લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીનાં ગુજરાતમાં ચક્કર કેમ વધી ગયાં?

ઇમેજ સ્રોત, Twitter Narendra Modi
- લેેખક, મેહુલ મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે અને આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે.
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.
ગુજરાતની મુલાકાતોની આસપાસ કૅબિનેટના કેટલાક નિર્ણયો વડા પ્રધાન કાર્યાલયની વેબસાઇટ પર જોવા મળે છે. એની પાછળ શું રણનીતિ છે?
જેમ કે, ઑક્ટોબરમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણ પછી નવેમ્બર મહિનામાં કૅબિનેટે સેલ્વાસામાં મેડિકલ કૉલેજને મંજૂરી આપી. અમદાવાદ ઍરપૉર્ટને પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે લીઝ આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી.
આઉપરાંત, રાજકોટની ઍઇમ્સ (ઑલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ) અને વડોદરામાં ડિમ્ડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક વગેરે જેવી નોંધ પીએમઓની વેબસાઇટ ઉપર જોવા મળે છે.
ડિસેમ્બરના અંતમાં કેવડિયામાં ડીજી કૉન્ફરન્સથી વડા પ્રધાન ચર્ચામાં હતા તો જાન્યુઆરીમાં વાઇબ્રન્ટની આસપાસ હજીરામાં એમનો ટૅન્ક સાથેનો ફોટો વાઇરલ થયો હતો.
ચૂંટણીપંચે ભલે હજી તેની તારીખનો વર્તારો નથી આપ્યો પણ 2019ની લોકસભાની ચૂંટણીની મોસમ બેસી ગઈ છે. મીડિયા અહેવાલ મુજબ વડા પ્રધાન 20 દિવસમાં 100 રેલી કરવાના છે જેની શરૂઆત એમણે પંજાબના ગુરુદાસપુરથી કરી હતી.
પણ, સવાલ એ છે અનેક રાજ્યોમાં ભાજપને ચૂંટણીમાં મજબૂત ટક્કર મળી શકે એમ છે, ત્યારે જે રાજયના એ 2001થી 2014 સુધી એમ 13 વર્ષ મુખ્ય મંત્રી રહ્યા છે અને જે રાજ્યએ એમને ગત લોકસભાની ચૂંટણીમાં બધી જ 26 બેઠકો આપી હતી ત્યાં એમની હાજરી કેમ વધુ જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગઢ સાચવવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ કહે છે કે ગુજરાત ભાજપની રાજનીતિ જ્યારે મોદીથી આનંદીબહેન અને આનંદીબહેનથી વિજયભાઈ સુધી આવે છે ત્યારે પક્ષની પકડ ઘટે એ સ્વાભાવિક છે અને એનું પરિણામ આપણે ગત વિધાનસભામાં જોઈ ચૂક્યા છીએ.
પક્ષની પકડ ઘટી છે એ વાત સાથે વરિષ્ઠ પત્રકાર અજય નાયક પણ સહમત થાય છે.
અજય નાયક કહે છે કે ગુજરાત ભાજપમાં બધું સરખું દેખાય છે પણ ખરેખર એવું છે નહીં. નરેન્દ્રભાઈની સુરત મુલાકાતમાં તો નીતિનભાઈ ઘરે લગ્નને લીધે હાજર નહોતા પણ આગલી વખતે પણ એમની નારાજગી જોઈ શકાતી હતી.
પક્ષમાં બધાને એક લાઇનમાં રાખવા માટે મોદી સતત અવારનવાર અનેકવિધ કારણોસર ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે એમ અજય નાયક જણાવે છે.
તેઓ સ્પષ્ટ કરે છે કે નરેન્દ્ર મોદીની સરખામણીમાં વિજયભાઈ રુપાણીની તંત્ર પર પકડ નથી, કામો પણ એટલી ત્વરાથી થતાં નથી. આ સંજોગોમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવતા-જતા રહે તો તંત્ર સાબદુ રહે છે અને લોકસભાની ચૂંટણી આવવાની હોય ત્યારે તંત્રને જાગતું રાખવું જરુરી છે.
ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26 બેઠકો ગુજરાતે આપી હતી આ વખતે 26 નહીં પણ 20 બેઠકો ભાજપ જાળવી રાખવી હોય તો ગુજરાતનું તંત્ર ગતિશીલ રાખવું જરુરી છે અને એના માટે જ તેઓ સતત ગુજરાત આવતા રહે છે એમ અજય નાયક કહે છે.
વરિષ્ઠ પત્રકાર અને અગ્રણી રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહ કહે છે કે અનેકવિધ કારણોસર થઈ રહેલી ગુજરાતની મુલાકાતો એ સૂચવે છે કે વડા પ્રધાન આગામી ચૂંટણી પરિણામો અંગે સાશંક છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ એ જોવા મળ્યું હતું.
આ રણનીતિ ગુજરાતની 2017ની ચૂંટણી અગાઉ પણ અપનાવવામાં આવી હતી.
એ વખતે ઑક્ટોબર માસમાં વડા પ્રધાને ગુજરાતની ત્રણ વખત મુલાકાત લીધી હતી તથા ભાવનગર અને વડોદરામાં 1,1140 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
આ પૈકીનો એક પ્રોજેક્ટ એટલે તાજેતરમાં દુર્ઘટનાનો ભોગ બનનાર ઘોઘા-દહેજ રો રો ફેરી. એ વખતે વડોદરાથી વડા પ્રધાને ચૂંટણીની તારીખો અંગે ચૂંટણી પંચની ટીકા કરનારાઓ ઉપર પણ પ્રહાર કર્યા હતા.
આ પછી 25 ઑક્ટોબરે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

ગુજરાતમાં ભાજપની સ્થિતિ સુધરી છે

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદીની ગુજરાતની વધારે મુલાકાતો પાછળ અર્થશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક પ્રોફેસર હેમંતકુમાર શાહ રાજકીય પરિસ્થિતિ, રાહુલ ગાંધીની વધેલી લોકપ્રિયતા અને ગત વિધાનસભાનો અનુભવ, એમ ત્રણ કારણોને જવાબદાર ગણે છે.
તેઓ કહે છે કે ગત વિધાનસભામાં નરેન્દ્ર મોદી બહુ ફર્યા અને ભાજપે ખૂબ આક્રમક ખર્ચાળ પ્રચાર કર્યો તેમ છતાં તેઓ માંડ સત્તા જાળવી રાખવામાં સફળ થયા હતા તે નરેન્દ્ર મોદી સમજી ગયા છે એ એક કારણ છે.
આ ઉપરાંત દેશમાં એમણે આપેલાં વચનો પર જે અસંતોષ ઊભો થયો છે અને જે રીતે વિપક્ષો એક થઈ રહ્યા છે તેને લીધે નરેન્દ્ર મોદીની બેચેની વધી છે.
આ સંજોગોમાં ગુજરાત પોતાનું છે અને પોતાની સાથે છે એવું તેઓ પૂરવાર કરવા માગે છે. વળી તે પૂરવાર કરવું લોકસભામાં જરુરી છે.
કૉંગ્રેસ મુક્ત ભારત સૂત્ર એમણે આપ્યું છે એ સંજોગોમાં 26 બેઠકો જીતી શકાય તો ગુજરાતને કૉંગ્રેસથી મુક્ત કર્યુ એવું કહી શકાય એ પણ એક પરિબળ છે. વળી, હિન્દી ભાષીય ક્ષેત્રમાં થનારું નુકસાન ખાળી શકાય.
પ્રોફેસર શાહ ગુજરાતમાં કૉંગ્રેસની વધેલી લોકપ્રિયતાને પણ મહત્ત્વનું કારણ ગણાવે છે.
તેઓ કહે છે, "કૉંગ્રેસ સારી છે કે ખરાબ અથવા તો ગુજરાત કૉંગેસના આંતરિક પ્રશ્નો અને તેમની મહેનત એ તમામ પરિબળો બાજુ પર મૂકીએ તો પણ ગુજરાતમાં લોકો કૉંગ્રેસને મત આપતા થયા છે."
"એ ગત વિધાનસભામાં ભાજપને સમજાઈ ગયું છે. વળી, અહીં કોઈ ત્રીજો પક્ષ પણ નથી એટલે નરેન્દ્ર મોદીની ચિંતા વધી ગઈ છે."
વરિષ્ઠ પત્રકાર ઉદય માહુરકર નરેન્દ્ર મોદીની વધારે ગુજરાત મુલાકાતો બાબતે કોઈ આશ્ચર્ય વ્યકત નથી કરતા.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી સામે કોઈ પડકાર છે એ વાતનો તેઓ ઇન્કાર કરે છે.
તેઓ જણાવે છે કે ગુજરાત વડા પ્રધાનનું ઘર છે. ગત વિધાનસભામાં હાર્દિક ફૅકટરને લીધે પડકાર ઊભો થયો હતો પણ તે હવે પૂરો થઈ ગયો છે.
'કાસ્ટ ડિવાઇડ' રિપેર થઈ ગઈ છે અને ગુજરાતની સ્થિતિ સુધરી છે. હવે ગત લોકસભાની જેમ 26માંથી 26 સીટો મળે તેને નિશ્ચિત કરે છે. ગઈ વખતે ગામડાંઓમાં માર પડ્યો હતો પણ હવે એવી સ્થિતિ નથી.
ભાજપ કે મોદી કોઈ રીતે દબાણમાં છે એવું લાગતું નથી. જે રીતે મૂર્તિ બની છે એની ઇમ્પેકટ પડશે, પટેલોની નારાજગી પણ ઉકેલાઈ ગઈ છે.
દાંડીમાં હમણાં જે ઉદ્ગાટન કર્યું અને એમનું જે હકારાત્મક વિઝન છે એ જોતા મને એમની મુલાકાતો સહજ લાગે છે.

ગુજરાતનો દેખાવ બધે અસર કરી શકે

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશાંતભાઈ કહે છે કે નરેન્દ્ર મોદીની વધી રહેલી મુલાકાતો એમ કહેવા માગે છે કે તમે મને જોઈને મત આપજો.
વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ એમનાં ભાજપનાં અંતરંગ સૂત્રોને આધારે આગામી લોકસભામાં ગુજરાતમાં 8થી 10 સીટો ઘટશે એમ માને છે. અલબત્ત આ કોઈ ઑર્ગેનાઇઝ્ડ ઍક્સિટ પોલ નથી, પરંતુ તાજેતરના દિવસોમાં આવેલા એક્સિટ પોલમાં પણ ભાજપની બેઠકો ઘટી રહી હોય એવું તો કહેવામાં આવ્યું જ છે.
પ્રશાંત દયાળ એમ સ્પષ્ટ કહે છે કે ગુજરાતની 26 સીટો ભલે ઉત્તર પ્રદેશ જેવી નથી પણ એ ગઢની સીટો છે. ગઢ ગુમાવવો નરેન્દ્ર મોદીને પોસાય તેમ નથી.
પ્રશાંત ભાઈ જેવી જ વાત સાથે સુરતના વરિષ્ઠ પત્રકાર બકુલ ટેલર પણ કરે છે.
તેઓ કહે છે ગુજરાતમાં જો હાર થાય તો એ મોટી હાર ગણાય અને એને લીધે અન્ય રાજ્યોમાં પણ પોતાનું રાજ્ય નથી સાચવી શકતા એવો સંદેશ જાય એટલા માટે વધારે ધ્યાન આપી રહ્યા છે.



