એ દેવી જેમની પૂજા હિંદુ અને મુસ્લિમ બન્ને કરે છે

વાઘની તસવીર

ઇમેજ સ્રોત, ARINDAM BHATTACHARYA / ALAMY STOCK PHOTO

ઇમેજ કૅપ્શન, રૉયલ બેંગાલ ટાઇગરને કારણે સુંદરવન વધારે જાણીતું બન્યું છે
    • લેેખક, કલ્પના પ્રધાન
    • પદ, બીબીસી ટ્રાવેલ

ચૂંટણીના આ માહોલ વચ્ચે સાંપ્રદાયિક રાજકારણ કરતા નેતાઓ ધર્મના નામે મત માગે છે. હિંદુ- મુસ્લિમને એકબીજાની વિરુદ્ધ ઊભા કરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આમ તો મુસ્લિમો મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. મૂર્તિપૂજા કરનારાને કાફર કહે છે. ભારતમાં એક જગ્યા એવી છે, જ્યાં હિંદુ અને મુસલમાન બન્ને એક દેવીની પૂજા કરે છે. આ સ્થાનક હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ભારત અને બાંગ્લાદેશની સરહદે ગંગા નદીના ડેલ્ટામાં ફેલાયેલો એક વિસ્તાર છે સુંદરવન. આ દુનિયાનું સૌથી મોટું કળણવાળી જમીન પર બનેલું જંગલ છે.

યુનેસ્કોએ તેને વિશ્વની અજાયબીઓમાં સ્થાન આપ્યું છે. અહીં આવનારને ભરતી અને ઓટ અને કાદવથી ભરેલી જમીન જોઈને કુદરતની રચનાઓનો અને તેના સંતુલનનો સંદેશ પણ મળે છે.

કુદરતી સૌંદર્યને કારણે જ બંગાળી ભાષા પ્રમાણે તેને સુંદરવન કહેવામાં આવે છે.

લગભગ 10 હજાર ચોરસ કિલોમિટરમાં ફેલાયેલા સુંદરવનમાં સેંકડો નાના-નાના ટાપુઓ બનેલા છે.

છીછરા કાદવમાં ગાઢ જંગલ ઊગી નીકળ્યું છે, જેની વચ્ચે અનેક પ્રકારનાં પ્રાણીઓ વસે છે.

સસ્તન પ્રાણીની 50 પ્રજાતિઓ અહીં જોવા મળે છે. 315 જાતનાં પક્ષીઓએ સુંદરવનને પોતાનું ઘર બનાવ્યું છે.

સરીસૃપ વર્ગનાં સાપ સહિતનાં 315 પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે.

સુંદરવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુંદરવનના વિશાળ વિસ્તારમાં લગભગ 45 લાખની વસતિ છે.

સુંદરવન સૌથી જાણીતું થયું છે તેના રૉયલ બેંગાલ ટાઇગરને કારણે .

ગાઢ જંગલોની વચ્ચે વાઘ રહેતો હોય તેવું ફક્ત અહીં જ જોવા મળે છે.

અહીં વસતા મનુષ્યો પર વાઘ વારંવાર હુમલો કરે છે. આમ છતાં સદીઓથી મનુષ્ય અને વાઘ આ ભૂમિમાં સાથેસાથે રહેતા આવ્યા છે.

સુંદરવનના વિશાળ વિસ્તારમાં લગભગ 45 લાખની વસતિ છે. મોટા ભાગના લોકોનો વ્યવસાય માછીમારી છે.

ઘણા લોકો જંગલમાંથી બળતણનાં લાકડાં એકઠા કરે છે અને મધ પાડીને લાવે છે.

જંગલમાં આ રીતે કામ કરવા જવું ખતરનાક હોય છે, કેમ કે કળણ જેવા પાણીમાં મગર, સાપ અને વાઘ પણ હુમલો કરી દેતા હોય છે.

આવા જોખમ જતા સ્થાનિક લોકો જંગલમાં રોજી કમાવા ભટકતા રહે છે.

