JNUના ગુમ થયેલા વિદ્યાર્થી 'નજીબ અહેમદની વાઇરલ તસવીર'નું સત્ય શું છે?

IS

ઇમેજ સ્રોત, REUTERS

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર કેટલાક હથિયારબદ્ધ લડાકુઓની એક તસવીર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે આ લડાકુઓ વચ્ચે બેઠેલી એક વ્યક્તિ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના ગૂમ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદ છે.

જે લોકોએ આ તસવીર શૅર કરી છે, તેમનું કહેવું છે કે જેએનયૂના વિદ્યાર્થી નજીબ અહેમદ કથિત ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં જોડાઈ ગયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ જ્યારે #MainBhiChowkidar નામથી સોશિયલ મીડિયા કૅમ્પેઇન શરૂ કર્યું હતું ત્યારે વડા પ્રધાન મોદીને સૌથી તીખો સવાલ જેએનયૂમાંથી ગૂમ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદનાં માતા ફાતિમા નફીસે જ પૂછ્યો હતો.

તેમણે ટ્વીટ કરીને વડા પ્રધાન મોદીએ પૂછ્યું, "જો તમે ચોકીદાર છો તો મારો દીકરો ક્યાં છે?

એબીવીપીના આરોપીઓની ધરપકડ કેમ થઈ રહી નથી? મારા દીકરાની શોધમાં દેશની ત્રણ ટૉપ એજન્સી નિષ્ફળ કેમ થઈ ગઈ?"

ફાતિમાનું ટ્વીટ

ઇમેજ સ્રોત, TWITTER/@FATIMANAFIS1

તેમનાં આ ટ્વીટના સમાચારમાં આવ્યા બાદ દક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક ગ્રૂપ્સમાં, શૅર ચેટ અને વૉટ્સએપ પર એક જૂની તસવીર ઝડપથી શૅર કરવામાં આવી છે જેમાં નજીબ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ વાઇરલ તસવીર વર્ષ 2018ના શરુઆતમાં પણ આ જ દાવા સાથે શૅર કરવામાં આવી હતી.

વાઇરલ પોસ્ટ

ઇમેજ સ્રોત, SM VIRAL POST

બીબીસીના ઘણા વાચકોએ પણ વૉટ્સએપની મદદથી ફેક્ટ ચેક ટીમને આ તસવીર અને તેની સાથે જોડાયેલો સંદેશ મોકલ્યો છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

વાઇરલ તસવીરની તપાસ

વાઇરલ પોસ્ટ

ઇમેજ સ્રોત, SM VIRAL POST

ઇમેજ કૅપ્શન, બીબીસીના વાંચકો આ વાઇરલ સંદેશોની હકીકત જાણવા માગતા હતા

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ તસવીર જેએનયૂના ગુમ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદની હોઈ શકે નહીં.

ધ્યાનથી જોવામાં આવે તો નજીબ અહેમદ અને વાઇરલ તસવીરમાં દેખાતા વ્યક્તિના ચહેરામાં જરા પણ સમાનતા જોવા મળતી નથી.

વાઇરલ તસવીર સાથે જોડાયેલા તથ્ય નજીબ અહેમદના આ તસવીરમાં હોવાના બધા જ દાવાને ખોટા સાબિત કરી દે છે.

ગુમ થયેલા નજીબની તસવીર

નજીબ અહેમદ 14 ઑક્ટોબર 2016ની રાત્રે જેએનયૂની હૉસ્ટેલમાંથી ગુમ થયા હતા. જ્યારે વાઇરલ તસવીર 7 માર્ચ 2015ની છે.

આ તસવીર ઇરાકના 'અલ-અલમ' શહેર પાસે આવેલા તાલ કસીબા નામની જગ્યાએ લેવામાં આવી હતી.

આ તસવીર આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રૉયટર્સના ફોટોગ્રાફર તાહિર અલ સૂદાનીએ લીધી હતી.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર તસવીરમાં દેખાતા હથિયારબદ્ધ લોકો ઇસ્લામિક સ્ટેટના લડાકૂઓ નથી, પરંતુ ઇરાક સિક્યોરિટી ફૉર્સની મદદ કરતા શિયા લડાકૂઓ છે.

જે દિવસે આ તસવીર લેવામાં આવી હતી, એ જ દિવસે ઇરાકી સિક્યોરિટી ફૉર્સે ઇસ્લામિક સ્ટેટના નિયંત્રણ વાળા તિકરિત શહેરમાં ચાલી રહેલા એક મોટા અભિયાનમાં જીત પ્રાપ્ત કરી હતી અને તેના પર કબજો મેળવી લીધો હતો.

2 એપ્રિલ 2015ના રોજ ઇરાકી સુરક્ષાબળોએ ઔપચારિક ઘોષણા કરી હતી કે ઇરાકના તિકરિત શહેરને ISના કબજાથી સંપૂર્ણપણે મુક્ત કરી લેવાયું છે.

લાઇન
લાઇન

29 મહિનાથી ગુમ છે નજીબ

શિયા લડાકૂ

ઇમેજ સ્રોત, Reuters

આશરે બે વર્ષ સુધી ચાલેલી શોધખોળ અને તપાસ બાદ કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)એ દિલ્હીની જેએનયૂથી ગુમ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદનો કેસ ઑક્ટોબર 2018માં બંધ કરી દીધો હતો.

તે સમયે નજીબનાં માતા ફાતિમા નફીસે સીબીઆઈની કાર્યપ્રણાલી પર સવાલ ઊભા કરતાં કહ્યું હતું કે તેઓ પોતાની લડાઈ ચાલુ રાખશે અને જરુર પડતા સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખટખટાવશે.

સમાચાર એજન્સી પીટીઆઈના આધારે અધિકારીઓનું કહેવું હતું કે નજીબ અહેમદને શોધવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા પણ કોઈ પરિણામ ન મળતા સીબીઆઈએ કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

નજીબ 14 ઓક્ટોબર 2016થી ગુમ છે. 14 ઓક્ટોબરની રાત્રે જેએનયૂની માહી માંડવી હૉસ્ટેલમાં કેટલાંક વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જ્યારબાદ નજીબની કોઈ જાણકારી મળી નથી.

નજીબના ગુમ થવા પર પોલીસે આઈપીસીની ધારા 365 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2017માં દિલ્હી હાઈ કોર્ટે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો