ન્યૂઝીલૅન્ડ : ક્રાઇસ્ટચર્ચમાં હુમલા બાદ PM જૈસિંડાની દરિયાદિલી આ રીતે સમગ્ર વિશ્વમાં છવાઈ

મહિલાને ગળે મળતાં ન્યૂઝીલૅન્ડનાં પીએમ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા "આતંકવાદી" હુમલાએ જ્યાં સમગ્ર દુનિયાને દુઃખી કરી, ત્યાં એક તસવીર એ નકારાત્મકતામાં સકારાત્મકતાની આશા જગાવી રહી છે.

આ તસવીર છે દેશનાં વડાં પ્રધાન જૈસિંડા અર્ડર્નની. દેશમાં મુસ્લિમો અને પ્રવાસીઓ વિરુદ્ધ ભડકી રહેલી નફરત વચ્ચે અર્ડર્ને હુમલામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારો સાથે મુલાકાત કરી અને દુનિયાના રાજકારણને માનવતાનો સંદેશ આપ્યો.

તેઓ મુસ્લિમ પરિવારો પાસે હિજાબમાં પહોંચ્યાં, તેમને ગળે મળ્યાં અને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમનો ચહેરો ઉદાસ હતો, આંખમાં દુઃખ છલકાઈ રહ્યું હતું.

તેમની એ તસવીરે દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું. ટ્વિટર પર લોકો તેમને "આતંકવાદ દરમિયાન સકારાત્મક રાજકારણનો ચહેરો" ગણાવી રહ્યાં છે.

ઘણાં લોકો દુનિયાના દક્ષિણપંથી નેતાઓને તેમની પાસેથી કરુણા અને પ્રેમનો પાઠ શીખવાની સલાહ આપી રહ્યાં છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

કામકાજી મહિલાઓને સંદેશ

એક વ્યક્તિને ગળે મળતાં ન્યૂઝીલૅન્ડનાં પીએમ

ઇમેજ સ્રોત, Getty Images

પીડિત પરિવારો સાથે મુલાકાત બાદ વડાં પ્રધાન અર્ડર્ને કહ્યું, "અમે વિવિધતા, કરુણા અને દયાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. આ દેશ તેમનું ઘર છે, જે અમારા મૂલ્યોને માને છે. આ એ શરણાર્થીઓનું ઘર છે, જેમને તેની જરુર છે."

તેમનાં આ નિવેદન બાદ તેઓ ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.

આ પહેલા તેઓ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર ત્યારે બન્યાં હતાં, જ્યારે તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં વડાં પ્રધાન પદ સંભાળતાં પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. તેઓ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પોતાનાં ખોળામાં દીકરીને લઈને સામેલ થયાં હતાં.

તેમણે સમગ્ર દુનિયામાં કામ કરતી મહિલાઓને સંદેશ આપ્યો કે તેઓ કામ અને મા તરીકેની ભૂમિકા સંભાળી શકે છે.

જુલાઈ 2017માં અર્ડર્નનો વિપક્ષી નેતાના રુપમાં જ્યારે પહેલો દિવસ હતો ત્યારે તેઓ એક ટીવી શોમાં ગયાં હતાં.

એ શોના હોસ્ટે અર્ડનને પૂછ્યું હતું કે તેઓ કારકિર્દી અને બાળકમાંથી પહેલા કોને પસંદ કરશે?

એ સમયે અર્ડર્ને કહ્યું હતું, "આ એક મહિલા પર નિર્ભર કરે છે કે તે ક્યારે બાળક ઇચ્છે છે. એ નક્કી કરવું જોઈએ કે જો મહિલા નોકરી કરી રહી છે તો તેને પ્રેગનેન્ટ થવાની તક મળશે નહીં."

