બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલામાં કેટલા મર્યા, કેટલું નુકસાન?

ઇમેજ સ્રોત, AFP
બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ પોતપોતાના દાવાઓ રજૂ કર્યા હતા.
ભારતે બાલાકોટમાં ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદની તાલીમ શિબિરને નિશાન બનાવવાનો અને ત્યાં હાજર બધા ચરમપંથીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ પાકિસ્તાને કહ્યું કે ત્યાં કોઈ પ્રશિક્ષણ શિબિર છે જ નહીં.
ભારતે ખુલ્લી જગ્યામાં બૉમ્બ ફેંક્યા હતા અને પાકિસ્તાની વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ ભારતના લડાકુ વિમાન ભાગી ગયા હતા.
બંને દેશ આ પ્રકારના દાવા કરી રહ્યા છે ત્યારે મીડિયા પણ પોતપોતાની રીતે વાતો કરે છે. કેટલીક મીડિયા ચેનલ્સે તો 300 ચરમપંથીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો.
એવા પણ સમાચાર આવ્યા હતા કે બાલાકોટમાં ચરમપંથીઓ માટે છ એકરમાં શિબિર તૈયાર કરાઈ હતી, જેમાં કેટલીય સુવિધાઓ ઉપલબ્ધ હતી અને ચરમપંથીઓને ત્યાં બધા પ્રકારનું પ્રશિક્ષણ મળતું હતું. જોકે, નિષ્પક્ષ રીતે આ દાવાઓની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
પોતાના દાવાની પુષ્ટિ માટે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મીડિયાને હુમલાની જગ્યા જાબામાં આવવા આમંત્રણ આપ્યું હતું. જાબા બાલાકોટમાં આવેલું છે.
પાકિસ્તાની સેનાની સુરક્ષામાં મીડિયાને જાબા લઈ જવામાં આવ્યું હતું. ત્યાંની સ્થિતિ પર તૈયાર કરાયેલા ન્યૂઝ રિપોર્ટનો સાર અહીં વાંચોઃ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ભારતીય હુમલા બાદ બીબીબી સંવાદદાતા સહર બલોચ પણ ત્યાં પહોંચી હતી. તેઓએ હુમલામાં ઘાયલ એક સ્થાનિક શખ્સ નૂરાન શાહ સાથે વાત કરી. તેનું ઘર ઘટનાસ્થળ પાસે જ છે.
નૂરાન શાહે જણાવ્યું, "એ રાતે હું ઊંઘતો હતો. તીવ્ર અવાજથી હું જાગી ગયો. જ્યારે હું ઊઠ્યો તો પ્રચંડ ધડાકો થયો."
"જ્યારે આ ધડાકો થયો તો મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. મને લાગ્યું કે આ કોઈ ખતરનાક કામ લાગે છે, જ્યારે હું દરવાજા પાસે આવ્યો તો ત્રીજો ધડાકો થયો."
"આ જગ્યા 15 મિટર કે તેનાથી પણ વધુ નજીક હતી."
"બીજો ધડાકો થતાં જ દરવાજો તૂટી ગયો. ત્યારે હું, મારી દીકરી અને પત્ની ત્યાં જ બેસી ગયાં. મને એમ કે હવે મરવાનું જ છે. ત્યારબાદ ચોથો ધડાકો થયો, જે ઓછી તીવ્રતાવાળો હતો, અમે ત્યાં જ બેસી રહ્યા. થોડી વાર પછી અમે ઊઠ્યાં."
"બહાર નીકળીને જોયું તો મકાનની દીવાલો, છાપરાંઓ પર તિરાડો પડી ગઈ હતી. બસ, અલ્લાહે અમને બચાવી લીધાં. મને માથામાં થોડું વાગ્યું છે. પગ અને કમરમાં પણ થોડી ઈજા થઈ છે."
"પાકિસ્તાની સેના આવતાં અવરજવર શું અસર થઈ એ બાબતે પ્રાંતના એક વિદ્યાર્થીએ જણાવ્યું:
"સવારથી લોકો માટે એ વિસ્તારમાં પ્રતિબંધ લાદી દેવાયો હતો. (પાકિસ્તાની) સેના તરફથી અટકાવવામાં આવ્યા છે."
આ સિવાય ખૈબર પખ્તૂનખ્વાહના હૅલ્થ કમિશને કહ્યું કે અહીં 100 બેડ અલગ કરવામાં આવ્યા છે, જે બાદ હાલત વધુ ખરાબ થાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અલ જઝીરાએ શું લખ્યું?

કતારના ન્યૂઝ બ્રૉડકાસ્ટર અલ જઝીરાએ લખ્યું છે કે બુધવારે હુમલાના સ્થળે પહોંચતા અલ જઝીરાને જોવા મળ્યું કે ઉત્તરીય પાકિસ્તાનના જાબા શહેરની બહાર જંગલ અને દુર્ગમ ક્ષેત્રમાં ચાર બૉમ્બ પડ્યા હતા. વિસ્ફોટથી પડેલા ખાડાઓમાં તૂટેલાં વૃક્ષો અને ઠેર ઠેર પથ્થરો પડ્યાં હતાં, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારનો કાટમાળ અને જાનમાલને નુકસાન થયું હોય એવા પુરાવા નહોતા.
સ્થાનિક હૉસ્પિટલના અધિકારીઓ અને એ જગ્યાએ પહોંચેલા અનેક સ્થાનિકોએ જણાવ્યું કે તેમને ભારતીય હુમલા બાદ ત્યાં કોઈ લાશ કે ઘાયલ લોકો જોવા મળ્યા નહોતા.
ક્ષેત્રમાં જૈશ-એ-મોહમ્મદની પ્રશિક્ષણ શિબિરને લઈને સ્થિતિ સ્પષ્ટ નહોતી.
સ્થાનિક રહીશોએ જણાવ્યું કે જ્યાં બૉમ્બ ફેંકાયા ત્યાંથી એક કિલોમિટરથી પણ ઓછા અંતરે ઢોળાવ પર એક મદરેસા છે, જેને જૈશ-એ-મહોમ્મદ ચલાવે છે. થોડે દૂર લાગેલા એક સાઈનબૉર્ડથી સ્કૂલ હોવાની પુષ્ટિ થઈ અને આ સશસ્ત્ર સમૂહ દ્વારા ચલાવવામાં આવતી હતી.
બૉર્ડમાં મસૂદ અઝહરને તાલીમ-ઉલ-કુરાન મદરેસાના પ્રમુખ અને મોહમ્મદ યુસૂફ અઝહરને પ્રશાસક દર્શાવવામાં આવ્યા હતા.
અહીંના કેટલાક લોકોનું કહેવું છે આ મદરેસા સ્થાનિક સ્કૂલનાં બાળકોને ભણાવે છે, તો કેટલાકે કહ્યું કે ત્યાં જૈશના લડાકુઓનું પ્રશિક્ષણ કેન્દ્ર હતું.
એક વ્યક્તિએ ઓળખ જાહેર કર્યા વિના જણાવ્યું, "પહાડ પર બનેલી મદરેસા મુજાહિદ્દીનો માટે પ્રશિક્ષણ કેન્દ્ર હતી."
31 વર્ષની એક અન્ય સ્થાનિક વ્યક્તિએ કહ્યું, "બધાને ખબર હતી કે ત્યાં જૈશની છાવણી છે. ત્યાં લોકોને લડવાનું શિખવાડવામાં આવતું હતું."
જોકે, થોડે દૂર રહેનાર મીર અફઝલ ગુલઝારે જણાવ્યું, "અહીં કોઈ શિબિર નહોતી અને કોઈ ઉગ્રવાદીઓ નહોતા. અહીં 1980માં મુજાહિદ્દીનની શિબિર ચાલતી હતી, પરંતુ હવે નથી રહી."
31 જાન્યુઆરી, 2004માં વિકિલીક્સ દ્વારા લિક કરાયેલા અમેરિકન વિદેશ મંત્રાલયના એક મેમોમાં ઉલ્લેખ છે કે જાબા પાસે જૈશ-એ-મહોમ્મદની એક પ્રશિક્ષણ શિબિર છે, જ્યાં હથિયારો અને વિસ્ફોટકોનું પ્રાથમિક અને ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે.


રૉઇટર્સનો રિપોર્ટ

ઇમેજ સ્રોત, Reuters
બ્રિટનની ન્યૂઝ એજેન્સી રૉઇટર્સે જાબાની મુલાકાત બાદ લખ્યું છે કે ત્યાં હુમલાથી ઘાયલ થયેલો એક જ પીડિત છે, જેને હુમલાને કારણે જમણી આંખે ઈજા થઈ છે.
જાબામાં ઉપરના ઢાળ તરફ ઈશારો કરતાં ગામલોકોએ જણાવ્યું કે અહીં ચાર બૉમ્બ પડ્યાનાં નિશાન છે અને દેવદારનાં વૃક્ષોને નુકસાન થયું છે.
આ વિસ્તારમાં વાન ચલાવનાર અબ્દુલ રશિદે કહ્યું, "ધડાકાએ બધું હચમચાવી નાખ્યું. અહીં કોઈ મર્યું નથી. માત્ર કેટલાંક દેવદારનાં વૃક્ષો પડી ગયાં છે. એક કાગડો મર્યો છે."
જાબા પહાડો અને નદીઓના વિસ્તારમાં આવેલું છે, જ્યાંથી કઘાન ઘાટીનો રસ્તો નીકળે છે. આ પાકિસ્તાની પર્યટકો માટે પસંદગીનું સ્થળ છે.
સ્થાનિકોનું કહેવું છે કે અહીં 400થી 500 લોકો માટીનાં ઘરમાં રહે છે.
રૉઇટર્સે 15 લોકો સાથે વાત કરી, પરંતુ નૂરાન શાહ સિવાય કોઈ પણ અસરગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું નથી.
અબ્દુલ રશિદે કહ્યું, "મેં અહીં કોઈ લાશ જોઈ નથી. માત્ર એક સ્થાનિક વ્યક્તિ જ કોઈ ચીજથી ઘાયલ થઈ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જાબાની નજીક આવેલી હૉસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક અધિકારી મોહમ્મદ સાદિક એ રાતે નાઈટ ડ્યૂટી પર હતા. તેમણે પણ કોઈના ઘાયલ થયા હોવાના દાવાનો ઈન્કાર કર્યો હતો. તેઓ કહે છે, "આ માત્ર એક જુઠ્ઠાણું છે, અમને એક પણ ઘાયલ વ્યક્તિ જોવા મળી નથી."
જોકે, વિસ્તારના લોકોએ જણાવ્યું કે ત્યાં જૈશ-એ-મોહમ્મદની ઉપસ્થિતિ છે. પ્રશિક્ષણ શિબિર તો નથી પણ મદરેસા છે.
નૂરાન શાહે કહ્યું, "આ તાલીમ-ઉલ-કુરાન મદરેસા છે. ગામનાં બાળકો ત્યાં ભણે છે, ત્યાં કોઈ પ્રશિક્ષણ આપવામાં નથી આવતું."
મદરેસાના જૈશ-એ-મોહમ્મદથી સંબંધ દર્શાવતાં સાઈનબૉર્ડને ગુરુવારે હટાવી દેવામાં આવ્યું છે અને સેના સંવાદદાતાઓને ત્યાં જતાં રોકી રહી છે.
પરંતુ, પાછળથી એ માળખાને જોઈ શકાતું હતું અને તેને કોઈ નુકસાન થયું નહોતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












