સ્વાઇન ફ્લૂ નામનો ખતરો જેનો સામનો ગુજરાત અને દેશે દર વર્ષે કરવો પડે છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, અમદાવાદ અને પાટણથી

ભારતભરમાં 2012થી 2019 સુધી 8327 લોકો સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યાં છે. દર વર્ષે આ રોગ ફેલાય અને વધુને વધુ લોકો તેની અસર હેઠળ આવે છે.

દેશભરમાં આ બીમારીને કારણે લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. 1 જાન્યુઆરી 2018થી 24 ફેબ્રુઆરી 2019 દરમિયાન દેશભરમાં 1,551 લોકોએ સ્વાઇન ફ્લૂને કારણે જીવ ગુમાવવો પડ્યો છે.

2019માં રાજસ્થાન અને ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે.

નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના આંકડા પ્રમાણે, 1 જાન્યુઆરી 2019થી 24 ફેબ્રુઆરી 2019 સુધી રાજસ્થાનમાં 137 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 88 લોકો આ બીમારીથી મૃત્યુ પામ્યાં છે.

જોકે, આ અગાઉ પણ સ્વાઇન ફ્લૂએ અનેક લોકોને શિકાર બનાવ્યો છે પરંતુ લોકો માને છે કે સરકાર તેને ડામવા માટે સક્ષમ નથી.

જો માત્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 2019માં 7,709 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા હતા, જેમાંથી 431 લોકો સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યાં હતાં, આવી જ રીતે 2018માં 2,164 લોકોને સ્વાઇન ફ્લૂ થયો હતો અને તેમાંથી 97 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

2019માં હજી સુધી 2,726 કેસો નોંધાયા છે, તેમાંથી 88 લોકો મોતને ભેટ્યા છે.

જોકે, સરકાર સ્વાઇન ફ્લૂ સામે અસરકારક પગલાં લેવામાં ઉદાસીનતા દાખવે છે, તેવા આરોપો અનેક વખત સરકાર ઉપર લાગ્યા છે.

સ્વાઇન ફ્લૂથી સરકારની તૈયારીઓ પર પ્રશ્નાર્થ સર્જતી એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરનાર વકીલ કે. આર. કોષ્ઠી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે: "આ આંકડા દર્શાવે છે કે રોગથી મૃત્યુ પામતાં લોકોને બચાવી શકાયા નથી."

"સ્વાઇન ફ્લૂને લઈને સરકારની શું તૈયારી છે તેનો કોઈ જવાબ સરકાર પાસે હાલમાં નથી."

line

Isolation ward વિશેનો રીપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કોષ્ઠીએ ગુજરાત હાઈકોર્ટના હુકમથી હાલમાં જ સિવિલ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. તેમણે પોતાનો જવાબ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો છે.

હાઈકોર્ટમાં પ્રસ્તુત કરેલા તેમના જવાબમાં તેમણે નોંધ્યું છે કે અમદાવાદની સિવિલ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડની હાલત સારી નથી.

પોતાની ઍફિડેવિટમાં તેમણે ઉમેર્યું છે, "Isolation Wardમાં સ્ટાન્ડર્ડ પ્રૅક્ટિસનું પાલન કરવમાં આવતું નથી અને જે સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર 24 કલાક હાજર રહેવા જોઈએ તે પણ હાજર રહેતા નથી."

કોષ્ઠી ઉમેરે છે, "ગુજરાત રાજ્યમાં હાલમાં સરકારી દવાખાનાઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તે સ્વાઇન ફ્લૂ જેવી મહામારીનો સામનો કરવા માટે સક્ષમ નથી."

બીબીસી ગુજરાતીની ટીમે જ્યારે પાટણ જિલ્લાના કુરેજા ગામના હેલ્થ સબ સેન્ટરની મુલાકાત લીધી હતી તો આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું.

ટીમ જ્યારે પીએચસી (પ્રાઇમરી હેલ્થ સેન્ટર) પહોંચી તો જોયું કે ત્યાં સ્વાઇન ફલૂથી બચવા માટેનો કોઈ સાઇન બોર્ડ ન હતો કે સ્વાઇન ફ્લૂની રક્ષણ મેળવી શકાય તેવી દવા પણ હાજર ન હતી.

બીબીસીની ટીમ ત્યાં પહોંચી ત્યારબાદ ત્યાંના સ્ટાફે સ્વાઇન ફ્લૂનું જૂનું બોર્ડ ભંગારમાંથી કાઢીને બહાર લગાવ્યું હતું.

આ વિસ્તારમાં હાલમાં સ્વાઇન ફ્લૂને કારણે ગગુબેન ઠાકોર નામના એક મહિલાનું મૃત્યુ થયું છે.

આ વિશે જ્યારે પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી કે. એસ. સાલ્વી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે ત્યાંના સ્વાઇન ફલૂનાં બોર્ડ બીજા ગામમાં લગાવવામાં આવ્યા હશે અને તે વિશે તેઓ તપાસ કરશે.

જ્યારે તેમને ગામડાંઓમાં સ્વાઇન ફ્લૂને લઈને લોકોને વધુ માહિતી નથી તેવો પ્રશ્ન કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું: "તેમનું સર્વેક્ષણ ગામેગામ ચાલે છે, લોકોને તે સંદર્ભની દવાઓ તેમજ આયુર્વેદિક ઉકાળા પણ મફતમાં આપવામાં આવે છે."

પરંતુ હકીકત એ છે કે હજી સુધી ગામડાંઓમાં લોકોને સ્વાઇન ફ્લૂ અંગે જાગૃતિ નથી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

શું કહે છે સરકાર?

ગુજરાત સરકારનો દાવો છે કે સ્વાઇન ફ્લૂને રોકવા અને તેના દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે તેઓ ખૂબ પહેલેથી તૈયારીઓ કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથેની ખાસ મુલાકાત સમયે વાત કરતા ગુજરાતનાં આરોગ્ય કમિશનર જયંતી રવિએ કહ્યું : "ઑક્ટોબર મહિનાથી જ સરકાર સ્વાઇન ફ્લૂથી લડવા માટે સજ્જ થઈ જાય છે."

"જેમાં લોકોને આ રોગ વિશે જાગૃત કરવાથી માંડી યોગ્ય સારવાર લેવા માટેનું આયોજન કરવું તેમજ તમામ પ્રકારની દવા વગેરેનો સ્ટોક રાખવો, જેવી તૈયારીઓનો સમાવેશ થાય છે."

તેમણે કહ્યું કે હાલમાં ગુજરાતભરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે અલગથી વૅન્ટિલેટર તેમજ તેમને સારવારને લગતી તમામ માહિતી મળે તે માટે આંગણવાડી બહેનો તેમજ આશાવર્કર બહેનો ગામે ગામ ફરીને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે.

line

કેમ ફેલાય છે સ્વાઇન ફ્લૂ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2019માં સ્વાઇન ફ્લૂના ફેલાવાની વાત કરીએ તો, હાલમાં રાજસ્થાન અને ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી થયેલાં મૃત્યુ દેશભરમાં સૌથી વધારે છે.

નિષ્ણાતોનું માનવું છે કે સ્વાઇન ફ્લૂ સામાન્ય રીતે લોકોના સંપર્કથી ફેલાય છે.

સ્વાઇન ફ્લૂના દર્દીઓનો ઇલાજ કરતા અમદાવાદ સ્થિત ડૉક્ટર રાકેશ શર્મા માને છે કે આપણા દેશમાં કોઈ એક વ્યક્તિ બીમાર થાય તો તેના ખબર અંતર પૂછવાનો જે રિવાજ છે, તે સ્વાઇન ફ્લૂ ફેલાવવાનો સૌથી મોટું કારણ છે.

તેમણે કહ્યું કે ઘણી વખત એવું પણ બને છે કે સ્વાઇન ફ્લૂના દર્દીને મળવા માટે લોકો એક પછી એક આવતા હોય છે, તેઓ ભલે દર્દીને ન મળે, પરંતુ દર્દીના સગાને મળે, હૉસ્પિટલ સુધી આવે અને જો તેમની ઇમ્યુનિટી ઓછી હોય તો તેવા વ્યક્તિને આ રોગ થવાની શક્યતા વધારે હોય છે.

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે લોકોની અવર-જવર ખૂબ વધારે હોવાથી કોઈ એક રાજ્યથી બીજા રાજ્યમાં આ બીમારીનો ફેલાવો આ વર્ષે થયો છે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

શર્મા વધુમાં કહે છે, "સ્વાઇન ફ્લૂનો ઇલાજ જો સમય થતા કરી લેવામાં આવે તો તે ખૂબ જ સામાન્ય બીમારી છે, પરંતુ તેના ઇલાજમાં થતી વારને કારણે દર્દીને બીજી મુશ્કેલીઓ થતી હોય છે, જેના કારણે લોકોનાં મૃત્યુ થાય છે."

જોકે, સ્વાઇન ફ્લૂથી બચવા માટે પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરતા ડૉક્ટર બી. એમ. દવે કહે છે કે સ્વાઇન ફ્લૂના દર્દીઓને જોતા હોય તો તેમને પોતાને અને તેમના સ્ટાફને પણ કાળજી રાખવી પડે છે.

તેમણે કહ્યું, "દરેકે માસ્ક પહેરીને રાખવાનું હોય છે, અને જો કોઈ દર્દી વધુ બીમાર લાગે કે વધુ ખાંસી હોય તો તેવા દર્દીના સીધા સંપર્કમાં ન આવવાની સ્ટાફને સલાહ આપવામાં આવી છે."

"જો મને પોતાને કે સ્ટાફમાં કોઈને પણ ખાંસી, સર્દી, અને તાવ આવે તો તરત જ અમે ઍન્ટિ-ફ્લૂનો ડોઝ ચાલુ કરી દેતા હોઈએ છીએ."

લાઇન
લાઇન

ગામડાંની પરિસ્થિતિ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે બીબીસી ગુજરાતીની ટીમે પાટણ જિલ્લાના કુરેજા ગામની મુલાકાત લીધી, તો એવા અનેક લોકોને મળ્યા જેમણે સ્વાઇન ફ્લૂ બીમારીનું નામ પ્રથમ વખત ત્યારે સાંભળ્યું, જ્યારે તેમના ગામમાં 55 વર્ષનાં ગંગુબહેન ઠાકોરનું મૃત્યુ થયું.

આ ગામની વસતિ આશરે બે હજાર છે અને તેમાં મોટાભાગના લોકો બીમાર થાય તો પહેલાં પ્રાઇવેટ ડૉક્ટર અને ત્યારબાદ સરકારી દવાખાનામાં જાય છે.

ગંગુબહેનને પહેલા ત્રણ દિવસ સામાન્ય તાવ રહ્યો હતો. એક રૂમના મકાનમાં રહેતાં ગંગુબહેન ખેત મજૂરીકામ કરતાં હતાં અને તેમના પુત્ર પ્રવીણ અને તેના પરિવાર સાથે રહેતાં હતાં.

પ્રથમ ત્રણ દિવસ સુધી તેમની સારવાર ગામના જ એક પ્રાઇવેટ ડૉક્ટર પાસે થઈ રહી હતી.

પરંતુ જ્યારે તેમને તેનાથી કોઈ ફેર ન પડ્યો, ત્યારે તેમને પાટણ સ્થિત પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમનો રિપોર્ટ કરાવતા ખબર પડી હતી કે તેમને સ્વાઇન ફ્લૂ છે.

પ્રવીણ ઠાકોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મારાં માતાને ત્યારબાદ સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં 11 દિવસ સુધી તેમની સારવાર ચાલ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું,"

તેઓ માને છે કે જો તેમના આ રોગની વહેલી ખબર પડી ગઈ હોત અને તુરંત જ તેમને સરકારી દવાખાનામાં લઈ ગયા હોત, તો તેમનો જીવ બચી શક્યો હોત.

જોકે, ગંગુબહેનને સ્વાઇન ફ્લૂ છે, તેવી માહિતી સરકાર સુધી પહોંચ્યા બાદ, તેમના પરિવારને ઍન્ટિ-ફ્લૂ ગોળીઓનો જથ્થો મફતમાં પહોંચાડવામાં આવ્યો હતો.

આ ગામના એક આગેવાન નરેન્દ્ર વાઘેલા કહે છે, "સામાન્ય રીતે ગામડાંના લોકોને હજી સુધી સ્વાઇન ફ્લૂ કે તેની ગંભીરતા વિશે વધુ માહિતી નથી, માટે પહેલાં 3થી 4 દિવસ કોઈ આસપાસના નાના દવાખાનામાં સારવાર લઈ બીમારીમાં વધારો કરી દેતા હોય છે."

line

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની રસીની અછત

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

World Health Organisation એ સ્વાઇન ફ્લૂ સામે અગાઉથી જ રક્ષણ માટે 'ઓસલ્ટિમીર' રસી લેવાની સલાહ આપી હતી.

જોકે, બીબીસીએ જ્યારે આ રસી લેવા માટે અમદાવાદના વિવિધ વિસ્તારોની મેડિકલ દુકાનો પર તપાસ કરી તો તેનો સ્ટૉક નથી તેવું જાણવા મળ્યું હતું.

આ વિશે જ્યારે જ્યારે બીબીસી ગુજરાતીએ ફેડરેશન ઑફ ગુજરાત કૅમિસ્ટ ઍન્‍ડ ડ્રગીસ્ટ ઍસોસિયેશનના પ્રમુખ અલ્પેશ પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે માર્કેટમાં સ્ટૉક તો આવ્યો હતો, પરંતુ ખૂબ વધારે માગ હોવાને કારણે તેની અછત થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે આ પ્રકારની રસીનું ઉત્પાદન અગાઉનાં વર્ષની માગ અને ઉપયોગને આધારે કરવામાં આવે છે.

જોકે, સ્વાઇન ફ્લૂની અછત વિશે જ્યારે ગુજરાતના ઉપ-મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે સરકારી દવાખાનાં તેમજ સરકારી ફરજ પર રહેતા લોકોને આ રસી તેઓ પૂરી પાડે છે, પરંતુ સામાન્ય જનતા માટે આ રસી ઉપલબ્ધ થતી નથી.

જોકે, ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી પૂનમચંદ પરમારને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ વિશે હેલ્થ કમિશનર સાથે વાત કરવાનું કહ્યું.

હેલ્થ કમિશનર જયંતી રવિ આ વિશે વાત કરવા માટે ઉપલબ્ધ ન હતાં.

લાઇન
લાઇન

ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લુના કેસો અને મૃત્યુ

સ્વાઇન ફ્લૂ પ્રથમ વખત 2009માં જોવા મળ્યો હતો અને તેની રસી પણ ગુજરાતમાં જ બની હતી.

ગુજરાત સ્થિત ઝાઇડસ કેડિલા કંપનીનો દાવો છે કે 2010માં તેમણે પ્રથમ વખત સ્વાઇન ફ્લૂની રસીની શોધ કરી હતી.

ઝાઇડસ કેડિલાના પ્રવક્તાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું : "ત્યારબાદ તેમની કંપનીએ ચાર પ્રકારની ફ્લૂ સામે રક્ષણ મળી શકે તેવી રસીની પણ શોધ કરી હતી, જે ચાર પ્રકારના ફ્લૂમાં સ્વાઇન ફ્લૂનો પણ સમાવેશ થાય છે."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો