મનોહર પર્રિકરની એ અંતિમ ઇચ્છા જે અધૂરી રહી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
ગોવાના મુખ્યમંત્રી મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ પર્રિકરના નિધન બાદ ગોવાના મુખ્યમંત્રી કોણ બનશે એ બાબત પર ચર્ચાઓ ચાલી રહી છે.
તેમના અવસાન સાથે ગોવા જેવા એક નાના રાજ્યની ગઠબંધન સરકાર પર પણ સંકટનાં વાદળ ઘેરાવાં લાગ્યાં છે.
પર્રિકર કેન્દ્રના રક્ષા મંત્રી પદેથી રાજીનામું આપીને માર્ચ 2017માં ચોથી વખત ગોવાના મુખ્ય મંત્રી તરીકે પોતાના રાજ્યમાં પરત ફર્યા હતા.
જોકે, હાલ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમના પછી હવે રાજ્યના મુખ્ય મંત્રી કોણ બનશે, પરંતુ પર્રિકરે પહેલા જ જાહેર કરી દીધું હતું કે તેમનો અંતિમ કાર્યકાળ છે અને તેઓ હવે ચૂંટણી લડશે નહીં.
તેમણે એક ટીવી ચેનલને એક વખત કહ્યું હતું, "હું મારા જીવનનાં અંતિમ દસ વર્ષ પોતાના માટે જીવવા માગું છું."
"મેં રાજ્યને ઘણું પરત આપ્યું છે. હું આ કાર્યકાળ પછી ચૂંટણી નહીં લડું કે ચૂંટણી પ્રક્રિયાનો ભાગ નહીં બનું. ભલે મારા પર પાર્ટી તરફથી ગમે તેટલું દબાણ આવે."

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, પર્રિકરની આ અંતિમ ઇચ્છા અધૂરી રહી ગઈ. આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
કેન્દ્ર સરકારે તેમના અવસાન પર રાષ્ટ્રિય શોકની જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યની રાજનીતિથી તેઓ બે વર્ષ દૂર રહ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી તેમણે કેન્દ્રમાં રક્ષા મંત્રી બનવાનું પસંદ કર્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

1989માં ભાજપને 1 ટકા મત પણ નહોતા મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images
માપુસાના ગૌર સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં પર્રિકર શરૂઆતના સમયમાં જ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘમાં જોડાઈ ગયા હતા.
તેમણે આઈઆઈટી બૉમ્બેમાં મૅટલર્જીમાં ડિગ્રી મેળવી તેમજ ગોવામાં જ ન્યૂમૅટિક પંપ બનાવવાની ફૅક્ટરી શરૂ કરી.
1980ના દશકમાં જ્યારે ભાજપ ગોવા અંગે ગભીર થયું, તો તેમણે સંઘ પાસે કેટલીક કૅડર માગી. સંઘે પર્રિકર અને લક્ષ્મીકાંત પારસેકરને ભાજપમાં મોકલ્યા.
1961માં પોર્ટુગલમાંથી આઝાદ થયા બાદ ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીનું શાસન હતું. જે ત્યાંની સ્થાનિક પછાત જાતિઓમાં લોકપ્રિય હતી.
લક્ષ્મીકાંત પારસેકરનો પરિવાર પણ એમજીપીનો કટ્ટર સમર્થક હતો પરંતુ પારસેકરે અલગ માર્ગ પસંદ કર્યો.
1989માં જ્યારે ભાજપ ચૂંટણીમાં ગયો તો તેને એક ટકાથી પણ ઓછા મત મળ્યા.
પરંતુ રાજકીય સૂઝબૂઝ અને સંગઠન શક્તિની તાકાતથી પર્રિકરે દસ જ વર્ષમાં પાર્ટીને સત્તા પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા નીભાવી હતી.

ખોદકામ અને ખેડૂતોનો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા. તેના થોડા જ દિવસો પહેલાં તેમણે પોતાના લ્યૂકીમિયાથી પીડિત પત્નીને ગુમાવ્યાં હતાં.
એક ઇમાનદાર અને મહેનતુ નેતા તરીકેની તેમની છાપ સત્તામાં પરિવર્તન લાવવા માટે ઉપયોગી સાબિત થઈ.
અડધી બાંયનો શર્ટ અને પગમાં સૅન્ડલ તેમની સાદગીનાં પ્રતિકો બની ગયાં હતાં પરંતુ તેમની ચૂપચાપ કામ કરવાની શૈલી આ બધાથી વિશેષ હતી.
આ દરમિયાન માર્ગો બન્યા, પાણી અને વીજળીની ખેંચમાં પણ સુધારો થયો, તેમનાં આ શરૂઆતનાં વર્ષોમાં તેમણે ઘણી સામાજિક કલ્યાણની યોજનાઓની પણ શરૂઆત કરી.
તેમણે વિપક્ષમાં રહીને પણ કૉંગ્રેસના દિગ્મ્બર કામતની સરકારના માંડવી નદીમાં કૅસિનોના મુદ્દે બૅકફૂટ જવા મજબૂર કરી દીધી.
રાજ્યમાં ગેરકાયદેસર ખોદકામ મુદ્દે જીત હાંસલ થઈ, કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો. આ દરમિયાન કૅસિનોનો મુદ્દો ચાલતો રહ્યો.



અડવાણી સાથે સંબંધો

ઇમેજ સ્રોત, Reuters
છેલ્લી લોકસભાની ચૂંટણીઓના થોડા જ વખત પહેલાં 2013માં અસમંજસમાં રહેલી પાર્ટીની કાર્યકારી સમિતિ સમક્ષ ગુજરાતના તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નામનો ચૂંટણી પ્રમુખ તરીકે પ્રસ્તાવ આગળ ધર્યો. જેના કારણે પર્રિકર ચર્ચામાં આવ્યા.
જોકે, તે વખતે નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનના અધ્યક્ષ બનાવવા બાબતે લાલકૃષ્ણ અડવાણીનો વિરોધ હતો.
પર્રિકર અને અડવાણીના સંબંધો બહુ સારા નહોતા. 2009માં પર્રિકરે અડવાણી અંગે કહ્યું હતું કે તેઓ 'વાસી' અને 'સડી રહેલાં અથાણાં જેવા છે. જેમની રાજકીય ઇનિંગ પૂરી થઈ ગઈ છે.'
આ વાત તેમણે કોકણી ભાષાની ન્યૂઝ ચૅનલને કહી હતી. તેમનો મત હતો કે હવે નવી ઉંમરના લોકોને નેતૃત્વ સોંપવું જોઈએ.
આખરે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો.
ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર સત્તા પર આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ મનોહર પર્રિકરને ગોવાનું મુખ્ય મંત્રી પદ છોડીને કૅબિનેટમાં સમાવવાની ઑફર કરી.
તેમને રક્ષામંત્રી તરીકેની જવાબદારી સંભાળવાનું કહેવામાં આવ્યું.
કૅબિનેટમાં એક એવા ચહેરાની જરૂર હતી જે લાંબા સમયથી લટકેલાં મંત્રાલયના ઘણા નિર્ણયોનો જલદીથી નિવેડો લાવી શકે.
એક કટ્ટર રાષ્ટ્રવાદી પર્રિકર આ ભૂમિકા માટે ફિટ હતા.
રક્ષામંત્રી તરીકે તેમણે સૌથી પહેલાં હથિયારો અને સુરક્ષાને લગતા સામાનની ખરીદી પ્રક્રિયા સરળ બનાવી.
જ્યારે પર્રિકર કેન્દ્રમાં ગયા તો ગોવામાં તેમના સ્થાને પારસેકરને મુખ્ય મંત્રી બનાવાયા પરંતુ ત્યાર બાદ પાર્ટીને ચૂંટણીમાં નુકસાન થયું.
ભાજપને 2017ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 13 બેઠકો મળી શકી. પર્રિકર વિના ભાજપને જનતાનું વધુ સમર્થન મળ્યું નહીં.
પર્રિકર નૈતિક જવાબદારી સમજીને ગોવા પરત ફર્યા પરંતુ પરસ્પર વિરોધી હિતોવાળી પાર્ટીઓનું એક મેળ વિનાનું ગઠબંધન બન્યું.
પર્રિકર આ ગઠબંધનના જોડાઈ રહેવાનું એક માત્ર કારણ હતા.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે તેમને અચાનક હૉસ્પિટલમાં ભરતી કર્યા તો લોકોએ અટકળો લગાવવાની શરૂ કરી દીધી કે પર્રિકરનું સ્થાન કોણ લેશે.
તેઓ જીવીત હતા ત્યાં સુધી તો આ વાત સ્પષ્ટ હતી કે તેમનું સ્થાન કોઈ લઈ શકવાનું નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














