એ પાઇલટોની કહાણી જે પાકિસ્તાનની જેલમાંથી ભાગી નીકળ્યા

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
2015માં વિંગ કમાંડર ધીરેન્દ્ર એસ. જાફાનું પુસ્તક પ્રકાશિત થયું છે. 'ડેથ વોઝ્ન્ટ પેઇનફુલ' જેમાં તેમણે 1971ના યુદ્ધ પછી ભારતીય પાઇલટોની પાકિસ્તાનના યુદ્ધબંદી કૅમ્પમાંથી ભાગી છૂટવાની અદ્ભુત કથા વર્ણવી છે.
જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપ પારુલકરનું એસયૂ-7 યુદ્ધ વિમાન, 10 ડિસેમ્બર, 1971ના રોજ તોડી પાડવામાં આવ્યું ત્યારે તેમણે આ દુર્ઘટનાને પોતાની જિંદગીની સૌથી મોટી ઝુંબેશ બનાવી દીધી.
13 ઑગસ્ટ, 1972ના રોજ પારુલકર, મલવિંદર સિંહ ગરેવાલ અને હરીશ સિંહજીની સાથે રાવલપિંડીના યુદ્ધબંદી કૅમ્પમાંથી ભાગી નીકળ્યા.
આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે અલગ-અલગ રૅન્કના 12 ભારતીય પાઇલટે એકાંતવાસ, જેલ જીવનની અનિશ્ચિતતાઓ અને મુશ્કેલીઓનો દિલેરીપુર્વક સામનો કર્યો અને ત્રણેય પાઇલટને જેલમાંથી ભાગવાના દુઃસાહસની યોજનામાં મદદ કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

"રેડ વન, યૂ આર ઑન ફાયર"... સ્ક્વાડ્રન લીડર ધીરેન્દ્ર જાફાના હેડફોનમાં પોતાના સાથી પાઇલટ ફર્ડીનો અવાજ સંભળાયો.
બીજા પાઇલટ મોહને પણ ચીસ પાડી, "બેલ આઉટ રેડ વન બેલ આઉટ". ત્રીજા પાઇલટ જગ્ગૂ સકલાનીનો અવાજ પણ એટલો જ તેજ હતો, "જેફ સર... યૂ આર...ઑન ફાયર...ગેટ આઉટ... ફૉર ગૉડ સેક...બેલ આઉટ..."
જાફાના સુખોઈ વિમાનમાં આગની જવાળાઓ તેમની કૉકપિટ સુધી પહોંચી રહી હતી. વિમાન તેમના કાબુમાંથી બહાર થઈ રહ્યું હતું. તેમણે સીટ ઇજેક્શનનું બટન દબાવ્યું જેણે તેમને તરત હવામાં ફેંકી દીધા અને તેઓ પૅરાશૂટ દ્વારા નીચે ઉતારવા લાગ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
જાફા જણાવે છે કે જેવા તેઓ નીચે પડ્યા, નારા-એ-તકબીર અને અલ્લાહ હો અકબરના નારા લગાવતી ગ્રામજનોની ભીડ તેમની તરફ દોડી.
લોકોએ તેમને જોતાં જ તેમનાં કપડાં ફાડવાનાં શરૂ કરી દીધાં. કોઈએ તેમની ઘડિયાળ ઉપર હાથ સાફ કર્યો તો કોઈએ તેમના સિગરેટ લાઇટર ઉપર ઝાપટ મારી.
જૂજ સેકંડોમાં તેમનાં મોજાં, જૂતાં, 200 પાકિસ્તાની રૂપિયા અને મફલર પણ ગાયબ થઈ ગયાં. ત્યારે જ જાફાએ જોયું કે કેટલાક પાકિસ્તાની સૈનિક તેમને ભીડથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
એક કદાવર સૈનિક અધિકારીએ તેમને પૂછ્યું, "તમારી પાસે કોઈ હથિયાર છે?" જાફાએ કહ્યું, "મારી પાસે રિવૉલ્વર હતી, કદાચ ભીડમાં કોઈકે લઈ લીધી."

'શું ઘાયલ થઈ ગયા છો?'

"લાગે છે કમરનું હાડકું નથી રહ્યું. હું મારા શરીરનો કોઈ ભાગ હલાવી શકતો નથી" જાફાએ દર્દભર્યા અવાજમાં જવાબ આપ્યો.
એ અધિકારીએ પશ્તોમાં કેટલાક આદેશો આપ્યા અને જાફાને બે સૈનિકોએ ઉઠાવીને એક ટૅન્ટમાં પહોંચાડ્યા.
પાકિસ્તાની અધિકારીએ પોતાના તાબા હેઠળના અધિકારીઓને કહ્યું, "આમને ચા પિવડાવો."
જાફાના હાથમાં એટલી તાકાત પણ નહોતી કે તેઓ ચાનો મગ પોતાના હાથમાં પકડી શકે.
એક પાકિસ્તાની સૈનિક તેમને પોતાના હાથથી ચમચી વડે ચા પિવડાવવા લાગ્યા. જાફાની આંખો કૃતજ્ઞતાથી ભીની થઈ ગઈ.

પાકિસ્તાની જેલમાં રાષ્ટ્રગાન

ઇમેજ સ્રોત, FHIRENDRA S JAFA
જાફાની કમરમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું અને તેમને જેલની ઓરડીમાં બંધ કરી દેવામાં આવ્યા. રોજ તેમની સાથે સવાલ જવાબ થતા હતા.
જ્યારે તેમને ટૉઇલેટ જવું હોય ત્યારે તેમના મોં ઉપર તકિયાનું કવર લગાવી દેવામાં આવતું જેથી તેઓ આસપાસ જોઈ ના શકે. એક દિવસ તેમને એ જ બિલ્ડીંગના એક બીજા ઓરડામાં લઈ જવામાં આવ્યા.
તેઓ જેવા ઓરડાની પાસે પહોંચ્યા, તેમને લોકોનો અવાજ સંભળાવા લાગ્યો. જેવા તેઓ અંદર ગયા, બધાં જ અવાજો બંધ થઈ ગયાં.
અચાનક જોરથી એક અવાજ ગૂંજ્યો, "જેફ સર!"... અને ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપ પારુલકર તેમને ગળે મળવા ઝડપથી આગળ વધ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમને દેખાયું જ નહીં કે જાફાના ઢીલા જૅકેટની અંદર પ્લાસ્ટર બાંધેલું હતું. ત્યાં દસ અન્ય ભારતીય યુદ્ધકેદી પાઇલટ હાજર હતા.
આટલા દિવસો પછી ભારતીય ચહેરાઓ જોઈને જાફાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં. ત્યારે જ યુદ્ધકેદી કૅમ્પના ઇન્ચાર્જ સ્ક્વાડ્રન લીડર ઉસ્માન હનીફ સ્મિત સાથે ઓરડામાં આવ્યા.
તેમની પાછળ તેમના બે ઓર્ડરલી એક કેક અને સૌ માટે ચા સાથે ઊભા હતા. ઉસ્માને કહ્યું, મેં વિચાર્યું હું તમને લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી દઉં.
એ સાંજ એક યાદગાર સાંજ હતી. હસી-મજાકની વચ્ચે ત્યાં હાજર સૌથી સિનિયર ભારતીય અધિકારી વિંગ કમાંડર બની કોએલહોએ કહ્યું કે અમે લોકો અમારા માર્યા ગયેલા સાથીઓ માટે બે મિનીટનું મૌન રાખીશું અને એ પછી અમે સૌ રાષ્ટ્રગાન ગાઈશું.
જાફા જણાવે છે કે 25 ડિસેમ્બર, 1971ની સાંજે પાકિસ્તાની જેલમાં જ્યારે ભારતના રાષ્ટ્રગાનના સ્વરોની લહેર ગૂંજી તો તેમની છાતી ગર્વથી ફુલાઈ ગઈ.

દીવાલમાં બાકોરું

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
આ દરમિયાન ભારતની નીતિ નિયોજન સમિતિના અધ્યક્ષ ડી. પી. ધર પાકિસ્તાન આવીને પરત જતા રહ્યા, પરંતુ આ યુદ્ધબંદીઓના ભાગ્યનો કોઈ નિર્ણય લેવાયો નહીં.
તેમના મનમાં નિરાશા છવાઈ ગઈ. સૌથી વધુ નિરાશા ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપ પારુલકર અને મલવિંદર સિંહ ગરેવાલના મનમાં હતી.
1971ના યુદ્ધ પહેલાં એકવાર પારુલકરે પોતાના સાથીઓને કહ્યું હતું કે જો ક્યારેક તેમનું વિમાન તોડી પડાશે અને તેઓ પકડાઈ જશે, તો તેઓ જેલમાં નહીં બેસે. તેઓ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરશે. અને તેમણે એમ જ કર્યું.
બહાર ભાગવાની તેમની આ યોજનામાં તેમના સાથી હતા-ફ્લાઇટ લેફ્ટનન્ટ ગરેવાલ અને હરીશ સિંહજી.

લીલું પઠાણી સૂટ

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
નક્કી થયું કે સેલ નંબર 5ની દીવાલમાં 21 બાય 15 ઇંચનું બાકોરું પાડવામાં આવે તો પાકિસ્તાની વાયુ સેનાની રોજગાર કચેરીના વરંડામાં ખુલશે અને એ પછી 6 ફૂટની દીવાલ ઓળંગીને તેઓ માલ રોડ ઉપર પગ મૂકશે.
એનો મતલબ હતો લગભગ 56 ઇંટોને તેનું પ્લાસ્ટર કાઢીને ઢીલી કરવી અને તેમાંથી નીકળેલા કચરાને ક્યાંક સંતાડવો.
કુરુવિલાએ એક ઇલેક્ટ્રીશિયનનું સ્ક્રુ ડ્રાઈવર ચોરી લીધું. ગરેવાલે કોકા-કૉલાની બૉટલમાં કાણું પાડવાના ધારદાર ઓજારની વ્યવસ્થા કરી.
રાત્રે દિલીપ પારુલકર અને ગરેવાલ દસ વાગ્યા પછી પ્લાસ્ટર ખોતરવાનું શરૂ કરતા અને હૅરી અને ચાટી નિરીક્ષણ રાખતા કે ક્યાંક કોઈ પેહરેદાર ન આવી રહ્યા હોય. આ દરમિયાન ટ્રાન્ઝિસ્ટરનો અવાજ વધારી દેવામાં આવતો હતો.
ભારતીય કેદીઓને જીનેવા સમજૂતીની શરતો અનુસાર પચાસ ફેંક બરાબર પાકિસ્તાની મુદ્રા દર મહિને વેતન તરીકે મળતી હતી જેનાથી તેઓ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદતાં અને કેટલાંક પૈસા બચાવીને પણ રાખતા.
આ દરમિયાન પારુલકરને ખબર પડી કે એક પાકિસ્તાની ગાર્ડ ઔરંગઝેબ દરજીનું કામ પણ કરે છે.
તેમણે તેને કહ્યું કે ભારતમાં અમને પઠાણ સૂટ નથી મળતા. શું તમે અમારા માટે એક સૂટ બનાવી શકો?
ઔરંગઝેબે પારુલકર માટે લીલા રંગનું પઠાણી સૂટ સીવી આપ્યું. કામતે તાર અને બેટરીની મદદથી સોયને મેગ્નેટાઇઝ કરી એક કામચલાઊ કંપાસ બનાવ્યું જે જોવામાં ફાઉન્ટન પેન જેવું દેખાતું હતું.

આંધી અને તોફાનમાં જેલમાંથી નીકળ્યા

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
14 ઑગસ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હતો. પારુલકરે અંદાજ લગાવ્યો કે એ દિવસે ગાર્ડ લોકો રજાના મૂડમાં હશે અને ઓછા સતર્ક હશે.
12 ઑગસ્ટની રાત્રે તેમને વીજળીના કડાકાનો અવાજ સંભળાયો અને એ વખતે પ્લાસ્ટરનું છેલ્લું સ્તર પણ જતું રહ્યું.
ત્રણ જણા નાનકડાં બાકોરાંમાંથી નીકળ્યા અને દીવાલ પાસે રાહ જોવા લાગ્યા. ધૂળની ડમરીવાળી આંધીના થપેડા મોં ઉપર વાગવાના શરૂ થઈ ગયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

નજીકમાં જ પેહરેદાર ખાટલા ઉપર બેઠો હતો, પરંતુ જ્યારે તેમણે તેની તરફ ધ્યાનથી જોયું તો ખબર પડી કે તેણે ધૂળથી બચવા માટે પોતાના માથા ઉપર કામળી ઓઢેલી હતી.
કેદીઓએ બહારની દીવાલથી માલ રોડ તરફ જોયું. તેમને રસ્તા ઉપર ખાસી હિલચાલ દેખાઈ. એ વખતે રાતનો શો સમાપ્ત થયો હતો.
એ જ વખતે આંધી સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો. ચોકીદારે પોતાના મોઢા ઉપરથી કામળી દૂર કરી અને ખાટલા સાથે વાયુસેનાની રોજગાર કચેરીના વરંડા તરફ દોટ મૂકી.
જેવી તેણે ફરી પોતાના મોઢા ઉપર કામળી ઓઢી, ત્રણેય કેદીઓએ જેલની બહારની દીવાલ ઠેકી લીધી. ઝડપથી ચાલતા તેઓ માલ રોડ ઉપર ડાબે વળ્યા અને સિનેમા જોઈને પરત ફરી રહેલા લોકોની ભીડમાં ખોવાઈ ગયા.
થોડે દૂર ચાલ્યા બાદ અચાનક ફ્લાઇટ લેફ્ટનન્ટ હરીશ સિંહજીને અહેસાસ થયો કે તેઓ પાકિસ્તાનની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી બહાર આવી ગયા છે...તેમણે જોરથી બુમ પાડી... "આઝાદી!"
ફ્લાઇટ લેફ્ટનન્ટ મલવિંદર સિંહ ગરેવાલનો જવાબ હતો, "અભી નહીં."

ક્રિશ્ચિયન નામ

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
કદાવર કદકાઠીના ગરેવાલે દાઢી વધારેલી હતી. તેમના માથા ઉપર બહુ ઓછા વાળ હતા અને તેઓ પઠાણ જેવા દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની બાજુમાં લેફ્ટનન્ટ દિલીપ પારુલકર ચાલતા હતા. તેમણે પણ દાઢી વધારેલી હતી અને આ તક માટે ખાસ સિવડાવેલો નવો લીલા રંગનો પઠાણી સૂટ પહેર્યો હતો.
બધાએ નક્કી કર્યું કે તેઓ પોતાની ઓળખ ક્રિશ્ચિયન તરીકે આપશે કારણકે તેમનામાંથી કોઈને નમાઝ પઢતાં નહોતું આવડતું. તેઓ સૌએ ક્રિશ્ચિયન શાળાઓમાં શિક્ષણ લીધું હતું અને તેમણે ભારતીય વાયુ સેનામાં કામ કરતા ક્રિશ્ચિયનોને નજીકથી જોયા હતા.
તેમને એ પણ ખબર હતી કે પાકિસ્તાની વાયુસેનામાં બહુ બધા ક્રિશ્ચિયન કામ કરતા હતા. દિલીપનું નવું આમ હતું ફિલિપ પીટર અને ગરેવાલે પોતાનું નામ અલી અમીર રાખ્યું હતું.
આ બંને લાહોરના પીએએફ સ્ટેશન ઉપર કામ કરતા હતા. સિંહજીનું નવું નામ હતું હારોલ્ડ જૅકબ, જે હૈદરાબાદ સિંધમાં પાકિસ્તાની વાયુ સેનામાં ડ્રમરનું કામ કરતા હતા.
પૂછવામાં આવે તો તેમણે જણાવવાનું હતું કે તેમની બંને સાથે મુલાકાત લાહોરની લાબેલા હોટલમાં થઈ હતી.

પેશાવરની બસ

ઇમેજ સ્રોત, DILIP PARULKAR
પલળતા તેઓ ઝડપી ચાલે બસ સ્ટેશન સુધી પહોંચી ગયા. ત્યાં એક કંડક્ટર બૂમો પાડી રહ્યો હતો, "પેશાવર જવું છે ભાઈ? પેશાવર! પેશાવર!" ત્રણેય જણા કૂદીને બસમાં બેસી ગયા.
સવારના છ વાગતા સુધીમાં તેઓ પેશાવર પહોંચી ગયા. ત્યાંથી તેમણે જમરૂદ રોડ જવા માટે ટાંગાની સવારી લીધી. ટાંગામાંથી ઊતર્યા પછી તેમણે ચાલવાનું શરૂ કરી દીધું.
પછી તેઓ એક બસ ઉપર બેઠા. તેમાં જગ્યા નહોતી તો કંડક્ટરે તેમને બસની છત ઉપર બેસાડી દીધા. જમરૂદ પહોંચીને તેમને રસ્તા ઉપર એક દરવાજો દેખાયો. ત્યાં એક સાઇન બોર્ડ ઉપર લખ્યું હતું, "તમે જનજાતિય વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો. આગંતુકોને સલાહ આપવામાં આવે છે કે તમે રસ્તો ના છોડો અને મહિલાઓની તસવીરો ના લો."
પછી એક બસની છત ઉપર ચઢીને તેઓ સાડા નવ વાગ્યે લંડી કોતલ પહોંચી ગયા. અફઘાનિસ્તાન ત્યાંથી ફક્ત 5 કિલોમિટર દૂર હતું. તેઓ ચાની દુકાન ઉપર પહોંચ્યા. ગરેવાલે ચા પીતા બાજુમાં બેઠેલી વ્યક્તિને પૂછ્યું... અહીંથી લંડીખાના કેટલું દૂર છે. એને એ વિશે કંઈ ખબર નહોતી.
દિલીપે નોંધ્યું કે સ્થાનિક લોકો પોતાના માથા ઉપર કંઈક ને કંઈક પહેરેલા હતા. એમના જેવા દેખાવા માટે દિલીપે બે પેશાવરી ટોપીઓ ખરીદી.
એક ટોપી ગરેવાલના માથા ઉપર ફીટ ના થઈ ત્યારે દિલીપ તેને બદલવા ફરી એ દુકાન ઉપર ગયા.

