ઈરાની સૈન્યના રિવૉલ્યુશનરી ગાર્ડને અમેરિકાએ 'આતંકવાદી સંગઠન' જાહેર કર્યું

ઇમેજ સ્રોત, TTA KENARE/AFP/GETTY IMAGES
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ(આઈઆરજીસી)ને 'વિદેશી આતંકવાદી સંગઠન' જાહેર કર્યું છે. અમેરિકાએ કોઈ દેશની સેનાને 'આતંકી સંગઠન' જાહેર કર્યું હોય એવું પહેલી વખત બન્યું છે.
ટ્રમ્પે જ્યારથી ઈરાન સાથે પરમાણુ કરાર તોડ્યો છે, ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
વ્હાઈટ હાઉસનું કહેવું છે કે આઈઆરજીસીનો અર્થ 'ઇંપ્લિમેંટિંગ ઇટ્સ ગ્લોબલ ટેરરિસ્ટ કૅમ્પેન' છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે પોતાના નિવેદનમાં જણાવ્યું, "વિદેશ મંત્રાલયનો આ બહુ મોટો નિર્ણય છે. ઈરાન આતંકવાદને પ્રોત્સાહન આપવાની સાથે આઈઆરજીસીમાં સક્રિય રીતે સામેલ છે."
અમેરિકાએ આઈઆરજીસી અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર આતંકવાદને સમર્થન આપવાનો અને માનવઅધિકારોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો છે.
ટ્રમ્પે કહ્યું કે આ રીતે ઈરાન પર દબાણ વધશે. "જો તમે આઈઆરજીસી સાથે સંબંધ રાખો છો તો તમે આતંકવાદને સમર્થન આપો છો."
માનવામાં આવે છે કે રિવૉલ્યુશનરી ગાર્ડમાં હાલ જમીનદળ, નૌસેના, હવાઈદળ અને ઈરાનના રણનૈતિક હથિયારોની દેખરેખ રાખતા સવા લાખ જવાન છે. તે ઉપરાંત ગાર્ડ સંલગ્ન 90 હજાર પુરુષો અને સ્ત્રીઓ સહિતની વૉલન્ટરી ફોજ છે.
આ સંગઠન ઈરાની તેલ નિગમ અને ઇમામ રઝાની દરગાહ બાદ દેશનું ત્રીજું સૌથી ધનિક સંગઠન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?


કલમ 370 પર મહેબૂબા મુફ્તીની ભાજપને ચેતવણી

ઇમેજ સ્રોત, EPA
એનડીટીવી ઇન્ડિયાની વેબસાઇટના અહેવાલ મુજબ મહેબૂબા મુફ્તીએ કલમ 370 મુદ્દે ચેતવણી આપતાં કહ્યું કે ભાજપ બારૂદના ગંજ પર ઊભેલા કાશ્મીરમાં આગ સાથે ન રમે.
સોમવારે ભાજપે લોકસભા ચૂંટણી માટેનો ઢંઢેરો જાહેર કર્યો, જેને 'સંકલ્પપત્ર' નામ આપવામાં આવ્યું છે. આ અંગે હુમલો કરતાં પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જો વાત કાશ્મીરના વિશેષ દરજ્જાની હોય તો ભાજપે આગ સાથે ન રમવું જોઈએ.
સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે કલમ 370ને નાબૂદ કરવી એ રાજ્યની ભારતમાંથી આઝાદી હશે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું, "જો તમે કાશ્મીરને કલમ 370માંથી મુક્ત કરો છો, તો આપ રાજ્યને દેશમાંથી મુક્ત કરો છો. મેં ઘણી વખત કહ્યું છે કે આ કલમ જ જમ્મુ-કાશ્મીરને દેશ સાથે જોડે છે."
"જો તમે આ સેતુને તોડો તો ભારત રાજ્ય પર પોતાનું નિયંત્રણ પણ ગુમાવશે."
"જમ્મુ-કાશ્મીર વિસ્ફોટકના ઢગ પર છે, એ તો તમે પુલવામામાં જોઈ જ લીધું છે, જો ભાજપ પોતાનાં આવાં નિવેદનો અને ઇરાદા નહીં છોડે તો માત્ર જમ્મુ નહીં આખો દેશ સળગશે, તેની અસર સમગ્ર દક્ષિણ એશિયામાં થશે."
તેમણે કહ્યું, "મારી ભાજપને ચેતવણી છે કે તેઓ આગ સાથે રમવાનું બંધ કરે. જમ્મુ-કાશ્મીર વિસ્ફોટક છે, જો તમે તણખો મૂકશો તો બધું જ રાખ થઈ જશે, કોઈ કાશ્મીર અને કોઈ ભારત નહીં હોય."



મધ્યપ્રદેશમાં 281 કરોડ રૂપિયાનું કૌભાંડ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીની વેબસાઇટના એક અહેવાલ મુજબ મધ્ય પ્રદેશમાં ઇન્કમટૅક્સ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં પાડવામાં આવેલા દરોડામાં એક મોટું અને સંગઠિત કૌભાંડ બહાર આવ્યું છે.
જેમાં 281 કરોડ રૂપિયાના બેહિસાબી નાણાં પકડાયાં છે. તેમાં નેતા, વેપારીઓ અને સરકારી અધિકારીઓ સામેલ છે.
ઇન્કમટૅક્સ વિભાગે સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નાણાંમાંથી મોટો ભાગ એક રાજકીય પક્ષના મુખ્યાલય સુધી ગયો હતો. જેમાં તાજેતરમાં જ 20 કરોડ તઘલક રોડ પર એક મોટા નેતાને હવાલા દ્વારા મોકલવામાં આવ્યાં હતાં, જે પાર્ટીના મુખ્યાલય સુધી પહોંચ્યાં હતાં.
રવિવારની સવારે ઇન્કમટૅક્સની ટીમે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ અને તેમના અંગત સચિવ પ્રવીણ કક્કડના ઘરે તેમજ રાજેન્દ્ર મિગલાનીના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર હવાલા મામલે છાપા માર્યા હતા.
ઇન્કમટૅક્સ વિભાગની તપાસમાં હાથથી લખેલી ડાયરીઓ, કૉમ્પ્યુટર ફાઇલ્સ અને ઍક્સેલ શીટ્સ મળી છે. 14 કરોડ 60 લાખ રોકડા બેહિસાબી રૂપિયા મળ્યા. મોંઘા શરાબની 252 બૉટલ મળી, કેટલાંક હથિયારો અને વાઘની ચામડી પણ મળ્યાં છે.
આ મોટા નેતાના દિલ્હીના સંબંધીના ઘરમાં છાપો મારતાં એક કૅશબુક મળી છે, જેમાં 230 કરોડની બેહિસાબી લેવડદેવડનો ઉલ્લેખ છે. નકલી બિલના આધારે 240 કરોડ રૂપિયાનો વહીવટ થયો છે.
દિલ્હી એનસીઆરના ભદ્ર વિસ્તારમાં મોંઘી સંપત્તિઓ અંગે માહિતી મળી છે. તેમજ ચૂંટણી પંચને આચારસંહિતા ભંગની જાણ કરવામાં આવી છે.

અમેરિકાના ગુપ્તસેવા નિદેશકે રાજીનામું આપ્યું

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકામાં ગુપ્ત સેવાના નિદેશક રેન્ડૉલ્ફ એલેસએ રાજીનામું આપી દીધું છે.
અમેરિકાના ગૃહ મંત્રાલયમાંથી આ બે દિવસમાં બીજું રાજીનામું છે. આ પહેલાં રવિવારે જ કર્સ્ટજેન નીલસને રાજીનામું આપ્યું હતું.
પ્રવાસીઓ પ્રત્યે કડક વલણ ન રાખવાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાથી નારાજ હતા. રેન્ડૉલ્ફ એલેસથી પણ તેઓ આ જ કારણોસર નારાજ હતા.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












