નરેન્દ્ર મોદીની ઍફિડેવિટ્સને લઈને જ્યારે થયા ત્રણ મોટા વિવાદો

વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે.

મોદીએ વારાણસીથી ઉમેદવારી કરતાં પહેલાં ભવ્ય રોડ શો કર્યો હતો.

વડા પ્રધાનપદ માટેની ઉમેદવારી હોય કે ગુજરાતના મુખ્ય મંત્રી માટેની ઉમેદવારી હોય, તેઓ હંમેશાં ચર્ચા અને વિવાદોમાં રહ્યા છે.

મોદી પર ઉમેદવારી કરતી વખતે ઍફિડેવિટમાં કેટલીક માહિતીને છુપાવવાના કે ખોટી માહિતી આપવાના વિવાદો થયા છે.

એ પછી જશોદાબહેનનો પત્ની તરીકે ઉલ્લેખ કરવાનો હોય કે ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી હોય.

શું છે મોદીની ઍફિડેવિટને લઈને થયેલા વિવાદો?

line

ડિગ્રીનો વિવાદ

નરેન્દ્ર મોદીની ઍફિડેવિટ

ઇમેજ સ્રોત, Eci

ઇમેજ કૅપ્શન, 2007ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ઍફિડેવિટમાં આપેલી માહિતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અને શૈક્ષણિક લાયકાત વિવાદોનો વિષય રહ્યા છે.

તાજેતરમાં કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે સવાલ ઉઠાવ્યો હતો કે 2014 પહેલાં તેમણે કેમ જાહેર ન કર્યું કે તેઓ પરિણીત છે, પોતાની ડિગ્રી અંગે કેમ સ્પષ્ટતા કરતા નથી?

2007 અને 2012ની વિધાનસભા ચૂંટણી તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍફિડેવિટમાં માહિતી આપી હતી કે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએનો અભ્યાસ કર્યો છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં આરટીઆઈ કરીને મોદીની અનુસ્નાતક ડિગ્રી માગવામાં આવી ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ માહિતી આપતા કહ્યું હતું કે તેમણે 1983માં પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું છે અને 800માંથી 499 માર્ક્સ મેળવ્યા હતા.

યુનિવર્સિટીએ કહ્યું હતું કે મોદીએ યુરોપિયન પોલિટિક્સ, સોશિયો-પોલિટિકલ થૉટ, પોલિટિકલ સાયકૉલૉજી, મૉડર્ન ઇન્ડિયા અને પોલિટિકલ ટૂલ્સ જેવા વિષયોનો અભ્યાસ કર્યો હતો.

વિવાદ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક જયંતીભાઈ પટેલે મોદીની ડિગ્રી વિશે 2016માં ફેસબુક પર ટિપ્પણી કરી હતી.

જયંતીભાઈ પટેલે કહ્યું હતું કે મોદીની ઍફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીએ જે માહિતી આપી છે તે અભ્યાસક્રમમાં આવા કોઈ વિષયો ઇન્ટર્નલ અને ઍક્સટર્નલ વિદ્યાર્થીઓને ભણાવાતા જ નથી.

જોકે, ગુજરાત યુનિવર્સિટીએ અધ્યાપકના આ દાવાને નકારી કાઢ્યો હતો.

સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા દિલ્હી યુનિવર્સિટીનો કેસ પણ લડી રહ્યા છે.

સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (સીઆઈસી)એ 1978માં બીએ પાસ કરનાર વિદ્યાર્થીઓના રૅકર્ડ્સ તપાસવાના આદેશ આપ્યા હતા, જેણે દિલ્હી યુનિવર્સિટીએ કોર્ટમાં પડકાર્યા છે.

આ જ વર્ષે નરેન્દ્ર મોદી સ્નાતક થયાનો દાવો છે.

જાન્યુઆરી 2019માં કોર્ટમા દિલ્હી યુનિવર્સિટીના બચાવમાં મહેતાએ કહ્યું હતું, "આરટીઆઈ ઍક્ટ આ પ્રકારના પ્રશ્નોના કારણે મજાક બની ગયો છે. જાહેરજીવન સાથે જોડાયેલી બે વ્યક્તિઓની ડિગ્રી માગવામાં આવી હતી."

"એક વડા પ્રધાન હતા અને અન્ય કેન્દ્રીય મંત્રી હતા." જે કેન્દ્રીય મંત્રી વિશે તેઓ કહી રહ્યા છે તે સ્મૃતિ ઈરાની છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

જશોદાબહેનનો વિવાદ

ઍફિડેવિટ

ઇમેજ સ્રોત, Eci.nic.in

ગત લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની વડોદરા બેઠક પરથી ઉમેદવારીપત્રક ભરતી વખતે મોદીએ સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે.

મોદીએ જીવનસાથી તરીકે જશોદાબહેનનું નામ જણાવ્યું હતું. જોકે, તેમનાં પાનકાર્ડ, આવક તથા સંપત્તિ અંગેની વિગતોમાં 'ખબર નથી' હોવાનું જાહેર કર્યું હતું.

