ફૅક્ટ ચેક : ભાજપ પર પુલવામા હુમલો કરાવવાના આરોપનું સત્ય શું છે?

ઇમેજ સ્રોત, Social media
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વેપારી અવિ ડાંડિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2019ની લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે જ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરાવ્યો હતો અને પક્ષની જ આ એક ચાલ હતી.
વાઇરલ વીડિયોમાં અવિ ડાંડિયા પોતાના દાવાને મજબૂતીથી રજૂ કરવા માટે એક કથિત કૉલ રેકૉર્ડિંગ પણ સંભળાવે છે.
જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ આ મામલે એક અજાણી મહિલા સાથે વાત કરતા સાંભળવા મળી રહ્યા છે.
આ ભ્રામક કૉલ રેકૉર્ડિંગને સાંભળીને એવું લાગે છે કે પુલવામા હુમલાનું કાવતરું ભાજપના વરિષ્ઠ નેતાએ રચ્યું હતું.
જોકે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૉલ રેકૉર્ડિંગ ફેક એટલે કે નકલી છે.
1 માર્ચના રોજ અવિ ડાંડિયાએ પોતાના ફેસબુક પેજ દ્વારા લાઇવ કરીને આ ઑડિયો લોકોને સંભળાવ્યો હતો.
તેમણે લખ્યું હતું, "સત્ય શું છે, સાંભળો જો વિશ્વાસ ના હોય તો અને દેશની જનતામાં દમ હોય તો પૂછો જેમનો અવાજ છે તેમને, જે સેનાના ન થયા એ જનતાના શું થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, SM VIRAL POST
અવિ ડાંડિયાના ફેસબુક પેજ પર આ લાઇવ વીડિયો ઉપલબ્ધ નથી, પરંતુ ઇન્ટરનેટ આર્કાઇવ્ઝથી જાણવા મળે છે કે વીડિયો હટાવ્યા પહેલાં 23 લાખથી વધારે વખત તે જોવામાં આવ્યો હતો.
આ વીડિયોને એક લાખથી વધારે લોકોએ પોતાના ફેસબુક પેજ પર શૅર પણ કર્યો હતો.
'ડેઇલી કૅપિટલ' અને 'સિયાસત ડૉટ પીકે' જેવી નાની પાકિસ્તાની વેબસાઇટોએ પણ અવિ ડાંડિયાના વીડિયોને આધાર બનાવીને ભાજપ વિરુદ્ધ સમાચારો લખ્યા છે.
સેંકડો લોકો આ વીડિયોને ફેસબુક પરથી ડાઉનલોડ કરીને તેને વૉટ્સઍપ પર શૅર કરી રહ્યા છે.
બીબીસીના કેટલાક વાચકોએ પણ વૉટ્સઍપ દ્વારા આ વીડિયોની હકીકત જાણવા માગી હતી.


ઑડિયોની હકીકત શું છે?
વ્યવસાયે હીરાના વેપારી અવિ ડાંડિયા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગી અને બોલીવૂડના અભિનેતા શાહરુખ ખાન અંગે પોતાની તીખી પ્રતિક્રિયા આપીને વર્ષ 2015માં પણ સમાચારોમાં ચમક્યા હતા.
જોકે, આ વખતે તેમણે જે ઑડિયો ફેસબુક લાઇવ દ્વારા લોકોને સંભળાવ્યો છે, તે ભારે ઍડિટિંગ દ્વારા ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહનાં નિવેદનોને તોડીમરોડીને બનાવવામાં આવ્યો છે.
એવી રીતે ઍડિટિંગ કરવામાં આવ્યું છે કે ઑડિયોમાં એક અજાણી મહિલાનો અવાજ સંભળાય છે જાણે કે તે આ નેતાઓને સવાલો પૂછી રહી હોય.
તેના જવાબમાં સંભળાઈ રહેલા રાજનાથ સિંહ અને અમિત શાહના અવાજને જુદાંજુદાં ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવ્યો છે અને તેને ખૂબ જ ભ્રામક સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે વાઇરલ ઑડિયોના જે હિસ્સા પર રાજનાથ સિંહ કહે છે, "જવાનોના સવાલ પર આપણો દેશ ખૂબ જ સંવેદનશીલ છે, ખૂબ જ સંવેદનશીલ."
આ હિસ્સો રાજનાથ સિંહના પુલવામા હુમલાના એક સપ્તાહ બાદ (22 ફેબ્રુઆરી એ) ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂનો છે.

ઇમેજ સ્રોત, INDIA TODAY
પુલવામા હુમલા બાદના આ ઇન્ટરવ્યૂમાં ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે માર્યા ગયેલા જવાનો પર રાજનીતિ ના કરવી જોઈએ.
તેમણે આ નિવેદન થકી કૉંગ્રેસ દ્વારા વડા પ્રધાન મોદી પર પુલવામા હુમલાની સૂચના મળ્યા બાદ જિમ કૉર્બેટ પાર્કમાં ઘૂમતા રહેવાના કરાયેલા આરોપનો જવાબ આપ્યો હતો.
વાઇરલ ઑડિયોમાં રાજનાથ સિંહના આ ઇન્ટરવ્યૂના ઑડિયોનેો ત્રણથી ચાર વખત ખોટી રીતે ઍડિટ કરીને ઉપયોગ કરવામાં આવ્યો છે.
જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગયા વર્ષે ઝી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાંથી પણ કેટલાક ભાગ કાઢવામાં આવ્યા છે. તેમનાં નિવેદનોને તોડીમરોડીને રજૂ કરાયાં છે.
વાઇરલ ઑડિયોમાં જ્યાં અમિત શાહ કહે છે, "દેશની જનતાને ગુમરાહ કરી શકાય છે અને અમે માનીએ પણ છીએ કે ચૂંટણી માટે યુદ્ધ કરાવવાની જરૂરિયાત છે." આ એ ઇન્ટરવ્યૂના ભાગ છે.

ઇમેજ સ્રોત, ZEE NEWS
જોકે, તેમના નિવેદનના કેટલાક શબ્દો હટાવી દેવામાં આવ્યા છે અને ત્રણ અલગ વાક્યોને જોડીને એક વાક્ય બનાવાયું છે.
સમગ્ર ઇન્ટરવ્યૂમાં અમિત શાહ ક્યાંય પણ કહેતા નથી કે દેશમાં જનતાને ગુમરાહ કરી શકાય છે અને ચૂંટણી માટે યુદ્ધની જરૂરિયાત છે.
જોકે, આ નકલી ઑડિયોના કેટલાક હિસ્સા એવા પણ છે કે જેના વિશે સ્પષ્ટપણે એવું કહી શકાતું નથી કે રાજનાથ સિંહ અને અમિત શાહના અવાજને ક્યાંથી લેવામાં આવ્યા છે.
જોકે, એ સ્પષ્ટ છે કે આ કોઈ કૉલ રેકૉર્ડિંગ નથી કે જેમાં ભાજપના બંને નેતા ઑડિયોમાં જેનો અવાજ સંભળાય છે તે મહિલા સાથે વાત કરી રહ્યા હોય.
(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












