રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની પીછેહઠ થઈ

ઇમેજ સ્રોત, AFP
રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની પીછેહઠ થઈ છે. સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે ઍટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને ફગાવી દીધા છે.
સરકારે માગ કરી હતી કે અગાઉ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાને યથાવત્ રાખવામાં આવે અને પુનઃવિચારની અરજીઓને નહીં સ્વીકારવા માગ કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે સર્વાનુમત્તે આ ચુકાદો આપ્યો હતો.
અગાઉ સર્વોચ્ચ અદાલતે રફાલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકારને ક્લીનચીટ આપી હતી.

અગાઉ દસ્તાવેજો ચોરી થયાનું કહ્યું હતું

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
અગાઉ સુનાવણીમાં એટૉર્ની જનરલ (એજી) કે. કે. વેણુગોપાલે કહ્યું કે આ ફાઇટર વિમાન સોદા સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઈ છે.
સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે જ્યારે એક નોટ વાંચવાનું શરૂ કર્યું ત્યારે વેણુગોપાલે વાંધો ઉઠાવ્યો.
ભૂષણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે રફાલ સોદા સાથે જોડાયેલી તપાસની પુનર્વિચાર અરજી રદ ન કરવી જોઈએ, કેમ કે 'મહત્ત્વનાં તથ્યો'ને સરકાર દબાવી ન શકે.
રફાલ પર પુનર્વિચાર અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ અને કે. એમ. જોસેફની બૅન્ચ કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સુનાવણી દરમિયાન જ વેણુગોપાલે કહ્યું કે રક્ષા મંત્રાલયમાંથી એવા દસ્તાવેજો ચોરી લેવાય છે જેની તપાસ હજી બાકી છે.
બીજી બાજુ, અખબાર 'ધ હિંદુ'ના સંપાદકે કહ્યું હતું કે તેઓ કોઈ પણ ભોગે દસ્તાવેજ આપનારા સ્રોતનું નામ જાહેર નહીં કરે.
અખબારે જે માહિતી રજૂ કરી છે, તે માહિતી ઘણુંઘણું કહી જાય છે.
એજીએ કહ્યું હતું કે ફાઇલની ચોરી કરવામાં આવી હતી અને એક રાષ્ટ્રીય દૈનિક અખબાર 'ધ હિંદુ'એ તેને પ્રકાશિત કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

એજીથી જસ્ટિસ રંજન ગોગોઈએ પૂછ્યું કે સરકારે આ મામલામાં શું કાર્યવાહી કરી છે? તો વેણુગોપાલે કહ્યું, "અમે એ તપાસ કરી રહ્યા છીએ કે ફાઇલ ચોરી કેવી રીતે થઈ. એજીએ કહ્યું કે 'ધ હિંદુ'એ એ ગુપ્ત ફાઇલ છાપી છે. તાજેતરમાં જ 'ધ હિંદુ'એ રફાલ સોદા સાથે જોડાયેલા અનેક રિપોર્ટ છાપ્યા છે. જેમાં કહેવાયું છે કે સરકારે ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે."
વેણુગોપાલે કહ્યું કે રક્ષા સોદાને રાષ્ટ્રની સુરક્ષા સાથે સંબંધ છે અને એ ઘણું સંવેદનશીલ છે. એજીએ કહ્યું કે જો બધું જ મીડિયા, કોર્ટ અને પબ્લિક ડિબેટમાં આવશે તો અન્ય દેશો સોદો કરવાનું ટાળશે.
નરેન્દ્ર મોદી સરકારે ફ્રાન્સ સાથે 2016માં રફાલ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. 59 હજાર કરોડ રૂપિયાની આ ડીલમાં ફ્રાન્સની 'ડસૉ' કંપની પાસેથી ભારતને 36 ફાઇટર વિમાન મળવાનાં છે.

શું છે રફાલની વિશેષતા?

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
- રફાલ પરમાણુ મિસાઇલ વહન કરવામાં સક્ષમ છે
- વિશ્વનાં સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે
- બે મિસાઇલ લગાવેલી હોય છે. એકની રેંજ 150 કિમી અને બીજી મિસાઇલની રેંજ 300 કિમી
- આ વિમાન ચીન અને પાકિસ્તાન પાસે નથી
- ભારતીય વાયુસેનાનાં વિમાન મિરાજ-2000નું અદ્યતન વર્ઝન છે
- ભારતીય વાયુસેના પાસે આવાં 51 મિરાજ છે
- ડસૉ ઍવિએશન અનુસાર રફાલની સ્પીડ મૅક 1.8 એટલે કે 2000 કિમી/પ્રતિ કલાક છે.
- તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે.
- રફાલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઇંધણ ભરી શકાય છે
આ રફાલ વિમાનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલાં યુદ્ધમાં ઉપયોગ થયાં છે.

ક્યારે થઈ હતી રફાલ ડીલ?

ઇમેજ સ્રોત, EPA
વર્ષ 2010માં યૂપીએ સરકારે ફ્રાન્સ પાસેથી આ વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
વર્ષ 2012થી 2015 સુધી બન્ને વચ્ચે વાટાઘાટો ચાલતી રહી. ત્યારબાદ વર્ષ 2014માં ભાજપની સરકાર બની.
વર્ષ 2016ના સપ્ટેમ્બરમાં ભારતે ફ્રાન્સ સાથે 36 રફાલ વિમાનો માટે 59 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી.
ભારત અગાઉ કુલ 126 વિમાન ખરીદવાનું હતું અને એવું નક્કી થયું હતું કે 18 વિમાન ફ્રાન્સ પાસેથી ખરીદશે અને 108 વિમાન બેંગાલુરુ સ્થિત 'હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ'માં બનાવશે.

એક વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા?

ઇમેજ સ્રોત, AFP
મોદી સરકારે કરેલા કરારની કથિત કિંમત અનુસાર એક વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા થાય છે.
વળી મોદી સરકાર આ ડીલ મામલે પારદર્શિતા અંગે એવું કહે છે કે સરકારે વિમાન બનાવતી કંપની નહીં પણ ફ્રાન્સની સરકાર સાથે સોદો કર્યો છે.
વર્ષ 2016ના સપ્ટેમ્બરમાં થયેલા આ કરાર મામલે મોદી સરકારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
બીબીસીના અહેવાલ મુજબ રક્ષા ક્ષેત્રની બાબતના જાણકાર અજય શુક્લાએ એપ્રિલ-2015માં કહ્યું હતું કે વડા પ્રધાનની સાથે રિલાયન્સ (એડીએજી) પ્રમુખ અનિલ અંબાણી અને તેના સમૂહના અધિકારીઓ પણ ફ્રાન્સ ગયા હતા અને રફાલ બનાવતી કંપની સાથે વાટાઘાટો કરી હતી.

ઇમેજ સ્રોત, AFP
ઉપરાંત રાહુલ ગાંધીના આરોપ બાદ અજય શુક્લાની વાતને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આગળ વધારી હતી.
તેમણે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે માર્ચ 2015માં અંબાણીની રિલાયન્સ ડિફેન્સની નોંધણી થઈ.
તેમણે કહ્યું, "બે સપ્તાહ બાદ મોદી સરકારે યૂપીએ સરકારની 600 કરોડ રૂપિયામાં રફાલ ખરીદવાની ડીલને 1500 કરોડ રૂપિયાની ડીલમાં ફેરવી દીધી."
"જાહેર ક્ષેત્રની કંપની 'હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ'ની જગ્યાએ અંબાણીની કંપનીને પસંદ કરી જેથી તે 58 હજાર કરોડની કેકનો અડધો સ્વાદ ચાખી શકે."

રફાલનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, AFP
રફાલ બનાવતી કંપની ડસૉના અનુસાર આ વિમાન ફોર્થ જનરેશન ટૅકનૉલોજીનાં છે અને સૌપ્રથમ 1986માં તેનું પ્રારંભિક ઉત્પાદન શરૂ થયું હતું.
ફ્રાન્સની વાયુસેના પાસે 91 રફાલ છે. અફઘાનિસ્તાનની લડાઈમાં અમેરિકાના નેતૃત્વવાળા નાટો દળે તેનો ઉપયોગ કર્યો હતો.
સદ્દામ હુસેન સામેની લડાઈમાં પણ અમેરિકાના દળોએ રફાલ ઉપયોગમાં લીધાં હતાં.
વર્ષ 2011માં લીબિયાના ગૃહયુદ્ધમાં પણ રફાલ સામેલ કરાયાં હતાં.
ઇરાકના યુદ્ધમાં આઈએસના લડાકુઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા દરમિયાન રફાલનો ઉપયોગ થયો હતો.
ફ્રાન્સ સિવાય ઇજિપ્ત, કતારે પણ વિમાન ખરીદવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. જ્યારે બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને યૂએઈ તેમની વાયુસેના માટે આ વિમાન ખરીદવા વિચારી રહ્યા છે.


હુમલો કરવામાં કેટલું સક્ષમ છે?
રફાલની વહનક્ષમતા સારી છે અને તેમાં અત્યાધુનિક સિસ્ટમ છે.
તે એક જ સમયે હવામાંથી જમીન પર હુમલા કરવાની અને અન્ય યુદ્ધ વિમાનોને આંતરવાની ક્ષમતા ધરાવે છે.
તે ઓછી ઊંચાઈ પરથી પણ ઍર-ટુ-ઍર મિસાઇલ છોડી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














