મનોહર પર્રિકર ગુજરાતમાં કરેલી તરબૂચની વાત શું હતી?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મનોહર પર્રિકર સંરક્ષણ પ્રધાન તરીકે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે પોતાના ગામની એક વાર્તા કહી હતી, જેના દ્વારા તેમણે શિક્ષણ વ્યવસ્થા અને સંશોધનનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
2016માં વડોદરામાં ફેડરેશન ઑફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં પર્રિકરે કહેલી 'તરબૂચની વાર્તા' તેમની ફેવરિટ વાર્તા હતી.
આ વાર્તા ભિન્ન સંદર્ભમાં પહેલાં અને પછી પણ મંચ ઉપરથી કહી હતી.
ગોવામાં તેમના પૈત્તૃક ગામ સાથે જોડાયેલી એ વાર્તામાં શિક્ષકો, પ્રાધ્યાપકો અને ઉદ્યોગ સાહસિકો માટે એક બોધ હતો.

તરબૂચની વાર્તા

ઇમેજ સ્રોત, The India Today Group
પ્રભુ મનોહર પર્રિકરનો પરિવાર મૂળતઃ ગોવાના પરા ગામના હતા, એટલે તેઓ 'પર્રિકર' તરીકે ઓળખાતા.
આ ગામનાં તરબૂચ સમગ્ર ગોવામાં વિખ્યાત હતાં. મોટા અને સ્વાદિષ્ટ હોવાને કારણે તેની વ્યાપક માગ રહેતી.
મે મહિનામાં તરબૂચની સિઝન ખતમ થવા ઉપર હોય એટલે પરામાં તરબૂચનું વાવેતર કરતો ખેડૂત ગામનાં બાળકોને તરબૂચ ખાવા માટે ખેતરે બોલાવતો, ત્યારે તહેવાર જેવો માહોલ રહેતો.
બાળકો ઇચ્છે એટલાં તરબૂચ ખાઈ શકતાં, પરંતુ એક શરત હતી, 'તરબૂચનાં બિયાં પાસેના પાત્રમાં કાઢવાં.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ અરસાને યાદ કરતા પર્રિકર કહેતા કે 'મોટો થયો પછી ખબર પડી કે અમે તો તેના માટે પગાર વગરનાં બાળ મજૂર હતાં.'
ખેડૂત આ રીતે મફતમાં બિયારયણ કઢાવી લેતો, કારણ કે જો શ્રમિકને રાખે તો તરબૂચના ભાવ કરતાં બમણી મજૂરી ચૂકવવી પડે.
મોટા તરબૂચનાં બિયાંનો ઉપયોગ ખેતરમાં બિયારણ તરીકે થતો, એટલે તેની ઊપજમાં પણ મોટા કદનાં તરબૂચ થતાં, આ રીતે ક્રમ જળવાય રહેતો.

અચાનક તરબૂચ લુપ્ત થઈ ગયાં

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારબાદ મનોહર પર્રિકર આઈઆઈટી (ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી)માં અભ્યાસ કરવા માટે મુંબઈ ગયા.
લગભગ સાડા છ વર્ષ પછી ગોવા પરત ફર્યા અને 'પરાનાં તરબૂચ' માગ્યાં તો માલૂમ પડ્યું કે હવે એ તરબૂચ આવતા બંધ થઈ ગયાં હતાં.
એ ઘટનાક્રમને યાદ કરતા પર્રિકરે કહ્યું હતું, "આ સાંભળીને મને આઘાત લાગ્યો, કારણ કે માત્ર છ સાત વર્ષનો ગાળો હતો."
"મેં ઊંડાણપૂર્વક તપાસ કરવાનું નક્કી કર્યું. પરામાં પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે એ ખેડૂતનો દીકરો પણ તરબૂચ ખાવા માટે દર વર્ષે બાળકોને બોલાવતો હતો."
"પરંતુ વધુ પૈસા મળે તે માટે ખેડૂતનો દીકરો બાળકોને નાનાં તરબૂચ આપતો અને મોટા તરબૂચની નિકાસ કરી દેતો કે બજારમાં વેચી નાખતો."
"જેના કારણે તરબૂચ નાનાં થવાં લાગ્યાં અને પાંચ-સાત વર્ષમાં તેનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું."

શિક્ષકો માટે બોધ

ઇમેજ સ્રોત, Getty Images
પર્રિકર કહેતા,"બુઝુર્ગ ખેડૂતે આગામી પેઢી માટે 'ઉત્તમ બિયારણ' સાચવીને રાખ્યું, પરંતુ પૈસાની લાલચમાં તેના દીકરાએ બિયારણનું નિકંદન કાઢી નાખ્યું, તેનું કદ ઘટી ગયું."
"આ તરબૂચની વાત હતી, તેનો પાક એક વર્ષનો હોય છે. એટલે સાત-આઠ વર્ષમાં ખબર પડી, પરંતુ આથી વધુ ગંભીર બાબત આવનારી પેઢી સંદર્ભે થઈ શકે છે."
"જો માણસોની વાત કરીએ તો એક પેઢી 25 વર્ષની હોય છે. આજે આપણે તેમના ઘડતર અને શિક્ષણ પાછળ ધ્યાન નહીં આપીએ તો 200 વર્ષ પછી થયેલાં નુકસાનનું ભાન થશે."
"આ બાબતને ધ્યાને રાખીને આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં સુધાર કરવાની જરૂર છે, આપણે સંશોધનવૃત્તિ ઉપર ભાર મૂકવાની જરૂર છે."

મોટો નફો, નાનું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
એક પત્રકાર સાથે વાત કરતા પર્રિકરે કહ્યું હતું કે તમને ખબર છે કે 'ખેડૂત શા માટે તરબૂચ ખાવા દેતો?'
તરબૂચ ખવાય જતાં પરંતુ બિયારણ 'ઘરમાં જ' રહેતું, પરંતુ દીકરાની લાલચને કારણે સમય જતાં તેના તરબૂચનાં બિયારણનું નિકંદન નીકળી ગયું.
પર્રિકર કહેતા કે 'ક્યારેક ભવિષ્યનો મોટો નફો મેળવવા માટે મેળવવા માટે નાનું નુકસાન વેઠવું પડે.'
બાપ ગામનાં બાળકોને તરબૂચ ખાવા દેતો અને તેનાં બિયાં ખેતરમાં થૂકાવી દેતો.
દીકરાને લાગતું કે તે આ રીતે તરબૂચનો વેડફાટ થઈ રહ્યો છે એટલે નિકાસ માટે તેણે આ પરંપરાને દબાણપૂર્વક અટકાવડાવી.
'તરબૂચની થિયરી' તો રહેશે, પણ એ વાર્તાને 'મનોહર' રીતે કહેતા 'પરા ગામના પર્રિકર' નહીં હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














