જ્યારે માસ્ટર સ્પાઈ અજિત ડોભાલ પાકિસ્તાનમાં મુસ્લિમ બનીને રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. એવું નથી કે મોદીના વડા પ્રધાન બન્યા બાદ ડોભાલ ભાજપની નજીક આવ્યા છે. ડોભાલને લાલકૃષ્ણ અડવાણી પણ બહુ મહત્ત્વ આપતા હતા.
કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ડોભાલ પર કોઈ નેતાની માફક નિશાન તાકી રહ્યા છે. ડોભાલની ઓળખાણ એક ચબરાક જાસૂસ અને સંરક્ષણ વિશેષજ્ઞ તરીકેની છે.
જોકે, તાજેતરમાં જ ભારત પર થયેલા આતંકવાદી હુમલા અને પડોશીઓ સાથે ખરાબ થયેલા સંબંધોને કારણે ડોભાલની નીતિઓ પર સવાલ પેદા થયા છે.
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ જ સપ્તાહે કહ્યું હતું કે પુલવામા હુમલાના દોષી મસુદ અઝહરને મસુદ અઝહરને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ જાતે જ વિમાનમાં કંદહાર(અફઘાનિસ્તાન) છોડી આવ્યા હતા.
જોકે, અધિકૃત રૅકૉર્ડ અનુસાર મસુદ અઝહર સહિત ત્રણ ઉગ્રવાદીઓને ભારતથી કંદહાર પહોંચાડનારું વિમાન દિલ્હીથી ઉડ્યું એ પહેલાંથી જ અજિત ડોભાલ(એ વખતે તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતા હતા) કંદહારમાં હાજર હતા.
કૉંગ્રેસના મીડિયા સૅલના પ્રમુખ રણદીપ સુરજેવાલાએ એક બાદ એક ટ્વીટ કરીને કહ્યું છે, "આંતકવાદ વિરુદ્ધની લડાઈમાં NSAના અજિત ડોભાલે કૉંગ્રેસ-UPA સરકારની નીતિઓને રાષ્ટ્રહિતમાં ગણાવી હતી. 'UPA સરકાર હાઈજેકિંગને લઈને કડક નીતિ લાવી છે- ના કોઈ રાહત કે ના આતંકવાદીઓ સાથે કોઈ વાતચીત.' ભાજપ સરકાર આ પ્રકારની હિંમત કેમ નથી દર્શાવી રહી?"

ઇમેજ સ્રોત, RANDEEP SURJEWALA @TWITTER

તમે આ વાંચ્યું કે નહીં?

અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, "જેવું કે એનએસએ અજિલ ડોભાલે કહ્યું હતું કે મસુદ અઝહરને મુક્ત કરવા એ રાજકીય નિર્ણય હતો. જો આ ભાજપ સરકારનો નિર્ણય હોય તો આ માટેની જવાબદારી કોણ લેશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, RANDEEP SURJEWALA @TWITTER
રણદીપ સુરજેવાલાએ વર્ષ 2010માં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં પ્રકાશિત એક લેખની લિંક પણ ટ્વીટ કરી છે.
પત્રકાર હૅરિંદર બાવેજાને આપેલા ઇન્ટરવ્યૂમાં અજિત ડોભાલ કહે છે કે, "કંદહાર હાઈજેક વખતે એમને ખ્યાલ આવી ગયો હતો કે મસુદ અઝહર અત્યંત મહત્ત્વનું નામ છે અને સુરક્ષા તેમજ ગુપ્ત જાણકારી અનુસાર તેમને મુક્ત કરવા એક ભૂલ હતી. આવું નહોતું થવું જોઈતું. જોકે, એક મોટા રાજનીતિજ્ઞ...આ નિર્ણય લેવાનું એનું કામ હતું."
જોકે, અન્ય એક સવાલના ઉત્તરમાં અજિત ડોભાલ કહે છે, "સુરક્ષાની દૃષ્ટિએ સરકારના તમામ નિર્ણયો માનવાના હોય છે. રાજનૈતિક સૂઝબૂઝ અને વ્યાપક રાષ્ટ્રહિતના આધાર પર જો આ નિર્ણય લેવાયો હોય તો સ્પષ્ટ છે કે તેને માનવો જ પડે."
આ વિવાદને ધ્યાનમાં લેતા 1999ની એ ઘટના પર નજર નાખીએ કે જ્યારે ભારતીય ઍરલાઇન્સના વિમાનનું અપહરણ કરાયું હતું. એ પણ જાણીએ એ વખતે તાલિબાન સાથે વાતચીત કરનારા ભારતીય દળમાં અજિત ડોભાલની શું ભૂમિકા હતી?

