બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બે વર્ષ થયાં ત્યારે કેવી છે સ્પીડ અને કેટલું કામ થયું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
શિલાન્યાસને બે વર્ષ થઈ ગયા છે અને ગુરૂવારે ગુજરાત હાઈ કોર્ટે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દીધી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેનો કુલ અંદાજિત ખર્ચ હાલ 1.08 લાખ કરોડ રૂપિયા છે.
બુલેટ ટ્રેન 2023માં શરૂ થશે એવું આયોજન છે.
ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન સાથે સંકળાયેલી ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દેતા હવે National High Speed Rail Corporation Limited (NHRCL) સામે આ પ્રોજેક્ટને લઈને કોઈ મોટી મુશ્કેલીઓ નથી એવું માનવામાં આવે છે.
હાઈકોર્ટનો ચુદાકો આવી ગયો છે અને શિલાન્યાસને પણ બે વર્ષ થઈ ગયા છે ત્યારે આ પ્રોજેક્ટમાં ખરેખર કેટલું કામ થયું છે તે જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો.
આ પ્રોજેક્ટમાં ડિઝાઇનિંગ અને બજેટિંગ પછી હાલમાં મુખ્યત્વે ટૅન્ડરિંગની કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિવિધ કામો માટે ટૅન્ડર મંગાવવામાં આવી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટૅન્ડરિંગની આ પ્રક્રિયા હજી આગામી બે મહિના સુધી ચાલશે અને તે પછી આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં વિવિધ બાંધકામો શરૂ થશે એમ મનાય છે.
બાંધકામમાં પાટા લગાવવાની સાથે સાથે વિવિધ ઇમારતોનું નિર્માણ, અને સ્ટેશન બનાવવાની કામો શરૂ થવાના હજી બાકી છે.
જોકે, સાબરમતી રેલવે સ્ટેશન પરનું ઇમારતનું બાંધકામનુ કાર્ય શરૂ થઈ ગયું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અડચણો હઠાવવાની કામગીરી

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા નૅશનલ હાઇસ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડના એડિશનલ જનરલ મેનેજર સુષ્મા ગૌર કહે છે કે "હાલમાં જ્યાં સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં બુલેટ ટ્રેન માટે સાબરમતી પેસેન્જર હબ અને ટ્રેનિંગ હૉસ્ટેલ બિલ્ડિંગ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે."
તેઓ જણાવે છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના ટ્રેકમાં હાલમાં અનેક અવરોધો છે.
આમાં વીજળીના થાંભલા, પાણીની પાઇપલાઇન વગેરે જેવી લોકોને ઉપયોગી સુવિધાઓ પણ છે જેને ડાઇવર્ટ કરવી જરૂરી છે.
હાલ અનેક સ્થળોએ આવી લોકઉપયોગી સુવિધાઓને ડાઇવર્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે.
સુષ્મા ગૌર કહે છે કે "૧૬૦૦ ઇલેક્ટ્રિકલ સુવિધાઓ જેમ કે કેબલ તથા થાંભલાઓ તેમજ 150 વધારાની હાઇ-વૉલ્ટેજ લાઇનોને ડાઇવર્ટ કરવાની કામગીરીમાં અંદાજે 50 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે."
બુલેટ ટ્રેનના ટ્રેકમાં ONGCના પાંચ કૂવા પણ આવે છે. આ પાંચમાંથી ૩ કૂવાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યાં છે તથા અમદાવાદમાં સ્થિત RRB બિલ્ડિંગ ટ્રેકમાં આવતું હોવાથી તેને રિલોકેટ કરવામાં આવ્યું છે.

ટૅન્ડરિંગની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
508 કિલોમિટરની રસ્તાની કામગીરી પૈકી 308 કિલોમિટર રસ્તાની કામગીરી માટે ટૅન્ડર મંગાવવામાં આવ્યાં છે.
સુષ્મા ગૌર કહે છે આ તમામ કામો ટૅન્ડરની પ્રક્રિયાથી થવાના છે અને અમુક કામો માટે ટૅન્ડરની શરૂઆત થઈ ગઈ છે.
તેઓ કહે છે આ વર્ષની શરૂઆતમાં જ મહારાષ્ટ્રના ઝારોલી ગામ અને ગુજરાતની સરહદ વચ્ચે એક પુલ બનાવવા માટેનું ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને આ પુલનું નિર્માણ આવતા વર્ષ સુધી શરૂ થવાની શક્યતા છે.
બુલેટ ટ્રેનના ટ્રેકમાં અનેક નાના-મોટા પુલ બનવાના છે. આ પુલ બનાવવા માટેના પણ ટૅન્ડર આ વર્ષની શરુઆતમાં બહાર પડી ચૂક્યા છે.
બુલેટ ટ્રેનનો ટ્રેક ૨૪ નદીઓ પાર કરશે અને ૩૦ રોડ તેમજ કેનાલો પરથી પસાર થશે જેની ટૅન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
7 કિલોમિટર દરિયાની અંદર સહિતની ૨૧ કિલોમીટરની ટનલ માટેનું પણ ટૅન્ડર પણ પ્રક્રિયા હેઠળ છે.

જમીન સંપાદનની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
આવા કોઈ પણ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મહત્ત્વનો મુદ્દો હોય છે.
ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપી દેતા આ પ્રોજેક્ટમાં હવે કોઈ મોટો અવરોધ નથી તેમ માનવામાં આવે છે.
બુલેટ ટ્રેન માટે કુલ 1380 હૅકટર જમીનની જરૂરિયાત છે અને હાલમાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે.
જમીન સંપાદન અંગે સુષ્મા ગૌર કહે છે કે "જમીનની કુલ જરૂરિયાત પૈકી 45% જેટલી જમીન સંપાદિત થઈ ગઈ છે. "
આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે અત્યાર સુધીમાં 2200 જેટલા પરવાનગી કરાર થયા હોવાની અને તેની રકમ જમીન માલિકોને બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાની માહિતી તેઓ આપે છે.

જમીન સંપાદનમાં અવરોધ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
જોકે, હજી જમીન સંપાદનની 55% જેટલી કામગીરી બાકી છે.
ગુજરાત ખેડૂત સમાજનાં એક અંદાજ પ્રમાણે હજી લગભગ 4000 ખેડૂતોએ પોતાની જમીનો બુલેટ ટ્રેન માટે આપી નથી.
હજી 55 ટકા જમીન સંપાદન બાકી છે ત્યારે ગુજરાત ખેડૂત સમાજનાં નેતા જયેશ પટેલ કહે છે કે બાકી રહી ગયેલા ખેડૂતોને જ્યાં સુધી શહેરી વિસ્તારમાં બે ગણું અને ગ્રામ્ય વિસ્તારમાં ૪ ગણું વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતો પોતાની જમીનો નહીં આપે.
બુલેટ ટ્રેનના જમીન સંપાદન કામમાં હજી અવરોધ આવી શકે છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની અરજી ફગાવી દેતા તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત જયેશ પટેલે કહ્યું કે તેઓ હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને અને હાલ એની તૈયારી શરૂ કરી દીધી છે.
આની સામે નૅશનલ હાઇસ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડનું કહેવું છે કે તેઓ માનવીય અભિગમથી કોઈને નુકસાન ન થાય તે રીતે જમીન સંપાદનની કામગીરી કરી રહ્યા છે અને આ બાબતે જાગૃતિ લાવવા લોકસંપર્ક કરી રહ્યા છે.

શું છે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?

ઇમેજ સ્રોત, Getty Images
- મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈ-સ્પીડ રેલ કૉરિડોર બનશે.
- જેના ઉપર હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
- મુંબઈ અને અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
- કુલ 508.17 કિલોમિટર અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રેક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ હશે.
- આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યો છે.
- જાપાન સરકાર રૂપિયા 88 હજાર કરોડનું ધિરાણ ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે આપશે.
- બાકીના પૈસા ભારતીય રેલવે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરશે.
- 2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટનો ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ થતો હતો.
- હવે આ પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 1.8 લાખ હજાર કરોડ થઈ ગયો છે.
- IIM અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જર મુસાફરી કરે તે જરૂરી છે.
- તેનું ભાડું પ્રતિ પેસેન્જર રૂપિયા 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.
- આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કોન્ટ્રાકટ અપાયો છે.
- મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર અંદાજે 2.07 કલાકમાં કાપી શકાશે.
- શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર 750 પેસેન્જર મુસાફરી કરી શકાશે. પછી તેની ક્ષમતા 1250ની કરાશે.
- દર 20 મિનિટે એક ટ્રેન દોડશે.
- નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ટ્રિપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












