લોકસભા ચૂંટણી 2019: શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધારે રસ્તાઓનું નિર્માણ કરાવ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી રિયાલિટી ચેક
દાવો : વર્તમાન સરકારનું કહેવું છે કે તેણે ભારતની જૂની બધી સરકારોની સરખામણીએ ત્રણ ગણા વધારે રસ્તા બનાવ્યા છે.
હકીકત : એ વાત સાચી છે કે વર્તમાન સરકારના કાર્યકાળમાં માર્ગ નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ જૂની સરકારોની સરખામણીએ ત્રણ ગણું વધારે નથી.
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2018માં કહ્યું હતું કે તેમની સરકારમાં જેટલા રસ્તા બન્યા છે તેટલા પહેલાંની કોઈ સરકારના કાર્યકાળમાં બન્યા નથી.
તેમણે કહ્યું હતું, "આજે જે ગતિથી કામ થઈ રહ્યું છે તે પહેલાં થયેલાં કામોથી ત્રણ ગણું વધારે છે."
ભારતીય રસ્તાઓની જાળ દુનિયામાં સૌથી વધારે વિસ્તૃત છે, જે લગભગ 55,00,000 કિલોમિટરનું ક્ષેત્ર કવર કરે છે.
ભારતમાં સડક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે :
- નેશનલ હાઈવે
- રાજ્ય હાઈવે
- ગ્રામીણ માર્ગ
વર્ષ 1947માં ભારતને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે અહીં નેશનલ હાઈવેની લંબાઈ 21,378 કિલોમિટર હતી. વર્ષ 2018 સુધી આ લંબાઈ વધીને 1,29,709 કિલોમિટર સુધી પહોંચી ગઈ છે.
નેશનલ હાઈવે માટે ફંડ સરકાર આપે છે અને તેના નિર્માણની જવાબદારી પણ કેન્દ્ર સરકારની હોય છે. આ તરફ રાજ્યોમાં બનતા હાઈવેની જવાબદારી રાજ્ય સરકાર ઉઠાવે છે અને ગામડાંમાં માર્ગ નિર્માણનું કામ ગ્રામીણ વિકાસ મંત્રાલય જુએ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં 10 વર્ષના સરકારના સત્તાવાર આંકડા અનુસાર વર્ષ 2014 બાદ એટલે કે ભાજપના સત્તામાં આવ્યા બાદ દર વર્ષે બનતા હાઈવેની કુલ લંબાઈ વધી છે.
2013-14માં એટલે કે કૉંગ્રેસ સરકારની સત્તાના અંતિમ વર્ષમાં 4,260 કિલોમિટરના હાઈવેનું નિર્માણ થયું હતું.
આ તરફ વર્ષ 2017-18 એટલે કે વર્તમાન સરકારના અંતિમ વર્ષમાં 9,829 કિલોમિટર હાઈવેનું નિર્માણ થયું છે.
વર્ષ 2013-14ના આંકડાની સરખામણી કરવામાં આવે તો એ બે ગણા કરતાં વધારે છે પણ કામ ત્રણ ગણા કરતાં ઓછું છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડિસેમ્બર 2018ની પોતાની સમીક્ષામાં કહ્યું હતું કે વર્ષ 2019ના અંત સુધી હાઈવેની 300 સરકારી પરિયોજનાઓ પૂર્ણ થઈ જશે.
એટલું જ નહીં, વર્તમાન સરકારે દર નાણાકીય વર્ષમાં નેશનલ હાઈવે નિર્માણ માટે વધારે ફંડ પણ આપ્યું છે.
માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે માર્ગ અને હાઈવે દેશની બહુમૂલી સંપત્તિ છે. ગડકરીના પ્રયાસોનાં વિપક્ષી પાર્ટીનાં નેતા સોનિયા ગાંધીએ સંસદમાં વખાણ પણ કર્યાં હતા હતાં.

ગામડામાં રસ્તાનું નિર્માણ

ગ્રામીણ વિસ્તારોમાં માર્ગના વિસ્તારની યોજના વર્ષ 2000માં ભાજપના નેતૃત્વવાળી સરકારથી શરૂ થાય છે.
ગત વર્ષે મે મહિનામાં વર્તમાન ભાજપ સરકારે કહ્યું હતું કે તેમણે 2016-17 નાણાકીય વર્ષમાં ગામડાંમાં 47,000 કિલોમિટર કરતાં વધારે લાંબા રસ્તાનું નિર્માણ કરાવ્યું હતું.
ભાજપે કહ્યું, "વર્ષ 2016-17માં મોદી સરકારમાં ગ્રામીણ ક્ષેત્રોમાં રસ્તાનું સૌથી વધારે નિર્માણ થયું."
જોકે, આ દાવાથી વિપરીત વર્ષ 2009-10ના સત્તાવાર આંકડા પર નજર કરવામાં આવે તો ખબર પડે છે કે તે દરમિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં 60,017 કિલોમિટર લાંબા રસ્તા બન્યા અને તે કૉંગ્રેસના શાસનકાળમાં થયું.
જોકે, જ્યારે ભાજપ સત્તામાં આવ્યો, ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે આપવામાં આવતું બજેટ દર નાણાકીય વર્ષમાં વધારવામાં આવ્યું. તેનો ઉદ્દેશ હતો અંતરિયાળ વિસ્તારોમાં સહેલાઈથી પહોંચવું.
વિશ્વ બૅન્કે ડિસેમ્બર 2018માં જાહેર કરેલા પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં રસ્તા બનાવવા માટે તે વર્ષ 2004થી ભારતને નાણાકીય મદદ આપતી આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