અજિત ડોભાલ - ચર્ચા શરૂ થઈ 1988થી

ઇમેજ સ્રોત, Satpal Danish
વાત 1988ની છે. સ્વર્ણમંદિર પાસે જ્યાં એક સમયે જરનૈલસિંગ ભિંડરાનવાલેનો પડ્યો બોલ ઝીલાતો હતો, ત્યાં અમૃતસરના લોકો અને ખાલિસ્તાની અલગતાવાદીઓએ એક રિક્ષાવાળાને બહુ જ તન્મયતાથી રિક્ષા ચલાવતા જોયો. રિક્ષાવાળો આ વિસ્તારમાં નવો જણાતો હતો.
આમ તે પણ કોઈ સામાન્ય રિક્ષાવાળા જેવો જ દેખાત હતો પણ તોય ખાલિસ્તાનીઓને તેના પર કંઈકકઈંક શંકા જવા લાગી હતી.
સ્વર્ણમંદિરની પવિત્ર દીવાલોની આસપાસના ગુપ્તચર પેંતરા તેના જવાબી પેંતરા વચ્ચે એ રિક્ષાવાળાને ખાલિસ્તાનીઓને એ વિશ્વાસ અપાવવા દસ દિવસ લાગી ગયા કે આઈએસઆઈએ તેને તેમની મદદ કરવા માટે મોકલ્યો છે.
ઑપરેશન 'બ્લેક થંડર'ના બે દિવસ પહેલાં એ રિક્ષાવાળો સ્વર્ણમંદિરની અંદર ઘૂસ્યો અને અલગતાવાદીની અસલી પૉઝિશન તેમજ સંખ્યા અંગે મહત્ત્વપૂર્ણ ગુપ્ત જાણકારી લઈને બહાર આવ્યો.
એ રિક્ષાવાળો બીજો કોઈ નહીં પણ ભારત સરકારના વર્તમાન સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હતા.
ગુપ્તચર તંત્રના વણલખાયેલા કાયદાનું પાલન કરતા ડોભાલને નજીકથી જાણનારા લોકો એ કહાણી સાંભળીને તુરંત જ કહી દે છે કે આ અંગે તેમને કોઈ જાણકારી નથી. જોકે, એ પણ સ્પષ્ટ વાંચી શકાય છે કે આને સાંભળીને તેમના ચહેરા પર એક ખાસ પ્રકારનું હાસ્ય રેલાઈ જાય છે.
બહુ ભાર આપતા અને નામ જાહેર ના કરવાની શરતે ઇન્ટેલિજન્સ બ્યુરો(આઈબી)ના એક પૂર્વ અધિકારી જણાવે છે, "આ ઑપરેશનમાં બહુ ભારે જોખમ હતું પણ આપણા સુરક્ષા જવાનોને ખાલિસ્તાનીઓની યોજનાનો ઢાંચો અજિત ડોભાલે જ ઉપલબ્ધ કરાવ્યો હતો. નકશા, હથિયારો અને છૂપાયેલા લડાકુઓની સટીક જાણકારી ડોભાલ જ બહાર લઈ આવ્યા હતા."
આવી જ રીતે 80ના દાયકામાં ડોભાલને કારણે જ ભારતીય ગુપ્તચર સંસ્થાઓ મિઝોરમમાં અલગતાવાદીઓના ટોચના નેતૃત્વને તોડવામાં સફળ રહી હતી અને ટોચના વિદ્રોહી નેતાઓએ ભારતીય સુરક્ષા એજન્સીઓ સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા.
ડોભાલ સાથે કામ કરી ચૂકેલા એક અધિકારી જણાવે છે, "અમારા પર કોઈ ડ્રેસ કૉડ લાગું નહોતો. અમે લોકો કૂર્તો, પાયજામો, લુંગી અને અને સાધારણ ચંપલ પહેરીને ફર્યા કરતા હતા. સરહદ પર જાસૂસી માટે જતાં પહેલાં અમે લોકો દાઢી વધારી લેતા."
તેઓ કહે છે, "અંડરકવર રહેવાનું શીખવા માટે અમે લોકો જોડાં બનાવવાનું કામ પણ શીખતા હતા. જેથી ટાર્ગૅટ વિસ્તારમાં મોચીનું કામ કરતી વખતે ગુપ્ત જાણકારી એકઠી કરી શકીએ."



