પુલવામા હુમલાની જવાબદારી લેનાર સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ની કહાણી

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરાના લેકપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા પર કરાયેલા ઉગ્રવાદી હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા લેવાઈ છે.
જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ હસને એક નિવેદન જાહેર કરીને કહ્યું, 'આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ડોએ આ હુમલો કર્યો છે.' વકાસ કમાન્ડો પુલવામા જિલ્લાનો નાગરિક ગણાવાઈ રહ્યો છે.
જોકે, આ પ્રથમ વખત નથી બન્યું કે જૈશે ભારતમાં આ પ્રકારનો હુમલો કર્યો હોય.
જૈશના પ્રમુખ મૌલાના મસુદ અઝરની ધરપકડ બાદ 1999ની 24મી ડિસેમ્બરે 180 પ્રવાસીઓ ધરાવતા ભારતીય વિમાનના અપહરણથી આની શરૂઆત થઈ હતી.
મૌલાના મસુદ અઝહરને ભારતીય અધિકારીઓએ વર્ષ 1994માં કાશ્મીરમાં સક્રીય ઉગ્રવાદી સંગઠન 'હરકત-ઉલ-મુજાહિદીન'ના સભ્ય હોવાના આરોપમાં શ્રીનગરમાંથી ધરપકડ કરાઈ હતી.

કઈ રીતે મુકાયો જૈશનો પાયો?

ઇમેજ સ્રોત, Getty Images
અપહરણકર્તાઓ વિમાનને કંદહાર લઈ ગયા અને ભારતીય જેલોમાં બંધ મૌલાના મસુદ અઝહર, મુશ્તાક ઝરગર અને શેખ અહમદ ઉમર સઇદ જેવા ઉગ્રવાદી નેતાઓની મુક્તિની માગ કરી હતી.
છ દિવસ બાદ 31 ડિસેમ્બરે અપહરણકર્તાઓની શરતોને સ્વીકારતા ભારત સરકારે ઉગ્રવાદી નેતાઓને મુક્ત કર્યા અને બદલામાં કંદહાર ઍરપૉર્ટ પર અપહરણ કરીને રખાયેલા વિમાનને બંધક સહિત મુક્ત કરાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઘટના બાદમાં મૌલાના મસુદ અઝહરે ફેબ્રુઆરી 2000માં જૈશ-એ-મોહમ્મદનો પાયો નાખ્યો અને ભારતમાં કેટલાય ઉગ્રવાદી હુમલાનો અંજામ આપ્યો.
એ વખતે અસ્તિત્વ ધરાવતા 'હરકત-ઉલ-મુજાહિદીન' અને 'હરકત-ઉલ-અંસાર'ના કેટલાય ઉગ્રવાદીઓ 'જૈશ-એ-મોહમ્મદ'માં સામેલ થયા.
ખુદ મૌલાના મસુદ અઝહરે 'હરકત-ઉલ-અંસાર'માં મહાસચિવ પદની જવાબદારી પણ નિભાવી છે અને 'હરકત-ઉલ-મુજાહિદીન' સાથે પણ સંપર્ક રહી ચૂક્યા છે.

પઠાણકોટ, ઉરીથી લઈને પુલવામામાં હુમલા

ઇમેજ સ્રોત, PTI
સ્થાપનાના બે મહિનાની અંદર જ 'જૈશ-એ-મોહમ્મદ' શ્રીનગરના બદામી બાગમાં આવેલા ભારતીય સૈન્યના સ્થાનિક વડા મથક પર કરાયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી.
ફરી પાછું આ સંગઠન ચર્ચામાં આવ્યું અને 28 જૂન વર્ષ 2000માં જમ્મુ અને કાશ્મીરના સચિવાલયની ઇમારત પર કરાયેલા હુમલાની જવાબદારી લીધી.
બિલકુલ આ જ રીતે 24 સપ્ટેમ્બર 2001ના રોજ એક યુવકે વિસ્ફોટક પદાર્થોથી ભરેલી કારને શ્રીનગરના વિધાનસભા ભવન સાથે અથડાવી દીધી.
આ દરમિયાન જ અન્ય કેટલાક ઉગ્રવાદી વિધાનસભાની જૂની ઇમારતમાં પાછળથી ઘૂસી ગયા અને ત્યાં આગ લગાડી દીધી. આ ઘટનામાં 38 લોકો માર્યા ગયા.


હુમલા બાદ તુરંત જ 'જૈશ-એ-મોહમ્મદ'એ આની જવાબદારી સ્વીકારી પણ આગામી દિવસે જ ઇનકાર કરી દીધો.
'જૈશ-એ-મોહમ્મદ'ને 13 ડિસેમ્બરે ભારતીય સંસદ પર થયેલા હુમલા અને જાન્યુઆરી 2016માં પંજાબના પઠાણકોટ ખાતે વાયુ સેનાના મથક પર હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે.
પઠાણકોટ પહેલાં પણ ભારતમાં થયેલા કેટલાય હુમલાઓ માટે 'જૈશ-એ-મોહમ્મદ'ને જવાબદાર ગણાવાયું. જેમાં સૌથી મોટો હુમલો વર્ષ 2008માં મુંબઈમાં કરાયો હતો.
વર્ષ 2001માં સંસદ પર કરાયેલા હુમલાના દોષી અફઝલ ગુરુના તાર પણ જૈશ સાથે જોડાયેલા હતા. અફઝલને 10 ફેબ્રુઆરી 2013માં ફાંસી અપાઈ હતી.
ડિસેમ્બર 2016ના રોજ કાશ્મીરના ઉરી સ્થિત સૈન્ય ઠેકાણા પર કરાયેલા હુમલામાં માટે પણ જૈશને જવાબદાર ગણાવાયું હતું.
ઉરી હુમલામાં 18 સૈનિકો માર્યા ગયા હતા.
આ હુમલાના થોડા જ દિવસ બાદ ભારતીય સૈન્યએ નિયંત્રણ રેખા પર 'સર્જિકલ સ્ટ્રાઇક' કરી હોવાનો દાવો કર્યો હતો.

'ઉગ્રવાદી' સંગઠનોની સૂચીમાં સામેલ

ઇમેજ સ્રોત, AFP
'જૈશ-એ-મોહમ્મદ'ને ભારત, બ્રિટન, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રએ 'ઉગ્રવાદી' સંગઠનોની યાદીમાં મૂક્યું છે.
અમેરિકાના દબાણમાં આવીને પાકિસ્તાને વર્ષ 2002માં આ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, અહેવાલો જણાવે છે કે જૈશના વડા મૌલાના મસુદ અઝહર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં રહે છે.
પઠાણકોટ પર હુમલા બાદ પાકિસ્તાને 'જૈશ-એ-મોહમ્મદ'ના બહાવલપુર અને મુલ્તાન સ્થિત કાર્યાલયો પર કાર્યવાહી કરી હતી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સના મતે અઝહર અને તેમના ભાઈની અટકાયત પણ કરાઈ હતી.
ભારત અઝહર મસુદના પ્રત્યાર્પણની માગ કેટલીય વખત પાકિસ્તાનને કરી ચૂક્યું છે. જોકે, પાકિસ્તાન પુરાવાના અભાવનું કારણ ધરીને આ માગને ફગાવતું આવ્યું છે.
પઠાણકોટ હુમલા બાદ 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા 'અલ-કલામ' પર એક ઑડિયો ક્લિપ જાહેર કર્યો. જેમા પોતાના 'જિહાદીઓ' પર કાબૂ કરવામાં ભારતીય સંસ્થાઓની નિષ્ફળતાની મજાક ઉડાવાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












