આઈએસ નેતા 'બગદાદી'નો નવો વીડિયો સામે આવ્યો

ઇમેજ સ્રોત, AFP
ઇસ્લામિક સ્ટેટ સમૂહે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ અબુ બકર અલ-બગદાદી છે. જો આ વીડિયોની હકીકતની ખાતરી થઈ જાય તો છેલ્લા પાંચ વર્ષમાં બગદાદીનો આ પહેલો વીડિયો હશે.
બગદાદી છેલ્લી વખત જુલાઈ 2014માં દેખાયો હતો. નવા વીડિયોમાં બગદાદીએ સ્વીકાર્યું છે કે ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટનો અંતિમ ગઢ બાગુઝ તેમના હાથમાંથી નીકળી ચૂક્યો છે.
આ વીડિયો ઇસ્લામિક સ્ટેટના મીડિયા નેટવર્ક અલ ફુરકાન પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
વીડિયો એપ્રિલમાં પોસ્ટ કરવામાં આવ્યો છે પણ એ ક્યારે રેકર્ડ થયો છે એ વિશે કોઈ માહિતી મળી નથી.
આ વીડિયોમાં બગદાદીએ બાગુઝ સાથે શ્રીલંકામાં ઈસ્ટર ડેના દિવસે થયેલા હુમલા વિશે પણ વાત કરી છે.
સમાચાર ઍજન્સી રૉયટર્સ અનુસાર, બગદાદીનું કહેવું છે કે ઇરાકી શહેર બાગુઝમાં થયેલા ઇસ્લામિક સ્ટેટના પતનનો બદલો લેવા માટે શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે હુમલા કરવામાં આવ્યા.
જોકે, આ વીડિયોની ખાતરી થઈ શકી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, AFP
બીબીસીના સુરક્ષા મામલાના સંવાદદાતા ફ્રેંક ગાર્ડનરના મતે આ વીડિયોનો હેતુ એ કહેવાનો છે કે હાર્યા બાદ પણ ઇસ્લામિક સ્ટેટ ખતમ થયું નથી. તેમજ જેના પર અઢી કરોડ અમેરિકન ડૉલરનું ઇનામ છે એ અબુ બકર અલ-બગદાદી હજુ પણ જીવિત છે અને આઝાદ છે.
મૂળ ઇરાકના વતની બગદાદીનું અસલ નામ ઇબ્રાહીમ અવ્વાદ ઇબ્રાહીમ અલ-બદરી છે. ગયા વર્ષે ઑગસ્ટમાં તેના અવાજમાં એક ઓડિયો સામે આવ્યો હતો.
બીબીસીના મધ્યપૂર્વના સંવાદદાતા માર્ટિન પેંશેસનું કહેવું છે કે ત્યારે એવું લાગતું હતું કે બગદાદીએ ઇસ્લામિક સ્ટેટને થયેલા નુકસાનથી ધ્યાન હઠાવવાની કોશિશ કરી છે.
પરંતુ 18 મિનિટના તાજેતરના વીડિયોમાં બગદાદીનું કહેવું છે, "બાગુઝની લડાઈ ખતમ થઈ ચૂકી છે. આ લડાઈ પછી ઘણું બધું થવાનું બાકી છે."
થોડાં વર્ષો પહેલાં ઇસ્લામિક સ્ટેટ જ્યારે મજબૂત પર હતું ત્યારે ઇરાક-સીરિયાની સીમાના મોટા ભાગ પર તેમનું નિયંત્રણ હતું.
વર્ષ 2016માં અને તે પછીનાં વર્ષોમાં ઇરાકનું મોસુલ તેમના હાથમાંથી નીકળી ગયું. વર્ષ 2017ના ઑક્ટોબરમાં સીરિયાએ રક્કામાંથી પણ તેમનો ખાતમો બોલાવી દીધો.
કુર્દોની આગેવાનીવાળી સીરિયન ડેમૉક્રેટિક ફોર્સીસનો દાવો છે કે ઇરાકનું બાગુઝ શહેર હજુ પણ તેમના નિયંત્રણમાં છે.

કોણ છે અબુ બકર અલ-બગદાદી?

ઇમેજ સ્રોત, AFP
કહેવાય છે કે બગદાદીનો જન્મ વર્ષ 1971માં ઇરાકના બગદાદ શહેરના ઉત્તરમાં આવેલા સમારામાં થયો હતો.
અમુક જૂના અહેવાલો અનુસાર, વર્ષ 2003માં જ્યારે અમેરિકન સૈન્ય ઇરાકમાં દાખલ થયું ત્યારે બગદાદી શહેરની એક મસ્જિદમાં મૌલવી હતા.
વર્ષ 2014ના અહેવાલો અનુસાર, ઇસ્લામી કટ્ટરવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ અલ-શામ(આઈએસઆઈએસ)એ ઇરાક અને સીરિયામાં પોતાના કબજા હેઠળના વિસ્તારોમાં 'ખિલાફત' એટલે કે ઇસ્લામી રાજ્યની ઘોષણા કરી હતી.
સંગઠને પોતાના આગેવાન અબુ બકર અલ-બગદાદીને 'ખલીફા' અને દુનિયામાં મુસ્લિમોના નેતા જાહેર કર્યા હતા.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