દર વર્ષે લગભગ 60 લોકો રૉયલ બેંગાલ ટાઇગરનો શિકાર બની જાય છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

હિંદુ-મુસ્લિમોનાં દેવી

સુંદરવન
ઇમેજ કૅપ્શન, સુંદરવનમાં રહેતી દરેક વ્યક્તિ જંગલની ઝાડીઓમાં પ્રવેશ કરતાં પહેલાં વનબીબી સામે માથું નમાવે છે

આવા જોખમી વિસ્તારમાં રહેતા સુંદરવનના નિવાસીઓને એક કરે છે તેમની શ્રદ્ધા. આ શ્રદ્ધા છે એક દેવી પર. આ દેવીને ભારત અને બાંગ્લાદેશ બન્ને બાજુ રહેતા નાગરિકો માને છે.

ભક્તોમાં હિંદુ અને મુસ્લિમ બન્નેનો સમાવેશ થાય છે. અમીર હોય કે ગરીબ, સુંદરવનમાં રહેનારી દરેક વ્યક્તિ જંગલની ઝાડીઓમાં પ્રવેશ કરતાં પહેલાં આ દેવી સામે માથું નમાવે છે.

સુંદરવનના હિંદુ અને મુસ્લિમ બન્નેનાં આ દેવીને વનબીબીના નામથી ઓળખવામાં આવે છે.

સુંદરવનમાં ત્રણ નદીઓ આવીને ભેગી થાય છે. તેના અનેક નાના-નાના ફાંટા પડે છે અને પછી સમુદ્રમાં જઈને મળે છે.

તોફાની વરસાદ આવે ત્યારે અહીં એટલું બધું પાણી ભરાઈ જતું હોય છે કે બધા જ ફાંટા અને નદીઓ એક થઈ જાય છે.

એ જ રીતે અહીં વસતા હિંદુ અને મુસ્લિમો વનબીબી આગળ હાજર થાય ત્યારે એક થઈ જાય છે. સેંકડો વર્ષોથી બન્ને સમુદાયના લોકો સુંદરવનમાં આવી રીતે જ રહેતા આવ્યા છે.

સુંદરવનમાં રહેતા શંભુનાથ મિસ્ત્રી કહે છે કે જાનવર હુમલો કરે ત્યારે તે હિંદુ કે મુસલમાનોમાં ભેદ કરતાં નથી.

તેના કારણે જ બન્ને સમુદાયના લોકો વનબીબીની પૂજા કરે છે.

લાઇન
લાઇન
સુંદરવનમાં મધ ઉતારતો શખ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુંદરવનમાં રહેતા ઘણા લોકો જંગલમાંથી બળતણનાં લાકડાં એકઠા કરે છે અને મધ પાડીને લાવે છે

વનબીબીને સુંદરવનનાં સંરક્ષક દેવી કહેવામાં આવે છે. હિંદુ અને મુસ્લિમ એકસાથે તેમની પૂજા કરે છે.

આ વિસ્તારમાં મધ એકઠું કરવાનું કામ કરતા હસન મુલ્લા કહે છે કે સુંદરવનમાં વસતા મુસ્લિમોના જીવનનો અતૂટ હિસ્સો વનબીબી છે. હિંદુ અને મુસ્લિમો એકબીજાના ધાર્મિક કાર્યક્રમોમાં, પૂજાપાઠના કાર્યક્રમોમાં એકબીજાને બોલાવે છે.

બન્ને સમુદાયના લોકો માને છે કે વનબીબી જંગલી જાનવરોથી તેમની રક્ષા કરે છે. દેવી તેમને શીખ આપે છે કે તમારી જરૂર પૂરતું વનમાંથી તમને મળી જાય એટલે પરત ફરી જાવ. વધારે મેળવવાની લાલચમાં પડશો નહીં.

વાઘનો હુમલો થાય ત્યારે બન્ને કોમના લોકો ભેગા થઈને તેને ભગાડે છે. ઘણી વાર જંગલ ખાતાના માણસો વાઘને પકડીને જંગલમાં દૂર છોડી દે છે.

