લોકસભા ચૂંટણી 2019 : શું 'ચોકીદાર ચોર હૈ' કહીને રાહુલ ગાંધી ફસાઈ ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપસિંહ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
રાજકારણમાં નારાઓનું ભારે મહત્ત્વ હોય છે. કોઈ પણ ઉમેદવારને જીતવામાં નારાઓ જેટલા મદદરૂપ થઈ શકે છે એ જ રીતે જો ઊંધું પડે તો ગળામાં ફસાયેલું હાડકું પણ બની શકે છે.
રાહુલ ગાંધીનો 'ચોકીદાર ચોર હૈ'નો નારો શું કૉંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ માટે આવું હાડકું બની રહેશે?
મોદીના 'મૈં ભી ચોકીદાર'ના દેશવ્યાપી અભિયાનથી આવા જ સંકેત મળી રહ્યા છે. પરંતું કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચવા માટે રાહ જોવી પડશે.
વખતો-વખત લગાવાયેલાં રાજકીય નારાઓનો અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે હકારાત્મક નારા જ સફળ થતા હોય છે.
જેની વિરુદ્ધ નકારાત્મક નારા લાગાવાય, તેનાથી લોકો નારાજ હોય તો જ એ નારા લોકોના મન સુધી પહોંચી શક છે.
વર્ષ 1971માં વિપક્ષનું મહાગઠબંધન બન્યું અને તેમણે નારો આપ્યો હતો 'ઇંદિરા હટાઓ, દેશ બચાઓ.' જોકે, ઇંદિરા ગાંધીએ એ નારો જ પલટાવી નાખ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Getty Images
ઇંદિરાએ કહ્યું હતું, 'હું કહું છું ગરીબી હટાવો, તેઓ કહે છે ઇંદિરા હટાવો.' એ ચૂંટણીમાં ઇંદિરા ગાંધી ભારે બહુમતીથી જીત્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વખતે વિપક્ષના ગઠબંધનનું ગણિત કામ નહોતું આવ્યું. પોતાના વિરુદ્ધ લાગેલા નારાઓને પોતાના પક્ષમાં જ પલટાવી નાખવાની ક્ષમતા જનાધાર ધરાવતા નેતામાં જ હોય છે. બસ, એક જ શરત છે કે મતાદાતા તેમનાથી નારાજ ન હોવો જોઈએ.
વર્ષ 1977ની ચૂંટણીમાં વિપક્ષનો નારો હતો - 'ઇંદિરા કા દેખો ખેલ, ખા ગઈ ચીની, પી ગઈ તેલ.'
ઇંદિરા ગાંધી આ નારો ન પલટી શક્યાં કારણ કે લોકો કટોકટી અને મુશ્કેલીઓના કારણે તેમનાથી નારાજ હતા.


'મુસલમાન' અને 'ખ્રિસ્તી' વચ્ચે રહેલા બરાક ઓબામા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે સેનેટર તરીકે ચૂંટાયા ત્યારથી સઈને વર્ષ 2008માં રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યાં સુધી તેમના વિરોધીઓએ પ્રચાર કર્યો કે તેઓ મુસલમાન છે.
રાષ્ટ્રપ્રમુખની પહેલી સમયમર્યાદા પૂરી થતાં સુધીમાં ઓબામાની લોકપ્રિયતા થોડી ઘટી ગઈ હતી. તેથી આ અભિયાને ફરી જોર પકડ્યું હતું.
વર્ષ 2010માં જ્યારે ઓબામા ભારત આવ્યા ત્યારે તેમને અમૃતસર પણ જવું હતું. પરંતુ તેમના સલાહકારોએ સમજાવ્યું કે સુવર્ણ મંદિર જશે તો તેમણે માથા પર કપડું બાંધવું પડશે.
તમારા વિરોધીઓ આ તસવીરનો ખોટો ઉપયોગ કરી શકે કે તેઓ મુસલમાન છે.
2012માં ચૂંટણી અભિયાન દરમિયાન ઓબામા વારંવાર સ્પષ્ટતાઓ આપતા રહ્યા કે તેઓ મુસલમાન નથી. પછી તેમના સલાહકારોએ માનવ વ્યવહારના જાણાકારો સાથે વાત કરી.
તેમણે સલાહ આપી કે ઓબામા તેનું ખંડન કે સફાઈ આપવાનું બંધ કરે. કારણ કે વારંવાર સફાઈ આપવાથી પણ શંકા જાય છે કે કંઈક તો હશે જ.
આવા વખતે લાંબા સમય સુધી ચર્ચામાં રહેવાથી લોકોના મનમાં આ વાત ઘર કરી જાય છે.
તેથી તેમણે સકારાત્મક વાત કરવી જોઈએ. પછી ઓબામાએ કહેવાનું શરૂ કર્યું કે તેઓ ખ્રિસ્તી છે. મુસલમાનનો મુદ્દે જાતે જ શાંત થઈ ગયો.

'મૌત કા સોદાગર', 'નીચ' અને 'ચા વાળાથી' ફાયદો કોનો?

ઇમેજ સ્રોત, Getty Images
ખબર નહીં વડા પ્રધાન મોદીને કોઈએ આવી સલાહ આપી કે નહીં, પરંતુ તેઓ ઘણી વખત આવું કરી ચૂક્યા છે.
વર્ષ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ તેમને 'મોત કા સોદાગર' કહ્યા. સોનિયા ગાંધી અને કૉંગ્રેસને આજ સુધી બાબતનો અફસોસ હશે.
પોતાની તરફ આવતા તીરને વિપક્ષ તરફની દિશા આપી દેવાની વડા પ્રધાનની અદ્ભુત ક્ષમતા છે.
છેલ્લી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરની 'ચાય વાલા' અને પ્રિયંકા વાડ્રાનો 'નીચ' શબ્દ કૉંગ્રેસની વિરુદ્ધ હથિયાર સાબિત થયો. એ બધાં જ જાણે છે.
વર્ષ 2013માં જ્યારે ભાજપે તેમને વડા પ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા તો મીડિયા અને રાજકીય માહોલમાં ગુજરાતના રમખાણોમાં તેમની ભૂમિકા ફરી એક વખત ચર્ચામાં આવી.
મોદી અને ભાજપ સફાઈ આપતા રહ્યા કે કંઈ જ સાબિત નથી થયું.

ગુજરાતના રમખાણો વિરુદ્ધ ગુજરાત મૉડલ

ઇમેજ સ્રોત, Getty Images
એસઆઈટીની તપાસમાં કશું મળ્યું નહીં. સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી. પરંતુ સ્પષ્ટતાની કોઈ અસર થઈ નહીં.
ત્યારબાદ મોદીના સલાહકારોએ આ મુદ્દે સફાઈ આપવાનું બંધ કરીને વિકાસના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો.
ત્યાર બાદ ગુજરાતમાં રમખાણોનો મુદ્દો ઉઠાવનારા લોકો એ સાબિત કરવામાં લાગી ગયા કે 'ગુજરાત મૉડલ'માં જ ખામી છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને છેલ્લાં પાંચ વર્ષથી વડા પ્રધાન તરીકે જો મોદીનો કાર્યકાળ જોઈએ તો એક વાત સ્પષ્ટ રીતે સમજી શકાય કે પોતાની વિરુદ્ધ કહેવાયેલી કોઈ વાત પર તેઓ તરત પ્રતિભાવ આપતા નથી.
તેઓ તોળી-તોળીને બોલે છે. આરોપો અને નકારાત્મક વાતોનો જવાબ તેઓ હકારાત્મક વાતથી અથવા કામથી આપે છે.
રાહુલ ગાંધીએ જાન્યુઆરી 20015માં મોદી સરકાર પર 'સૂટ-બૂટ કી સરકાર'નો આરોપ લગાવ્યો.
તેમના એક જાણીતા સૂટના કારણે આ નારો તેમની સરકાર પર ચોંટી ગયો.
મોદી કે પક્ષ તરફથી કોઈ પણ સફાઈથી કામ ના બવ્યું એટલે મોદીએ સરકારની નીતિઓની દીશા બદલી નાખી.
સમાજમા વંચિતો માટે યોજનાનો મારો ચલાવ્યો. હવે 'સૂટ-બૂટની સરકાર'ની વાત કૉંગ્રેસ પણ નથી કરતી.

