ઓમર અબ્દુલ્લાએ કરેલી અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિની માગ કેટલી યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images/bbc
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરમાં એક ચૂંટણીસભા સંબોધતાં કહ્યું કે જો અલ્લાહની ઇચ્છા હશે તો ફરી એક વખત કાશ્મીરમાં અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ ચૂંટી શકાશે.
એમના આ નિવેદન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશ્ન પૂછ્યો કે શું કૉંગ્રેસ અને વિપક્ષો ઓમર અબ્દુલ્લાના આ નિવેદનથી સહમત છે?
તેલંગણામાં આયોજિત એક સભામાં પીએમ મોદીએ કહ્યું, "કૉંગ્રેસના સહયોગી દળ નેશનલ કૉન્ફરન્સે નિવેદન આપ્યું છે કે કાશ્મીરમાં અલગ વડા પ્રધાન હોવા જોઈએ. શું હિંદુસ્તાનમાં કોઈને પણ આ માગ મંજૂર છે?"
"તેઓ કહે છે કે અમે ઘડિયાળનો કાંટો ઊલટો ફેરવીશું અને 1953 પહેલાંની પરિસ્થિતિ ફરીથી ઊભી કરીશું. હિંદુસ્તાનમાં બે વડા પ્રધાન હશે, એક વડા પ્રધાન ભારતના હશે અને એક કાશ્મીરના."

તમે આ વાંચ્યું કે નહીં?


ભારતમાં કાશ્મીરનો વિલય?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
મોદીએ કહ્યું કે કૉંગ્રેસ સહિત મહાગઠબંધનનાં દરેક સહયોગી દળોને જવાબ આપવો પડશે કે તેમનું સહયોગી દળ આ પ્રકારની વાત કરી કઈ રીતે શકે?
મોદીએ કૉંગ્રેસ અને મમતા બેનરજી ઉપરાંત શરદ પવાર, એચ. ડી. દેવગોડા અને ચંદ્રબાબુ નાયડુ જેવા વિપક્ષના નેતાઓને પણ પૂછ્યું કે શું તેઓ આ માગ સાથે સહમત છે?
ત્યારબાદ ઓમર અબ્દુલ્લાએ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને આ નિવેદન અંગે સ્પષ્ટતા કરવા પ્રયાસ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
અબ્દુલ્લાએ લખ્યું, "શ્રીમાન, જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સ એવું નથી ઇચ્છતી. આ વાત જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના વિલયની શરતોમાં સામેલ છે."
"ભારતનું બંધારણ, જેના શપથ તમે લીધા છે, તેણે આ શરત પૂરી કરવાની સંપૂર્ણ ખાતરી આપી છે. અમે એ જ માગ કરીએ છીએ જેનો હક બંધારણ અમને આપે છે. "

ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ બંદીપુરામાં આયોજિત એક સભામાં કહ્યું, "અમિત શાહે કાલે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 2020 સુધીમાં અમે જમ્મુ-કાશ્મીરમાંથી 35-Aને હઠાવી દેવાનું કામ કરીશું."
"આ પહેલાં દેશના નાણામંત્રી અરુણ જેટલીએ પણ ધમકી આપી હતી કે 35-એ અને 370ને હઠાવવાનું કામ કરાશે."
"અરે, જમ્મુ-કાશ્મીર બાકીનાં રજવાડાં જેવું નથી. અન્ય રજવાડાં વગર કોઈ શરતે ભારતમાં સામેલ થયાં હતાં. આપણે શરતો રાખી હતી. આપણે મફતમાં નથી આવ્યા."
"આપણે આપણી ઓળખ જાળવી રાખવા માટે બંધારણમાં કેટલીક વસ્તુઓ ઉમેરાવી હતી. આપણે કહ્યું કે અમારી પોતાની ઓળખ હશે, અમારું બંધારણ હશે. અમારો પોતાનો ધ્વજ હશે. એ વખતે આપણે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાણ પણ આપણા જ રાખ્યા હતા. જોકે, એમણે બાદમાં એમને હઠાવી દીધા. ઇંશા અલ્લાહ, એમને પણ આપણે પરત લઈ લેશું."
"તમે કહો છો કે જે નિર્ણય તમે 70 વર્ષ પહેલાં લીધો હતો એ ખોટો હતો. તમે આ જ કહી રહ્યા છોને અમને? કારણ કે અમે તમારી સાથે કેટલીક શરતો સાથે સંબંધ જોડ્યો હતો."
"આજે તમે એ જ શરતોને તોડવાની વાત કરી રહ્યા છો. જો તમે એ શરતોને તોડવાની વાત કરી રહ્યા હો તો તમારે આ સંબંધ અંગે પણ વાત કરવી પડશે."



અબ્દુલ્લાએ આ નિવેદન કેમ આપ્યું?

ઇમેજ સ્રોત, PTI
વર્ષ 1932માં સ્થપાયેલી જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સ પાર્ટી જમ્મુ-કાશ્મીરના બદલાતા રાજકારણની સાક્ષી રહી છે.
ભારતની આઝાદી બાદ લાંબા સમય સુધી જમ્મુ-કાશ્મીરની કમાન નેશનલ કૉન્ફરન્સના હાથમાં હતી.
આ જ નેશનલ કૉન્ફરન્સે વર્ષ 1953માં બંધારણમાં સુધારો કરીને જમ્મુ-કાશ્મીરના વડા પ્રધાનપદને બદલીને મુખ્ય મંત્રીના પદમાં ફેરવી દીધું હતું.
એ વખતે રાજ્યના એ વખતના વડા પ્રધાન મહોમ્મદ ગુલામ સાદિકે બંધારણમાં સુધારા બાદ મુખ્ય મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા.
ત્યારે એ પ્રશ્ન થાય છે કે શું ઓમર અબ્દુલ્લા રાજકીય સમાચારોમાં ચમકવા માટે આવું કહી રહ્યા છે? અને આવું કરવાથી તેમને મળશે શું?
જમ્મુ-કાશ્મીરના રાજકારણને સમજનારાં વરિષ્ઠ પત્રકાર અનુરાધા ભસીન માને છે કે ઓમર અબ્દુલ્લા પોતાના આ નિવેદનથી સામાન્ય કાશ્મીરીઓને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "જમ્મુ કાશ્મીરના સામાન્ય લોકો માટે આ નિવેદનનું ભાવનાત્મક મહત્ત્વ છે. આ મુદ્દો સ્થાનિકોની મહત્ત્વાકાંક્ષાઓ સાથે વણાયેલો છે."
"કારણ કે દિલ્હીમાં બેઠેલી સરકાર કાશ્મીરમાં વડા પ્રધાનપદ ખતમ કર્યું એના પહેલાંથી જ રાજ્યનો ખાસ દરજ્જો નબળો પાડવાના પ્રયત્ન કરી રહી હતી. ત્યાર બાદ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનાં પદ પણ ખતમ કરી દેવાયાં."
"તેનાથી લોકોમાં વધુ રોષ જન્મ્યો જે હજુ સુધી શમ્યો નથી. એવામાં આ નિવેદન લોકોને એ સંદેશ આપે છે કે આપણી પાસેથી જે વસ્તુ આંચકી લેવાઈ છે તે હવે પરત મળી રહી છે."

કાશ્મીરને અલગ વડા પ્રધાન મળી શકે?

ઇમેજ સ્રોત, AFP
અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ માત્ર એ જ વસ્તુઓની માગ કરી રહ્યા છે, જે આપવાની બંધારણે તેમને ખાતરી આપી છે.
ત્યારે એ સવાલ ઊભો થાય છે કે શું જમ્મુ-કાશ્મીરને અલગ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ મળી શકે છે? જો એ શક્ય હોય તો તેની પ્રક્રિયા કેવી હોય?
કાયદાકીય બાબતોના જાણકાર અને અનુચ્છેદ 370 વિશે પુસ્તક લખનાર વરિષ્ઠ કાયદાશાસ્ત્રી એ. જી. નૂરાનીનું માનવું છે, "ઓમર અબ્દુલ્લાનું નિવેદન યોગ્ય છે. કાશ્મીર એક પૂર્ણ રજવાડું હતું અને આઝાદી બાદ ભારત સાથે તેનો વિલય થયો હતો."
"વિલયની સમજૂતીના દસ્તાવેજો સાથે લૉર્ડ માઉન્ટબૅટન અને મહારાજા હરિ સિંહ વચ્ચે પત્રવ્યવહાર પણ થયો હતો. તેમાં માઉન્ટબૅટને કહ્યું હતું કે જ્યારે પણ શાંતિ સ્થાપાશે ત્યારે જનમત સંગ્રહ કરીશું."
"પરંતુ પંડિત નહેરુ શાંતિ સ્થાપાયા બાદ આ વાયદાથી ફરી ગયા. ત્યારબાદ પંડિતજી અને શેખ અબ્દુલ્લા વચ્ચે જુલાઈ 1952માં દિલ્હીમાં સમજૂતી થઈ. જેમાં એ નક્કી થયું કે રાષ્ટ્રપતિ જનતાની પસંદ કરેલી વ્યક્તિ હશે. પરંતુ પંડિતજી એ વાતથી પણ ફરી ગયા."
"ત્યારે હવે ઓમર અબ્દુલ્લાહ જે કહી રહ્યા છે તે બિલકુલ યોગ્ય છે. એ માટે ભારતની સંસદમાં બંધારણમાં સંશોધન કરવાની જરૂર નથી. પણ જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં બંધારણમાં સુધારો કરવાની જરૂર છે."
"પરંતુ તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે શું જમ્મુ-કાશ્મીરના રાજનેતાઓમાં એવી ઇચ્છાશક્તિ છે કે તેઓ અંગત હિતોને ત્યજી પ્રજાની મહત્ત્વાકાંક્ષાઓ અને હિતો માટે કામ કરી શકે?"

આપને આ પણ વાંચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













