મોદીની 'ચોકીદારી' ઉપર શું બોલ્યા અસલી ચોકીદાર: સાહેબ,બેરોજગાર છું એટલે ચોકીદાર છું

જીતેન્દ્રસિંહની તસવીર

ઇમેજ સ્રોત, pOONAM kAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, જીતેન્દ્રસિંહ મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના
    • લેેખક, પૂનમ કૌશલ
    • પદ, નોઇડાથી, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે સાડા ચાર વાગ્યે દેશના 25 લાખ ચોકીદારોને સંબોધિત કરશે.

31મી માર્ચે ચોકીદારો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ કરશે. ભાજપના અભિયાન 'મેં ભી ચોકીદાર' અભિયાન હેઠળ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. પરંતુ ચૂંટણીના આ સમયમાં પોતાના અંગેની ચર્ચા અંગે ચોકીદારોનું શું કહેવું છે?

તેઓ શા માટે ચોકીદારી કરે છે? શું તેઓ દેશસેવા માટે કરે છે કે સ્થિતિએ તેમને ચોકીદાર બનાવી દીધા છે? દેશની રાજધાની નવી દિલ્હીની પાસે આવેલા નોઇડામાં કામ કરતા કેટલાક ચોકીદારોના જીવનમાં અમે ડોકિયું કર્યું.

"હું આ માર્કેટની સુરક્ષામાં તહેનાત છું. ચોકીદારીનો મતલબ છે કે નજર રાખવી અને જ્યાં સુધી મારી નજર પહોંચે તેની સુરક્ષા કરવી."

"જો કંઈ ખોટું થાય તો રિપોર્ટ કરવું. માત્ર બેસી રહેવું કે ઊંઘી જવું એ ચોકીદારી નથી, પરંતુ પોતાની જવાબદારી નિભાવવી એ ચોકીદારી છે."

"અહીં જો કંઈ ખોટું થાય તો હું તેના માટે જવાબદાર છું."

28 વર્ષીય જીતેન્દ્રસિંહ કોરી મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના છે અને નોઇડામાં ચોકીદારી કરે છે. તેઓ મહિનાના ત્રીસેય દિવસ દરરોજ રાતે 12 કલાક સુરક્ષાની ફરજ બજાવે છે.

આટલું કામ કર્યા બાદ મહિનાના અંતે તેમને રોકડમાં રૂ. 9 હજાર મળે છે. જો કોઈ કારણવશ રજા લે તો એ દિવસનો બેવડો પગાર ગુમાવવો પડે છે.

છેલ્લે ક્યારે રજા લીધી હતી તે જીતેન્દ્રસિંહને યાદ નથી.

નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Twitter/NarendraModi

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ નામની આગળ 'ચોકીદાર' લખ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેમના નામની આગળ ચોકીદાર લખ્યું હતું, માત્ર મોદીએ જ નહીં, ભાજપના અનેક મોટા નેતાઓ, કાર્યકર્તાઓ અને પ્રધાનોએ પણ આવું જ કર્યું છે.

ભાજપે દેશભરમાં 'મેં ભી ચોકીદાર હું' અભિયાન હાથ ધર્યું છે.

વિપક્ષ કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુદ્દે 'ચોકીદાર હી ચોર' હૈનો નારો લગાવ્યો હતો, જેના જવાબમાં ભાજપે આ અભિયાન હાથ ધર્યું છે.

પરંતુ, સમગ્ર ચર્ચાને કારણે જીતેન્દ્રસિંહ જેવા ચોકાદીરોને મોડેથી જ ગર્વનો અહેસાસ કરાવ્યો છે.

જીતેન્દ્રસિંહ કહે છે કે અખબારમાં વાંચ્યું કે વડા પ્રધાને તેમના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે, તો એ જાણીને ખૂબ ગર્વ થયો.

જ્યારે જીતેન્દ્રસિંહને પૂછ્યું કે 'શું તેઓ પોતાના કામથી ખુશ છે?' તેના જવાબમાં તેમણે કહ્યું:

"બેરોજગાર છું એટલે ચોકીદાર છું. જો બીજું કોઈ સારું કામ મળ્યું હોત તો આ કામ ન કર્યું હોત. અહીં મહેનતની કોઈ કિંમત નથી."

જીતેન્દ્રસિંહ કહે છે, "અમારા ફિરોઝાબાદમાં બંગડીઓનું કામ થતું. દિવસભર કામ કર્યાં પછી દોઢસો-બસ્સો રૂપિયા મળતા.

આટલી રકમમાં પરિવારનું ગુજરાન ચાલે તેમ ન હતું. એટલે અમે ઘરથી બહાર નીકળ્યા."

"મારી પાસે કોઈ ટૅલેન્ટ નથી એટલે સુરક્ષા ગાર્ડની નોકરી સ્વીકારી. સિક્યૉરિટી ગાર્ડની નોકરી જવાબદારીવાળી છે અને હું મારી જવાબદારી નિભાવું છું."

જીતેન્દ્રસિંહ કહે છે, "દૂરથી જોતાં આ કામ સરળ લાગે છે, પરંતુ જે ચોકીદારી કરતું હોય, તે જ જાણે છે કે આ કામમાં કેટલું જોખમ રહેલું હોય છે. અમે આખી રાત ડ્યૂટી કરીએ છીએ, આ ગાળામાં કંઈપણ ઘટી શકે."

તેઓ કહે છે કે વડા પ્રધાન મોદીએ ખુદને ચોકીદાર કહ્યા છે, પોતાના નામ સાથે ચોકીદાર જોડ્યું છે, ત્યારે ચોકીદારો અને બેરોજગારો વિશે કંઈક વિચારે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'જાત ઘસીએ છીએ'

ચોકીદારોની તસવીર

ઇમેજ સ્રોત, pOONAM kAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, ચોકીદારોને સરેરાશ આઠ થી નવ હજાર રૂપિયા મળે

23 વર્ષીય દીપક કુમાર ઝા મૂળતઃ બિહારના ભાગલપુરના છે અને નોઇડામાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમને બીજું કંઈ વ્યવસ્થિત કામ ન મળ્યું એટલે ગાર્ડ તરીકે નોકરી કરે છે.

જીતેન્દ્રની જેમ જ દીપક પણ કોઈપણ જાતની રજા વગર દૈનિક બાર કલાક નોકરી કરે છે.

દીપક કહે છે, "મજબૂરીવશ થઈને ચોકીદારીનું કામ કરું છું. મહિને રૂ. નવ હજાર મળે છે, કંઈ વધતું નથી."

"તાજેતરમાં જ બહેનનું લગ્ન કર્યું, ત્યારે રૂ. 25 હજારનું દેવું થઈ ગયું."

"જે કંઈ આવક થાય છે તે અહીં રહેવા-ખાવામાં જ વપરાય જાય છે. બે હજાર રૂપિયા વધે છે, તેનાથી શું મળશે? દેવું પણ નહીં ઉતરે."

દીપક કહે છે, "આ ખૂબ કપરું કામ છે. આખી રાત જાગવું પડે. જો આઠ કલાકની ડ્યૂટી અને મહિને ચાર રજા મળે તો આ કામ સારું લાગશે."

"ખૂબ પ્રયાસ કર્યાં, છતાંય કોઈ કામ ન મળ્યું એટલે આખી રાત જાગીએ છીએ. જાતને ઘસીએ છીએ."

line

'યોજનાઓ લાગુ કરે તો સારું લાગશે'

રામસિંહ ઠાકુરની તસવીર

ઇમેજ સ્રોત, pOONAM kAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, રામસિંહ ઠાકુર 20 વર્ષથી ચોકીદારીનું કામ કરે છે

60 વર્ષીય રામસિંહ ઠાકુર 20 વર્ષથી ચોકીદારી કરે છે. રામસિંહે મજબૂરીમાં આ કામ શરૂ કર્યું હતું અને હજુ પણ મજબૂરીમાં જ ચોકીદારીનું કામ કરી રહ્યા છે.

રામસિંહને મહિને સાડા આઠ હજાર રૂપિયા મળે છે. અન્ય ગાર્ડ્સની જેમ તેમને પણ રજા નથી મળતી. તેઓ કહે છે:

"કંપની તરફથી કોઈ સવલત નથી મળતી. વીમો કે પ્રૉવિડન્ટ ફંડ નથી મળતા, જો બીમાર પડીએ તો ઘરે મોકલી દે છે અને એ ગાળામાં કોઈ પગાર નથી મળતો."

"વડા પ્રધાને ખુદને ચોકીદાર કહ્યા તો સારું લાગ્યું, તેમની યોજનાઓ સારી છે, જો લાગુ થઈ જાય તો વધુ સારું."

લાઇન
લાઇન

બીમારીમાં કામ કરવાની મજબૂરી

વદેરામની તસવીર

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, વેદરામ બંદૂક સાથે ચોકી કરે છે

રાત્રે લગભગ બે વાગ્યે રામસિંહ, જીતેન્દ્રસિંહ, દીપકની સાથે વાત કરી રહી હતી ત્યારે તેઓ તાપણું કરીને બેઠા હતા.

