રાસાયણિક ખાતર વિના ખેતી કરીને મહિલા ખેડૂતે કેવી રીતે કમાણી કરી?

ઇમેજ સ્રોત, Sanjay Dave
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા સસરાએ એ વખતે મને કહેલું કે, તમે આવું નવું-નવું ક્યાંથી શીખી લાવો છો! રાસાયણિક ખાતર વગર ખેતી ન થઈ શકે. છાણિયાં ખાતર અને અળસીયાં ખાતરથી કોઈ ફાયદો થાય નહીં. જોકે, આજે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધવાથી અને વિવિધ પ્રકારના પાક મળવાથી મારા આખા પરિવારને હવે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાયું છે."
આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે 36 વર્ષનાં મનીષાબહેને કોઈ પણ જાતના રાસાયણિક ખાતર-દવા વગર ડાંગરનો પાક લીધો હતો ત્યારે ઉત્પાદન ઓછું થવાથી થોડીક નિરાશા આવી. એ દિવસોને યાદ કરતા તેઓએ આ વાક્યો કહી રહ્યાં છે.
મનીષા વસાવા પાસે પોતાની બે એકર ખેતીની જમીન છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામનાં આ મહિલા-ખેડૂતે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતીનો રાહ અપનાવીને ખેતીનો ખર્ચ ઘટાડ્યો છે અને પોતાની જમીનની ફળદ્રુપતા વધારી છે.

'હવે અમે અમારા ખોરાકમાં ઝેર ખાતા નથી'

ઇમેજ સ્રોત, સંજય દવે
મનીષાબહેને વર્ષ 2022માં પોતાની બે એકર જમીનમાં છાણિયાં ખાતર અને અળસીયાં ખાતરના સહારે 2000 કિલો ડાંગરનો પાક લઈને 34,000 રૂપિયા જેટલી આવક મેળવી છે. તેમણે માત્ર ડાંગરનો પાક લઈને સંતોષ નથી માન્યો.
જમીનની ફળદ્રુપતા જાળવવા માટે તેમણે વિવિધ પ્રકારના પાક લીધા છે. વર્ષ 2022માં જ તેમની 20 ગુંઠા જમીનમાં તેમણે 50 કિલો ગાંગડા હળદર ઉગાડીને વીસેક હજાર રૂપિયાની આવક ઊભી કરી છે.
ઉપરાંત, પાંચ ગુંઠામાં શક્કરીયાનો પાક લઈને તેનાં ફળ તથા બિયારણ વેચાણની આવકમાંથી 9000 રૂપિયાની કમાણી કરી છે. જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે તેમણે પાંચ ગુંઠામાં પાપડીના પાકની વચ્ચે મેથીનો પાક પણ લીધો છે.
પ્રાકૃતિક ખેતીથી આર્થિક ફાયદા ઉપરાંત થયેલા બીજા ફાયદા વિશે તેઓ કહે છે, "પ્રાકૃતિક ખેતીથી ધીરેધીરે અમારી આવક તો વધી જ, સાથે અમારી જમીન રસાયણોથી કઠણ બની હતી તે પોચી થઈ."
"હવે અમે અમારા ખોરાકમાં ઝેર ખાતા નથી. પ્રાકૃતિક ખેતીવાળી જુવાર, બીજા અનાજ અને શાકભાજી ખાવાથી મારી તબિયત વધારે સારી રહે છે અને હું અનુભવું છું કે હું બીમાર પડતી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ખેતીનો ખર્ચ ઘટાડ્યો અને આવક વધારી