અજિત ડોભાલ પોતે સાત વર્ષ સુધી પાકિસ્તાન રહી ચૂક્યા છે. જોકે, એ સમયે તેમના બૉસ રહેલા અને આઈબી તેમ જ રૉના પૂર્વ પ્રમુખ એ.એસ. દુલત જણાવે છે કે ડોભાલ ત્યાં ભારતીય ઉચ્ચાયોગમાં કાયદેસર પોસ્ટિંગ પર હતા, અન્ડરકવર એજન્ટ તરીકે નહીં.
જોકે, અજિત ડોભાલે વિદર્ભ મૅનેજમૅન્ટ ઍસોસિયેશનના સમારોહમાં ભાષણ આપતી વખતે એક કહાણી સંભળાવી હતી,
"લાહોરમાં એક ઓલિયાની મઝાર છે, જ્યાં ઘણા લોકો દર્શનાર્થે જાય છે. હું એક મુસ્લિમ વ્યક્તિ સાથે રહેતો હતો. હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તો હું પણ એની સાથે મઝારમાં ચાલ્યો ગયો. ત્યાં ખુણામાં એક શખ્સ બેઠો હતો. એને લાંબી સફેદ દાઢી હતી. એણે મને પ્રશ્ન કર્યો કે શું તું હિંદુ છો?"
ડોભાલે નકારમાં જવાબ આપ્યો. ડોભાલના જણાવ્યા અનુસાર, "એણે કહ્યું કે મારી સાથે આવ અને પછી મને પાછળની તરફ એક નાનકડા ઓરડામાં લઈ ગયો. એણે દરવાજો બંધ કરીને કહ્યું કે જો તું એક હિંદુ છો. મેં એને પૂછ્યું કે તમે આવું કેમ કહી રહ્યાં છો? તો એણે જવાબ આપ્યો કે તમારા કાનમાં કાણું છું. મેં કહ્યું કે બાળપણમાં મારા કાન વીંધવામાં આવ્યા હતા. જોકે, બાદમાં હું વટલાઈ ગયો. એણે મને કહ્યું કે તું બાદમાં પણ વટલાયો નથી એટલે પ્લાસ્ટિક સર્જરી કરાવી લે. નહીં તો અહીંના લોકોને શંકા પડી જશે."
ડોભાલ આગળ જણાવે છે, "એણે મને પૂછ્યું કે તને ખબર છે કે મેં તને કઈ રીતે ઓળખી કાઢ્યો? મેં ના પાડી એટલે એણે મને કહ્યું કે કારણ કે હું પણ હિંદુ છું. એ બાદ એણે એક કબાટ ખોલ્યો જેમાં દૂર્ગાની એક પ્રતિમા રાખી હતી. તેણે મને કહ્યું કે હું આની પૂજા કરું છું પણ બહારના લોકો મને એક મુસ્લિમ ધાર્મિક શખ્સ તરીકે ઓળખે છે."
આ કહાણી ડોભાલે સંભળાવી છે એટલે એવું કળી શકાય કે થોડા સમય પૂરતું જ પણ, તેમણે એક અન્ડરકવર એજન્ટ તરીકે કામ કર્યું હશે.

કંદહાર વિમાન અપહરણ કાંડ
ડોભાલ વિશે એવું પણ કહેવાય છે કે તેમણે 90ના દાયકામાં કાશ્મીરના ખતરનાક ઉગ્રવાદી કુકા પારેનું બ્રૅઇનવોશ કરીને તેને કાઉન્ટર ઇન્સર્જન્ટ બનવા માટે મનાવી લીધો હતો.
1999ના કંદહાર વિમાન અપહરણ દરમિયાન તાલિબાન સાથે વાતચીત કરનારા ભારતીય દળમાં પણ અજિત ડોભાલ સામેલ હતા.
'રૉ'માં ડોભાલના પૂર્વ ચીફ દુલત કહે છે, "એ વખતે ડોભાલ મારી સાથે સતત સંપર્કમાં હતા. એ એમને જ આભારી હતું કે તેમણે હાઈજેકર્સને મુસાફરોને મુક્ત કરવા માટે તૈયાર કરી લીધા હતા. શરૂઆતમાં તેમની માગ ભારતીય જેલોમાં બંધ 100 ઉગ્રવાદીઓને મુક્ત કરાવવાની હતી. જોકે, આખરે માત્ર ત્રણ ઉગ્રવાદીઓ જ છોડવામાં આવ્યા હતા."
ડોભાલના વધુ એક સાથી સીઆઈએસએફના પૂર્વ મહાનિદેશક કે.એમ.સિંહ જણાવે છે, "ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મારા માનવા અનુસાર ઑપરેશનના મામલે અજિત ડોભાલથી સારો અધિકારી કોઈ નથી આવ્યો."
"1992માં તેઓ આઈબીમાં કામ કરવા માટે દિલ્હી આવ્યા હતા. બે વર્ષ બાદ તેઓ મિઝોરમ ચાલ્યા ગયા. ત્યાં તેઓ પાંચ વર્ષ રહ્યા અને આ પાંચ વર્ષ દરમિયાન ત્યાં રાજકીય પરિવર્તન થયું. એનો શ્રેય અજિત ડોભાલને આપી શકાય."



કે.એમ.સિંહ વધુમાં જણાવે છે, "80ના દાયકામાં પંજાબની સ્થિતિ ખરાબ હતી. તેઓ પંજાબ ગયા અને બ્લેકથંડર ઑપરેશનમાં તેમનું જે યોગદાન રહ્યું તેનું વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. ભારતીય પોલીસમાં 13-15 વર્ષની નોકરી કર્યા બાદ જ પોલીસ ચંદ્રક મળે છે. આ અનોખા એવા અધિકારી હતા કે જેમને મિઝોરમમાં સાત વર્ષની નોકરી બાદ જ પોલીસ ચંદ્રક એનાયત કરાયું હતું."
"સૈન્યમાં કીર્તિ ચક્ર બહુ મોટું સન્માન ગણવામાં આવે છે અને સૈન્યની બહારના લોકોને એનાયત નથી કરાતું. અજિત ડોભાલ એક માત્ર એવા પોલીસ અધિકારી છે કે કીર્તિ ચક્ર એનાયત થયું છે."
ડોભાલને ઓળખતા લોકોનું માનવું છે કે 2005માં નિવૃત થયા બાદ તેઓ ગુપ્તચર વર્તૂળોમાં ભારે સક્રિય હતા. ઑગસ્ટ 2005ના વિકિલીક્સના કૅબલમાં ઉલ્લેખ છે કે ડોભાલે દાઉદ ઇબ્રાહિમ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. જોકે, મુંબઈ પોલીસના કેટલાક અધિકારીઓને કારણે અંતિમ ઘડીએ તેને અંજામ નહોતો આપી શકાયો."
હુસૈન ઝૈદીએ પોતાના પુસ્તક 'ડોંગરી ટૂ દુબઈ'માં આ ઘટનાનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
એ વખતે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના મુંબઈ સંસ્કરણમાં આ અંગે એક સમાચાર છપાયા હતા પણ ડોભાલે આ વાતનું ખંડન કર્યું હતું.
તેમણે 'મુંબઈ મિરર'ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એ વખતે તેઓ પોતાના ઘરે ફૂટબૉલ મૅચ જોઈ રહ્યા હતા.
જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવાયા તો લોકોને આશ્ચર્ય નહોતું થયું.
એ બાદ મોદી સરકારમાં તેમની પકડ એવી જામી હતી કે લોકો કહેવા લાગ્યા હતા કે તેમણે ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની અસર ઘટાડી દીધી છે.

કેટલીય વખત અસફળતા પણ મળી

એ મામલે કોઈ શંકા નથી કે તેમની દેખરેખમાં ભારતને કેટલીક મોટી સફળતા મળી. પછી તે ફાધર પ્રેમકુમારને આઈએસની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનું હોય કે શ્રીલંકામાં શ્રીલંકામાં છ માછીમારોને ફાંસી આપવાના એક દિવસ પહેલાં જ માફ આપવાનું હોય કે દેપસાંગ અને દેમચોક વિસ્તારમાંથી ચાઈનીઝ કૅમ્પને હટાવવાનું હોય, ડોભાલની ચારેય તરફ વાહવાહી થઈ.
જોકે, કેટલીય બાબતોમાં તેમને નિષ્ફળતા પણ સાંપડી.
નેપાળ સાથે ચાલતા પ્રશ્નો, નાગાલૅન્ડના આદિવાસો સાથે વાતચીત પર ઊઠેલા પરશ્નો. પાકિસ્તાન સાથે નિષ્ફળ વાતચીત અને પઠાણકોટના હુમલાએ અજીત ડોભાલને સવાલોથી ઘેરી લીધા છે.
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એકસ્પ્રેસના' સંપાદક સુશાંત સિહં કહે છે કે, "તમે માનશો કે જ્યાં સુધી પડોશી દેશો સાથે સંબંધ છે ત્યાં સુધી તો ભારતની સ્થિતિ કેટલાક સમયથી સારી નથી."
"પછી તે માલદીવ હોય કે નેપાળ કે પાકિસ્તાન. ક્યારેક હો તો ક્યારેક ના નો માહોલ છે. જ્યારે આતંક અને આંતરિક સુરક્ષા બાબતે ભારત પર બે-ત્રણ આતંકવાદી હુમલા થયા, પછી તે પઠાણકોટ હોય કે ગુરદાસપુર. કાશ્મીરમાં આતંકવાદ વધ્યો છે."
"આ ક્ષેત્રે અજીત ડોભાલ પાસે વધુ અપેક્ષાઓ હતી કારણ કે, આ તેમનું ક્ષેત્ર છે. પરંતું ત્યાં પણ તેઓ વધુ સારું કામ ન કરી શક્યા."
જ્યારે જાણીતા સામરિક વિશ્લેષક અજય શુક્લ જણાવે છે,"અજિત ડોભાલ પોતાના સમયના એક બહુ સફળ અને ઇન્ટેલિજન્ટ ઑફિસર છે."
"પરંતુ એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિ એક કામમાં નિષ્ણાત હોય તો બીજા ક્ષેત્રમાં પણ તેને મહારથ હાંસલ હોય."
શુકલ કહે છે, "તેમની જાણકારી વિદેશી સંબંધો, કૂટનીતિ અને સૈનિક ઑપરેશન બાબતે ઇન્ટેલિજન્સ જેટલી નથી." "તેથી આ ત્રણેય બાબતો સામેલ હોય એવા ઑપરેશનમાં એક માણસ માટે તેના સ્તર પર બધાં જ નિર્ણયો લેવા શક્ય હોતા નથી. આવી સ્થિતિમાં તેમણે પોતે નિર્ણય લેવાને બદલે ક્રાઇસિસ મૅનેજમેન્ટ ગ્રુપની બેઠક બોલાવવાની જરૂર હતી."
"જે પાછળથી સફળ સાબિત ન થઈ શકે તેના નિર્ણય એકલા લેવાથી બચવું જોઇએ."



ઇમેજ સ્રોત, PTI
બીજી તરફ એએસ દુલતમાને છે કે ડોભાલનો અત્યાર સુધીનો કાર્યકાળ બહુ સારો રહ્યો છે, કારણ કે તેમના અને મોદી વચ્ચે સારો તાલમેલ છે. ખરેખર સમય અને માણસની સાથે પદ્ધતિ પણ બદલાય છે.
દુલત જણાવે છે, "મેં બ્રજેશ મિશ્રા સાથે કામ કર્યું છે. તેઓ પણ બહુ મોટી હસ્તી હતા. વાજપેયી સાહેબના સમયમાં ત્રણ-ચાર બહુ મોટાં સંકટ આવ્યા. પણ દરેક વખતે બહુ સમજી વિચારીને પ્રતિસાદ અપાયો. આજકાલ બહુ જલ્દી પ્રતિસાદ આવે છે."
દુલત એક ઉદાહરણ આપતાં જણાવે છે, "જ્યારે સંસદ પર હુમલો થયો ત્યારે તેઓ સમગ્ર ઘટના ટીવી પર જોઈ રહ્યા હતા. કોઈ પ્રકારની ઉત્સુકતા નહોતી કે તેઓ ભાગીને વડાપ્રધાન પાસે જાય."
"તેઓ ચૂપ રહ્યા હતા અને સિગરેટ પીતા વિચારી રહ્યા હતા કે શું પરિણામ આવશે. તેઓ બપોરે જમીને વડા પ્રધાન પાસે ગયા. ત્યાર બાદ વડા પ્રધાને ભાષણ આપ્યું કે આ ચાલશે નહીં. પછી તેમણે પાકિસ્તાનને ચેતાવણી આપી."
દુલતના મતે, "તેમના સમયમાં થયેલા હાઇજૅકિંગ બાબતે ટીકા થઈ કે આતંકવાદીને કેમ છોડાયા. પરંતુ એ સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો. તાલિબાન સાથે અમારે કોઈ સંબંધ નહોતો તેથી વિકટ પરિસ્થિતિ હતી."
"શરૂઆતમાં તો એ લોકો લગભગ 100 લોકોને છોડાવવા ઇચ્છતા હતા. પછી ધીરે ધીરે આ માંગને 75 પર લાવ્યા અને પછી 25 પર અને અંતે માત્ર ત્રણ લોકોને છોડ્યા."

'ડોભાલના ખભે ઘણી જવાબદારીઓ'

ઇમેજ સ્રોત, PTI
ડોભાલ પર એક આક્ષેપ એવ પણ છે કે દરેક જગ્યાએ તેઓ પોતે હાજર રહીને બધું જાતે હૅન્ડલ કરવા ઇચ્છે છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના સુશાંત સિંહ કહે છે, "ડોભાલે ખરેખર પોતાની ઉપર ઘણી જવાબદારો લઈ લીધી છે. એટલે જ પઠાણકોટ થયું તો તેમણે ચીન સાથેની મંત્રણા અટકાવવી પડી."
"130 કરોડના દેશમાં એવું ન થવું જોઈએ કે તમે તમારા પડોશી દેશ માટે કોઈ મંત્રણા એટલા માટે અટકાવી દો છો કે તમારા દેશની કોઈ જગ્યામાં છ આતંકવાદી ઘુસી ગયા છે."
પરંતુ ડોભાલના સમર્થકો કહે છે કે નરેન્દ્ર મોદીએ પોતે તેમને આ જવાબદારી સોંપી એટલે તેમણે લીધી છે.
દુલત કહે છે,"વાત એ જ છે કે મોદી શું ઇચ્છે છે? જો મોદી ડોભાલ પર આધારિત છે અને ઇચ્છે કે ડોભાલ જ બધું કરે તો ડોભાલ પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો."
ડોભાલના વિરોધીઓ કહે છે, તેમની ભાષા શિષ્ટ નથી. તેઓ આખા બોલા છે અને તોછડાઈથી વાત કરે છે.
આ બાબતે દુલત તેમનો બચાવ કરે છે, "તેઓ જે પણ બોલે છે તે સમજી વિચારીને બોલે છે. તેમની સાચે સાચું કહી દેવાની વાત છે તો બની શકે કે તેઓ કોઈ સુધી પોતાની વાત પહોંચાડવા માગતા હોય."
"તેઓ જાણી જોઈને આવું કરતાં હોઈ શકે અને તે પૂર્વનિશ્ચિત યોજનાના ભાગરૂપે હોય."
ઘણા પૂર્વ જનરલોને આ વાત ખટકી છે, કે પઠાણકોટના એક સંપૂર્ણ આર્મી ઑપરેશનને સંભાળવા માટે એનએસજી(રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડ)ને મોકલવામાં આવ્યા.
સુશાંત સિંહ કહે છે, "ડોભાલના રાજમાં ભારતીય સુરક્ષા વ્યક્તિકેન્દ્રી થઈ ગઈ છે."
"અહીં દરેક પરિસ્થિતિ સામે લડવાની પૂર્વ નિશ્ચિત પદ્ધતિઓ છે, જેની અવહેલના થઈ રહી છે. ડોભાલ જવાબદારીને વહેંચવામાં નથી માનતા અને દરેક વસ્તુને જાતે માઇક્રો મૅનેજ કરવા માગે છે."
હાલ ડોભાલ નિશાના પર છે. જો તેમના નેતૃત્વમાં પણ ભારતની પ્રૉ એક્ટિવ સામરિક વિચારધારા ન વિકસે તો એ તેમના કામથી બનાવેલાં જબરદસ્ત ટ્રૅક રિકૉર્ડ પર ડાઘ લગાવી શકે છે.
ડોભાલ કદાચ ક્યારેય આવું થવા દેવા ઇચ્છશે નહીં.

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