અંકુશ, વિકાસની ઇમેજ અને વિપક્ષમાં તોડફોડ

ઇમેજ સ્રોત, FACEBOOK SHANKAR SINH VAGHELA
અજય નાયક જણાવે છે કે નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતથી ભાજપને બે રીતે ફાયદો થાય છે.
એક તો ભાજપની અંદર જે અણગમો કે અસંતોષ હોય તેને ડામી દેવાય કે ઉકેલી દેવાય અને બીજું એ કે વિરોધ પક્ષને વધારે નબળો કેવી રીતે પાડી શકાય તેની રણનીતિ ઘડાય અને દેખરેખ થાય, જેનો ભાજપને ફાયદો થાય.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત વખતે નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત પછી કૉંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને ભાજપ વચ્ચે પ્રેમ વધી રહ્યો છે એવી અનેક ખબરો ગુજરાતી મીડિયામાં ચાલી રહી હતી.
નરેન્દ્ર મોદી એ સુરતની મુલાકાત લીધી તેના આગલા દિવસે તેમના એક સમયના મિત્ર ગણાતા શંકરસિંહ વાઘેલા શરદ પવારના પક્ષ એનસીપીમાં જોડાયા હતા.
વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ શંકરસિંહ વાઘેલાના એનસીપી પ્રવેશને અમિત શાહની રણનીતિનો ભાગ માને છે. તેઓ કહે છે ભાજપ બધી જ જગ્યાએ મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાતમાં ભાજપના જે મત તૂટે એ સીધા કૉંગ્રેસને ન મળતા વહેંચાઈ જાય એ ભાજપ ઇચ્છે છે.
વિકાસની ઇમેજ લોકમાનસમાં જળવાઇ રહે એ વાતનો સંદર્ભ સીધો વડા પ્રધાને સુરતમાં કરેલા ભાષણમાં પણ જોવા મળ્યો.
એમણે એક સમયે સુરતીઓએ ફ્લાઇટ શરું કરવા આંદોલન કરવું પડેલું એ યાદ કરાવ્યું અને એમ પણ કહ્યું કે હું મુખ્ય મંત્રી બન્યો ત્યાં સુધી અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટીમાં વિજ્ઞાન પ્રવાહની એક સ્કૂલ પણ નહોતી.
એમણે આઠ લેનના હાઇવેનું લોકાર્પણ કર્યું, એક હૉસ્પિટલનું ઉદ્ધાટન કર્યું અને આગામી સમયમાં બારડોલી, નવસારી, પારડીમાં મોટી હૉસ્પિટલ શરું થશે એવી જાહેરાત પણ કરી.

શું કહેવું છે કૉંગ્રેસ અને ભાજપનું

ઇમેજ સ્રોત, Alpesh Thakor FB Page
આ અંગે કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કહે છે 2017ની વિધાનસભામાં જોઈ ચૂક્યા છે અને માંડ બચ્યા છે તો ઘર તો સાચવવું પડે ને એમણે.
વડા પ્રધાનની વધી રહેલી મુલાકાતો અંગે બીબીસીએ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સાથે વાત કરી.
મનીષ દોશી કહે છે કે ગુજરાત એમનું ઘર છે આવે તો ભલે આવે પણ એમના આગમનથી ગુજરાતને કોઈ ફાયદો થતો નથી.
તેઓ અસરગ્રસ્ત ગામો માટે ભંડોળની ફાળવણીમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને થઈ રહેલા અન્યાયની વાત કરે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ 51 તાલુકાઓ અપૂરતા વરસાદને લીધે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે.
આ વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે અછત કે દુષ્કાળનો સામનો કરી રહેલાં રાજ્યો માટે કેન્દ્ર સરકારે કુલ 7214.03 કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે.
આ પૅકેજમાં મહારાષ્ટ્રને 4,714.28 કરોડ, કર્ણાટકને 949.49 કરોડ, આંધ્ર પ્રદેશને 900.40 કરોડ રૂપિયા, હિમાચલ 317.14 કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશને 191.73 કરોડ રૂપિયાની સહાય કરાઈ છે.
જેની સામે ગુજરાત રાજ્યને માત્ર 127.60 કરોડ રૂપિયા જ સહાય તરીકે આપવામાં આવ્યા છે.
મનીષ દોશી વડા પ્રધાનની મુલાકાતને લોકસભાની 2019ની ચૂંટણીનાં પ્રચાર તરીકે જ જુએ છે.
તેઓ કહે છે, "2014માં એક ગુજરાતી તરીકે બધાને લાગણી હતી અને નરેન્દ્ર મોદી દાવો કરતા હતા કે દરેક સમસ્યાનો ઉકેલ હું જ છું."
"પણ 2019 સુધીમાં લોકોને એ સમજાઈ ગયું છે કે એ તો સમસ્યાના જનક છે."
વડા પ્રધાન ગુજરાતમાં કોઈ વિશેષ રસ લઈ રહ્યા છે કે નહીં અને તેનાં કારણો શું છે આ અંગે અમે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાની સાથે સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો છે પણ હજી એમનો સંપર્ક થઈ શક્યો નથી.