ઠંડી નહીં, પરંતુ આજુબાજુના મચ્છરથી બચવા માટે તેઓ તાપણું કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે 'જો મચ્છર કરડી ગયો તો હેરાન થઈ જઈશું.'

ગલીના શ્વાન આ ચોકીદારોના રાતના સાથી છે. તેઓ ચોકીદારની પાસે એવી રીતે બેસી રહે છે, જાણે તેમના પાકા મિત્ર હોય.

રાત્રે અઢી વાગ્યે નોઇડાના બીજા વિસ્તારમાં પહોંચી. ત્યાં નિર્માણાધીન બિલ્ડિંગની બહાર વેદરામ પોતાની બંદૂક સાથે સજ્જ બેઠા હતા.

મૂળતઃ ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી વેદરામ વર્ષ 1992થી ચોકીદારી કરે છે, પરંતુ આજ દિવસ સુધી તેમનું ઓળખપત્ર નથી બન્યું કે ન તો તેમનું પ્રૉવિડન્ટ ફંડનું ખાતું છે. તેમને રોકડમાં જ પગાર મળે છે.

વેદરામ કહે છે, "હું આટલી મોટી સાઇટ ઉપર કામ કરું છું, છતાંય મારો પગાર માત્ર રૂ. 11 હજાર મળે છે."

તેઓ કહે છે, "ન તો અમને રજા મળે છે કે ન તો દવા. વડા પ્રધાન સારું કામ કરી રહ્યા છે. તેમણે અમને સુવિધાઓ આપી હશે, પરંતુ અમે નિરક્ષર છીએ, એટલે અમને કંઈ મળતું નથી."

વેદરામ સાથે વાત કરી રહી હતી ત્યારે જ વેદરામની સાથે તહેનાત અન્ય એક સિક્યૉરિટી ગાર્ડને ઊલટી થઈ. તેમણે જણાવ્યું કે સાંજથી તબિયત નાદુરસ્ત હતી, પરંતુ જો રજા લે તો પૈસા કપાય જાય એટલે તેમણે રજા નથી લીધી.

તેઓ બોલ્યા, "મજબૂરીમાં ચોકીદારી કરીએ છીએ પરિવારથી દૂર છીએ. ત્રીજ-તહેવાર ઉપર પણ રજા નથી મળતી."

line

મોદી ચોકીદાર કહે તે પસંદ નહીં

કેશવકુમારની તસવીર

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, કેશવકુમાર મોદી અને મહાદેવના ફેન

નોઇડા એક્સપ્રેસ-વે ઉપર મૂકવામાં આવેલી એલઈડી સ્ક્રીના ગાર્ડ તરીકે નોકરી કરતા કેશવ કુમાર ખુદને મોદી અને મહાદેવના ફેન જણાવે છે.

દરરોજ સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી તેમણે નોકરી કરવાની હોય છે. તેમને કોઈ રજા નથી મળતી.

કેશવ કુમાર કહે છે, "હોળી આવી રહી છે, પરંતુ રજા નહીં મળે. રજા તો ઠીક પગાર પણ સમયસર નથી મળતો. મહિને નવ હજાર રૂપિયા મળે છે, પરંતુ તેમાં કંઈ વળતું નથી."

'વડા પ્રધાન ખુદને ચોકીદાર કહે છે', એ અંગે પૂછતા કેશવ કુમારે કહ્યું : "વડા પ્રધાન ચોકીદારને લાયક નથી હોતા. તેઓ દેશના ખૂબ ઊંચા પદ ઉપર છે. તેમની ઉપર બહુ મોટી જવાબદારી છે."

"લોકો ખુદને એમ જ ચોકીદાર કહી દે છે. વડા પ્રધાને ખુદને ચોકીદાર કહ્યા, તે સાંભળીને મને સારું ન લાગ્યું."

"વડા પ્રધાને અમારા જેવા લોકો માટે કંઈક કરવું જોઈએ. અમારો પગાર ઓછો છે, રજા નથી મળતી અને કોઈ રોજગાર નથી. નવ હજાર રૂપિયામાં ગુજરાન નથી ચાલતું."

"કોઈપણનો પગાર રૂ. બાર હજારથી ઓછો ન હોય, તેવી વ્યવસ્થા કરી દે."

કેશવ કહે છે, "સરકાર કહે છે સરકારે જે નિયમ-કાયદા બનાવ્યા છે, તેને લાગુ કરાવે. હોળી-દિવાળી ઉપર જ નહીં, અઠવાડિયા દરમિયાન રજા અપાવે."