સુંદરવનનો વાઘ બહુ ચાલાકીથી હુમલો કરે છે. તે શિકાર પર પાછળથી હુમલો કરે છે. પહેલાં મનુષ્યના જમણા હાથને તોડી નાખે છે. તે પછી ગરદન પર, ગળા પર અને ફેંફસા પર હુમલો કરે છે.

વાઘને થાપ આપવા માટે મધ અને માછીમારી માટે જનારા પોતાના માથે એવો મુખવટો પહેરે છે તેમાં પાછળ ચહેરો દોરેલો હોય. વાઘ પાછળથી હુમલો કરવા આવે ત્યારે તેને લાગે કે માણસ પોતાની સામે જ જોઈ રહ્યો છે.

line

વનબીબી કોણ છે?

દેવીની મૂર્તિ

ઇમેજ સ્રોત, KALPANA PRADHAN

ઇમેજ કૅપ્શન, હિંદુ અને મુસ્લિમ બન્ને માને છે કે તેમની રક્ષા કરવા માટે વનબીબીને સ્વર્ગમાંથી ધરતી પર મોકલવામાં આવ્યાં છે

શંભુનાથ મિસ્ત્રી કહે છે કે બન્ને કોમના લોકો જંગલમાં એક થઈને રહે ત્યારે વાઘ પણ હુમલો કરવાની હિંમત કરતો નથી.

તે માટે જ વનબીબીની માનતા માનવામાં આવે છે અને દેવીને ચઢાવો ચઢાવવામાં આવે છે.

વનબીબી એટલે જંગલની નારી. હિંદુ અને મુસ્લિમ બન્ને માને છે કે તેમની રક્ષા કરવા માટે જ વનબીબીને સ્વર્ગમાંથી ધરતી પર મોકલવામાં આવ્યાં છે.

સુંદરવનમાં એક કથા એવી પ્રચલિત છે કે વનબીબી સાઉદી અરેબિયાના મુસ્લિમ પરિવારમાં જન્મ્યાં હતાં. તેઓ હજ માટે મક્કા ગયાં ત્યારે ત્યાં તેને દૈવીશક્તિ પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ તેઓ સાઉદીથી પાંચ હજાર કિલોમિટરનો પ્રવાસ કરીને સુંદરવન આવી પહોંચ્યાં હતાં.

વનબીબી સુંદરવન પહોંચ્યાં અને જોયું કે જંગલ આખું મનુષ્યને મારી ખાનારા વાઘોથી ભરેલું છે. તેમણે જોયું કે જંગલ પર દક્ષિણરાય નામના રાક્ષસનું રાજ ચાલતું હતું.

વનબીબીએ દક્ષિણરાયને હરાવી દીધો, પણ તેમણે દયા દાખવવા આજીજી કરી તેથી તેમને માફ કરી દેવાયા. તેમણે વાયદો કર્યો કે તેઓ વાઘોને મનુષ્યો પર હુમલો કરતા અટકાવશે.

ત્યારથી વનબીબી સુંદરવનનાં શાસક બન્યાં. એવું માનવામાં આવે છે કે દક્ષિણરાય ભાગીને જંગલમાં છુપાઈ ગયા હતા. તેઓ પણ હવે વાઘનું રૂપનું લઈને લોકો પર હુમલો કરે છે.

લાઇન
લાઇન
સુંદરવન

ઇમેજ સ્રોત, KALPANA PRADHAN

ઇમેજ કૅપ્શન, વનબીબીની ઘણી પ્રતિમાઓ સુંદરવનના ઘાટ જંગલો વચ્ચે પણ જોવા મળી જાય છે

જોકે, અહીંના મુસલમાન દેવી સામે માથું નમાવતા નથી. પરંતુ ભારત હોય કે બાંગ્લાદેશ સુંદરવનના દરેક ગામમાં દાખલ થતાં જ વનબીબીનું મંદિર બનેલું હોય છે.