દક્ષિણ ગુજરાત પર કેમ છે વધારે ધ્યાન

ઇમેજ સ્રોત, Social Media Narendra Modi
સ્ટેચ્યૂ ઑફ યુનિટી હોય કે સુરત વડા પ્રધાન દક્ષિણ ગુજરાતમાં વધારે દેખાઈ રહ્યા છે. વાઇબ્રન્ટ વખતે પણ તેમણે હજીરાની મુલાકાત લીધી હતી.
દક્ષિણ ગુજરાતમાં અને સુરતમાં નરેન્દ્ર મોદી વધારે રસ લઈ રહ્યા છે તે અંગે વરિષ્ઠ પત્રકાર બકુલ ટેલર કહે છે, "ગુજરાત વિધાનસભામાં અત્યારે જે ભાજપની સરકાર છે એનું કારણ સુરત અને દક્ષિણ ગુજરાત છે."
સુરતના અન્ય એક વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલ એવું માને છે કે જે મજબૂત છે એમાં ગાબડું ન પડે અને એ અકબંધ રહે એવી રણનીતિના ભાગરુપે દક્ષિણ પર વધારે નજર લાગે છે. ભાજપ જે સબળું પાસું છે એ સરકી ન જાય એનું ધ્યાન રાખવાની કોશિશમાં છે.
વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, "એક સમયે દક્ષિણ ગુજરાત કૉંગ્રેસનો ગઢ હતો તે ભાજપે આંચકી લીધેલો છે અને એ ગઢ પાછો કૉંગ્રેસ પાસે ન જાય તેની તકેદારી લેવાઈ રહી છે."
"તેઓ બેઠકો જાળવી રાખવાની કોશિશની વાત તો કરે જ છે પણ તેઓ મોદીની દક્ષિણ ગુજરાતની વધારે મુલાકાતો પાછળ સરહદ સાથે સંકળાયેલી મહારાષ્ટ્રની બેઠકોનું મહત્ત્વ પણ આંકે છે."
અજય નાયક જણાવે છે કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે જોડાણ લગભગ તો થઈ જશે તેમ છતાં દક્ષિણ ગુજરાતની પડોશે મહારાષ્ટ્રની જે બેઠકો છે, એમાં પણ સંદેશો પ્રસારિત થતો રહે એવો પ્રયાસ કરવામાં આવે છે.
છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં જે નુકસાન થયું હતું એવું લોકસભામાં થાય તો એની સરભર દક્ષિણથી થઈ શકે એવું વિક્રમ વકીલનું માનવું છે.
તેઓ કહે છે, "2014ની લોકસભામાં તો ભાજપે મોદીવેવમાં ક્લિન સ્વિપ કર્યુ હતું પણ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી હતી."
ગત વિધાનસભાની ચૂંટણીની ખાસ વાત એ હતી કે ભાજપે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધારે બેઠકો મેળવી હતી જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કૉંગ્રેસે વધારે બેઠકો મેળવી હતી.
દક્ષિણ ગુજરાતની 33 પૈકી 25 બેઠકો ભાજપે મેળવી હતી.

