લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન ચૂંટણી નહીં લડે, પત્ર લખી કરી જાહેરાત

ઇમેજ સ્રોત, AFP
મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠક પરથી 8 વખત ચૂંટાયેલાં સુમિત્રા મહાજને જાહેરાત કરી છે કે તેઓ હવે ચૂંટણી નહીં લડે.
આ બેઠક પર ભાજપે હજી સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી, જેથી વર્તમાન સાંસદ અને લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન નારાજ છે.
તેમણે આ અંગે એક પત્ર લખીને કહ્યું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે.
તેમણે પત્રમાં ભાજપને સવાલ કર્યો કે ઇંદોર લોકસભા બેઠક પર હજી સુધી ઉમેદવાર કેમ જાહેર કર્યા નથી. પક્ષ આ અસમંજસની સ્થિતિમાં કેમ છે? બની શકે કે પક્ષને નિર્ણય લેવામાં કોઈ સંકોચ થતો હશે.
સુમિત્રા મહાજન આ બેઠક પરથી 1989 ચૂંટાતાં આવે છે અને આ બેઠક મધ્ય પ્રદેશમાં ભાજપનો ગઢ ગણાય છે.
એવી પણ ચર્ચા છે કે સુમિત્રા મહાજનની ઉંમર 75 વર્ષથી વધારે થતી હોવાથી પક્ષ તેને ટિકિટ ના આપે એવી શક્યતા છે.

અગસ્તા વેસ્ટલૅન્ડ ડીલમાં નેતાઓ, અધિકારીઓને લાંચ મળી હતી : ઈડી

ઇમેજ સ્રોત, Getty Images
'ઇંડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ પ્રમાણે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ દિલ્હીની વિશેષ અદાલતમાં અગસ્તા વેસ્ટલૅન્ડ કેસ અંગે ચોથી ચાર્જશીટ રજૂ કરતા જણાવ્યું કે સંરક્ષણ અધિકારીઓ, વહીવટદાર, મીડિયા સાથે જોડાયેલા લોકો અને સત્તા પક્ષના અન્ય લોકોને લાંચ મળી હતી.
ઈડીની ચાર્જશીટમાં એવું પણ જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2008થી ઑક્ટોબર 2009 વચ્ચે કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ દ્વારા વ્યવહાર થયો હતો. તેમાં એવો પણ ઉલ્લેખ હતો કે 'શ્રીમતી આ ડિલમાં હસ્તક્ષેપ કરી રહ્યાં હતાં.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચાર્જશીટમાં એવું પણ કહેવાયું છે કે 'મિશેલ દ્વારા થયેલા વ્યવહારથી એવું સાબિત થાય છે કે અગસ્તા વેસ્ટલૅન્ડ ડીલને સંરક્ષણ મંત્રાલય અને પીએમઓ મારફતે રાજકીય નેતાઓ પીઠબળ મળી રહ્યું હતું રહ્યા. આ ડીલ માટે નાણામંત્રી અને તેમના સલાહકાર ઉપર પણ દબાણ ઊભું કરાયું હતું.'
ચાર્જશીટમાં અન્ય એક વ્યવહારનો ઉલ્લેખ કરતા કહેવાયું છે, "ઇટાલિયન લેડીના પુત્ર અંગે અઠવાડિયાની શરૂઆતમાં બેઠક યોજાઈ હતી. જેન્ટલમૅને સ્વીકાર્યું હતું કે તેમનો પુત્ર આગામી વડા પ્રધાન બનશે. પક્ષમાં તેમનો પાવર દિવસેને દિવસે વધી રહ્યો છે."
ઈડીએ દિલ્હીની વિશેષ અદાલતને એવું પણ જણાવ્યું કે મિશેલના મુજબ 'AP'નો મતલબ અહમદ પટેલ અને 'FAM'નો અર્થ ફૅમિલિ એટલે કે પરિવાર છે.

RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો, EMIમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
'ઇકૉનૉમિક્સ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે જેનો ફાયદો લૉન ધારકોને થઈ શકે છે અને તેમના ઈએમઆઈમાં પણ ઘટાડો થઈ શકે છે.
આરબીઆઈએ દર બે મહિને કરવામાં આવતા મૉનિટરી પૉલિસી રિવ્યૂમાં 25 બેસિસ પોઇન્ટ્સ (bps) ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
આરબીઆઈની જાહેરાત બાદ રેપો રેટ 6.25 ટકાની જગ્યાએ 6 ટકા થયો છે અને રિવર્સ રેપો રેટ 5.75 ટકા છે.
આ વર્ષમાં આવું બીજી વખત બન્યું છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોય.
અખબાર સાથેની વાતચીતમાં પૈસાબજારના સીઈઓ નવીન કુકરેજાએ કહ્યું કે 25 bpsનો ઘટાડો બૅન્કોને લૉનના વ્યાજ દરમાં ઘટાડો કરવા પ્રેરશે.

જેફ બેઝોસ 35 બિલિયન ડૉલરમાં છૂટાછેડા લેશે

ઇમેજ સ્રોત, REUTERS
એમેઝોનના વડા અને દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસે તેમનાં પત્ની મેકકેન્ઝી સાથે છૂટાછેડા લેશે અને આ સમજૂતીની રકમ 35 બિલિયન ડૉલર છે.
25 વર્ષ પહેલાં સ્થાપેલી એમેઝોનમાં બેઝોસનાં પત્ની ચાર ટકા હિસ્સો જાળવી રાખશે.
બીજી તરફ મેકકેન્ઝીને વૉશિંગટન પોસ્ટ ન્યૂઝપેપર અને બેઝોસની સ્પેસ ટ્રાવેલ કંપની 'બ્લૂ ઑરિજીન'ના વ્યાજમાં કોઈ અધિકાર નહીં મળે.
જેફે જ્યારે વર્ષ 1994માં એમેઝોનની શરૂઆત કરી હતી ત્યારથી દંપતી સાથે છે અને તેમને ચાર બાળકો પણ છે.
હજારો કરોડ રૂપિયામાં છૂટાછેડા લેનારા બેઝોસ એકલા જ નથી.
આ પહેલાં આર્ટ ડિલર એલેક વિલ્ડનસ્ટિન અને તેમનાં પત્ની જોસલીને છૂટાછેડા લીધા હતા જેની કિંમત 3.8 બિલયન ડૉલર હતી.

પરિસ્થિતિ સામાન્ય થતા કાશ્મીરમાંથી AFSPA હટાવીશું : રાજનાથ સિંહ

ઇમેજ સ્રોત, AFP
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે કૉંગ્રેસ AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર ઍક્ટ) કાનૂનને નબળો કરવા માગે છે. તેમણે એવું પણ કહ્યું કે તેમની સરકારે ત્રિપુરા, મેઘાલય અને અરુણાચલમાંથી આ કાનૂન હટાવી લીધો છે.
રાજનાથ સિંહે આ વાત ગૌતમ બુદ્ધનગરથી ચૂંટણી લડી રહેલા કૅબિનેટ મંત્રી મહેશ શર્માના ચૂંટણીપ્રચાર સમયે લોકોને સંબોધતા કરી હતી.
સિંહે કહ્યું હતું, "કાશ્મીરમાં પણ સ્થિતિ સામાન્ય થશે તો ત્યાંથી પણ હટાવી લેવામાં આવશે."
"કાશ્મીરમાં જ્યાં ઉગ્રવાદીઓ તેમની ગતિવિધિઓ ચલાવે છે ત્યાં અમે AFSPAથી સૈનિકોના હાથ મજબૂત કર્યા છે. પરંતુ કૉંગ્રેસ સૈનિકોના હાથ નબળા કરવા માગે છે. અમે આ નહીં થવા દઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