જિલ્લા અધિકારી અર્જીનવીસને શંકા ગઈ

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે ચાના સ્ટોલનો છોકરો જોરથી બૂમો પાડવા લાગ્યો કે ટૅક્સીથી લંડીખાના જવા માટે 25 રૂપિયા થશે. એ ત્રણેય ટૅક્સીવાળા તરફ આગળ વધતા જ હતા કે પાછળથી એક અવાજ સંભળાયો.
એક પ્રૌઢ વ્યક્તિ તેમને પૂછતો હતો કે "શું તમે લંડીખાના જવા ઇચ્છો છો?" તેમણે જ્યારે "હા" કહ્યું તો તેણે પૂછ્યું "તમે ત્રણેય ક્યાંથી આવ્યા છો?"
દિલીપ અને ગૈરીએ પોતાની પહેલેથી તૈયાર કરેલી કથા સંભળાવી દીધી. અચાનક એ વ્યક્તિનો અવાજ કડક થઈ ગયો. એ બોલ્યો, "અહીં તો લંડીખાના નામની કોઈ જગ્યા છે જ નહીં... એ તો અંગ્રેજોના જવા સાથે ખતમ થઈ ગઈ."
તેને શંકા ગઈ કે આ લોકો બંગાળી છે જે અફઘાનિસ્તાન થઈને બાંગ્લાદેશ જવા ઇચ્છે છે. ગરેવાલે હસતા જવાબ આપ્યો, "શું અમે તમને બંગાળી દેખાઈએ છીએ? તમે ક્યારેય બંગાળી જોયા છે તમારી જિંદગીમાં?"
પરંતુ એણે તેમનું કંઈ ના સાંભળ્યું. એ તેમને તહસીલદારને ત્યાં લઈ ગયો. તહસીલદાર પણ તેમની વાતોથી સંતુષ્ટ ના થયા અને તેમણે કહ્યું કે અમારે તમને જેલમાં રાખવા પડશે.

એડીસી ઉસ્માનને ફોન

ઇમેજ સ્રોત, Getty Images
અચાનક દિલીપે કહ્યું કે તેઓ પાકિસ્તાની વાયુ સેનાના પ્રમુખ એડીસી સ્ક્વાડ્રન લીડર ઉસ્માન સાથે વાત કરવા ઇચ્છે છે. આ એ જ ઉસ્માન હતા જે રાવલપિંડી જેલના ઇન્ચાર્જ હતા અને ભારતીય યુદ્ધકેદીઓ માટે ક્રિસમસની કેક લાવ્યા હતા. ઉસ્માન લાઇન ઉપર આવી ગયા.
દિલીપે કહ્યું, "સર તમે ખબર સાંભળી જ લીધી હશે. અમે ત્રણેય લંડીકોતલમાં છીએ. અમને તહસીલદારે પકડી રાખ્યા છે. શું તમે તમારા માણસને મોકલી શકો છો?"
ઉસ્માને કહ્યું કે તહસીલદારને ફોન આપો. તેમણે કહ્યું કે આ ત્રણેય અમારા માણસો છે. એમને બંધ કરી દો, પરંતુ સાચવીને રાખો, મારતા નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

દિલીપ પારુલકરે બીબીસીને જણાવ્યું કે તેમને એ વિચાર સેકંડોમાં આવ્યો હતો. તેમણે વિચાર્યું કે આનું જ્યુરિડિક્શન એટલું ઊંચું પહોંચાડી દઈશું કે તહસીલદાર ઇચ્છે તો પણ કઈ કરી શકશે નહીં.
પેલી બાજુ 11 વાગ્યે રાવલપિંડી જેલમાં હડકંપ મચી ગયો હતો. જાફાના ઓરડાની પાસે ગાર્ડરૂમમાં ફોનની ઘંટડી સંભળાઈ. ફોન સંભાળતા જ એકદમ હલચલ વધી ગઈ. ગાર્ડ અહીં તહીં સતત ભાગવા માંડ્યા. બાકી બચેલા સાતેય યુદ્ધબંદીઓને અલગ કરીને અંધારી ઓરડીઓમાં બંધ કરી દેવામાં આવ્યા.
એક ગાર્ડે કહ્યું, 'આ બધું જાફાનું કરેલું છે. એને આ બાકોરાની સામે રાખીને ગોળી મારી દો. આપણે એમ કહીશું કે આ પણ એ ત્રણેયની સાથે ભાગવાનો પ્રયત્ન કરતો હતો.' જેલના ઉપ સંચાલક રિઝવીએ કહ્યું, "દુશ્મન આખરે દુશ્મન જ રહેશે. અમે તારી ઉપર ભરોસો કર્યો અને તે બદલામાં અમને શું આપ્યું."

મુક્તિ અને ઘર વાપસી

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
ફરી તમામ યુદ્ધકેદીઓને લાયલપુર જેલમાં લાવવામાં આવ્યા. ત્યાં ભારતીય ભૂમિદળના યુદ્ધકેદી પણ હતા. એક દિવસે અચાનક ત્યાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પહોંચ્યા.
તેમણે ભાષણ આપ્યું, "તમારી સરકારને તમારા વિશે કોઈ ચિંતા નથી. પરંતુ મેં મારી તરફથી તમને છોડી દેવાનો નિર્ણય કર્યો છે."
એક ડિસેમ્બર, 1972ના તમામ યુદ્ધબંદીઓએ વાઘા સીમા પાર કરી. તેમના મનમાં ક્ષોભ હતો કે તેમની સરકારે તેમને છોડાવવા માટે કંઈ પણ ના કર્યું. ભુટ્ટોની દરિયાદિલીથી તેમને મુક્તિ મળી.
પરંતુ જેવો તેમણે ભારતીય સીમામાં પગ મૂક્યો કે ત્યાં હાજર હજારો લોકો તેમને હાર પહેરાવીને ભેટીને તેમનું સ્વાગત કર્યું. પંજાબના મુખ્ય મંત્રી જ્ઞાની જૈલ સિંહ પોતે ત્યાં હાજર હતા.
વાઘાથી અમૃતસરના 22 કિલોમિટરના રસ્તામાં તેમના સ્વાગતમાં સેંકડો તોરણો બનાવવામાં આવ્યા હતા. લોકોનો પ્રેમ જોઈને આ યુદ્ધકેદીઓનો ગુસ્સો ઓગળી ગયો.
બીજા દિવસે દિલ્હીમાં રામ લીલા મેદાનમાં તેમનું સાર્વજનિક અભિવાદન કરવામાં આવ્યું.

સ્વીટ કૅપ્ટીવીટી

ઇમેજ સ્રોત, DHIRENDRA S JAFA
ગરેવાલને બરેલીમાં તહેનાત કરવામાં આવ્યા. તેમણે પોતાના એક વર્ષના વેતનથી 2400 રૂપિયામાં એક ફિયાટ કાર ખરીદી.
દિલીપે વાયુસેનાના પ્રમુખ પી. સી. લાલને એક ફાઉન્ટન પેન ભેટ આપી જે હકીકતમાં કમ્પાસ હતું જેને જેલમાંથી ભાગવા માટે મદદ લેવા માટે તેમના સાથીઓએ તૈયાર કર્યું હતું.

આપને આ પણ વાચવું ગમશે

દિલીપ પારુલકરનાં માતાપિતાએ તરત તેમના લગ્નની ગોઠવણ કરી.
ભારત પરત ફર્યાના પાંચ મહિના પછી થયેલા તેમના લગ્નમાં તેમને પોતાના પાકિસ્તાની જેલના સાથી સ્ક્વાડ્રન લીડર એ. વી. કામથનો ટેલિગ્રામ મળ્યો, "નો ઇસ્કેપ ફ્રોમ દિસ સ્વીટ કૅપ્ટીવીટી!"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












