ઇરોમ શર્મિલા સેનાના વિશેષાધિકાર વિરુદ્ધ પોતાની લડાઈ કાશ્મીર લઈ જશે?

- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
16 વર્ષ સુધી એક કાયદા વિરુદ્ધ ભૂખ હડતાળ પર રહેવાવાળાં, 'મણિપુરના લોખંડી મહિલા'એ શું ઉપવાસ તોડ્યા બાદ પોતાની લડાઈ છોડી દીધી છે?
જીવનના આટલા લાંબાગાળા સુધી એક ઉદ્દેશ હોય અને તે ઉદ્દેશ તમારા જીવનને એક રૂમની ચાર દિવાલ સુધી સીમિત કરી દે, તો ચાર દીવાલમાંથી નીકળ્યા બાદ પણ તે તમારા મગજ સાથે જોડાયેલો નહીં રહી જાય?
તમને હેરાન નહી કરે? સવાર સાંજની કંટાળાજનક દિનચર્યા વચ્ચે પોતાની યાદ નહીં અપાવે?
હું આવા ઘણા સવાલો સાથે સમાચારોમાંથી ગૂમ થઈ ચૂકેલાં ઇરોમને શોધવા નીકળી.
ખબર પડી કે ઇરોમ હવે મણિપુરમાં રહેતાં નથી. ત્યાં તેમણે જે રાજકીય પક્ષ બનાવ્યો હતો તેના કાર્યકર્તાઓ સાથે પણ તેમનો કોઈ સંપર્ક નથી.
ઇરોમે પોતાના બૉયફ્રેન્ડ, બ્રિટીશ નાગરિક ડેસમંડ કૂટિન્હો સાથે લગ્ન કરી લીધાં છે. બન્નેએ બેંગાલુરુમાં ઘર વસાવી લીધું છે.
શહેરના બહારી વિસ્તારમાં નાના નાના રસ્તાઓ પરથી પસાર થતાં એક સાધારણ એપાર્ટમેન્ટમાં તેમનાં ફ્લેટમાં આખરે ઇરોમ સાથે મારી મુલાકાત થઈ.
ઇરોમ ધીરે ધીરે બોલે છે. ક્યારેક ક્યારેક સ્મિત પણ આપે છે. પણ મોટાભાગે તેમની આંખો એક નજરે જોયા જ કરે છે. એવું લાગે છે કે જાણે તેમને અંદરોઅંદર કંઈક પરેશાન કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થોડાં કલાકો સુધી ચાલેલી મારી મુલાકાત દરમિયાન ઘણી વાતો સામે આવી.
ઇરોમે કહ્યું, "મારા અધૂરા સંઘર્ષ અને તેના પર લોકોની પ્રતિક્રિયાના કારણે હવે હું કાશ્મીરના લોકો સાથે રહેવા માગું છું. જોવા માગું છું કે હું ત્યાં શું કરી શકું છું."
હું આશ્ચર્યમાં હતી. ઇરોમને કહ્યું કે ત્યાંના લોકોનો વિશ્વાસ જીતવો ખૂબ અઘરો સાબિત થશે. પણ મુશ્કેલીઓએ ઇરોમને ડરાવ્યાં નહીં.
આ તેમનું આશાવાદી કે સાહસિક હોવું છે કે પછી અપરિપક્વ સમજના સૂચક?

તમે આ વાંચ્યું કે નહીં?

વિરોધ

28 વર્ષની વયે મણિપુરનાં ઇરોમ શર્મિલા સેનાને વિશેષ અધિકાર આપવા વાળા કાયદા, AFSPAના વિરોધમાં ભૂખ હડતાળ પર બેસી ગયાં હતાં.
તેમની માગ હતી કે મણિપુરમાં લાગૂ AFSPA એટલે કે સશસ્ત્ર બળ વિશેષાધિકાર કાયદો હટાવવામાં આવે કેમ કે તેનો ફાયદો ઉઠાવી નિર્દોષ લોકોનો જીવ લેવામાં આવી રહ્યો છે.
તેઓ એકલાં નથી. માનવાધિકાર સંગઠન એક્સ્ટ્રા જ્યુડિશિયલ વિક્ટિમ ફેમિલી ઍસોસિએશને 1979 અને 2012ની વચ્ચે આશરે 1528 મામલે સેના અને પોલીસ દ્વારા નકલી અથડામણની વાત ઉઠાવી હતી જ્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમાં તપાસના આદેશ આપ્યા હતા.
વર્ષ 2000માં શરૂ થયેલા ઇરોમના ઉપવાસને આત્મહત્યાનો પ્રયાસ માનીને તેમને ઇમ્ફાલની એક હૉસ્પિટલમાં ન્યાયિક હિરાસતમાં રાખ્યાં.
કાયદો લાગૂ રહ્યો અને ઇરોમનું જીવન 15*10 ફીટના હૉસ્પિટલમાં નાના એવા રૂમમાં વીતવા લાગ્યું.


એકલતા

ગત સામાન્ય ચૂંટણી પહેલા વર્ષ 2014માં જ્યારે ખૂબ મુશ્કેલીથી અને ઘણી શરતો પર મળેલી પરવાનગી અંતર્ગત હું તેમને હૉસ્પિટલમાં મળી તો ઇરોમે કહ્યું કે તેમને ભગવાન કે નનનો દરજ્જાની જરુર નથી.
એ પણ કહ્યું કે આ લાંબા ગાળામાં તેમને મનુષ્યોની ખામી સૌથી વધારે ખટકી.
કદાચ એ માટે 16 વર્ષ લાંબી કેદ બાદ વર્ષ 2016માં એક દિવસે તેમણે ઉપવાસ તોડવાનો નિર્ણય લીધો.
AFSPAનો કાયદો ત્યારે પણ લાગુ હતો અને સરકારે કોઈ ઢીલ વર્તી ન હતી. પણ ઇરોમ થાકી ગયાં હતાં.
16 વર્ષમાં પહેલી વખત કંઈક ચાખ્યું, મધનાં કેટલાક ટીપાં અને બોલ્યાં, "હું સ્વતંત્ર થવા માગુ છું. કેમ કે લોકો મને એક સામાન્ય મહિલા તરીકે જોઈ શકતાં નથી."
ઉપવાસ પૂર્ણ કરવાની જાહેરાતથી મણિપુરના સામાન્ય લોકો અને ઇરોમનાં સમર્થકો બન્ને નારાજ હતા.
શરુઆતમાં કોઈએ તેમને રહેવા માટે જગ્યા પણ ન આપી. મુક્ત થયાં બાદ તેમણે પહેલી રાત ફરી હૉસ્પિટલમાં જ વિતાવી.


રાજકારણ અને પ્રેમ

પછી સ્વતંત્ર ઇરોમે બે નિર્ણય લીધા. પોતાની પાર્ટી બનાવીને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી લડવી અને ડેસમંડ કુટિન્હો સાથે લગ્ન કરવા.
પહેલાં પગલાંમાં તેમને હાર મળી. કૉંગ્રેસના ઓક્રમ ઇબોબી સિંહના 18,649 મત સામે તેમને માત્ર 90 મત મળ્યાં. ઇરોમે મણિપુર છોડી દીધું.
બીજા નિર્ણયે તેમનાં જીવનની દિશા અને દશા બદલી નાખી. ઇરોમ હવે જુડવા બાળકો સાથે ગર્ભવતી છે.
પોતાનાં બાળકોનો ઉછેર તેઓ કાશ્મીરમાં એક અનાથાશ્રમમાં રહેતા બાળકો સાથે કરવા અંગે વિચારી રહ્યાં છે. એ બાળકોનાં માતાપિતા ગુમ થઈ ગયાં છે અથવા તો સુરક્ષાબળો અને ઉગ્રવાદીઓ વચ્ચે સંઘર્ષમાં મૃત્યુ પામ્યાં છે.
કાશ્મીરમાં પણ દાયકાઓથી AFSPA લાગુ છે. ઇરોમનાં આધારે તેનાં કારણે ત્યાં પણ વ્યાપક માનવાધિકાર ઉલ્લંઘન થઈ રહ્યું છે.
અનાથ બાળકો એ જ સંઘર્ષની નિશાની છે.


કાશ્મીર

ઇરોમ અને ડેસમંડે ગત વર્ષે કાશ્મીરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી.
કુનાન અને પોશપોરા ગામમાં ગયાં, જ્યાં ભારતીય સેનાની એક ટૂકડી પર 1991માં મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે.
ડેસમંડે જણાવ્યું કે ત્યાં ઘણી મહિલાઓ વધારે વાત કરતી નથી.
"તેમને લાગે છે કે બહારનાં લોકો તેમને જોવા માટે તો આવે છે પણ કંઈ કરતાં નથી. તો ઇરોમે તેમનાં મૌનને સાંભળવાનો પ્રયાસ કર્યો, એ સમજવા માટે કે તેઓ ત્યાં શું શું કરી શકે છે."
તેઓ નિયંત્રણ રેખા પાસે દર્દપોરા ગામમાં પણ ગયાં, જ્યાં મોટાભાગની મહિલાઓ વિધવા છે અને જે યુવાનો માટે પાકિસ્તાન જઈને હથિયારોમાં પ્રશિક્ષણ લેવાનો રસ્તો માનવામાં આવતો હતો.
મહિલાઓનું જીવન અહીં ખૂબ દર્દનાક હતું. મૂળભૂત જરુરિયાતો માટે તેમણે ભટકવું પડતું અને સમાજમાં પણ તેમની અવગણના થતી હતી.
ત્યાં એકલી મહિલાને સંવેદનશીલ નજરે જોવામાં આવે છે. તેમની દીકરીઓ સાથે કોઈ લગ્ન કરવા માગતું નથી. તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી.

સમાજની આવી કઠોર નજરની નિષ્ઠુરતા ઇરોમે પણ સહન કરી છે. જ્યારે તેમણે ડેસમંડ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેને તેમનાં ઉદ્દેશથી ભટકવાનું કારણ ગણાવવામાં આવ્યું.
લગ્ન કરી સામાન્ય જીવન જીવવાની ઇચ્છાને અને ઉપવાસ તોડવાના નિર્ણયને સ્વાર્થી અને ખોટો ગણાવવામાં આવ્યો.
ઇરોમ જ્યારે કાશ્મીરનાં પુલવામાની 'ઇસ્લામિક યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટૅકનૉલૉજી' ગયાં તો ત્યાં પણ તીખા સવાલ થયા.
એક વિદ્યાર્થિનીએ પૂછ્યું, તમે તમારી ખરાબ છબીને કેવી રીતે બચાવશો?
આ કિસ્સો સંભળાવતા ઇરોમે સ્મિત આપ્યું. ભીની આંખોમાંથી બહાર આવેલું સ્મિત. કહ્યું આવા એક નહીં, ઘણા સવાલ હતા.
ઇરોમે કહ્યું, "હું વિદ્યાર્થીઓની નારાજગી સમજુ છું. આ વિદ્યાર્થીઓ માટે, મણિપુરના લોકો માટે હું સંઘર્ષનો પ્રતિક હતી પણ ઉપવાસ તોડવા અને પછી ચૂંટણીમાં હાર્યા બાદ તેમને લાગ્યું કે હું નિષ્ફળ થઈ ગઈ."
16 વર્ષ બાદ પણ હું તેમનાં જીવનમાં પરિવર્તન લાવી ન શકી અને હવે તેની આશા પણ ખતમ થઈ ગઈ.


આશા

પણ સફળતા શું હશે? ઇરોમને લાગે છે કે તેમના સિવાય AFSPA હટાવવું કોઈ પાર્ટી કે નેતાની પ્રાથમિકતા નથી.
મેં વારંવાર પૂછ્યું તો પણ તેઓ કોઈ પાર્ટી કે નેતા સાથે કોઈ પ્રકારની આશા વ્યક્ત કરતાં નથી.
મણિપુર વિધાનસભા ચૂંટણીમાં લડવા અને ખરાબ હારનો સામનો કરવાનો તેમનો અનુભવ કદાચ ખૂબ કડવો રહ્યો છે.
ઘણાં લોકોનું માનવું છે કે તેમણે ચૂંટણી લડવાની જરુર જ ન હતી. તેમની તૈયારી પણ ઓછી હતી અને તેમણે પોતાના શુભચિંતકોની વાત ન સાંભળી.

ઇરોમને લાગે છે કે રાજકારણમાં પૈસા, ભ્રષ્ટાચાર અને શક્તિના બળ પર જ કામ થાય છે અને સાચી રીતથી જીતવું શક્ય નથી.
પણ આ સમજ ચૂંટણી લડતાં પહેલાં ન હતી? અને જો હતી તો ચૂંટણી લડવા, રાજકારણમાં આવવાનો નિર્ણય જ કેમ કર્યો?
ઇરોમનાં જણાવ્યા અનુસાર હિરાસતમાંથી બહાર આવ્યાં બાદ તેમણે ગરીબી જોઈ.
તેમને લાગ્યું કે ફળદ્રુપ જમીન અને કૌશલ્ય ધરાવતા લોકો હોવા છતાં મોંઘવારી ખૂબ ઉપર જઈ રહી હતી. મૂળભૂત સુવિધાઓની ખામી હતી. લોકોનું શોષણ થઈ રહ્યું હતું અને તેમનાં રાજકારણમાં આવવાથી આ બધું બદલી શકતું હતું.
તેમણે કહ્યું, "હવે મને લાગે છે કે આ એક વ્યક્તિની જવાબદારી નથી. હું એકલી પરિવર્તન લાવી શકતી નથી. આપણે બધાએ સાથે મળીને ભાર સંભાળવો પડશે."
એકલા હાથે ચૂંટણી લડવાં નીકળી પડેલાં ઇરોમને શું કેદની એકલતાએ વાસ્તવિકતાથી અજાણ બનાવી દીધાં હતાં? કે તેઓ ખૂબ આશાવાન હતાં?

તેનો કોઈ સીધો જવાબ તો નથી પણ હવે ઇરોમને રાજકારણ પર કોઈ ભરોસો નથી. હવે તેઓ લોકો વચ્ચે રહીને કંઈક પરિવર્તન લાવવા માગે છે.
ડેસમંડના પ્રમાણે કાશ્મીરમાં પણ ઇરોમ મુક્તિદાતા બનવા જઈ રહ્યાં નથી. તેઓ કહે છે, "કાશ્મીરને કોઈ મસીહાની જરુર નથી?"
ઇરોમ અને ડેસમંડ ત્યાં શું કરશે તે તો સ્પષ્ટ થયું નથી. તેમનું જીવન કેવી રીતે ચાલશે તે પણ ખબર નથી.
બસ લોકો વચ્ચે રહીને તેમનું જીવન વહેંચવાની તેમની ઇચ્છા વ્યક્ત થઈ હતી.
47 વર્ષનાં ઇરોમની આ ઇચ્છા જેટલી બીજા લોકો માટે છે એટલી જ પોતાની શાંતિ માટે પણ છે.
આ તેમનાં અધૂરા સંઘર્ષને પૂર્ણ કરવાનો રસ્તો હોઈ શકે છે પણ સવાલ તેમનો પીછો છોડશે નહીં.
શું ઇરોમ પોતાના ઉદ્દેશને ન્યાય અપાવી શકશે? મણિપુર બાદ કાશ્મીરનાં લોકો તેમને યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ માનશે? અને વધુ એક વખત જો તેઓ સૌનાં ઇરોમ બની ગયાં તો શું પોતાનાં હિસાહે જીવન જીવવાની ઇચ્છા યોગ્ય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












