અમેઠીમાં ગાંધી પરિવારને હરાવવાનું લક્ષ્ય ભાજપ માટે કેટલું સરળ?

મોદી અમેઠીમાં

ઇમેજ સ્રોત, TWITTER/@NARENDRAMODI

    • લેેખક, સમીરાત્મજ મિશ્રા
    • પદ, અમેઠીથી, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન રવિવારે કૉંગ્રેસનો ગઢ ગણાતા અમેઠી મત વિસ્તારમાં ઘણી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીએ અમેઠીમાં એકે-203 રાઇફલ માટે પ્લાન્ટ નાંખવાની જાહેરાત કરી છે.

તે ઉપરાંત એક જાહેર સભા પણ સંબોધી હતી અને કૉંગ્રેસ તથા ગાંધી પરિવાર પર ચાબખા પણ કર્યા હતા. વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ વાયદાઓ પૂરા ન કર્યા હોવાનું પણ તેમણે ભાષણમાં કહ્યું હતું.

રાયબરેલી બાદ મોદી હવે કૉંગ્રેસની બીજી સૌથી મહત્ત્વની બેઠક તરફ નજર દોડાવી રહ્યા છે. કાર્યક્રમની તૈયારીઓની તપાસ કરવા સ્મૃતિ ઈરાની શનિવારે જ અમેઠી પહોંચી ગયાં હતાં.

ભાજપે અમેઠી બેઠકથી સ્મૃતિ ઈરાનીની ઉમેદવાર તરીકે જાહેરાત હજી સુધી કરી નથી પણ એવું લાગી રહ્યું છે કે તેમને જ ઉમેદવાર બનાવવામાં આવશે.

સ્મૃતિ ઈરાની છેલ્લી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધી સામે એક લાખ કરતાં વધુ મતથી હારી ગયાં હતાં. છતાં તેઓ સતત અમેઠીની મુલાકાત લેતાં રહ્યાં છે અને લોકોને મળતાં રહ્યાં છે.

સ્મૃતિ ઇરાની - અમેઠી

ઇમેજ સ્રોત, AFP

કુંભ મેળા દરમિયાન હજારો લોકો માટે મહાકુંભના દર્શન કરવા માટે અમેઠીથી મફત બસ સેવા શરૂ કરી હતી.

સરકારી યોજનાઓનો લાભ અમેઠીવાસીઓને મળે તેવા સ્મૃતિ ઇરાનીના પ્રયત્નો રહ્યા છે. જો ભાજપના લોકોની વાત માનવામાં આવે તો ઘણી યોજનાઓની અમેઠી માટે મંજૂરી મેળવવાં માટે તેઓ પોતે પ્રયત્ન કરે છે.

ભાજપના જિલ્લા અધ્યક્ષ દુર્ગેશ તિવારી કહે છે કે સ્મૃતિ ઈરાનીના આ કામોને કારણે જ અમે 2019માં ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ.

તેઓ કહે છે, "કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને કારણે અમે એક-એક માણસના ઘરના ચૂલા સુધી પહોંચી ચૂક્યા છીએ. જેમને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો તે લોકો ભાજપને ભૂલી શકશે નહીં."

"સ્મૃતિ દીદી દિવાળીમાં લોકોને ભેટ આપે છે, હરિદ્વાર અને કુંભની યાત્રા કરાવે છે, કુંભારોને નવા ચાકડા વહેંચ્યા, લોકોને મધમાખી પાલન કાર્ય સાથે જોડ્યા. તેમણે અમેઠીને પોતાનો પરિવાર માન્યો છે. તેથી અમેઠી પણ તેમને પોતાનાં માને છે."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
અમેઠીમાં ભાજપ

ઇમેજ સ્રોત, FACEBOOK

હકીકતમાં સ્મૃતિ ઈરાની એ દરેક કામ કરવાના પ્રયત્ન કરે છે, જેનાથી રાહુલ ગાંધી કે ગાંધી પરિવારના મહત્ત્વને નકારી શકાય. કામ કર્યાં બાદ તેઓ આ વાતનો અહેસાસ પણ કરાવતાં રહે છે.

અમેઠીમાં જો રાહુલ ગાંધી તરફથી વૉલીબૉલ કિટ વહેંચવામાં આવી તો સ્મૃતિ ઇરાનીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું.

સ્થાનિક પત્રકાર અસગર કહે છે, "ભાજપનો દાવો છે કે એક વર્ષમાં યોગી-મોદીની સરકારે 22 હજાર મકાન બનાવ્યાં. 123 આંગણવાડી કેન્દ્ર શરૂ કર્યાં. 550 ગામોને અંત્યોદય યોજના અંતર્ગત 1 લાખ 70 હજાર લોકોનાં કાર્ડ બન્યાં."

"સ્મૃતિ ઈરાનીએ 100 કુંભારોને ઇલેક્ટ્રિક ચાકડા આપ્યા. 50 મધમાખી પાલકોને 500 મધમાખી બૉક્સ આપ્યાં. આ એવાં કામ છે, જેનાથી ભાજપે લોકોનાં ઘર સુધી પહોંચીને તેમને ભાજપ સાથે જોડવાના પ્રયત્ન કર્યા છે."

વડા પ્રધાન મોદી આજે અમેઠીમાં લગભગ 5 હજાર કરોડની 17 યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું.

પરંતુ કૉંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે આ એ જ યોજનાઓ છે જે યૂપીએ સરકારે શરૂ કરી હતી.

અમેઠમાં ગાધી પરિવાર

ઇમેજ સ્રોત, Samiratmaj mishra

પાર્ટી નેતા ચંદ્રકાન્ત દુબે કહે છે, "રાહુલજીએ અહીં જે પણ યોજનાઓ સ્વીકૃત કરાવી એ લાંબા ગાળાની અને અમેઠીના સર્વાંગી વિકાસ પર આધારિત હતી. અહીંના લોકોને તેનો લાભ ન મળે તે માટે તેને રોકી રાખવામાં આવી હતી. હવે ચૂંટણી પહેલાં તેનો શિલાન્યાસ કરીને રાજકીય લાભ ઉઠાવવાની કોશિશ કરવામાં આવે છે."

અમેઠીને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, કારણ કે અહીંથી કૉંગ્રેસ માત્ર બે જ વખત હારી છે. એક વખત 1977માં જ્યારે રવીન્દ્રસિંહે પહેલી વખત ચૂંટણી લડતા સંજય ગાંધીને હરાવ્યા હતા અને બીજી વખત 1998માં ભાજપના ઉમેદવાર સંજયસિંહે કૉંગ્રેસના કૅપ્ટન સતીષ શર્માને હરાવ્યા હતા.

લાઇન
લાઇન

આ બે ઘટનાને બાદ કરતાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી આ સીટ પરથી 13 વખત જીતી છે. ગાંધી પરિવારનો કોઈ પણ સભ્યનો હંમેશાં મોટા અંતરથી વિજય થયો છે. સ્મૃતિ ઈરાની મોદી લહેરમાં પણ એક લાખ મતથી હારી ગયાં હતાં. તો શું આ વખતે તેઓ આ સીટ મેળવી શકશે?

વરિષ્ઠ પત્રકાર ઇમાતા વર્મા કહે છે, "અમેઠીમાં લોકો પોતાને ગાંધી પરિવારની બેઠકના મતદાર હોવા અંગે ગર્વ અનુભવે છે. તેઓ માને છે કે આ સીટના કારણે બહાર તેમની અલગ ઓળખ છે."

"બીજું, અમેઠીમાં વિકાસ વધુ થયો હોય કે ઓછો, પણ જે કંઈ થયું છે તેનો શ્રેય ગાંધી પરિવારને જ જાય છે. પાંચ વર્ષમાં એનડીએ સરકારે ત્યાં કોઈ ઉપલબ્ધિ હાંસલ કરી નથી. જેની તુલનામાં લોકો કૉંગ્રેસને ભૂલી જાય."

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, FB/Rahul Gandhi

"ત્યારે ગાંધી પરિવારના કોઈ પણ સભ્યની હાજરીમાં બીજો કોઈ પક્ષ ચૂંટણી જીતી શકે તેની શક્યતા ઓછી છે."

અમેઠીના વરિષ્ઠ લોકોનું કહેવું છે કે રાજીવ ગાંધી અને તેમના બાદ સોનિયા ગાંધીની પહોંચ ઘર-ઘર સુધી હતી. રાજીવ ગાંધી તો દરેક વ્યક્તિને નામથી ઓળખતા હતા.

તેઓ વારંવાર આ ગામોની મુલાકાતે જતાં હતાં. એટલું જ નહીં દિલ્હીમાં અમેઠીવાસીઓની સમસ્યાની સુનાવણી અને તેના નિવારણની વિશેષ વ્યવસ્થા થતી હતી.

સ્થાનિક લોકોના મતે, રાહુલ ગાંધીના જનસંપર્કની રીત તેમનાથી અલગ છે. એ જ રીતે સ્મૃતિ ઇરાની અને ભાજપે પણ એ જ રીતે લોકોના ઘર સુધી પહોંચવાની કોશિશ કરી છે, જે રીતે પહેલાં ગાંધી પરિવાર કરતો હતો.

જાણકારોના મતે, સ્મૃતિ ઈરાની ચૂંટણી હારવાં છતાં અમેઠીમાં વારંવાર જતાં રહ્યાં છે. જેથી તેઓ પાર્ટીને પણ પુરવાર કરી શકે કે આ બેઠક માટે તેઓ જ એક માત્ર ઉમેદવાર હોઈ શકે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ બાદ વડા પ્રધાનને ત્યાં આવવા આમત્રણ આપીને તેઓ એ પણ સાબિત કરી દેશે કે પાર્ટીના અગ્રણી નેતાઓનો તેમના પર હાથ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો