રફાલના દસ્તાવેજ ક્યાંથી મળ્યા, બ્રહ્માંડની કોઈ તાકાત મારી પાસેથી ના જાણી શકે : એન.રામ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના ઍટૉર્ની જનરલ કે.કે. વેણુગોપાલે બધુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, 'ધ હિંદુ' અખબાર વિરુદ્ધ ગોપનીયતાના કાયદા અંતર્ગત મામલો દાખલ કરી શકાય છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ફ્રાંસમાંથી 36 યુદ્ધવિમાનોની ખરીદી સાથે જોડાયેલા દસ્તાવેજ સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થઈ ગયા છે અને આના આધારે જ 'ધ હિંદુ'એ પોતાનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.
વેણુગોપાલે કોર્ટમાં કહ્યું છે કે 'ધ હિંદુ'એ જે દસ્તાવેજોને પ્રકાશિત કર્યા છે એ આધાર પર રફાલના સોદાની તપાસ ના થવી જોઈએ કારણ કે એ સરકારની ગોપનીય ફાઇલ છે.
'ધ હિંદુ પબ્લિશિંગ ગ્રૂપ'ના અધ્યક્ષ એન.રામના નામથી રફાલ ડીલ અંગે કેટલાય અહેવાલો પ્રકાશિત થયા છે. એન.રામનું કહેવું છે કે તેમણે લોકહિતમાં આ અહેવાલો પ્રકાશિત કર્યા છે.
એન.રામે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "આમાં કોઈ પણ મુશ્કેલીની વાત નથી. જે પ્રાંસગિક હતું એને અમે પ્રકાશિત કર્યું છે અને હું સંપૂર્ણ રીતે તેની સાથે ઊભો છું."
નોંધનીય છે કે પોતાની વાયુસેનાના આધુનિકરણ કાર્યક્રમ અંતર્ગત ભારતે ફ્રાન્સની દાસો કંપની પાસેથી 8.7 અબજ ડૉલરમાં 36 રફાલ વિમાનોનો સોદો કર્યો હતો.

એન. રામે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
એન.રામે કહ્યું છે, "અમે સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજ ચોર્યા નથી. ગોપનીય સૂત્ર પાસેથી અમને આ દસ્તાવેજ મળ્યા છે."
"બ્રહ્માંડની કોઈ એવી તાકાત નથી જે મને એ કહેવા પર મજબૂર કરી શકે કે દસ્તાવેજ કોણે આપ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે જે દસ્તાવેજોના આધાર પર આ અહેવાલ પ્રકાશિત કર્યો છે તે લોકહીતમાં અમારા ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમનો ભાગ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

"સંસદથી લઈને સડક સુધી રફાલના સોદાની મહત્ત્વની સૂચનાને જાહેર કરવા માગ થતી રહી હોવા છતાં એને દબાવીને રાખવામાં આવી."
એન.રામનું કહેવું છે કે તેમણે જે પણ પ્રકાશિત કર્યું છે, તેનો અધિકાર 'બંધારણના અનુચ્છેદ 19(1) અંતર્ગત મળ્યો છે.'
રામે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સૂચનાના અધિકારીનો આ ભાગ છે. એન.રામે કહ્યું કે રાષ્ટ્ર સુરક્ષા અને તેના હિતો સાથે સમાધાન કરવાનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો.
એન.રામે એ પણ કહ્યું કે લોકતાંત્રિક ભારતને 1923ના ઉપનિવેશક ગોપનીયતાના કાયદાથી અલગ થવાની જરૂર છે.

સરકારે સુપ્રીમમાં શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટમાં રફાલ મામલે પુનર્વિચારની અરજી અંગેની સુનાવણીમાં બુધવારે એટૉર્ની જનરલ (એજી) કે. કે. વેણુગોપાલે કહ્યું કે આ ફાઇટર વિમાન સોદા સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઈ છે.
સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે જ્યારે એક નોટ વાંચવાનું શરૂ કર્યું ત્યારે વેણુગોપાલે વાંધો ઉઠાવ્યો.
ભૂષણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે રફાલ સોદા સાથે જોડાયેલી તપાસની પુનર્વિચાર અરજી રદ ન કરવી જોઈએ, કેમ કે 'મહત્ત્વનાં તથ્યો'ને સરકાર દબાવી ન શકે.
રફાલ પર પુનર્વિચાર અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ અને કે. એમ. જોસેફની બૅન્ચ કરી રહી છે.
આ સુનાવણી દરમિયાન જ વેણુગોપાલે કહ્યું કે રક્ષા મંત્રાલયમાંથી એવા દસ્તાવેજો ચોરી લેવાય છે જેની તપાસ હજી બાકી છે.
કોર્ટે આ સુનાવણીને માર્ચના મધ્ય સુધી મોકૂફ કરી છે. બીજી બાજુ, અખબાર 'ધ હિંદુ'ના સંપાદકે કહ્યું છે કે તેઓ કોઈ પણ ભોગે દસ્તાવેજ આપનારા સ્રોતનું નામ જાહેર નહીં કરે.
અખબારે જે માહિતી રજૂ કરી છે, તે માહિતી ઘણુંઘણું કહી જાય છે.
સુનાવણી દરમિયાન હાજર વરિષ્ઠ કાયદા સંવાદદાતા સુચિત્રા મોહંતી પ્રમાણે એજીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ગુપ્તતાના કાયદા આધારે ચોરી કરનાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એજીએ કહ્યું કે ફાઇલની ચોરી કરવામાં આવી હતી અને એક રાષ્ટ્રીય દૈનિક અખબાર 'ધ હિંદુ'એ તેને પ્રકાશિત કરી હતી.
એજીથી જસ્ટિસ રંજન ગોગોઈએ પૂછ્યું કે સરકારે આ મામલામાં શું કાર્યવાહી કરી છે? તો વેણુગોપાલે કહ્યું, "અમે એ તપાસ કરી રહ્યા છીએ કે ફાઇલ ચોરી કેવી રીતે થઈ. એજીએ કહ્યું કે 'ધ હિંદુ'એ એ ગુપ્ત ફાઇલ છાપી છે. તાજેતરમાં જ 'ધ હિંદુ'એ રફાલ સોદા સાથે જોડાયેલા અનેક રિપોર્ટ છાપ્યા છે. જેમાં કહેવાયું છે કે સરકારે ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે."
વેણુગોપાલે કહ્યું કે રક્ષા સોદાને રાષ્ટ્રની સુરક્ષા સાથે સંબંધ છે અને એ ઘણું સંવેદનશીલ છે. એજીએ કહ્યું કે જો બધું જ મીડિયા, કોર્ટ અને પબ્લિક ડિબેટમાં આવશે તો અન્ય દેશો સોદો કરવાનું ટાળશે.
નરેન્દ્ર મોદી સરકારે ફ્રાન્સ સાથે 2016માં રફાલ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. 59 હજાર કરોડ રૂપિયાની આ ડીલમાં ફ્રાન્સની 'ડસૉ' કંપની પાસેથી ભારતને 36 ફાઇટર વિમાન મળવાનાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