મુસ્લિમો વનબીબીને ધરવા માટે દૂધ, ફળો, મીઠાઈ અને બીજી ચીજો આપે છે.

મુસ્લિમ સમુદાયમાં મહિલાઓને બીબી કહેવામાં આવે છે. એટલે કે વનબીબીનું નામ પણ હિંદુ મુસ્લિમની સંયુક્ત પરંપરા અને પરસ્પર શ્રદ્ધાનો જ હિસ્સો છે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વનબીબીનો વાર્ષિક તહેવાર મનાવવામાં આવે છે. બન્ને કોમના લોકો મંદિર પાસે એકઠા થાય છે. પૂજા થાય છે. પૂજારી દક્ષિણરાયની કથા સંભળાવે છે. મહિલાઓ વનબીબીના નામે વ્રત રાખે છે.

વનબીબીની ઘણી પ્રતિમાઓ સુંદરવનના ઘાટ જંગલો વચ્ચે પણ જોવા મળી જાય છે.

માછીમારો અને મધ એકઠું કરનારા જંગલમાં જાય તે પહેલાં વનબીબીનું સ્મરણ કરી લે છે અને તેમની રક્ષા કરવા માટેની પ્રાર્થના કરે છે.

જોકે આધુનિકતા આવતી ગઈ તે સાથે વનબીબી પ્રત્યે હિંદુ અને મુસ્લિમ બન્નેની સમાન શ્રદ્ધા સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.

ઘણા હિંદુઓને એ વાતનો વાંધો છે કે મુસલમાનો તેમની દેવીની પૂજા કેમ કરે છે. વનબીબી એવું દેવીનું મુસ્લિમ નામ છે તેની સામે પણ વિરોધ છે.

એ જ રીતે ઘણા મુસ્લિમોને દેવી પૂજા એટલે કે મૂર્તિપૂજાનો વિરોધ છે.

લાઇન
લાઇન
સુંદરવન
ઇમેજ કૅપ્શન, મિત્રબાડી ગામમાં એવી કેટલીય મહિલાઓ છે, જેમણે વાઘના હુમલામાં પોતાના પતિઓ ગુમાવ્યા છે

સ્થાનિક લોકોને એ વાતની પણ ચિંતા છે કે જંગલમાંથી જરૂર પ્રમાણેનું જ લેજો તેવી વનબીબીની શીખનું પણ લોકો પાલન કરી રહ્યા નથી.

વધારે લેવાની લાલચને કારણે કુદરતી સ્રોતો માટે ખેંચતાણ વધી રહી છે. જંગલો કપાઈ રહ્યાં છે અને વાઘોના હુમલાનું પ્રમાણ વધવા લાગ્યું છે.

મિત્રબાડી ગામમાં એવી કેટલીય મહિલાઓ છે, જેમણે વાઘના હુમલામાં પોતાના પતિઓ ગુમાવ્યા છે. આ વિધવાઓ માટે પોતાના બાળકોનું પાલનપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે.

જંગલ વિસ્તાર ઓછો થવાથી વાઘો માનવ વસતીની નજીક આવવા લાગ્યા છે.વન વિભાગના કર્મચારીઓ વાઘને પકડીને ફરી દૂર જંગલમાં મૂકી આવે છે.

આધુનિકતા તરફની દોડને કારણે સુંદરવનનાં જંગલો અને વાઘ બન્ને પર ખતરો છે. સાથે જ હિંદુ અને મુસ્લિમોની વનબીબી પરની સંયુક્ત શ્રદ્ધાના વારસા પર પણ જોખમ ઊભું થયું છે.

એવી આશા છે કે જ્યાં સુધી મનુષ્ય અને જંગલી પ્રાણીઓ સુંદરવનમાં સહઅસ્તિત્ત્વથી જીવતાં રહેશે, ત્યાં સુધી વનબીબી તેમની રક્ષા કરવા માટે હાજરાહજૂર રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો