લોકસભા ચૂંટણી 2019: શું સરકાર ગંગા નદીમાં સફાઈ કરી શકી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી રિયાલિટી ચેક
નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે પ્રદૂષિત થયેલી ગંગા નદીને ફરીથી નિર્મળ કરવામાં આવશે.
વર્ષ 2015માં ભાજપ સરકારે નદીની સ્વચ્છતા માટે પંચવર્ષીય યોજનાની જાહેરાત કરી અને સાથે જ ત્રણ અબજ ડૉલર (212.6 અબજ રૂપિયા)ની ફાળવણી કરવાની પણ જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી જીત્યા છે તે વારાણસી પણ ગંગા નદીના કિનારે આવેલું છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે ગંગા નદીના પ્રદૂષણને ઘણા અંશે ઘટાડી શકાયું છે.
જોકે, વિપક્ષનું કહેવું છે કે તેઓ આ કાર્યમાં નિષ્ફળ ગયા છે.
એ વાત સાચી છે કે સફાઈનું કામ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
તેના કારણે એ વાત શક્ય લાગતી નથી કે 2020 સુધીમાં 1,568 માઈલ લાંબી ગંગા નદીની સફાઈ થઈ શકે.
ગંગા સ્વચ્છતા યોજના પાછળ વધારે ખર્ચ થઈ રહ્યો હોવા છતાં લક્ષ્યાંક હાંસલ થાય તેમ લાગતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગંગા શા માટે મેલી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
હિમાયલમાંથી નીકળીને બંગાળની ખાડી સુધી પહોંચતી ગંગા નદીને હિંદુઓ પવિત્ર ગણે છે.
ગંગા નદીના કિનારે સેંકડો શહેરો અને હજારો ગામડાં વસ્યાં છે.
પરંતુ આ પવિત્ર નદી સામે અનેક સમસ્યાઓ ઊભી થઈ છે, ખાસ કરીને નીચેની બાબતોનો તેમાં સમાવેશ થાય છે:
- ઝેરી રસાયણોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું પ્રદૂષણ
- વેપારી અને રહેણાંક વિસ્તારોનો કચરો અને ગટરો
- મોટી સંખ્યામાં ફેંકી દેવાતી પ્લાસ્ટિકની કોથળીઓ
- ખેતી માટે ભૂગર્ભજળનું બેફામ દોહન
- સિંચાઈ તથા અન્ય ઉપયોગ માટે પાણી વાળી દેતા નદી પર બનેલા બંધો

આપને આ પણ વાચવું ગમશે

વિલંબ અને ચૂકાઈ ગયેલી ડેડલાઇન્સ

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતકાળની ભારતની સરકારોએ પણ ગંગાની સફાઈ કરવાની કોશિશ કરી છે, પણ સફળતા નથી મળી.
વર્તમાન સરકારે 2015થી ગંગા નદીની સફાઈ માટેની યોજનાઓ પાછળનાં ભંડોળમાં વધારો કર્યો છે.
આમ છતાં યોજનાઓમાં મોડું થતું રહ્યું છે અને નિર્ધારિત તારીખ ચૂકી જવાઈ છે.
આ વાત 2017ના સરકારી ઑડિટના અહેવાલમાં પણ જણાવાઈ છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે અગાઉના બે વર્ષ દરમિયાન જે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું, તેમાંથી ચોથા ભાગ કરતાંય ઓછા ફંડનો ઉપયોગ થયો હતો.
અહેવાલમાં જણાવાયું છે, "યોજનાને મંજૂરી આપવામાં વિલંબ થયો હતો, યોજના માટે ફાળવાયેલું મોટું ફંડ વણવપરાયેલું પડ્યું રહ્યું હતું.
"માનવસંસાધનનો પણ અભાવ પણ જણાયો હતો અને તેના કારણે નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વિલંબ થયો હતો."

236માંથી 63 યોજના જ પૂર્ણ

ઇમેજ સ્રોત, Getty Images
ગયા વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાંમાં જણાવાયું હતું કે સફાઈ માટેની 236 યોજનાઓમાંથી માત્ર 63 જ પૂરી થઈ હતી.
હવે સરકાર જણાવી રહી છે કે માર્ચ 2019 સુધીમાં 70%-80% નદી સ્વચ્છ થઈ ગઈ હશે.
આગામી વર્ષ સુધીમાં સંપૂર્ણ નદી સ્વચ્છ થઈ જશે એમ જણાવાઈ રહ્યું છે.
ગંગા નદીના કેટલાક કિનારાના હિસ્સામાં સફાઈ થઈ હોવાનાં થોડાં ચિહ્નો જોવા મળી રહ્યાં છે.
છ સૌથી વધુ પ્રદૂષિત હિસ્સામાંથી પાણીના નમૂના લઈને હાલમાં તેની તપાસ કરાઈ હતી.
તપાસ બાદ નિષ્ણાતોએ આપેલા અહેવાલમાં જણાવાયું હતું કે પાણીમાં ભળેલા ઑક્સિજનના પ્રમાણમાં થોડો સુધારો દેખાયો હતો.
જળસૃષ્ટિ જીવિત રહી શકે તે માટે ઑક્સીજનનું પૂરતું પ્રમાણ પાણીમાં હોવું જોઈએ.


હજી પણ ક્યાંથી પ્રદૂષણ થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આજે પણ કેટલીક સમસ્યાઓ યથાવત છે - સૌથી મોટી સમસ્યા એ છે કે હજી પણ ગીચ વસતિ ધરાવતા શહેરોની ગટરનું ગંદું પાણી પ્રક્રિયા કર્યા વિના સીધું જ નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે.
સ્વચ્છતાની યોજના ચલાવી રહેલા સરકારી વિભાગના અહેવાલ પ્રમાણે, નદી કિનારે વસેલાં 96 શહેરોમાંથી રોજનું 2.9 અબજ લીટર ગટરનું પાણી નીકળે છે.
તેની સામે રોજના માત્ર 1.6 અબજ લીટર ગંદુ પાણી શુદ્ધ કરી શકાય તેટલી જ ક્ષમતા ઊભી થયેલી છે.
તેનો અર્થ એ કે રોજનું એક અબજ લીટર ગટરનું પાણી સીધું જ નદીમાં ભળી જાય છે.
આ જ અહેવાલમાં અંદાજ મૂકાયો છે કે 2035 સુધીમાં આ શહેરોમાંથી રોજનું 3.6 અબજ લીટર પાણી ગટરમાં વહેતું હશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, 46 શહેરોમાં 84 ટ્રીટમૅન્ટ પ્લાન્ટ્સ બનાવાયા છે, તેમાંથી 31 તો કામ જ નથી કરતાં.
બીજા 14 પ્લાન્ટ્સ પૂર્ણ ક્ષમતાએ કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
નદીમાં પ્રદૂષણ ફેલાવતા બીજા કેટલાક પરિબળોને રોકવાની કોશિશ પણ થઈ છે. જેમ કે કાનપુરના ચર્મ ઉદ્યોગમાંથી નીકળતું ઝેરી પાણી અટકાવામાં આવ્યું છે.
નદીના કિનારે ધાર્મિક કારણોસર થતી વિધિ માટેના તથા સ્નાન માટેના કેટલાક ઘાટ પર પણ સફાઈ કરવામાં આવી છે.
જોકે, ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગયા જૂન માસમાં અહેવાલ તૈયાર કર્યો, તેમાં બહુ સારું ચિત્ર ઉપસતું નથી.
અહેવાલ પ્રમાણે, 41 સ્થળોએ પ્રદૂષણની માત્રા માટે તપાસ કરવામાં આવી તેમાંથી માત્ર ચાર જ સ્થળોએ સફાઈ થઈ હતી અથવા તો પ્રદૂષણની માત્રા થોડી ઓછી થઈ હતી.
ગંગા નદીની સ્વચ્છતાની યોજનામાં કેટલી પ્રગતિ થઈ તેના સરકારી અહેવાલ અનુસાર, જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં ગંગા નદીનું પાણી શુદ્ધ કર્યા પહેલાં પી શકાય તેવું નહોતું.
ઘણા નિષ્ણાતો માને છે કે વર્તમાન સરકારે નક્કી કરેલી નવી ડેડલાઇનમાં પણ પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા થાય તેમ લાગતું નથી.
દિલ્હી સ્થિત સંશોધન સંસ્થા સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઍન્વાયરમૅન્ટના ચંદ્ર ભૂષણના જણાવ્યા અનુસાર :
"છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયેલા પ્રયાસોથી જળની ગુણવત્તામાં ખાસ કોઈ મહત્ત્વનો સુધારો થયો હોય તેવી અપેક્ષા નથી."
"તેઓ માને છે કે માર્ચ 2019 સુધીમાં 80% ગંગા નદીમાં સફાઈ કરવાનો અને માર્ચ 2020 સુધીમાં સંપૂર્ણ નદીને સ્વચ્છ કરી દેવાનું લક્ષ્ય "પાર પડે તેવી કોઈ શક્યતા નથી."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