લાઇન
લાઇન

કોણ છે જૈસિંડા અર્ડર્ન

બાળક સાથે ન્યૂઝીલૅન્ડનાં પીએમ

ઇમેજ સ્રોત, Getty Images

જૈસિંડા અર્ડર્ન ઓક્ટોબર 2017માં ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન બન્યાં હતાં. ગત વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં અર્ડર્નની લેબર પાર્ટી બીજા સ્થાન પર રહી હતી.

ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળી ન હતી અને તેમણે ન્યૂઝીલૅન્ડ ફર્સ્ટ પાર્ટીના નેતા વિંસ્ટન પીટર્સના સમર્થનથી સરકાર બનાવી હતી.

પાકિસ્તાનનાં બેનઝીર ભૂટ્ટો બાદ અર્ડર્ન દુનિયાનાં બીજા એવાં વડાં પ્રધાન રહ્યાં છે, જેમણે પદ પર રહેતાં બાળકને જન્મ આપ્યો છે.

ગત વર્ષે 21 જૂનના રોજ અર્ડર્ને પોતાનાં દીકરી નીવને જન્મ આપ્યો હતો.

જ્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં સામેલ થવા ન્યૂયૉર્ક ગયાં હતાં, ત્યારે તેમની દીકરી માત્ર ચાર મહિનાની હતી.

ત્યાં તેમને ઘણી અનિચ્છનીય સલાહ મળી હતી.

અર્ડર્ને કહ્યું હતું, "મને ઘણી બધી સલાહ મળી છે. મને ખબર નથી કે હું તેનું શું કરીશ. જોકે હું સલાહ આપવાવાળા લોકોનો ધન્યવાદ વ્યક્ત કરવા માગું છું."

લાઇન
લાઇન

રાજકારણમાં પ્રવેશ

ન્યૂઝીલૅન્ડનાં પીએમ

ઇમેજ સ્રોત, Getty Images

જે ઉંમરમાં સામાન્ય યુવતીઓ નોકરીના સપનાં જુએ છે, જૈસિંડા અર્ડર્ન એ ઉંમરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો.

28 વર્ષની ઉંમરમાં તેમણે ન્યૂઝીલૅન્ડની સંસદમાં પગ મૂક્યો હતો. કોઈએ એ વાતની કલ્પના પણ કરી ન હતી કે તેઓ દેશનાં વડાં પ્રધાનનું પદ સંભાળશે. પણ વર્ષ 2008થી તેમનું કદ વધતું જ ગયું.

ટીનેજર રહેતાં તેઓ દેશની લૅફ્ટ પાર્ટીઓ સાથે જોડાયાં હતાં.

તેઓ દેશનાં અંતિમ ડાબેરી વડાં પ્રધાન હેલન ક્લાર્કનાં કાર્યાલયમાં કામ કરતાં હતાં. આ સિવાય તેઓ બ્રિટનમાં ટોની બ્લેયરનાં નીતિ સલાહકાર પણ રહી ચૂક્યાં છે.

રાજકારણમાં તેમને શું વધારે આકર્ષે છે, એ મુદ્દે વાત કરતાં ક્યારેક અર્ડર્ને કહ્યું હતું, "ભૂખ સાથે સંઘર્ષ કરતા બાળકો અને જૂતાં વગરનાં પગે મને રાજકારણમાં આગળ આવવા માટે પ્રેરિત કરી હતી."

તેઓ પોતાનાં ચૂંટણી અભિયાનમાં આ અસમાનતાઓની વાત કરતાં હતાં.

તેમનાં રાજકારણ પર નજર રાખતા કોલિન જેમ્સે બીબીસીને કહ્યું હતું, "અર્ડર્નમાં આગળ વધવાની ક્ષમતા હતી."

"ઘણાં લોકો તેમને માત્ર એક સુંદર મહિલાના રુપમાં જોતાં હતાં. પરંતુ હું તેમની અંદર એક બુદ્ધિમાન મનુષ્ય જોતો હતો, જે વસ્તુઓ અંગે ઊંડાણથી વિચારે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો