હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા : 'મારા દીકરાને ચહેરો બનાવી હાર્દિક પટેલની ટોળકી આંદોલન કરતી હતી'

ઇમેજ સ્રોત, Twitter/HardikPatel
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
મંગળવારે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
બાદમાં પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ 'પટેલ ચૂંટણી જીતશે' એમ કહીને અણસાર આપ્યા હતા કે કૉંગ્રેસ તેમને ટિકિટ આપશે.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આરોપ મૂક્યો હતો કે 'વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાને પોષવા' હાર્દિક પટેલે સમાજનો 'ઉપયોગ' કર્યો હતો.
2015 પછી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલને ગુજરાતના રાજકારણની સિકલ બદલી નાખી છે.
પટેલ આંદોલનનું ઍપિસેન્ટર

ઇમેજ સ્રોત, Getty Images
મહેસાણામાં રહેતા પ્રતીક બાબુભાઈ પટેલનું સાત વર્ષ પહેલાં લગ્ન થયું હતું.
તેઓ પિતાનો ટ્રાવેલનો ધંધો કરતા હતા. ઘરની અઢી વીઘા જમીન ભાગિયાને આપી હતી. બધું સમુંસૂતરું ચાલતું હતું.
એક દીકરી, પત્ની, માતાપિતા સાથે સુખેથી જીવતા હતા. ભણ્યા પછી નોકરી ન મળતાં એમનામાં આક્રોશ હતો.
એવા સમયે 2015માં પાટીદાર અનામત આંદોલન થયું. મહેસાણા એ વખતે આંદોલનનું મુખ્ય સેન્ટર હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રતીક પટેલ મહેસાણામાં આંદોલનનું નેતૃત્વ કરતા હતા. એમના મિત્રો પણ આંદોલનમાં જોડાયેલા હતા.
અમદાવાદના જીએમડીસી (ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન) ગ્રાઉન્ડ પર ધમાલ થઈ અને આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.
પાટીદાર નેતા હાર્દિક પટેલની ધરપકડ થઈ. હાર્દિકની ધરપકડ થતાં આંદોલનકારી પ્રતીક પટેલ અને એમના મિત્રોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
પોલીસ ગોળીબારમાં પ્રતીકના મિત્રનું મૃત્યુ થયું અને પ્રતીક પટેલને પણ માથામાં ગોળી વાગી હતી.
બસ, અહીંથી કરમની કઠણાઈ શરૂ થઈ. પ્રતીકને લકવો થયો અને એમની જિંદગી દુષ્કર બની ગઈ. પ્રતીક બરોબર ચાલી નથી શકતા અને બોલી પણ શકતા નથી.
એમના પિતા બાબુભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે તેમનો દીકરો જ્યારે આંદોલનમાં જોડાયો, ત્યારે તેમને એમ થતું કે એ સમાજ માટે કામ કરે છે.
તેઓ કહે છે, "મને આ વાતનો આનંદ હતો. હું તેને ખુશી ખુશી આંદોલનમાં જવા દેતો હતો."

'હાર્દિકની ટોળકી પ્રતીકને ચહેરો બનાવતી'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પ્રતીકના પિતા વધુમાં કહે છે, "પ્રતીકને ગોળી વાગી ત્યારે સમાજના લોકો સહિત અસંખ્ય લોકો અમારા ઘરે આવતા હતા. હૉસ્પિટલમાં એની સારવાર ચાલતી, ત્યારે લોકો હાજર રહેતા હતા."
"પરંતુ જેવું આંદોલનકારી નેતાઓનું વજન વધવા લાગ્યું તેમ બધા રાજકારણમાં જોડાતા ગયા. હાર્દિક પટેલ પ્રતીકને ભાઈ કહેતો હતો. એ ક્યાં ગુમ થઈ ગયો એની અમને ખબર નથી પડી."
"પ્રતીકને ચહેરો બનાવી હાર્દિકની ટોળકી આંદોલન કરતી હતી. પ્રતીકની નાની દીકરીને ભણાવવાથી માંડીને તમામ વસ્તુઓની કાળજી રાખવાની બધાએ તૈયારી બતાવી હતી."
આટલી વાત કરતા બાબુભાઈની ઘરડી આંખમાં આક્રોશ છવાઈ જાય છે.
બાબુભાઈ કહે છે કે જેવા આંદોલનકારી નેતા તેમના ઘરની ભાખરી-શાક ખાઈને આગળ વધતા ગયા તેમ-તેમ તેમને ભૂલવા લાગ્યા.
તેઓ કહે છે, "શરૂઆતમાં દવાનું બિલ પણ સરકારમાંથી મળ્યું હતું. પછી મારો પ્રતીક બધા આંદોલનકારી નેતાઓ માટે નકામો થઈ ગયો."
"ચૂંટણી આવે ત્યારે પ્રતીકને પટેલ આંદોલનનું પ્રતીક બનાવી ફેરવતા હતા, પણ 2017ની ચૂંટણી પતી એટલે પ્રતીકને ભૂલી ગયા. દવાના ખર્ચમાં મેં મારા ટ્રાવેલના ધંધાની તમામ ગાડી વેચી નાખી."

તમે આ વાંચ્યું કે નહીં?

'હાર્દિક પટેલે નજર પણ ન કરી'

ઇમેજ સ્રોત, Getty Images
બાબુભાઈ ઉમેરે છે, "આજે કમિશનથી કૉન્ટ્રાક્ટ લઈને કામ ચલાવું છું. 2018માં આ પટેલ નેતાઓએ શહીદયાત્રા કાઢી હતી.
"જ્યારે હું મારા દીકરા પ્રતીકને લઈને જોવા ગયો હતો, ત્યારે મંચ પર બેઠેલા હાર્દિક પટેલે જોવાની પણ તસ્દી લીધી નહોતી."
"મારા દીકરાની દવા પાછળ મહિને 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ખેતીની એવી કોઈ આવક નથી. કમિશનથી કામ ચલાઉં છું.
"મારા દીકરાને મારી ઘડપણની લાકડી માનતો હતો પણ એને લાકડી લઈને ચાલતો જોતા જીવ બળી જાય છે."
"ચૂંટણીઓ આવતી હતી ત્યારે સરકારે સારવારનો ખર્ચ આપ્યો હતો. હવે આપતી નથી, જેમણે આંદોલનમાં જીવ ગુમાવ્યા એ પરિવારને સરકારી સહાય મળી તો અમે પણ સહાય માટે અરજી કરી."
"અમને સરકારી સહાય તો દૂર સરકારી બાબુએ એવું કહ્યું કે પ્રતીક મર્યો નથી જીવે છે તો સહાય શેની હોય?"
"સચિવાલયમાં મારા દીકરાની ફાઈલ ધૂળ ખાય છે, પરંતુ મંત્રી બનેલા નેતાઓ એમનાં કપડાં પર અમારા કાગળની ધૂળ ન અડે એટલા માટે ફાઈલને અડતા નથી."
"મારા દીકરાને પોલીસની ગોળી વાગતાં ખોપરી ફાટી ગઈ. હાડકું નખાવવાનું છે પણ પૈસા નથી એટલે ઑપરેશન નથી કરાવ્યું."
"હાર્દિક અને એના બગલબચ્ચાં અનામતના નામે અમારા છોકરાના ખભાને સીડી બનાવી સાંસદ બનશે અને અમે ખેતીની જમીનનો નાનો ટુકડો વેચીને દીકરાની દવા કરાવીશું."

દીકરી પર આવી જવાબદારી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આવી જ હાલત અમદાવાદના નિમેષભાઈ પટેલના પરિવારની છે.
બીબીસી ગુજરાતીએ જ્યારે એમના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે તેઓ પોતાનું ઘર વેચીને બીજે રહેવા ચાલ્યા ગયા હતા.
ઘણી મથામણ બાદ જ્યારે નિમેષભાઈની દીકરી વૈદેહીનો સંપર્ક થયો.
પોલીસ ગોળીબારમાં નિમેષભાઈના અવસાન પછી ઘરની તમામ જવાબદારી વૈદેહી પર આવી ગઈ છે.
વૈદેહી ઘરનું તમામ કામ કરે છે. પોતાની નાની બહેનને ભણાવવા ઉપરાંત દીકરો ખોયા બાદ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલાં દાદા-દાદીની સારવાર પણ કરે છે.
પોતાના ઘરે નહીં બોલાવવા પાછળનું કારણ આપતાં માફી માગીને વૈદેહી કહે છે :
"મારા પિતા ઘરના મોભી હતા. ઇલેક્ટ્રિકનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. પટેલ અનામત આંદોલનમાં એમના અવસાન પછી થોડા સમય સુધી બધા અમારા ઘરે આવતા હતા."
"સરકારે આર્થિક સહાય કરી છે, પણ ક્યાંય નોકરી નથી આપી. સરકારે વચન આપ્યું હતું કે એક વારસદારને નોકરી આપશે."
"2017ની ચૂંટણી પત્યા પછી અમે સરકારને મળ્યા તો કહ્યું કે જોઈશું, ખાલી જગ્યા પડે ત્યારે વાત કરીશું."
વૈદેહી કહે છે કે ચાર લાખ રૂપિયાની સરકારી સહાય ક્યાં વપરાઈ ગઈ એની ખબર નથી. પટેલ સમાજે તેમને શરૂઆતમાં આર્થિક સહાય કરી હતી.