'ચોકીદાર ચોર હૈ' વિરુદ્ધ 'મૈં ભી ચોકીદાર'

કેટલાક મહિના પહેલા રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપ્યો. જેના માટે તેમણે રફાલ યુદ્ધ વિમાનની ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો.
ચોકીદાર(મોદી)ને ચોર ગણાવવા માટે તેમણે પાંચ વર્ષમાં એક મુદ્દો મળ્યો.
આ મુદ્દે પણ તેઓ મોદી કે તેમના એક પણ મંત્રી પર લાચનો આરોપ ન લગાવી શક્યા.
માત્ર એક જ વાત વાગોળ્યા કરે છે કે તેમણે અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપી દીધા.
જે ઑફસેટ ક્લૉઝમાં 30 હજાર કરોડની તેઓ વાત કરે છે તે ખોટું છે જાણવા છતાં તેઓ આ વાત કરે છે.
તેમાં 80થી પણ વધુ કંપનીઓની ભાગીદારી છે, પછી સુપ્રીમ કોર્ટના ચુકાદા અને સીએજી(કેગ)ના રિપોર્ટ બાદ તેમના આરોપ વધુ નબળા થઈ ગયા.
મોદી રાહ જોતા રહ્યા. તેઓ જોતા રહ્યા કે રાહુલ ગાંધીના આ નારાની કેટલી અસર થાય છે.
જ્યારે તેમણે જોયું કે આ મુદ્દો પણ જોર નથી પકડી શકે એમ નથી તો તેમણે શનિવારે 'મૈં ભી ચોકીદાર' અભિયાન સોશિયલ મીડિયા પર શરૂ કર્યું.
થોડી વારમાં જ તે ટ્વિટર પર એક નંબર પર ટ્ર્રૅન્ડ કરવા લાગ્યું. તેમણે ટ્વિટર હૅન્ડલ પર પોતાનું નામ બદલીને 'ચોકીદાર નરેન્દ્ર મોદી કરી નાખ્યુ.'
આ સમગ્ર અભિયાનમાં તેમણે રાહુલ ગાંધીના આરોપનો ઉલ્લેખ પણ કર્યો નહીં. દેશના લોકોને કહ્યું કે તેઓ પોતાની આસપાસ ગંદકી, અન્યાય અને બુરાઈઓને રોકવા માટે ચોકીદાર બને.
છેલ્લી લોકસભા ચૂંટણીમાં 'ચાવાળા' મુદ્દો બન્યો તો આ વખતે 'ચોકીદાર'ને મુદ્દો બનાવવાની ઝુંબેશ શરૂ થઈ.
સાર્વજનિક જીવનમાં જ્યારે કોઈ આરોપ તમને સ્પર્શે ત્યારે તેનો રાજકીય ફાયદો થઈ શકે છે. આરોપને અસરદાર બનાવવા માટે લોકોનો તેમાં વિશ્વાસ જરૂરી છે.
સાથે જ આરોપ લગાવનારની વિશ્વસનીયતા પણ મહત્ત્વની છે.
એ કહેવું ખોટું નહીં હોય કે ભ્રષ્ટાચાર મુદ્દે લોકોના મનમાં કૉંગ્રેસની વિશ્વસનીયતા નથી.
તે ઉપરાંત આટલા લાંબા જાહેર જીવનમાં મોદી ભ્રષ્ટાચાર મુદ્દે લગભગ બેદાગ રહ્યા છે.
તેમની સરકારની દરેક ખામીઓ પર લોક ભરોસો કરી શકશે પણ મોદી ભ્રષ્ટ છે એ વાત પર ત તેમના વિરોધીઓ પણ કદાચ ભરોસો કરી શકશે નહીં.
એ જ કારણથી અન્ય વિપક્ષી દળો આ મુદ્દે પરંપરાગત રીત કૉંગ્રેસનો સાથ આપવા આગળ ન આવ્યા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













