પુલવામાના હુમલાખોર આદિલ ડારના ઘરનો આંખે દેખ્યો હાલ - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, ZUBAIR AHMAD/BBC
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી
પુલવામામાં 14 ફેબ્રુઆરીના સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિ સુધી આવી ગયા હતા. આ હુમલો જમ્મુ-શ્રીનગર હાઈવે પર થયો હતો, જે 20 વર્ષીય હુમલાખોર આદિલ ડારના ઘરથી માત્ર 10 કિલોમીટર દૂર છે.
કાકપોરા ગામમાં પોતાના ઘરેથી એક વર્ષ પહેલાં ફરાર થયા બાદ આદિલ ડાર જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થઈ ગયા હતા અને બંદૂક ઉઠાવી હતી.
ડારનું ઘર બે માળની ઇમારત છે, જ્યાં પ્રથમ માળ ઉપર પરિવાર એકઠો થયો છે.
આ એક ખેડૂતનો પરિવાર છે. ઠંડી અને વરસાદની વચ્ચે જ્યારે હું ત્યાં પહોંચ્યો તો પહેલાં આદિલના બે ભાઈઓ અને તેમના પિતાએ બીબીસી સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
કેટલાક સમય બાદ આદિલના પિતા ગુલામ હસ ડાર થોડી વાત કરવા માટે રાજી થયા અને કહ્યું, "મૃતદેહ ઘરે આવ્યો નથી, પુત્રને દફનાવ્યો નથી એટલે થોડું ખાલીપણું લાગી રહ્યું છે."
જ્યારે મેં પૂછયું કે સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના 40 જવાનોનાં મૃત્યુ પર તેમને અફસોસ નથી?
જવાબમાં ડારના પિતાએ કહ્યું, "જવાનો પણ પોતાનું કામ કરવા આવે છે, તેમના પરિવારો પણ તેમના જવાથી પીડિત છે."
"અમારી જેમ કેટલાક પરિવારોને તેમના પુત્રના મૃતદેહો નહીં મળ્યાં હોય, તેઓ પણ આ દુઃખને મહેસૂસ કરી રહ્યા હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આદિલને સંબંધ જૈશ-એ-મોહમ્મદ સાથે હતો, પરંતુ પુલવામા સહિત પૂરા દક્ષિણ કાશ્મીરમાં પાકિસ્તાનથી ચાલનારા 'જૈશ-એ-મોહમ્મદ' અને 'લશ્કર-એ-તૈયબા'ની ગતિવિધિઓ ઓછી છે.
જાણકારોનું કહેવું છે કે દક્ષિણ કાશ્મીરમાં 'હિઝબુલ મુઝાહિદીન' સૌથી વધારે સક્રિય છે.
એક સમયે હિઝબુલ મુઝાહિદીનનું નેતૃત્વ પૂર્વ શિક્ષક 33 વર્ષના રિયાઝ નાયકુના હાથમાં છે.
નાયકુનું નામ ઘાટીના મોસ્ટ વૉન્ટેડ લોકોના લિસ્ટમાં સૌથી ઉપર છે.

કોણ છે રિયાઝ નાયકુ?

ઇમેજ સ્રોત, ZUBAIR AHMAD/BBC
નાયકુનું ગામ પુલવામાનું બેગપુરા છે, સાત વર્ષ પહેલાં ગણિતમાં ગ્રૅજ્યુએશન કર્યા બાદ નાયકુએ હથિયાર ઉઠાવી લીધાં હતાં.
રિયાઝ નાયકુના પરિવારે હવે માની લીધું છે કે ઘરમાં ક્યારેક નાયકુનો મૃતદેહ આવશે.
નાયકુના પિતા અસદુલ્લાહ નાયકુ કહે છે કે જ્યારે કોઈ ઍન્કાઉન્ટર થાય છે તો લાગે છે કે તેમનો પુત્ર મરનારામાં સામેલ હશે.
અલગાવવાદનું સમર્થન અને પિતાની ભાવનાઓ વચ્ચેની કશ્મકશ વિશે પૂછવા પર તેઓ કહે છે:
"એક મુસ્લિમ હોવાના નાતે, આ એક ગર્વની વાત છે, અમે એ નહીં કહીશું કે ખોટું છે."
"જો તે કોઈ ડ્રગ્સ કે ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હોત તો અમારું નામ ખરાબ થાત. જોકે, અમને રાહત છે કે તે યોગ્ય કામ કરી રહ્યો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

કેવી રીતે વિચારે છે કાશ્મીરી સમાજ?