એ સમયે આ મુદ્દે રાજકીય ચર્ચા જામી હતી. મોદીના બચાવમાં ભાજપે તેમના મોટાભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદીનું નિવદેન બહાર પાડ્યું હતું.

એ નિવેદનમાં સોમાભાઈએ જણાવ્યું હતું કે તેમની જ્ઞાતિ આર્થિક અને સામાજિક રીતે પછાત હતી, એટલે સામાજિક દૂષણને કારણે માત્ર 17 વર્ષની ઉંમરે તેમના 'બાળવિવાહ' કરાવવામાં આવ્યા હતા. થોડા દિવસોમાં બંને અલગ થઈ ગયા હતા, પરંતુ બંનેએ લગ્ન ફોક કર્યું નહોતું.

લાઇન
લાઇન

મોદીના લગ્નજીવનનો વિવાદ

જશોદાબહેન

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદીએ ભાજપ અને એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કાર્યકરથી લઈને પક્ષના મહાસચિવ સુધી અલગઅલગ પદ પર કામ કર્યું હતું.

દરમિયાન તેમણે 'પરિણીત કે અપરિણીત' એ વાતનો ખુલાસો કરવાની જરૂર પડી ન હતી.

તેમની નજીકના બહુ થોડા લોકો મોદીનાં લગ્નથી વાકેફ હતા. અન્યને એમ જ હતું કે મોદી 'અપરિણીત' છે.

ઑક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શાસનની ધુરા સંભાળી.

નિયમ પ્રમાણે, એપ્રિલ-2002 સુધીમાં તેમણે વિધાનસભાની ચૂંટણી જીતવાની હતી.

એ સમયે ચૂંટણીપંચને ઍફિડેવિટ આપતી વખતે પ્રથમ વખત મોદીને તેમના વૈવાહિક દરજ્જા અંગે કશું કહેવાની જરૂર ઊભી થઈ ન હતી.

જોકે, તત્કાલીન કાયદાકીય છૂટનો ઉપયોગ કરીને જીવનસાથીની સંપત્તિની કૉલમમાં 'લાગુ પડતું નથી' તેમ જણાવ્યું.

એ પછી ડિસેમ્બર 2002, ડિસેમ્બર 2007 તથા ડિસેમ્બર 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદીએ ખુદના વૈવાહિક દરજ્જા અંગે 'ઔપચારિક' રીતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

સપ્ટેમ્બર 2013માં દેશની સર્વોચ્ચ અદાલતે શકવર્તી ચુકાદો આપ્યો હતો.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારી અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.

પંચે જણાવ્યું હતું કે જો ઉમેદવારને કોઈ વિગત અંગે જાણ ન હોય તો તે 'ના' કે 'લાગુ પડતું નથી' એમ જણાવી શકે છે, પરંતુ કોઈ કૉલમ ખાલી ન છોડી શકે.

પંચે ઉમેર્યું હતું કે જો રિટર્નિંગ ઓફિસર દ્વારા માહિતી માગવા છતાંય જરૂરી વિગતો આપવામાં ન આવે તો જે તે ઉમેદવારીપત્રક રદ કરવા પાત્ર ઠરશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો 'પૂર્વવર્તી અસર'થી ચુકાદો ન આપ્યો હોવાથી મોદી સહિત અન્ય ઉમેદવારોએ અગાઉની ચૂંટણી ઍફિડેવિટ્સમાં આપેલી વિગતો અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

line

ગાંધીનગરના પ્લૉટનો વિવાદ

નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત પ્લૉટ અંગે પણ વિવાદોમાં રહ્યા છે અને આ વિવાદ પણ તેમના ઉમેદવારીપત્રની ઍફિડેવિટ સાથે જોડાયેલો છે.

2007ની વિધાનસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગાંધીનગરના સેક્ટર-1નો પ્લૉટ નંબર 411 તેમની સ્વતંત્ર માલિકીનો છે.

પરંતુ 2012ની વિધાનસભા ચૂંટણી અને 2014ની લોકસભા ચૂંટણીમાં આ પ્લૉટ અંગેનો તેમણે કોઈ જ ઉલ્લેખ કર્યો ન હતો.

'ધ કૈરાવન'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે તાજેતરમાં જ આ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં પૂર્વ પત્રકાર સંકેત ગોખલે દ્વારા પિટિશન કરવામાં આવી છે.

આ અહેવાલમાં નોંધ્યું છે કે 2012ની વિધાનસભાની ચૂંટણીની ઍફિડેવિટમાં વડા પ્રધાન મોદીએ પ્લૉટ 401એની માલિકીમાં એક ચતુર્થાંશ ભાગ હોવાનો ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની ઍફિડેવિટમાં પણ આ જ પ્લૉટની માલિકીનો ઉલ્લેખ જોવા મળે છે.

જાહેર પ્લૅટફૉર્મ પર પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્લૉટ નંબર 411ની માલિકી નરેન્દ્ર મોદી અને 401ની માલિકી અરુણ જેટલીના નામે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો