ગુજરાતમાં કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો કેમ મુશ્કેલીમાં છે?

કેરી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેહુલ મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામના ખેડૂત વાલજીભાઈ ભલાણીએ થોડા દિવસો પહેલાં કેરીના પાકમાં નુકસાન જવાને કારણે આત્મહત્યા કરી લીધી છે.

પરિવારજનોનું કહેવું છે કે નાનું આંબાવાડિયું ધરાવતા વાલજીભાઈએ કેરીનો પાક સતત ત્રીજા વર્ષે નબળો જતાં પોતાનું જીવન ટુંકાવી દીધું છે.

70 વર્ષના વાલજીભાઈ પોતે વિકલાંગ હતા અને જાતે ખેતરમાં કામ કરી શકતા ન હતા. જેથી તેઓ મજૂરો દ્વારા ખેતીનું કામ કરાવતા હતા.

વાલજીભાઈની આત્મહત્યાએ ફરી ગુજરાતના ખેડૂતોની નબળી થઈ રહેલી સ્થિતિ વિશે ચર્ચા શરૂ કરી છે.

કેસર કેરી ગુજરાતની ઓળખ બની ગઈ છે અને દેશ-વિદેશમાં તેની નિકાસ કરવામાં આવે છે.

વિદેશભરમાં વખણાતી આ કેરીની ખેડૂતો માટે છેલ્લાં કેટલાંક વર્ષો સારાં રહ્યાં નથી.

line

ઉત્પાદનની સ્થિતિ?

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન મોટા ભાગે ગુજરાતના જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં થાય છે.

આ ઉપરાંત અન્ય જાતોની કેરીનું ઉત્પાદન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ થાય છે.

ગીર-સોમનાથ જિલ્લાના છાછર ગામના ભરતભાઈ મકવાણા પાસે પોણા વીઘાનો આંબાનો બગીચો છે અને એમાં આંબાનાં 35 વૃક્ષો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ભરતભાઈ કહે છે, "આંબાના એક વૃક્ષમાંથી 10થી 12 મણ કેરી ઊતરતી હોય છે પણ આ વર્ષે એમાં 50 ટકાનો ઘટાડો થયો છે."

"મઘિયો, મચ્છી જેવા રોગના કારણે પણ કેરીના પાકમાં નુકસાન જાય છે. વળી, આની સામે દવાઓનો ખર્ચ પણ ખૂબ થાય છે. આના માટે બગીચો ધરાવનારને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી."

ભરતભાઈના કહેવા મુજબ તેમણે પોણા વીઘામાં 45થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

તાલાળા-ગીર એપીએમસી(ઍગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના સેક્રેટરી હરસુખભાઈ જારસાણીયા કહે છે કે આ વર્ષે બજારમાં કેરીની આવક દેખાશે પણ વ્યકિતગત રીતે ખેડૂઓને તકલીફ છે.

તેમના જણાવ્યા અનુસાર આ વખતે એક આંબામાં એક મણ કેરી પણ માંડ ઊતરે એવું દેખાઈ રહ્યું છે.

ખેડૂતોની જેમ હરસુખભાઈ પણ ઓછા ઉત્પાદન માટે વાતાવરણમાં થયેલા ફેરફારની અસરને જવાબદાર ગણાવે છે.

જોકે, અનિશ્ચિત કુદરતી વાતાવરણની ઉપરાંત કેસર કેરીના ખેડૂતો માટે સામે બીજા પણ અનેક સવાલો ઊભા છે.

કેરીના ઉત્પાદનને અનેક પરિબળો અસર કરતાં હોય છે. ખેડૂતો કહે છે કે આ વર્ષે ઠંડીમાં ફેરફાર, માવઠું વગેરે પરિબળોને લીધે ઉત્પાદન ઓછું થયું છે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
line

વેચાણનો સવાલ

મીઠી વિરડીના ખેડૂત ચંદુભા ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

તુષાર ધામેલિયા ગીર કૃષિ વસંત કંપની સાથે સંકળાયેલા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું, "મજૂરોની અછત અને બજાર સુધીની મર્યાદિત પહોંચ એ ખૂબ મોટો સવાલ છે."

"બગીચો ધરાવનાર મહેનત કરે પણ જે લાભ થવાનો હોય એ વેપારીઓ લઈ જાય છે અને નુકસાન થવાનું હોય તો એ ખેડૂતોને થાય એવી પરિસ્થિતિ છે."

"મજૂરોની અછત અને જરૂરી એવી સદ્ધર નાણાકીય સ્થિતિને લીધે અનેક નાના ખેડૂતો બગીચો સીધો ઉચ્ચક ભાવે વેપારીઓને આપી દેતા હોય છે."

"બજારનો જાણકાર વેપારી કેસરને ઉગાડનાર કરતાં વધારે નફો રળી લેતો હોય છે."

તુષાર ધામેલિયાએ 4,000 જેટલા ખેડૂતો સાથે કામ કર્યું છે. ગીર કૃષિ વસંત કંપની સાથે 50 ખેડૂતો સીધી રીતે સંકળાયેલા છે.

તેઓ અમદાવાદ, ગાંધીનગર વગેરે જેવાં શહેરોમાં કેસર કેરીનો મહોત્સવ કરીને ખેડૂતો વચેટિયા વિના સીધા જ બજાર સુધી પહોંચે એવો પ્રયાસ કરે છે.

તેમનું કહેવું છે કે ખેડૂતો સીધા વેચાણ માટે શહેરોમાં જાય છે પરંતુ મોટાં શહેરોમાં મોકાની જગ્યાઓ ખેડૂતોને પોસાતી નથી અને તેની સામે સરકારી જગ્યાઓ સહેલાઈથી મળતી નથી.

તુષારભાઈ કહે છે, "આ માટે ભારત સરકારને ફાર્મા પ્રોડક્ટ કંપનીને લગતા વિભાગમાં, નાબાર્ડમાં એમ અનેક સ્થળે રજૂઆતો કરીએ છીએ. કેન્દ્ર સરકાર તરફથી તો પ્રતિભાવ મળે છે પરંતુ તે નીતિ ગુજરાતમાં અમલી બનતી નથી."

line

બજારભાવ અને વીમો

કેરી

ઇમેજ સ્રોત, Getty Images

કેરીનો પાક લેતા ખેડૂતો માટે સૌથી મોટો સવાલ બજારભાવનો છે.

કેરીનો પાક લેતા અન્ય એક ખેડૂત જયેશભાઈ કહે છે, "ખેડૂત તરીકે મોટામાં મોટો સવાલ એ છે કે માર્કેટમાં ભાવ મળવો જોઈએ. સરકાર બજારમાં સીધા વેચાણનું આયોજન કરતી હતી પણ એ બે-ત્રણ વર્ષથી બંધ છે."

"મૂલ્યવર્ધન કરવાના પ્રયાસો અપૂરતા હોવાને કારણે પણ ખેડૂતોને નુકસાન થતું હોય છે. બાગાયત ખાતા દ્વારા તાલીમ વગેરે પણ સિઝન મુજબ થતી હોય તો વધારે ખેડૂતોને લાભ મળી શકે."

જયેશભાઈ કહે છે કે કેરી સાથે એક સવાલ વીમાનો પણ છે. બાગાયતમાં પાક વીમો લાગુ પડતો નથી.

તેઓ કહે છે, "એક વાર પાક વીમો આવ્યો હતો પરંતુ તે પણ તેના જરૂરી લાભાર્થી સુધી પહોંચી શકયો નહોતો."

તાલાલા તાલુકાની ગીર વિકાસ સમિતિએ પાક નિષ્ફળ જતાં કેસર કેરીના ઉત્પાદકોનો સર્વે કરી તાત્કાલિક સહાય આપવાની માગણી સરકાર સામે કરી છે.

આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાએ પણ આવી માગણી કરી છે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
line

નિકાસમાં પાકિસ્તાન મારી જાય છે બાજી

પાકિસ્તાની વેપારી

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વમાં ભારત કેરીના ઉત્પાદનમાં મોખરાના સ્થાને છે. વિશ્વની કુલ કેરીના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 40 ટકા જેટલો છે.

તેની સામે પાકિસ્તાન વિશ્વના કુલ ઉત્પાદનની 11થી 12 ટકા કેરીઓનું જ ઉત્પાદન કરે છે.

રાજકોટ સ્થિત ભાવેશભાઈ જોટાંગિયા કેરીની વિદેશમાં નિકાસના બિઝનેસ સાથે સંકળાયેલા છે.

તેમના કહેવા પ્રમાણે ઉત્પાદનમાં ભારત આગળ છે પરંતુ આંતરરાષ્ટ્રિય બજારમાં પાકિસ્તાન બાજી મારી જાય છે.

તેઓ કહે છે, "કેસરનો 10 ટકા માલ તો ખેતરમાં જ બગડી જાય છે કેમ કે પરંપરાગત રીતે ખેડૂતો પૅકિંગ અને સંભાળનું જ્ઞાન ધરાવતા નથી."

"વળી, ગુજરાતમાં પૅકિંગ, પ્રોસેસિંગની કોઈ ખાસ સુવિધા નથી એટલે કેરીનો તમામ માલ મુંબઈ થઈને દુબઈ કે સિંગાપોર જાય છે. આમાં, ખર્ચ પણ વધે છે અને સમય પણ બગડે છે."

"ભાવેશભાઈ કહે છે કે નિકાસનું મુખ્ય બજાર દુબઈ અને સિંગાપોર છે અને ત્યાં ભારતની સ્પર્ધા પાકિસ્તાન તેમજ થાઇલૅન્ડની કેરી સાથે હોય છે. પડતર ખર્ચ વધવાને લીધે ત્યાં ભારતની કેરી પાકિસ્તાન કરતાં મોંઘી થઈ જાય છે."

"જોકે, પાકિસ્તાનની કેરી સસ્તી પડવાનું કારણ ગુણવત્તા નહીં પરંતુ પાકિસ્તાન સરકારે પ્રોસેસિંગ અને પૅકેજિંગ માટે કરેલી વ્યવસ્થા છે."