ઇમેજ સ્રોત, ZUBAIR AHMAD/BBC
કાશ્મીરમાં તહેનાત સરકારી અધિકારી જાણે અને માને છે કે સ્થાનિક લોકોની આ લોકોને મદદ મળે છે.
ડારનો પરિવાર હોય કે નાયકુનો, આ સામાન્ય લોકો છે, જોકે, તેમનાં સંતાનો જ્યારે બંદૂક ઉઠાવે છે કે માર્યાં જાય છે તો સમાજમાં તેમને ઊંચો દરજ્જો મળે છે.
ઉગ્રવાદીઓને સ્થાનિક લોકોનો ભરપૂર સહયોગ મળે છે.
જો સ્થાનિકો તેમને જગ્યાના આપે, તેમના ખાવા-પિવાની વ્યવસ્થા ના કરે અને પોલીસ આવે તે પહેલાં તેમને જાણ ના કરે તો હિંસક આંદોલન ટકી શકે નહીં.
જોકે, બીજી તરફ સુરક્ષાદળોનું પણ સ્થાનિક લોકોમાં માહિતી આપનારાઓનું મોટું નેટવર્ક છે.
ઍન્કાઉન્ટર એ સમયે થાય છે જ્યારે કોઈ સ્થાનિક ઉગ્રવાદીની ગતિવિધિઓની જાણ પોલીસને કરે છે.
સ્થાનિક લોકોની મદદ મળવાને કારણે ડાર અને નાયકુ જેવા લોકો હંમેશાં બચીને નીકળી જાય છે.
ઍન્કાઉન્ટરના સમયે ગામલોકો પણ તેમને ફરાર થવામાં મદદ કરે છે અને ક્યારેક પોલીસ સામે પણ છાતી કાઢીને ઊભા રહી જાય છે તો ક્યારેક પથ્થમારો કરે છે.

ઇમેજ સ્રોત, PTI
બીબીસી સાથે વાતચીતમાં જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક કહે છે:
"જ્યાં સુધી મારી જાણકારી છે કે પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ છે."
"તેમનો એક દબાણ આવ્યું કે તમે તો ખૂબ જ બેઇજ્જત કરી નાખ્યા, કંઈક મોટું કરો, વ્યૂહરચના પાકિસ્તાન અને આઈએસઆઈના (પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ઇન્ટર-સર્વિસીઝ ઇન્ટલિજન્સ) દબાણ હેઠળ ઘડાય છે અને બદલાય છે."
ખીણ પ્રદેશમાં સૌથી વધારે સક્રિય 'જૈશ-એ-મોહમ્મદ', 'લશ્કર-એ-તૈયબા' અને 'હિઝબુલ મુઝાહિદીન' અલગ-અલગ વિચારધારા ધરાવતાં સંગઠનો છે.
પ્રથમ બે સંગઠન પાકિસ્તાની છે. ભારતીય કાશ્મીરમાં તેમની ઉપસ્થિતિ છે, જેમાં કેટલાક સ્થાનિક ઉગ્રવાદીઓ હોય છે, પરંતુ મોટાભાગના સરહદ પારથી આવે છે.
આ દિવસોમાં ત્રણેય સંગઠનો સાથે બનેલી જિહાદ કાઉન્સિલ પાકિસ્તાનમાં છે, જેમાં મસૂદ અઝહર અને હાફિઝ મોહમ્મદ સઈદ સામેલ છે.
વિચારધારાના અંદરોઅંદરના મતભેદો છતાં તેમની વચ્ચે હંમેશાં ઑપરેશનલ તાલમેલ દેખાય આવે છે.
અધિકારીઓ કહે છે કે પુલવામામાં એવું જ થયું છે, શું આગળ પણ આ પ્રકારના મોટા હુમલાઓ થઈ શકે છે?
દિલ્હીમાં જામિયા મિલિયા યુનિવર્સિટીના અયમાન માજીદે કાશ્મીરમાં અલગતાવાદી હિંસા પર ઊંડું રિસર્ચ કર્યું છે.
તેઓ કહે છે, "મારા વિચારમાં આ પ્રકારના હુમલાઓ વધારે નજરે નહીં આવે. મીડિયા કહી રહ્યું છે કે આ પ્રકારના હુમલાઓ કાશ્મીરમાં ફરી થઈ શકે છે."
"જોકે, હું સમજું છું કે પુલવામા જેવો મોટો હુમલો કદાચ જ થશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પુલવામા હુમલાની તપાસ ચાલુ છે પણ શું તે સરકારની રણનીતિની નિષ્ફળતા દર્શાવે છે?
કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઇબ્રાહિમ વાની કહે છે કે સરકારે ગત વર્ષે ઉગ્રવાદ પર કાબૂ પામ્યાનો દાવો કર્યો હતો, પરંતુ પુલવામા હુમલો એ દાવો નકારી કાઢે છે.
2018માં દાવો કરવામાં આવ્યો કે મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓ માર્યા ગયા છે અને તેને સેનાની સફળતા તરીકે રજૂ કરવામાં આવ્યો, પરંતુ પુલવામા હુમલો એનો પણ નકાર છે.
અધિકારીઓ જાણે છે કે ઘર્ષણમાં જો એક ઉગ્રવાદી માર્યો જાય, તો બીજો ઊભો થઈ જાય છે.
પોલીસના અહેવાલ પ્રમાણે, રાજ્યમાં હથિયારધારી સક્રિય યુવાનોની સંખ્યા એક સમયે 150થી 200 સુધી મર્યાદિત રહે છે.
ઉગ્રવાદીઓ એ સમજે છે કે આ સંખ્યા સુરક્ષા દળોને પરેશાન કરવા માટે અને તેમને વ્યસ્ત રાખવા માટે પૂરતી છે.

