રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિકતા મામલે નોટિસ, શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલય તરફથી નાગરિકતા મામલે નોટિસ મોકલવામાં આવી છે. આ સાથે જ લોકસભાની ચૂંટણી વચ્ચે આ મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલી તેમની બ્રિટિશ નાગરિકતા મામલે સ્પષ્ટતા કરવા અને તથ્યો રજૂ કરવા માટે જણાવ્યું છે.
રાહુલ ગાંધીને આ મામલે જવાબ રજૂ કરવા ગૃહ મંત્રાલયે 15 દિવસનો સમય આપ્યો છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરિયાદ કરી હતી કે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2009માં પોતાને બ્રિટનના નાગરિક ગણાવ્યા હતા.
સ્વામીની આ ફરિયાદના આધારે જ ગૃહ મંત્રાલયે કૉંગ્રેસ અધ્યક્ષને નોટિસ પાઠવી છે.
કૉંગ્રેસેના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી જન્મથી જ ભારતના નાગરિક છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગૃહ મંત્રાલયની નોટિસમાં શું કહેવામાં આવ્યું છે?

ઇમેજ સ્રોત, MHA
29 એપ્રિલના રોજ નાગરિકતા નિદેશક બી. સી. જોશી દ્વારા આપવામાં આવેલી નોટિસમાં રાહુલને પૂછવામાં આવ્યું છે કે એક કંપનીના દસ્તાવેજમાં તમારી નાગરિકતા બ્રિટિશ લખવામાં આવી છે, આ અંગે તમે તથ્યો રજૂ કરો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરિયાદમાં દાવો કર્યો છે કે રાહુલ ગાંધી યુનાઇટેડ કિંગ્ડમમાં રજીસ્ટર્ડ એક કંપનીના ડિરેક્ટર છે.
નોટિસમાં એવો પણ ઉલ્લેખ છે કે ફરિયાદમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે 2003માં રજિસ્ટર થયેલી Backops Limited નામની આ કંપનીમાં રાહુલ ગાંધી સચિવ પણ છે.
રાહુલ ગાંધીને આપવામાં આવેલી નોટિસમાં કહેવાયું છે કે 2005-06માં કંપની દ્વારા ફાઇલ કરવામાં આવેલા વાર્ષિક રિર્ટનમાં રાહુલે પોતાની જન્મ તારીખ 19/06/1970 દર્શાવી છે અને તેમણે પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા છે.
આ દસ્તાવેજોને આધાર બનાવીને સ્વામીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી હતી. જે મામલે હવે ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને 15 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

અમેઠીમાં પણ થયો હતો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
અમેઠીની બેઠક પરથી રાહુલ ગાંધી સામે લોકસભાની ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલે પણ તેમની નાગરિકતાને લઈને આક્ષેપો કર્યા હતા.
તેમણે પણ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક હોવાના આરોપો કરી તેમની ઉમેદવારી રદ કરવા કહ્યું હતું.
જોકે, અમેઠીના રિટર્નિંગ ઓફિસર રામ મનોહર મિશ્રાએ જાહેર કર્યું હતું કે કૉંગ્રેસ અધ્યક્ષનું ઉમેદવારી ફોર્મ યોગ્ય છે.
ધ્રુવ લાલે અપ્રમાણિત દસ્તાવેજો જમા કરાવીને રાહુલ ગાંધીની નાગરિકતા અને તેમના શિક્ષણને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે કરેલી ફરિયાદમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાને બ્રિટિશ નાગરિક જાહેર કર્યા છે.

2015માં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને પહેલાં પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં 2015માં રાહુલની નાગરિકતાને લઈને એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
આ અરજીમાં રાહુલની નાગરિકતા મામલે સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે અરજી સાથે જોડવામાં આવેલા દસ્તાવેજોની સત્યતા અને તેને હાંસલ કરવાની રીત સામે સવાલ ઉઠાવ્યા હતા.

'મોદી ધ્યાન ભટકાવવા માગે છે'

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે રાહુલ ગાંધીને મળેલી આ નોટિસને મોદીની મુદ્દાઓથી ધ્યાન ભટાકાવવાની કોશિશ ગણાવી છે.
કૉંગ્રેસના અધ્યક્ષ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી જન્મથી જ ભારતના નાગરિક છે.
તેમણે કહ્યું, "વડા પ્રધાન મોદી પાસે બેરોજગારી, ખેતીની દુર્દશા અને કાળાનાણાં મામલે કોઈ જવાબ નથી."
"ધ્યાન ભટકાવવાના ઇરાદાથી તેઓ સરકારી નોટિસ દ્વારા કહાણી ઘડી રહ્યા છે."
આ મામલે ગૃહપ્રધાન રાજનાથ સિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જ્યારે સંસદ સભ્ય કોઈ વિભાગને લખે છે ત્યારે આ પ્રકારની પૂછતાછ થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, કોઈ મોટી ઘટના નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