ભાવેશભાઈને મતે આપણે ત્યાં ફ્રોઝન ટેકનિકની સુવિધાઓ ખૂબ ઓછી છે. બીજા દેશોમાં વર્ષ સુધી સચવાય એવી તકનિકનો ઉપયોગ થાય છે પરંતુ અહીં યૂનિટ પણ ઓછા છે અને મોંઘી પણ છે.

તેઓ કહે છે કે આટલા ઉત્પાદન પછી પણ સૌરાષ્ટ્રમાં કોઈ ફ્રોઝન નથી. અમદાવાદથી સીધી ફ્લાઇટ મળતી હોવા છતાં માલ વાયા મુંબઈ જ લઈ જવો પડે છે. વેપારીઓ પાસે ઑર્ડર તો છે પણ સિસ્ટમ નથી.

line

આ વર્ષે આવક ઓછી પણ ભાવ વધારે

કેસર

ઇમેજ સ્રોત, Getty Images

ગીર કૃષિ વસંત કંપની સાથે સંકળાયેલા તુષારભાઈ ધામેલિયા કહે છે કે આ વર્ષે 20 ટકા ઉત્પાદન ઓછું છે. સિઝન બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને વચ્ચે આવકમાં ખાલી સમય દેખાઈ રહ્યો છે. આવક ઓછી હોવાને લીધે હાલ ભાવ સારા જોવા મળે છે.

ભાવેશભાઈ કહે છે કે આ વખતે ગત વર્ષ કરતાં 20 ટકા ભાવ વધશે એમ લાગે છે.

નિકાસનીની સ્થિતિ અંગે તેઓ કહે છે કે આ વર્ષે પાકિસ્તાનમાં ઉત્પાદન ઓછું છે એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ભાવ વધશે એમ લાગે છે.

તાલાળા-ગીર એપીએમસીના સેક્રેટરી હરસુખભાઈ જારસાણીયા જણાવે છે કે "વર્ષ 2017-18માં 281 મેટ્રિક ટન (1 મેટ્રિક ટન = 1000 કિલોગ્રામ) કેસર કેરી યુરોપિય દેશોમાં નિકાસ થઈ હતી."

"70 મેટ્રિક ટન અમેરિકામાં નિકાસ થઈ હતી. 9 મેટ્રિક ટન યુએઈ(સંયુક્ત આરબ અમિરાત)માં તેમજ 4 મેટ્રિક ટન ઑસ્ટ્રેલિયામાં નિકાસ થઈ હતી."

"વર્ષ 2016-17માં 210 મેટ્રિક ટન કેસર યુરોપિય દેશોમાં તેમજ 50 મેટ્રિક ટન અમેરિકામાં નિકાસ થઈ હતી. "

જોકે, જયેશભાઈ કહે છે કે હાલ જે આવક થઈ રહી છે તે નિકાસની નથી. એ સ્થાનિક ગુણવત્તાની છે. નિકાસની આવક હજી 10-12 દિવસ પછી દેખાશે એમ તેઓ જણાવે છે.

line

શું કહે છે સરકાર?

કૃષિ મંત્રી આર.સી. ફળદુ

ઇમેજ સ્રોત, RC Faldu FB

નિષ્ફળ પાકમાં સહાયની રજૂઆતો અંગે બીબીસી ગુજરાતીએ કૃષિ અને ગ્રામીણ વિકાસના કૅબિનેટ કક્ષાના મંત્રી આર. સી. ફળદુ સાથે વાત કરી.

તેમના કહેવા પ્રમાણે ચારેક વર્ષ અગાઉ જ્યારે પાક નિષ્ફળ ગયો ત્યારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી સહાય આપવામાં આવી હતી.

આ વખતે ચૂંટણી આચરસંહિતાને લીધે સીધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ કેન્દ્ર સરકારને જાણ કરી છે. સરકાર આ અંગે યોગ્ય વિચારણા કરી રહી છે.

કેરીના ખેડૂતોને બજાર સાથે જોડાણ મામલે તેમનું કહેવું છે કે ખેડૂતો સીધા શહેરમાં વેચાણ માટે આવે ત્યારે જે તે કૉર્પોરેશન સાથે વાત કરી તેમન રાહત દરે કે નહીં નફો-નહીં નુકસાનને ધોરણે જગ્યા મળે તે માટે કામ કરવામાં આવે છે.

કેરીના મૂલ્યવર્ધન માટે તાલાળા અને બાવળામાં પ્રોસેસિંગ યૂનિટ દ્વારા સહયોગની વાત પણ તેઓ જણાવે છે.

પાકિસ્તાન સાથે સ્પર્ધા બાબતે ખાસ ફ્રોઝન પ્રોસેસિંગ અંગે કૃષિ મંત્રીએ કહ્યું કે આવી કોઈ રજૂઆતો આવશે તો તે અંગે ચોક્કસ સરકાર વિચારણા કરશે, પણ હાલ તરત આવી કોઈ રજૂઆતો ધ્યાનમાં નથી.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો