ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલીથી નરેન્દ્ર મોદી લાભ ખાટી જશે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકન પત્રકાર માઇકલ કિન્સ્લેએ કહ્યું હતું રાજકારણી સાચું બોલી જાય ત્યારે તેમણે લોચો મારી દીધો કહેવાય.
ગયા અઠવાડિયે ભાજપના એક અગ્રણી નેતાએ બરાબર એવો જ લોચો માર્યો હતો.
બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકને કારણે લોકસભાની આગામી ચૂંટણીમાં પક્ષને બે ડઝન જેટલી બેઠકો મળી જશે.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાનું આ નિવેદન ખૂબ નિખાલસ એવું ગણી શકાય.
સ્વાભાવિક રીતે જ વિપક્ષે તરત ટીકાનો મારો ચલાવ્યો હતો.
વિપક્ષે કહ્યું કે નરેન્દ્ર મોદીનો પક્ષ કઈ રીતે ભારત અને પાકિસ્તાન જેવા બે અણુશસ્ત્રો ધરાવતા દેશો વચ્ચેની તંગદિલીનો રાજકીય લાભ ખાટવા માગે છે તેનો આ બેશરમીભર્યો નમૂનો છે.
નરેન્દ્ર મોદીનો પક્ષ લોકસભાની આગામી ચૂંટણીમાં બીજી મુદત માટે સત્તા પર આવવા મેદાને ઉતરવાનો છે.
યેદિયુરપ્પાએ કરેલા એકરારને કારણે ભાજપ મૂંઝવણમાં મૂકાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકારના પ્રધાન જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે "સરકારે લીધેલાં પગલાં રાષ્ટ્રની અને તેના નાગરિકોની સુરક્ષા માટેનાં હતાં, થોડી બેઠકો જીતવા માટે નહીં."
યુદ્ધ જેવી સ્થિતિનો લાભ લેવા માટે પોતે કોશિશ કરે છે તેવી છાપ ઊભી થાય તે કોઈ પણ રાજકીય પક્ષને પરવડે નહીં.
ગયા અઠવાડિયાના હવાઇ ઘર્ષણના બનાવોને કારણે અણુક્ષમતા ધરાવતા બે પડોશી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ રાબેતા મુજબ પોતાનું કામકાજ ચાલુ રાખ્યું હતું.
ભારતે કરેલા હુમલા પછી થોડા કલાકો બાદ જ તેમણે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે ભારતની કમાન સુરક્ષિત હાથોમાં છે અને "આતંક સામે હવે તે હાથ જોડીને બેસી રહેશે નહીં."
બીજા દિવસે પાકિસ્તાને વળતો હુમલો કરીને પોતાના વિમાનમાંથી સલામત નીચે કૂદી પડેલા એક ભારતીય પાઇલટની ધરપકડ કરી લીધી હતી.
બે દિવસ બાદ પાકિસ્તાને પાઇલટને પરત ભારતને સોંપી દીધા હતા.

ઇમેજ સ્રોત, EPA
ત્યાર બાદ વૈજ્ઞાનિકો સાથેનો એક કાર્યક્રમ હતો. તે કાર્યક્રમાં નરેન્દ્ર મોદીએ ભારતે કરેલી એર સ્ટ્રાઇક માત્ર 'પાઇલટ પ્રોજેક્ટ' જ હતો એમ જણાવીને ઇશારો કર્યો કે વધારે કાર્યવાહી પણ થઈ શકે છે.
બીજી બાજુ એક કાર્યક્રમમાં પક્ષના પ્રમુખ અમિત શાહે જણાવ્યું કે ભારતે બાલાકોટ પર હુમલો કરીને 250 ઉગ્રવાદીઓને મારી નાખ્યા છે.
ભારતીય વાયુ દળના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું કે કેટલા માર્યા ગયા છે તેનો કોઈ આંકડો તેમની પાસે નથી, તેમ છતાં આવો દાવો કરાયો હતો.
ઉપર વિમાનો ઊડતા હોય અને સૈનિકોની વચ્ચે બંદૂક લઈને નરેન્દ્ર મોદી ઊભા હોય તેના ભાજપના કેસરિયા રંગના ભપકાદાર પોસ્ટરો દેશભરમાં ચારે બાજુ લાગી ગયા.
ભારતીય ટીવીના જાણીતા પત્રકાર બરખા દત્તે ટ્વીટ કર્યું, "ચૂંટણીના પોસ્ટરોમાં સૈનિકોને જોઈને સારું નથી લાગતું."
"આના પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. સેના નામે મતો મેળવીને તેમના યુનિફોર્મને ગંદો કરવામાં આવી રહ્યો છે."
નરેન્દ્ર મોદીએ વિપક્ષને અપીલ કરી હતી કે આ હુમલાની બાબતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.
વિપક્ષના નેતાઓ જોતા જ રહી ગયા, કેમ કે નરેન્દ્ર મોદીએ જ પોતાના શબ્દોનું પાલન કર્યું નહોતું.
ગયા અઠવાડિયે વિપક્ષે એક નિવેદન જાહેર કર્યું કે "રાજકીય સુરક્ષાની બાબતને સંકુચિત રાજકીય ગણતરીથી દૂર રાખવી જોઈએ."

