દરેક વ્યક્તિ કહી રહી છે કે હું પણ ચોકીદાર : મોદી

ઇમેજ સ્રોત, Reuters
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક વીડિયો શૅર કર્યો છે. જેને રફાલ મામલે ભાજપનો કૉંગ્રેસને જવાબ માનવામાં આવે છે.
લગભગ ત્રણ મિનિટ 45 સેકન્ડના આ વીડિયોની થીમ છે 'હું પણ ચોકીદાર.'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આ વીડિયોને શૅર કરતાં લખ્યું છે, "તમારો ચોકીદાર મજબૂતીથી ઊભો છે અને દેશની સેવા કરી રહ્યો છે પરંતુ હું એકલો નથી."
મોદી આગળ લખે છે, "એ દરેક શખ્સ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બદીઓ સામે લડી રહ્યો છે, તે ચોકીદાર છે. દરેક એ વ્યક્તિ જે ભારતની પ્રગતિ માટે મહેનત કરી રહી છે, તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે, હું પણ ચોકીદાર."
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન મોદીએ મતદાતાઓને અપીલ કરી હતી કે તેમને 'વડા પ્રધાન નહીં ચોકીદાર બનાવો'
કૉંગ્રેસ પક્ષ રફાલ મામલા પર મોદીને ઘેરવા માટે ચોકીદારવાળા આ નિવેદનને જ ઉઠાવતી રહી છે.
ભાજપે આ વીડિયોમાં ચોકીદાર હોવાના અલગ અલગ અર્થ સમજાવ્યા છે.
વીડિયો જારી થયાના કેટલાક સમયમાં #MainBhiChowkidar ટ્વિટર પર પહેલા નંબર પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એવું લાગે છે 2024માં ચૂંટણી નહીં થાય : સાક્ષી મહારાજ

ઇમેજ સ્રોત, Pti
ભાજપના સાંસદ સાક્ષી મહારાજે લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના એક મહિના પહેલાં ભવિષ્યવાણી કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાંથી ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે, આ માટે તેમણે મોદીને ધન્યવાદ આપ્યા હતા.
ઉન્નાવમાં તેમણે કહ્યું, "મોદી એક સુનામી છે. દેશમાં જાગૃતિ આવી છે. મને લાગે કે આ ચૂંટણી બાદ 2024માં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે."
"કેવળ આ જ ચૂંટણી છે. આ દેશ માટે ઉમેદવારોને જીતાડવાનું કામ કરો."
કૉંગ્રેસના પ્રવક્તા જીશાન હૈદરે બીબીસીને કહ્યું કે સાક્ષી મહારાજે ભાજપની ઇચ્છા સામે લાવી દીધી છે.
તેમણે કહ્યું, "જેવી રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ભાજપને ચલાવી રહ્યા છે."
"તમામ સંસ્થાઓને ખતમ કરી દીધી છે. સાક્ષી મહારાજે હવે સાફ કરી દીધું છે કે જો ભાજપ ફરી સત્તામાં આવ્યો તો આ દેશમાં તાનાશાહી હશે."

ભીમ આર્મીના આઝાદે મોદી સામે લડવા સપા-બસપાનું સમર્થન માગ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને આ માટે તમામ પક્ષોનું સમર્થન માગ્યું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલને ટાંકા ઇંડિયા ટુડેએ લખ્યું છે કે આઝાદે સપા-બસપા પાસેથી વારાણસીની બેઠક ઉપર તેમની ઉમેદવારી માટે સમર્થન માગ્યું છે અથવા તો બંને પક્ષના ટોચના નેતામાંથી કોઈને ઉમેદવાર બનાવવા કહ્યું છે.
આઝાદનું કહેવું છે કે તેઓ નથી ઇચ્છતા કે ફરી એક વખત મોદી વારાણસીની બેઠક ઉપરથી ચૂંટાઈ આવે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પૂર્વ ઉત્તર પ્રદેશના કૉંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધીએ મેરઠ ખાતે હૉસ્પિટલમાં આઝાદ સાથે મુલાકાત કરી છે.

થરૂરના કાકા-કાકી ભાજપમાં સામેલ

ઇમેજ સ્રોત, Getty Images
કેરળ કૉંગ્રેસના દિગ્ગજ નેત શશિ થરૂરના કાકા શશિ કુમાર અને કાકી શોભના શશિકુમાર ભાજપમાં જોડાઈ ગયા છે.
બંનેના કહેવા પ્રમાણે, તેઓ લાંબા સમયથી ભાજપના સમર્થક છે, પરંતુ શા માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો, તે તેમના માટે આશ્ચર્યની બાબત છે.
અખબાર અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે, આ કાર્યક્રમ દરમિયાન અલગ-અલગ પૃષ્ઠભૂમિના 14 લોકો ભાજપમાં જોડાયા હતા.
કેરળ ભાજપના અધ્યક્ષ પી. એસ. શશિધરન પિલ્લાઇએ 'કોચ્ચીનું ક્રિમ' કહીને આ લોકોનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ટોમ વડક્કન ભાજપમાં સામેલ થયા હતા.

મોદીના હૉર્ડિંગ્સ દૂર કરો

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ભાજપ વિરુદ્ધ આદર્શ આચારસંહિતાનો ભંગ કરવાની ફરિયાદ કરી છે.
કૉંગ્રેસનું કહેવું છે કે તા. 10મી માર્ચના ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો, ત્યારથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય છે.
આમ છતાંય રેલવે સ્ટેશન્સ, ઍરપૉર્ટ્સ અને પેટ્રોલ પમ્પસ ઉપર નરેન્દ્ર મોદીના પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, કૉંગ્રેસના નેતા આર. પી. એન સિંહના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આ સંદર્ભે રજૂઆત કરી હતી.
સિંહના કહેવા પ્રમાણે, ચૂંટણી પંચે શુક્રવાર સાંજ સુધીમાં તપાસ નીમવાની અને હૉર્ડિંગ્સ ઉતરાવી લેવાની ખાતરી આપી છે.
બીજી બાજુ, ભાજપે રજૂઆત કરી છે કે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી 'ખરાઈ નહીં કરાયેલા' આરોપો વડા પ્રધાન મોદી ઉપર લગાવી રહ્યા છે.
ગુજરાતમાં અડાલજ ખાતે આયોજિત જનસંકલ્પ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ રફાલ ડીલમાં અનિલ અંબાણીને આર્થિક લાભ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો, જેના સંદર્ભમાં ભાજપ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.

ઇઝરાયલની ઍર સ્ટ્રાઇક

ઇમેજ સ્રોત, EPA
ઇઝરાયલના કહેવા પ્રમાણે, શુક્રવારે તેના વાયુદળે ગાઝા પટ્ટીમાં ઉગ્રપંથી સંગઠન હમાસના 40 સ્થળો ઉપર 100 જેટલી સ્ટ્રાઇક્સ કરી હતી.
આ સ્થળોમાં હમાસ દ્વારા હુમલાઓનું આયોજન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ઑફિસ અને રૉકેટ બનાવતા એક એકમનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઇઝરાયલની આર્થિક રાજધાની તેલ અવીવની ઉપર રૉકેટ હુમલા કરવામાં આવ્યા હતા, જેના પગલે ઇઝરાયલે વળતી કાર્યવાહી હાથ ધરી હતી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