દક્ષિણ ગુજરાતની અલગ ફિતરત

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર બકુલ ટેલર ગુજરાતના પાટીદાર આંદોલનમાં દક્ષિણના પટેલો અને બાકીના પટેલો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ કરે છે.
તેઓ કહે છે, "જે પટેલ પૉલિટિક્સ છે તે સૌરાષ્ટ્ર, રાજકોટ, મહેસાણાનું વધારે છે એ દક્ષિણ ગુજરાતના પટેલોનું પૉલિટિક્સ નથી."
"અહીંના પટેલો પૉલિટિક્સવાળા નથી એટલે એમને બીજી જગ્યાએ જે સવાલો ઊભા થઈ રહ્યા છે કે થવાના છે એ અહીં નહીં થાય એવી શકયતા છે."
તેઓ કઈ રીતે સુરત અને રાજકોટ-સૌરાષ્ટ્ર અલગ પડે છે તેની વાત કરતા કહે છે, "ત્યાં રાજકીય પ્રવૃતિઓ સૌથી વધારે થાય છે અને ત્યાં જેટલા સત્તાકાંક્ષીઓ હોય એવું અહીં નથી, દક્ષિણ ગુજરાતની ફિતરત અલગ છે."
"અહીં અમરસિંહ ચૌધરી હતા ત્યારે અને એ પછી પણ લોકો મોટી રાજકીય મહાત્ત્વાકાંક્ષાઓવાળા નથી."
"અહીં ઘણી વાતોને હકારાત્મક રીતે લેવામાં આવે છે. ગઈ વખતે વિધાનસભામાં દક્ષિણ ગુજરાતે એમને સારી રીતે રિસપોન્ડ કર્યો છે અને હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ એમના માટે દક્ષિણ પર ધ્યાન આપવું મહત્ત્વનું છે."
બકુલભાઈ કહે છે કે ગત વિધાનસભામાં વરાછા રોડ પર સૌરાષ્ટ્રના પટેલો દ્વારા હાર્દિક પટેલને ખૂબ સારો પ્રતિભાવ મળવા છતાં જીત તો ભાજપની જ થઈ હતી.


2014 જેવો આત્મવિશ્વાસ નથી દેખાતો

ઇમેજ સ્રોત, Getty Images
નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતનું આકલન કરતા વરિષ્ઠ પત્રકાર બકુલ ટેલર કહે છે કે આત્મવિશ્વાસ ઘટ્યો છે.
વરિષ્ઠ પત્રકાર બકુલ ટેલર કહે છે, "નરેન્દ્ર મોદીની આત્મવિશ્વાસ દર્શાવવાની રીત એવી છે કે એ તમને એવું દર્શાવે કે એમને કંઈ પડી નથી, અમને કોઈ હરાવી ન શકે પણ હવે એમને વાસ્તવિકતા સમજાઈ રહી હોય એવું લાગે છે."
2014ની તુલનામાં મોદીનો આત્મવિશ્વાસ 2019માં ઓછો દેખાય છે અને એના કારણ તરીકે બકુલભાઈ અનેક બાબતો કહે છે.
પાછલી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં જે પરાજય થયો અને બંગાળમાં જે રીતે વિપક્ષો ભેગા થયા એનાથી પગ ધરતી પર આવ્યા હોય એમ જણાય છે.
આત્મવિશ્વાસ ઘટ્યો છે એટલે જ તેઓ પૂર્ણ બહુમત ન ધરાવતી ત્રિશંકુ સરકારોની વાતો કરે છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં નરેન્દ્ર મોદીએ પૂર્ણ બહુમતની સરકાર આપવાનો અને ત્રિશંકુ સરકારો મોટા નિર્ણયો નથી લઈ શકતી એમ કહ્યું હતું.
કૉંગ્રેસના અહેમદ પટેલે વડા પ્રધાનને એવો સવાલ કર્યો હતો કે પૂર્ણ બહુમત નહીં મળે તો વિપક્ષમાં બેસીશું એવી જાહેરાત કેમ નથી કરતા.
ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રમુખ અમિત શાહ પણ અગાઉ જો ગઠબંધન સરકાર આવશે તો દરરોજ વડા પ્રધાન બદલાશે એવું નિવેદન આપી ચૂક્યા છે.
જો બહુમત ન મળે અને પ્રાદેશિક પક્ષો મોં ફેરવી લે તો બેસવું ક્યાં એ હકીકત ભાજપ સમજે છે અને એટલે જ ગુજરાતની બેઠકોમાં ગાબડું ન પડે તે ભાજપ માટે જરુરી છે એમ બકુલભાઈ જણાવે છે.
સુરત મુલાકાતમાં જીએસટી અને નોટબંધીના ફાયદાઓ બાલિશ રીતે ગણાવવા પડે એ આત્મવિશ્વાસ ઘટ્યો છે એની નિશાની છે એમ પણ તેઓ ઉમેરે છે.