તમે આ વાંચ્યું કે નહીં?

'સંકુચિત રાજકીય ફાયદો'

ઇમેજ સ્રોત, Getty Images
પણ શું હાલમાં બનેલા ઘર્ષણના બનાવોને કારણે નરેન્દ્ર મોદીને ખરેખર વધારે મતો મળી શકે છે ખરા?
બીજા શબ્દોમાં કહીએ તો શું રાષ્ટ્રીય સુરક્ષાની બાબત ચૂંટણીનો મુદ્દો બની શકે છે ખરો?
ઘણા માને છે કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને પોતાના રાજકીય પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવશે.
ગયા મહિને કાશ્મીરમાં આત્મઘાતી હુમલામાં અર્ધલશ્કરી દળ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સીઆરપીએફ)ના 40 જવાનો માર્યા ગયા હતા.
આ હુમલો પાકિસ્તાનમાં રહેલા ઉગ્રવાદી જૂથે કર્યો હોવાનું જણાવાયું હતું.
આ હુમલાના બનાવ પહેલાં નરેન્દ્ર મોદી થોડી મુશ્કેલીમાં હોય તેમ લાગતું હતું. થોડા મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં તેમનો પક્ષ ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસ સામે સત્તા ગુમાવી ચૂક્યો હતો.
ખેડૂતોની વકરી રહેલી સમસ્યાઓ અને રોજગારીના અભાવનો મુદ્દો ભાજપને નડે તેમ લાગી રહ્યું હતું.
પરંતુ ઘણા લોકો માનવા લાગ્યા છે કે હવે નરેન્દ્ર મોદી સારી સ્થિતિમાં આવી ગયા છે, કેમ કે તેઓ પોતાને દેશની સુરક્ષા કરનારા 'મજબૂત' નેતા તરીકે ઉપસાવશે.
રાજકારણી અને ચૂંટણી સરવેના નિષ્ણાત યોગેન્દ્ર યાદવ કહે છે, "ચૂંટણી જીતવા માટે યુદ્ધનો ઉપયોગ કરવાનો અને ટૂંકા રાજકીય સ્વાર્થ ખાતર રાષ્ટ્રીય સુરક્ષાનો ઉપયોગ કરવાનો આ સૌથી વરવો પ્રયાસ છે."
"જોકે હું જાણતો નથી કે તે સફળ થશે કે કેમ."
ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાના મામલે ચૂંટણી જીતી શકાય કે કેમ તે બાબતમાં મિશ્ર પ્રકારના પુરાવા મળે છે.
બ્રાઉન યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર આશુતોષ વાર્ષનેય કહે છે, "ભૂતકાળમાં રાષ્ટ્રીય સુરક્ષાના મામલે બનેલી ઘટનાઓ ચૂંટણી કરતાં ઘણા દૂરના સમયે બની હતી."



ઇમેજ સ્રોત, AFP
1962 (ચીન), 1965 (પાકિસ્તાન) અને 1971 (પાકિસ્તાન) વખતે થયેલા યુદ્ધ લોકસભાની ચૂંટણી પછીના થોડા મહિનાથી લઈને બે વર્ષ પછીના ગાળામાં એ યુદ્ધ થયા હતા.
2001માં ભારતની સંસદ પર હુમલો થયો અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ તે પણ લોકસભાની ચૂંટણીના બે વર્ષ પછી બન્યું હતું.
2008માં મુંબઈ પર ત્રાસવાદી હુમલો થયો તે 2009ની લોકસભા ચૂંટણીના પાંચ મહિના પહેલાં થયો હતો.
શાસક કૉંગ્રેસે રાષ્ટ્રીય સલામતીની બાબતને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો નહોતો અને તેમ છતાં તેમને ફરીથી સત્તા મળી હતી, પરંતુ આ વખતે સ્થિતિ જુદી હોઈ શકે છે.
પ્રોફેસર વાર્ષનેય કહે છે કે ગયા મહિને કાશ્મીરમાં થયેલો આત્મઘાતી હુમલો અને ગયા અઠવાડિયે બનેલા ઘર્ષણના બનાવો "અગાઉના રાષ્ટ્રીય સુરક્ષાના બનાવો કરતાં ચૂંટણીમાં વધારે અગત્યના સાબિત થઈ શકે છે."
તેઓ કહે છે કે એક કારણ એ કે દેશમાં ધ્રુવીકરણનું વાતાવરણ ઊભું થયેલું હતું, બરાબર ત્યારે ચૂંટણીના થોડા અઠવાડિયાઓ પહેલાં જ આ બનાવો બન્યા છે.
દેશમાં વિશાળ શહેરી મધ્યમ વર્ગ છે, જેમના માટે જાહેર સલામતીનો મામલો મોટો છે.
આ ઉપરાંત વાર્ષનેયના જણાવ્યા અનુસાર, 'દિલ્હીમાં હાલમાં રહેલા સત્તાધીશોનો પ્રકાર' પણ અગત્યનું પરિબળ છે.
"કૉંગ્રેસ કરતાં હિન્દુ રાષ્ટ્રવાદીઓ માટે હંમેશા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો વધારે મહત્ત્વનો રહ્યો છે."
"કેટલાક અપવાદને બાદ કરતા પ્રાદેશિક પક્ષો માટે પણ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો રાજકીય વિચારસરણીમાં અગત્યનો રહેતો નથી, કેમ કે તેમના માટે જ્ઞાતિ અને પ્રાદેશિક ઓળખ વધારે અગત્યના પરિબળો ગણાય છે."



ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઉન યુનિવર્સિટી ખાતેના રાજ્યશાસ્ત્રના વિશેષજ્ઞ ભાનુ જોશી માને છે કે નરેન્દ્ર મોદીએ અપનાવેલી આકરી નીતિઓ અને મજબૂત વિદેશી સંબંધો માટે તેમણે સતત આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા તે પણ મતદારોના કેટલાક વર્ગને સ્પર્શી શકે છે.
ભાનુ જોશી કહે છે, "હું ઉત્તર ભારતમાં કામ કરતો હતો ત્યારે ઘણા લોકો વારંવાર એવો ઉલ્લેખ કરતાં હતા કે દુનિયામાં ભારતનું મહત્ત્વ વધી રહ્યું છે."
"બાલાકોટ જેવી ઘટનાને કારણે આવી માન્યતાઓ દૃઢ બને છે."
"ભારત અને પાકિસ્તાન સામસામે હોય ત્યારે આવી છાપ ઊભી થતી હોય તેની અસર મને લાગે છે કે ઉત્તર ભારતના મતદારો પર પડી શકે છે."
કાર્નેગી ઍન્ડોવમેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ ખાતે સાઉથ એશિયા પ્રોગ્રામમાં ડાયરેક્ટર તરીકે કામ કરતા મિલન વૈષ્ણવ જેવા અન્ય વિશ્લેષકો પણ આવી જ વાત જણાવી રહ્યા છે.
ભારતમાં વિદેશ નીતિ ક્યારેય જાહેર જનતાના રસનો વિષય નથી રહ્યો, આમ છતાં તે અગત્યની બની રહેશે એમ તેમને લાગે છે.
તેઓ કહે છે, "ચૂંટણી નજીક છે ત્યારે થયેલા સંઘર્ષને કારણે તથા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવાની ક્ષમતાનું પ્રદર્શન કરવામાં મોદી સરકાર સફળ રહી છે."
"આથી, મારી અપેક્ષા પ્રમાણે ચૂંટણી પ્રચારમાં તે મુદ્દો અગત્યનો બની રહેશે."

ઇમેજ સ્રોત, AFP/Getty Images
જોકે, તેના કારણે અર્થતંત્ર અને ખેડૂતોની સમસ્યાના મુદ્દા, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં અદૃશ્ય થઈ જશે એવું ડૉ. વૈષ્ણવ માનતા નથી.
"વિશેષ કરીને શહેરી વિસ્તારોના સ્વિંગ વૉટર્સમાં ભાજપને તેનો ફાયદો મળશે."
"2019માં કોને મત આપવો તે વિશે અનિર્ણાયક સ્થિતિમાં રહેલા મતદારો પણ આ લાગણીને સ્પર્શતા મુદ્દાના કારણે વર્તમાન શાસકો સાથે જ રહેવાનું પસંદ કરે તેમ બની શકે છે."
નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને રાષ્ટ્રીય મહત્ત્વનો બનાવે છે તેનો સામનો વિપક્ષ કઈ રીતે કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.
આ બનાવોને કારણે ભાજપને મહત્ત્વના ગણાતા ઉત્તર ભારતના રાજ્યોમાં થોડો પણ ફાયદો થાય તો જીતની નજીક તે પહોંચી શકે તેમ છે.
જોકે, રાજકારણમાં એક અઠવાડિયું બહુ લાંબો સમયગાળો ગણાય છે એટલે આગળ શું થશે તે કહેવું મુશ્કેલ છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














