ત્રણેક દિવસ લાગી જાય છે.
ગયા વર્ષે મેજર ફૉલ્ટ આવ્યો હતો અને લેઇસંગ ગામ ત્રણ મહિના માટે ફરી અંધકારમાં ડૂબી ગયું હતું.
મણિપુરમાં રહેલા વીજ વિભાગના સિનિયર અધિકારી એચ. શાંતિકુમારસિંહ સ્વીકારે છે કે ગામમાં ત્રણ મહિના માટે વીજળી બંધ થઈ ગઈ હતી, કેમ કે તેઓ રિપૅરિંગ માટે ત્યાં પહોંચી શકે તેમ નહોતા.
તેઓ કહે છે, "ગામ બહુ અંતરિયાળ છે અને ત્યાં પહોંચવું મુશ્કેલ છે. ચોમાસામાં જમીન ધસી પડી હોય ત્યારે તો સ્થિતિ બહુ કપરી બની જાય છે."
જોકે, ગામમાં માત્ર છ કલાક જ વીજળી આવે છે તેવી વાતને તેઓ નકારી કાઢે છે. તેમના મતે ગામમાં પૂરતી વીજળી મળે છે.
આમ છતાં હકીકત એ છે કે મેં ગામની મુલાકાત લીધી ત્યારે ત્યાં વીજળી નહોતી. એક કલાક પછી લાઇટ આવી હતી, પણ પંદર મિનિટમાં જ જતી રહી હતી.
શ્રીમતી લોત્જેમ સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી ખેતરમાં કામ કરતાં હોય છે.
તેઓ કહે છે કે સાંજે વીજળી આવી હોય તો તેઓ ઘરકામ જલદી પૂરું કરીને ટીવી જોવા બેસી જાય છે.
"જોકે, લાઇટનું કંઈ ઠેકાણું હોતું નથી એટલે નક્કી કરીને બેસી શકાય નહીં."

ઇમેજ સ્રોત, JINEN MAIBAM
ડોંગલ કહે છે કે વરસાદ આવે કે ભારે પવન ફૂંકાય ત્યારે વીજળી અચૂક જતી રહે છે.
ગામના લોકો મજાકમાં કહે છે, "હવે તો કૂતરું થાંભલા પર પેશાબ કરે તોય લાઇટ જતી રહે છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑગસ્ટ 2015માં વચન આપ્યું હતું કે 1,000 દિવસમાં ગામેગામ વીજળી પહોંચી જશે. તે યોજનાના ભાગરૂપે લેઇસંગ સુધી થાંભલા પહોંચાડાયા હતા.
દિલ્હી સ્થિત 'કાઉન્સિલ ઑન ઍનર્જી, ઍન્વાયરમૅન્ટ ઍન્ડ વૉટર' (CEEW)ના અભિષેક જૈનના જણાવ્યા અનુસાર 2014ના ઉનાળામાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ભારતના લગભગ 6,00,000 ગામડાંમાંથી 97.5% ગામોમાં પહેલાંથી જ વીજળી પહોંચી ચૂકી હતી.
તેઓ કહે છે, ગામની શાળા, દવાખાનું, પંચાયત કચેરી તથા 10% ઘરોમાં વીજળી પહોંચે ત્યારે ગામનું વીજળીકરણ થયેલું ગણાય.
આ વ્યાખ્યા પ્રમાણે ભારતમાં સંપૂર્ણપણે વીજળીકરણ થઈ ગયું છે એમ અધિકારીઓ દાવો કરે છે.
જોકે, અભિષેક જૈન કહે છે કે કનેક્શન મળ્યું તેનો અર્થ એ નથી કે નિયમિત વીજળી મળશે. તેઓ કહે છે કે આ બાબત જ સૌથી મોટી સમસ્યા છે.
તેઓ ઉમેરે છે, "સરકાર હવે એવો વાયદો કરી રહી છે કે માર્ચના અંત સુધીમાં દરેક નાગરિકને ચોવીસ કલાક વીજળી મળતી થઈ જશે. પણ એ સપનું પૂરું થવાને હજી બહુ વાર છે."

ઇમેજ સ્રોત, JINEN MAIBAM
દાખલા તરીકે, ભારતના સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં 12 કલાકથી ઓછા સમય માટે જ વીજળી મળે છે.
ઘણાં બધાં ગામોમાં બે દાયકાથી થાંભલા પહોંચી ગયા છે, પણ હજુ નિયમિત વીજળી મળી નથી.
દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યો અને પૂર્વમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સ્થિતિ થોડી વધારે સારી છે.
પરંતુ ભારતના હાર્દમાં આવેલા ઉત્તર પ્રદેશ અને બિહારમાં હજુ પણ સ્થિતિ અંધકારભરી છે.
પોતાનાં ચાર વર્ષના કાર્યકાળમાં જે ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી તે ગામના લોકો સાથે ગયા વર્ષના જુલાઈમાં નરેન્દ્ર મોદીએ વીડિયો લિન્ક દ્વારા વાતચીત કરી હતી.
તે વખતે લેઇસંગ ગામ વતી ડોંગલે તેમને કહ્યું હતું કે "અમને સપનામાં પણ નહોતું કે જીવતેજીવત અમને વીજળી મળશે."
"વડા પ્રધાને કહ્યું હતું કે કંઈ તકલીફ થાય તો મને જાણ કરજો. જોકે હું મારી સમસ્યા બોલું તે પહેલાં અમારી લાઈન કાપી નાખવામાં આવી અને તેઓ બીજા લોકો સાથે વાતો કરવા લાગ્યા."
થોડા અફસોસ સાથે તેમણે મને જણાવ્યું, "અમારી સમસ્યા તેમને કહેવાની તક અમને મળી હોત તો મને ખાતરી છે કે તેનો ઉકેલ આવ્યો હોત."
મેં તેમને પૂછ્યું કે સમસ્યા જણાવવાની તક મળી હોત તો તમે વડા પ્રધાનને શું જણાવ્યું હોત?


'અમે ભારતના ભૂલી જવાયેલા લોકો'

ઇમેજ સ્રોત, JINEN MAIBAM
સમસ્યાઓની તેમની યાદી લાંબી છે :
"પ્રાથમિક શાળા અમારા ગામથી દોઢ કિલોમિટર દૂર આવેલી છે. ત્યાં સુધી જવા વાહન નથી એટલે બાળકોએ ચાલીને જવું પડે છે. ગામમાં સ્ટ્રીટલાઇટ નથી. મારા ભત્રીજા (ગામના સરપંચ)ની પત્ની
સુવાવડમાં મરી ગઈ, કેમ કે તેને સમયસર દવાખાને લઈ જવાઈ નહોતી. તેને દુખાવો ઊપડ્યો ત્યારે ચાર જણે ઝોળીમાં તેને સુવડાવી નજીકના દવાખાને પહોંચાડી હતી. પણ તેમાં એટલું મોડું થઈ ગયું હતું. સારો રસ્તો હોત તો સમયસર દવાખાને પહોંચાડીને તેનો જીવ બચાવી શકાયો હોત."
ગામના મંત્રી કોમલુમ ખોંગસાઇ ઉમેરે છે, "અમે ભારતના ભૂલી જવાયેલા લોકો છીએ. પહેલીવાર વીજળીરૂપે સરકાર પાસેથી કશુંક ગામને મળ્યું છે."
વીજળી વિના દાયકા કાઢી નાખ્યા અને તે પછી વીજળી આવી. ત્યારે ગામના લોકોને લાગ્યું કે તેની પાછળ હવે વિકાસ પણ આવશે.

ઇમેજ સ્રોત, JINEN MAIBAM
ડોંગલ કહે છે કે તેમના ગામને ભારતમાં સૌથી છેલ્લે વીજળી મળી એટલે "તેનો અર્થ એ કે લેઇંસગ ખાસ છે. અને તેથી તેને એવી રીતે જ રાખવું જોઈએ."
તેઓ સવાલ કરે છે કે નજીકમાં સલામતી દળોની છાવણી આવેલી છે ત્યાં ચોવીસ કલાક વીજળી છે, તો "અમને કેમ તે લાઇન સાથે જોડવામાં નથી આવતા?"
જોકે, ચોવીસ કલાક વીજળી મેળવવાનું લેઇસંગ ગામના લોકોનું સપનું નજીકના ભવિષ્યમાં પૂરું થાય તેમ લાગતું નથી.
મણિપુરથી પરત ફર્યાં પછી બે દિવસ બાદ દિલ્હીમાં મારા ઘરે હું આ લેખ લખી રહી હતી ત્યારે જ વીજળી જતી રહી.
11 વાગ્યા હતા અને લાઇટ ક્યારે આવશે તે જાણવા માટે મેં BSESમાં ફોન કર્યો હતો.
મને જણાવાયું કે મેન્ટનન્સના કામ માટે વીજળી બંધ કરવામાં આવી છે. બપોરે ત્રણેક વાગ્યા સુધીમાં ચાલુ થઈ જશે.
આ રીતે અગાઉથી જાણ કર્યા વિના ચાર કલાક વીજળી બંધ કરી દેવાઈ હતી. આ દિલ્હીની સ્થિતિ છે અને વારંવાર સર્જાતી સ્થિતિ છે.
ભારતના બાકીના ભાગોમાં પણ વીજળીના આવા જ હાલ હોય છે, ત્યારે લેઇસંગેના લોકોએ પણ તેનાથી ટેવાઈ જવાનું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