નિમેષ પટેલના પિતા માનસિક આઘાતમાં

ઇમેજ સ્રોત, Getty Images
નિમેષભાઈનાં મૃત્યુ બાદ તેમના પિતા માનસિક આઘાતમાં સરી પડ્યા છે.
વિવેક પટેલ કહે છે, "મારા પિતા અમે જે ઘરમાં રહેતા હતા એ ઘરની દીવાલ સામે તાકીને બેસી રહેતા."
"ઘરમાં મોટાભાઈની યાદ આવે એટલે બહાર નીકળી જાય છે, પણ એમને કંઈ યાદ રહેતું નહીં કે એ ક્યાં જાય છે. ડૉક્ટરની પણ સલાહ લીધી."
"વડીલોની સલાહ પ્રમાણે, અમે એ ઘર વેચી નાખ્યું. અત્યારે ભાડાના ઘરમાં રહીએ છીએ."
વૈદેહી કહે છે, "અમે પિતાના ફોટા ઘરમાં રાખવાને બદલે મોબાઈલમાં રાખીએ છીએ."
આટલી વાત કરતા થોડી વાર રોકાઈને વિવેકભાઈ કહે છે કે નિમેષભાઈના અવસાન સમયે આ દીકરીઓ નાની હતી.
લોકો જ્યાં ત્યાં સહી કરાવીને કાગળિયા લઈ જતા હતા, પરંતુ તેમને કોઈ સહાય મળી નથી.
વિવેક પટેલ ઉમેરે છે, "શરૂઆતમાં બધા આંદોલનકારી નેતાઓ આવતા હતા, હવે કોઈ દેખાતું નથી. અમને જે મદદ કરવા આવે છે એમનું સરકાર સાંભળતી નથી."
"જેમનું સરકારમાં ઉપજે છે એવા આંદોલનકારીઓ નેતા થઈ ગયા છે. અમને હવે કોઈની પાસેથી કોઈ આશા નથી."
"દીકરીઓનું ધ્યાન રાખવા હું મારો ધંધો બંધ કરીને પાનનો ગલ્લો ચલાવું છું અને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ."
"વૈદેહીને તો નોકરી પણ કરવી પડે છે અને આંદોલનને કારણે નેતા થઈ ગયેલા લોકો ચૂંટણી આવે ત્યારે ભાઈના નામનો શહીદ તરીકે ઉપયોગ કરે છે, પણ કોઈ પૂછવા નથી આવતું."
આંદોલનના નેતાઓને મળવા જઈએ છીએ તો કોઈ ખાસ મદદ મળતી નથી. પોલીસ અમને મદદ કરતી નથી એટલે એફઆઈઆરની કૉપી અને ફૉરેન્સિક રિપોર્ટ નથી મળ્યો. ત્રણ વર્ષ થયાં પણ મારા ભાઈના વીમાના પૈસા મળ્યા નથી."


સરકારની ઉદાસીનતા

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આવા હાલ પાલનપુરના વતની કાળુભાઈ પટેલના પરિવાર સાથે પણ થયા છે. કાળુભાઈ આંદોલન વખતે મૃત્યુ પામ્યાં હતાં.
તેમનાં પત્ની ગીતાબહેન ઘરકામ કરે છે. તેમણે એક દીકરાને રાજકોટમાં ભણવા મૂક્યો છે અને બીજો દીકરો દસમા ધોરણમાં ભણે છે. તેમને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય મળી છે.
પતિ કાળુભાઈનું નામ આવતા જ તેમના ગળે ડૂમો ભરાઈ જાય છે. માંડમાંડ એટલું બોલી શકે છે કે 'જૂનું યાદ ના કરવો, દીકરામાં મન પરોવીને બધું ભૂલી રહી છું.'
ગીતાબહેને એવું પણ કહ્યું હતું કે સરકાર કંઈ મદદ કરતી નથી અને તેમને કોઈની મદદ જોઈતી પણ નથી.
ગીતાબહેનનો ભત્રીજો બ્રિજેશ પટેલ આખા ઘરની જવાબદારી સાંભળે છે.
બ્રિજેશ કહે છે, "મારા કાકા આંદોલન ચાલવતા હતા અને શહીદ થયા છે. સરકાર તરફથી અમને કોઈ પૂછવાવાળું નથી.
"અમારા આંદોલનકારી નેતા રાજકારણમાં આવે તો અમને વાંધો નથી, પરંતુ સરકાર અમને ન્યાય આપતી નથી.""મારા કાકાને પોલીસે નિશાન બનાવી મારી નાખ્યા છે, જેના પુરાવા પણ છે, પણ સરકાર ન્યાય માટે મદદ કરતી નથી."
"મેં પુરાવા રજૂ કર્યા છે અને સરકારમાં રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી."
"કોર્ટમાં સમય જાય એ સમજી શકાય છે, પણ સરકારને પગલાં લેતા ક્યાં સમય લાગવાનો છે?"
"ન્યાય નહીં મળતાં મેં આત્મવિલોપનની ચીમકી આપી તો મને માર મારીને જેલમાં પૂરી દીધો. શું આંદોલન કરવું ગુનો છે? અંગ્રેજો પણ આવો અન્યાય નહોતા કરતા."
"હું માનુ છું કે અમારા સમાજમાંથી વધુ લોકો સરકારમાં જવા જોઈએ. હાર્દિક પટેલ જેવા નેતા સરકારમાં જતા હોય તો હું મદદ કરીશ."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