ઉત્તર પ્રદેશ પછી સૌથી વધારે મુલાકાતો ગુજરાતમાં

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, સાવ એવું પણ નથી કે ફક્ત અત્યારે જ નરેન્દ્ર મોદીની હાજરી વધારે છે. જો એમની મુલાકાતોનો આંકડો જોઈએ તો સૌથી વધારે બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની અને પોતાનો ગઢ ગણાતા ગુજરાતની એમની મુલાકાતોમાં કોઈ મોટો તફાવત નથી.
ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ ક્વિન્ટે એવો દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ પછી સૌથી વધારે મુલાકાતો વડા પ્રધાને ગુજરાતની લીધી છે. આ માહિતી નરેન્દ્ર મોદીની દેશની અંદરની મુલાકાતો પર લખેલા એક લેખમાથી જાણવા મળે છે.
આ વેબસાઇટ મુજબ જૂન 2014થી એપ્રિલ 2018 સુધીમાં નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની 25 વખત સત્તાવાર મુલાકાત લીધી અને 24 વખત બિનસત્તાવાર મુલાકાત લીધી.
આ જ ગાળામાં વડા પ્રધાને ગુજરાતની 23 વાર સત્તાવાર મુલાકાત લીધી અને 33 વાર બિનસત્તાવાર મુલાકાત લીધી હતી.
જાન્યુઆરી મહિનામાં વડા પ્રધાન બીજી વાર ગુજરાતની મુલાકાતે છે.
આજની સુરત મુલાકાત અગાઉ તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સહિત અનેક કાર્યક્રમો માટે ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે હતા.
એનાથી પહેલાં ડિસેમ્બરના અંતમાં તેઓ કેવડિયા ખાતે ડીજીપી કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.

લોકસભા અગાઉ પીએમઓની વેબસાઇટ પર તાજેતરનું ગુજરાત

ઇમેજ સ્રોત, PMO Website
ઑક્ટોબરમાં પીએમઓની અપડેટ મુજબ વડા પ્રધાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું ઉદ્ધાટન કર્યું.
નવેમ્બર : અમદાવાદ ઍરપૉર્ટ પીપીપી ધોરણે લીઝ પર આપવાની મંજૂરી, દાદારા નગર હવેલીના સિલવાસામાં મેડિકલ કૉલેજની કૅબિનેટની મંજૂરી.
ડિસેમ્બર : કેવડિયા ખાતે ડીજી કૉન્ફરન્સમાં હાજરી અને સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કારની જાહેરાત.
જાન્યુઆરી : રાજકોટમાં ઍઇમ્સને કૅબિનેટની મંજૂરી (જસદણ પેટા ચૂંટણીમાં આ માહિતી આગોતરી લીક થઈ હતી અને વિવાદ થયો હતો), વડોદરામાં નેશનલ રેલ ઍન્ડ ટ્રાન્સપૉર્ટ ઇન્સિટિટ્યુટ (ડિમ્ડ યુનિવર્સિટી)ના વાઇસ ચાન્સેલરની પોસ્ટને કૅબિનિટેની મંજૂરી, ગ્લોબલ ટ્રેડ શૉમાં વડા પ્રધાનની હાજરી, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટયુટ ઑફ મેડિકલ સાયન્સિસનું ઉદ્ધાટન અને અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન, વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન.
વડા પ્રધાનની ટૅન્ક સાથેની જે તસવીર વાઇરલ થઈ હતી તે હજીરા ખાતે એલ ઍન્ડ ટી આર્મ્ડ સિસ્ટમ કૉમ્પ્લેક્સની મુલાકાત, દાદરા નગર હવેલીમાં મેડિકલ કૉલેજનું ભૂમિપૂજન, સુરતમાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટનું ઉદ્ધાટન, દાંડી મ્યુઝિયમનું ઉદ્ધાટન, ન્યૂ ઇન્ડિયા યૂથ કૉન્કલેવ અને રસીલાબહેન સેવંતીલાલ વિનસ હૉસ્પિટલનું ઉદ્ધાટન.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