લાઇન
લાઇન

'લાગે છે કે મોટું કામ કરી રહ્યા છીએ'

ચોકીદાર

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, સુરક્ષા ગાર્ડની નોકરી કરી રહેલા રામ અવતાર

નોઇડાના સૅક્ટર 18ની બજારની સુરક્ષામાં તહેનાત રામ અવતારે હાલમાં જ નવી નોકરી શરૂ કરી છે.

પાંચ દીકરીઓના પિતા રામ અવતાર કેટલાક મહિનાથી ચોકીદારની નોકરી કરે છે અને કેટલાક મહીના પોતાના ઘર પર રહીને પરિવારની દેખભાળ કરે છે.

રામ અવતારની ત્રીજી દીકરીનાં લગ્ન આગલા મહીને થવાના છે. તેમને પગાર સમયસર મળવાની ચિંતા છે.

રામ અવતાર કહે છે કે તેમણે નવી કંપનીમાં નવી નોકરી શરૂ કરી છે, એટલે ડ્રેસના પૈસા પગારમાંથી કપાઈ જશે. દીકરીનાં લગ્નમાં આ રૂપિયાની ખોટ સાલશે.

વડા પ્રધાને પોતાને ચોકીદાર કહ્યા તેના વિશે તેમને કોઈ જાણકારી નથી.

તેઓ કહે છે, "આ સરકારમાં અમારાં રૅશનકાર્ડ બની ગયાં છે. ભોજન સરકારી રૅશનથી બની જાય છે, એટલે પરિવારનું પેટ ભરાઈ રહ્યું છે."

"એ સિવાય કોઈ સરકારી યોજનાનો લાભ અમને મળ્યો નથી. કોઈ અન્ય યોજનાની અમને જાણ પણ નથી."

સુધન અને નિરંજન સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, સુધન અને નિરંજન સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરે છે

27 વર્ષના નિરંજન અને 21 વર્ષના સુધન કુમાર એક સોસાયટીમાં ચોકીદાર છે.

કામની વચ્ચે મહાપરાણે સમય કાઢીને તેઓ બપોરનું ભોજન કરવા માટે નીકળ્યા છે. વાત કરવા માટે તેમની પાસે માત્ર બે મિનિટનો સમય છે.

સુધન કહે છે, "મોદી જનતાની સેવા કરી રહ્યા છે એટલે પોતાનો ચોકીદાર ગણાવી રહ્યા છે."

"અમે પણ સુરક્ષા કરીને જનતાની સેવા કરી રહ્યા છીએ. મોદીએ પોતાની ચોકીદાર કહીને પોતાના વિચારો દર્શાવ્યા છે."

"હવે અમને પણ લાગે છે કે અમે કોઈ મોટું કામ કરી રહ્યા છીએ."

સુધન અને નિરંજન બંનેનું એ કહેવું છે કે તેઓ મજબૂરીથી ચોકીદાર બન્યા છે અને સારી તક મળતા જ તેઓ આ કામ છોડી દેશે.

બંને કહે છે કે 12 કલાકની નોકરી અને આવવા જવાના સમય બાદ તેઓ સારી રીતે જમી પણ શકતા નથી કે નથી ઊંઘી શકતા.

ના તો તહેવાર પર પરિવારને મળી શકે છે. કોઈ અન્ય કામ નથી એટલે આ કામ કરી રહ્યા છે.

લાઇન
લાઇન

ગામડાંમાં ઘટતી રોજગારી

શિયાળાની ઠંડીથી બચવા માટે તાપણું કરી રહેલા ચોકીદાર

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

ઇમેજ કૅપ્શન, શિયાળાની ઠંડીથી બચવા માટે તાપણું કરી રહેલા ચોકીદાર

મેં ડઝનબંધ ઊંચી ઇમારતોમાં તહેનાત લગભગ પચાસ જેટલા સુરક્ષા ગાર્ડો સાથે વાત કરી હતી.

તમામની કહાણી બિલકુલ એક જેવી જ છે. ગામડાંમાં રોજગાર ન હોવાને કારણે રાજધાનીમાં આવી ગયા.

અહીં એક પણ રજા વિના બાર મહિના કામ કરે છે અને પગાર 10થી 12 હજાર રૂપિયા જ મળે છે.

એક સિક્યૉરિટી કંપનીના એરિયા મૅનેજરે પોતાનું નામ પ્રકાશિત ન કરવાની શરતે જણાવ્યું કે તેમને ત્યાં ગ્રૅજ્યુએટ યુવાનો પણ ગાર્ડની નોકરી માટે આવે છે.

જોકે, તેઓ આનું કારણ બેરોજગારીને માનતા નથી. તેઓ માને છે:

"જે લોકો સ્પર્ધામાં સારી સરકારી નોકરી મેળવી શકતા નથી અથવા ખાનગી કંપનીઓમાં સારી રીતે ઇન્ટરવ્યૂ આપી શકતા નથી તેવા યુવાનો ગાર્ડ બનવા આવે છે."

કામના કલાકો અને રજા ન મળવાના સવાલ પર તેઓ કહે છે, "તમે કોઈ પણ સિક્યૉરિટી કંપનીમાં જાવ, નોકરી પ્રતિ દિવસ 12 કલાકની હોય છે."

"રજા કપાત પગારે હોય છે. જોકે, અમે યૂપીના ન્યૂનતમ મજૂરીના કાયદાનું પાલન કરીએ છીએ."

"જેના કારણે પગાર 12 હજાર રૂપિયા સુધી થાય છે. જરૂરિયાતના સમયે રજા પણ આપવામાં આવે છે, પરંતુ તેનો પગાર મળતો નથી."

એક રહેણાક સોસાયટીના સિક્યૉરિટી સુપરવાઇઝર ગજરાજ કહે છે, "જવાબદારી, એક ચોકીદારની સૌથી મોટો પડકાર છે."

વડા પ્રધાન મોદીએ પોતાને ચોકીદાર કહ્યા તેના વિશે તેઓ કહે છે, "ગઈ ચૂંટણીમાં તેમણે જે વાયદાઓ કર્યા હતા તેમના અંગે તેઓ તત્પર દેખાયા નથી."

"ખાનગી સંસ્થાઓના કર્મચારીઓનું કામ દરરોજ આઠ કલાક કરવું અને સાપ્તાહિક રજા આપવી અને શ્રમિકોને ઓછામાં ઓછું 15 હજાર વેતન આપવાનો વાયદો પણ કર્યો હતો."

"જોકે, આવું થયું નથી. અમે હજી રજા વિના 12 પ્રતિ દિવસ 12 કલાક કામ કરી રહ્યા છીએ."

તેઓ કહે છે, "રાષ્ટ્રીય સુરક્ષા માટે વડા પ્રધાન ચોકીદારી કરે છે. એ દીશામાં તેમણે ખૂબ જ પૈસા ખર્ચ કર્યા છે."

"જોકે, બેરોજગારી અને ગરીબી તેઓ ખતમ કરી શક્યા નહીં. જ્યાં સુધી ઠેકેદારની પ્રથા ખતમ નહીં થાય, ચોકીદાર ગરીબ જ રહેશે, તેમની મહેનતની લૂંટ થતી રહેશે."

જ્યારે ગજરાજ આ બધું બોલી રહ્યા હતા, ત્યારે પાસે બેઠલા તેમની કંપનીના એરિયા મૅનેજરના ચહેરાના ભાવ બદલી રહ્યા હતા.

તેઓ તેને વચ્ચે રોકી દેવા માગતા હતા, કેમ કે ગજરાજ જે પ્રથાને હટાવવાની માગ કરતા હતા, તેમનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે.

line

સુરક્ષા ગાર્ડનું વેતન વધારવાનો વાયદો

ચોકીદાર

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે સપ્ટેમ્બર 2016માં કહ્યું હતું કે સરકાર સુરક્ષા ગાર્ડોને કૌશલ કર્મચારીઓની શ્રેણીમાં લાવવા પર વિચાર કરી રહી છે અને એવું કરવા પર તેમનું ન્યૂનતમ વેતન 15 હજાર રૂપિયા પ્રતિ મહિના થઈ જશે.

એ સિવાય સશસ્ત્ર ગાર્ડ અને સુપરવાઇઝરને વધારે કૌશલ ધરાવતા શ્રમિક માનવા અને તેમના વેતનને ઓછામાં ઓછું 25,000 રૂપિયા કરવાનો વાયદો પણ સરકારે કર્યો હતો.

એક અનુમાન પ્રમાણે, ભારતમાં પચાસ લાખથી વધારે સિક્યૉરિટી ગાર્ડ છે.

વડા પ્રધાને પોતાનો ચોકીદાર તો કહી દીધા, પરંતુ ચોકીદારોને કરવામાં આવેલા વાયદાઓ પૂરા થવાના હજી બાકી છે.

અમે સુરક્ષા ગાર્ડોની હાલત વિશે નોઇડામાં તહેનાત ડેપ્યુટી લેબર કમિશનર પ્રદીપ કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, અમારા કોઈ પણ સવાલોના જવાબ આપવાનો તેમણે ઇનકાર કરી દીધો હતો. અમે લેખિતમાં પણ સવાલ મોકલ્યા હતા, જેનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો