ન્યૂઝીલૅન્ડ હુમલામાં ગુમ ગુજરાતીઓના પરિવારોની વ્યથા, 'કોઈની સાથે આવી દુર્ઘટના ના ઘટે'

ઇમેજ સ્રોત, VhoraFamily
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી અને દક્ષેશ શાહ
- પદ, નવી દિલ્હી અને ગોધરાથી
ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની એક મસ્જિદમાં કરાયેલા ગોળીબારમાં 49 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ ઘટના બાદ વડોદરાના પિતાપુત્ર ગુમ છે.
તેમના કુટુંબીજનના કહેવા પ્રમાણે મૃતકોની યાદીમાં પિતાપુત્ર બન્નેનાં નામ સામેલ છે.
ક્રાઇસ્ટચર્ચની 'અલ નૂર મસ્જિદ' અને 'લિનવૂડ મસ્જિદ'માં કરાયેલા ગોળીબાર બાદ વડોદરાના આરીફભાઈ વ્હોરા અને રમીઝ વ્હોરાની કોઈ ભાળ નહોતી મળી રહી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરીફભાઈના ભાઈ મોહસિનભાઈએ બન્નેનાં નામ મૃતકોની યાદીમાં હોવાનું જણાવ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી શકાઈ નથી.

'બન્ને ગુમ હતા અને ભત્રીજાનો ફોન આવ્યો'

ઇમેજ સ્રોત, EPA
બીબીસી સાથેની વાતચીતમાં આરીફભાઈના ભાઈ મોહસિનભાઈએ જણાવ્યું,
"ગોળીબારની ઘટના બાદ મારા ભાઈ અને મારો ભત્રીજો બન્ને ગુમ છે. મારા મોટા ભત્રીજાનો ફોન આવ્યો હતો, જેમણે બન્નેનાં નામ મૃતકોની યાદીમાં હોવાનું જણાવ્યું છે."
મૂળ વડોદરાના અને છેલ્લાં સાત-આઠ વર્ષથી ન્યૂઝીલૅન્ડમાં સ્થાઈ થયેલા રમીઝભાઈ ક્રાઇસ્ટચર્ચની એક ફૅકટરીમાં કામ કરતા હોવાનું પણ મોહસિનભાઈ જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરીફભાઈ વડોદરામાં વીમા એજન્ટ તરીકે કામ કરે છે.
મોહસિનભાઈ ઉમેરે છે, "મારા ભત્રીજાને ઘરે પુત્રીનો જન્મ થયો હોવાને કારણે આરીફભાઈ પત્ની સાથે 14મી ફેબ્રુઆરીએ ન્યૂઝીલૅન્ડ ગયાં હતાં."
"ગોળીબારની ઘટનાબાદ આરીફભાઈ અને રમીઝભાઈ બન્ને ગુમ હતા."
ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં કરાયેલા ગોળીબારમાં 49 લોકોનાં મૃત્યુ નીપજવાં ઉપરાંત 20 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

'કોઈ સાથે આવી દુર્ઘટના ના ઘટે'

ઇમેજ સ્રોત, Getty Images
ગોળીબાર કરનારો વ્યક્તિ 28 વર્ષનો ઑસ્ટ્રેલિયન નાગરિક હોવાનું ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને જણાવ્યું છે. મૉરિસને હુમલાખોરને 'અતિ દક્ષિણપંથી આતંકવાદી' ગણાવ્યો છે.
આ અંગે વાત કરતા મોહસિનભાઈ જણાવે છે, "અમારા જે જવાના હતા એ જતા રહ્યા. હવે દોષિતને સરકાર ફાંસીએ લટકાવી દે તો પણ અમારા સ્વજન થોડાં પરત આવવાનાં!"
"એમણે કોઈનું શું બગાડ્યું હતું કે એમની સાથે આવું થયું? કોઈએ કોઈને પણ નુકસાન ના પહોંચાડવું જોઈએ. અમે તો બસ દુઆ કરીએ છીએ કે દુનિયામાં શાંતિ અને સુમેળ જવાઈ રહે"
મોહસિનભાઈ ન્યૂઝીલૅન્ડ જઈ રહ્યા છે. ભારત સરકારે તેમના વિઝાની વ્યવસ્થા કરી આપી છે.
ગોળીબારની ઘટના બાદ આરીફભાઈ અને રમીઝભાઈની ભાળ મેળવવા માટે તેમના પરિવારે સરકાર પાસે મદદ માગી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ભરૂચના મૂસા વલી પટેલ હુમલાનો ભોગ બન્યા
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે મૂસા વલી પટેલ પણ ન્યૂઝીલૅન્ડના હુમલમાં ભોગ બન્યા છે હૉસ્પિટલમાં ખસેડાયા છે.
તેમને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગુજરાતના ભરૂચના મૂસા વલી સુલેમાન પટેલના ભાઈ હાજી અલી પટેલે એએનઆઈને જણાવ્યું કે તેમના ભાઈ શુક્રવારે પોતાના પરિવાર સાથે મસ્જિદમાં નમાજ માટે ગયા હતા, જ્યાં હુમલામાં તેમને ગોળીઓ લાગી હતી.

હુમલાખોરે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો

ઇમેજ સ્રોત, REUTERS
મસ્જિદ પર હુમલો કરવાના આરોપસર હુમલાખોરને હત્યાના આરોપમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જે બાદ તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને ફરીથી તેને 5 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
તેમણે એ પણ કહ્યું કે હુમલો ખૂબ જ આયોજનપૂર્વક કરવામાં આવ્યો હતો અને હુમલાખોર પાસે બંદૂક રાખવા માટેનું લાઇસન્સ હતું. હુમલા વખતે તેણે કુલ પાંચ બંદૂકનો ઉપયોગ કર્યો હતો.
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું કે શુક્રવારના રોજ થયેલા હુમલા બાદ દેશમાં બંદૂક રાખવાના સંબંધી કાયદાઓમાં બદલાવ કરવામાં આવશે.
પોલીસ તપાસ વિશે તેમણે કહ્યું કે આ મામલામાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે લોકોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બંનેના અત્યારસુધી કોઈ ગુનાહિત રેકૉર્ડ સામે આવ્યા નથી.
આ તમામની વચ્ચે ધરપકડ કરાયેલી એક હથિયારબંધ વ્યક્તિને છોડી દેવામાં આવી છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ પોલીસની મદદ કરવાની કોશિશ કરી રહી હતી.


'એવું લાગ્યું જાણે ઇલેક્ટ્રિક શોક છે'

ઇમેજ સ્રોત, Getty Images
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર લોકો હુમલાખોરથી બચવા માટે ભાગી રહ્યા હતા.
'ન્યૂઝીલૅન્ડ હેરાલ્ડ' સાથે વાત કરતા મોહન ઇબ્રાહીમે જણાવ્યું, "પહેલાં અમને લાગ્યું કે ઇલેક્ટ્રિક શોક છે, પણ પછી લોકોએ ભાગવાનું શરૂ કરી દીધું."
"મારા મિત્રો હજી પણ અંદર છે."
"હું મારા મિત્રોને ફોન કરવાની કોશિશ કરું છું, પણ હજી ઘણાનો સંપર્ક થઈ શક્યો નથી. મને તેમની ચિંતા થાય છે."
આ ગોળીબાર થયો તે અલ નૂર મસ્જિદ મધ્ય ક્રાઇસ્ટચર્ચ વિસ્તારમાં હૅગલે પાર્ક પાસેના ડીન ઍવન્યૂ પાસે આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