ઇમેજ સ્રોત, ZUBAIR AHMAD/BBC
દક્ષિણ કાશ્મીરમાં હુમલાઓ વધારે થાય છે, જેમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓનાં મૃત્યુ થાય છે.
આ મેદાની વિસ્તાર છે અને અહીં જંગલ વિસ્તાર ઘણો ઓછો છે એટલે અહીં સ્થાનિક 'હિજબુલ-મુજાહિદ્દીન' વધારે સક્રિય છે.
'લશ્કર-એ-તોઇબા' અને 'જૈશ-એ-મોહમ્મદ'ના ઉગ્રવાદીઓને અહીં મુશ્કેલી પડી શકે છે, કેમ કે એમને કાશ્મીરી ભાષા નથી આવડતી.
ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટ પ્રમાણે, ઉત્તર કાશ્મીરમાં 'જૈશ-એ-મોહમ્મદ' અને 'લશ્કર-એ-તોઇબા'ના ઉગ્રવાદીઓ વધારે સંખ્યામાં હોય છે.
તેઓ અહીં પહાડ અને જંગલના રસ્તાઓથી વાકેફ હોય છે. તેઓ લશ્કરી રીતે તાલીમબદ્ધ હોય છે અને હિજબુલના લડાકુઓની સરખામણીએ વધારે અનુભવી હોય છે.
આમાં પાકિસ્તાનથી આવેલા લોકો વધારે હોય છે. હાલમાં જ હંદવાડામાં એક ઍન્કાઉન્ટર 72 કલાક ચાલ્યું, જેમાં સુરક્ષાકર્મીઓના મૃત્યુ વધારે થયા.
આનું કારણ રજૂ કરતા એક સ્થાનિક પત્રકાર કછે ત્યાં પાકિસ્તાનીઓ સક્રિય હતા અને એમના પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.


શું છે આગળનો રસ્તો?

ઇમેજ સ્રોત, ZUBAIR AHMAD/BBC
રાજ્યપાલ સત્યપાલ મલિક માને છે પુલવામા જ્યારે હાલત સુધરી રહી છે, એવું લાગતું હતું ત્યારે જ પુલવામા હુમલો થયો.
એમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે કાશ્મીરમાં ચાલી રહેલી હિંસાનો એક જ ઉકેલ છે, વાતચીતની ફરી શરુઆત.
જોકે, તેઓ કહે છે 'પહેલાં સ્થિતિ સુધરે અને પાકિસ્તાન ઉગ્રવાદીઓને સહયોગ આપવાનું બંધ કરી દે, તો વાતચીતની શરુઆત કરી શકાય છે. '
ગુલામ હસન ડાર એક આત્મઘાતી હુમલાખોરના પિતા છે. તેઓ વારંવાર આ સ્થિતિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ નેતાઓને દોષિત ઠેરવે છે.
તેઓ પોતાના બાળકોને ઉગ્રવાદી બનવાથી રોકી નથી શક્યા, પરંતુ એમના મતે હિંસા રોકવાનો એક માત્ર રસ્તો ભારત-પાકિસ્તાન અને કાશ્મીર વચ્ચે સંવાદ છે.
ડારના મતે, 'આખરે હિંસામાં માણસ જ મરે છે. હિંદુ, મુસલમાન, શીખ તમામ માણસો છે અને માણસો જ મરે છે. કાશ કે નેતાઓ આટલા સ્વાર્થી ન હોત અને કાશ્મીર સમસ્યાનો ઉકેલ કાઢત. '
પુલવામા હુમલા બાદ દરરોજ ચાલી રહેલા ઍન્કાઉન્ટર્સથી એવું લાગે છે કે હિંસાનો અંત નજીક નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