ઇમેજ સ્રોત, સંજય દવે
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મનીષાએ વિવિધ ધાન્યનાં પરંપરાગત બીજ બચાવવાનો પણ નોંધપાત્ર અને સફળ પ્રયાસ કર્યો છે.
તે બદલ તેમને ડેડિયાપાડાના કૃષિ વિકાસ કેન્દ્ર(કેવિકે)માં એક સંસ્થા દ્વારા વર્ષ 2022નો ‘ભૂમિપુત્રી ઍવૉર્ડ’ એનાયત થયો છે.
સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા ‘એકેઆરએસપીઆઈ’ દ્વારા રચિત ‘નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ-સાગબારા’ તથા ‘મહિલા અને જમીનમાલિકી જૂથ’ દ્વારા તેમને ખેતીમાં મદદ-માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.
મનીષા કહે છે કે આ સંગઠનોની બેઠકો અને તાલીમોમાં ભાગ લઈને તેઓ ખેતીનો ખર્ચ ઘટાડી ખેતીની આવક વધારી શક્યાં છે.
‘એકેઆરએસપીઆઈ-સાગબારા’ના ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝર જગદીશભાઈ કહે છે, "મનીષાની પ્રાકૃતિક ખેતી જોઈને સોરાપાડા ગામનાં સુનિતા, રેખા, અંજના તથા પ્રિયંકા વસાવાએ રસાયણોનો ઉપયોગ ઘટાડી, કુદરતી ખાતર-દવા વાપરીને પ્રાકૃતિક ખેતી તરફ કદમ માંડ્યા છે."
સંસ્થાએ ગામની મહિલાઓના સંગઠનને થ્રેશર મશીન આપ્યું છે તે ગામમાં ભાડેથી આપીને બહેનો વધારાની આવક ઊભી કરી રહી છે. તેના સંચાલનમાં પણ મનીષા આગેવાની પૂરી પાડી રહ્યાં છે.
સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર થાય અને મહિલા ખેડૂતો સજીવ ખેતીમાં જોડાય તે માટે ‘નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ-સાગબારા’ દ્વારા કુલ 31 ગામોમાં કૃષિ સખીશ્રી કાર્યક્રમ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.
મનીષા વસાવાએ માટીના ચૂલા, હાથે દળવાની ઘંટી તથા બિયારણનો સંગ્રહ કરવાનાં માટીનાં વાસણો બનાવીને પોતાની સર્જનાત્મકતાનો પરિચય પણ કરાવ્યો છે.

લુપ્ત થઈ રહેલા પાક લઈને પરંપરાગત ધાન્યને પ્રોત્સાહન

ઇમેજ સ્રોત, સંજય દવે
"અમે આજથી પાંચેક વર્ષ પહેલાં નાગલીનો પાક લેતાં હતાં, પણ પછી તેનું બિયારણ ખાલી થઈ ગયું."
"ત્યારથી અમે ડાંગર, મકાઈ, જુવાર જેવા પાકો તરફ વળ્યાં. જોકે, હવે અમને નાગલી ખાવાના ફાયદા સમજાયા છે તેથી અમે દર વર્ષે તેનો પાક લઈશું જ એવું અમે નક્કી કર્યું છે."
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કૂટ ગામનાં લીમડીબહેન ગંભીરભાઈ વસાવાએ કુદરતી ખાતર અને કુદરતી જંતુનાશકોનો ઉપયોગ કરીને નાગલીનો પાક લીધો છે અને નાગલી વિશે તેઓ આ વાત કહી રહ્યાં છે.
તેમણે તેમની કુલ બે એકર ખેતીની જમીનમાંથી 10 ગુંઠામાં 50 કિલો જેટલો નાગલીનો પાક લીધો છે. તેમાંથી પોતાના પરિવારના લોકોને પોષણ મળી રહે તે માટે તેમણે નાગલીનો પાક વેચવાને બદલે ઘરમાં ખાવા માટે રાખ્યો છે.
નાગલી એ ડુંગરાઉ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત અને આખા ભારતમાં વવાતાં તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટરે ઉત્પાદનક્ષમતા સૌથી વધારે છે.
ગુજરાતમાં કુલ 14,161 હેક્ટર જમીનમાં નાગલીનું વાવેતર થાય છે. તેમાંથી 18,905 મેટ્રિક ટન ઉત્પાદન મળે છે.
ગુજરાતમાં નાગલીનું વાવેતર ડાંગ, વલસાડ, નવસારી, તાપી, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થાય છે.
નાગલી પોષક તત્ત્વોથી ભરપૂર ધાન્ય પાક છે. તેના દાણામાં રેસાની માત્રા વધારે, સારી ગુણવતાવાળું પ્રોટીન, ખનીજ તત્ત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે તે ખૂબ લાભદાયી છે.
નાગલીમાં કૅલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં વધારે હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં થાય છે.
હાલનાં સંજોગોમાં લોકોની આરોગ્ય અંગેની સજાગતાને કારણે પોષક તત્વોથી ભરપૂર નાગલીનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે.
પરંતુ, તમે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જાઓ તો તમને ડાંગ જિલ્લા સિવાય નાગલીનો પાક ભાગ્યે જ જોવા મળે.
નર્મદા જિલ્લાનાં ગામોમાં થોડાં વર્ષો પહેલાં નાગલી, વરાઈ (મોરૈયો), બંટી, કોદરી જેવો પાક લેવાતો હતો.
પરંતુ, હવે ડાંગર, કપાસ જેવા પાકના વ્યાપ વચ્ચે નાગલી જેવા પૌષ્ટિક ધાન્યનો પાક બહુ ઓછો જોવા મળે છે.
એવામાં 49 વર્ષની ઉંમરના લીમડીબહેન જણાવે છે કે તેમણે માત્ર નાગલી જ નહીં પણ કપાસ, ડાંગર, મકાઈ, તુવેર, મોરૈયો તેમ જ ભીંડા, રીંગણ, ટામેટાં જેવી શાકભાજીનો તમામ પાક ફક્ત કુદરતી ખાતર અને દવાનો ઉપયોગ કરીને જ પકવ્યો છે.
લીમડીબહેનના મોસ્કૂટ ગામમાં ગામની 12 મહિલાઓનું જૈવિક(ઑર્ગેનિક) દવા-ખાતર બનાવવાનું એક જૂથ પણ કાર્યરત છે.
એકેઆરએસપીઆઈ દ્વારા રચિત આ જૂથ દ્વારા બનાવવામાં આવતી જૈવિક દવાઓનો હવે મોસ્કૂટ ગામના ખેડૂતો ઉપયોગ કરતા થયા છે. એ રીતે તેઓ ધીરેધીરે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
લીમડીબહેને પ્રાકૃતિક ખેતીથી ઉપરોક્ત પાક લઈને ખર્ચ બાદ કરતાં 70,000 રૂપિયાથી વધારે આવક મેળવી છે.
સંસ્થાના કાર્યકર મેહુલ જણાવે છે કે, "લીમડી વસાવા અને અન્ય મહિલાઓ નાગલી, વરાઇ, બંટીના વાવતેરમાં વધારો થાય તે માટે ગામની બીજી મહિલાઓને બિયારણ મફતમાં આપી વાવેતર વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે."
"ગુજરાતનાં ગામોમાંથી લુપ્ત થવા જઈ રહેલી નાગલી જેવા ધાન્યની જાતોના સ્વરૂપે આપણે આપણી ધાન્ય સમૃદ્ધિ ગુમાવી રહ્યા છીએ."
"ત્યારે લીમડી વસાવાની જેમ ફરીવાર આપણા ભોજનમાં નાગલીને સ્થાન આપી તેનું મહત્ત્વ ઉજાગર કરવું રહ્યું."
20 ડિસેમ્બર, 2022ના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી વર્ષ 2023ને ‘મિલેટ વર્ષ’ જાહેર કરીને લોકસભા અને રાજ્યસભાના સંસદસભ્યો સાથે માત્ર આવાં ધાન્યમાંથી બનાવેલા ભોજનનું આયોજન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રએ પણ વર્ષ 2023ને ‘ઇન્ટરનેશનલ યર ઑફ મિલેટ’ તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં વવાતાં ધાન્યના પાકોમાં નાગલી (રાગી) મોખરાનું સ્થાન ધરાવે છે.
ઑક્સફામ સંસ્થાના એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ આર્થિક રીતે સક્રિય હોય એવી 80 ટકા મહિલાઓ ખેતી સાથે સંકળાયેલી છે.
તેમાં 48 ટકા મહિલાઓ સ્વનિર્ભર ખેડૂત છે તથા 33 ટકા ખેતમજૂરીમાં જોડાયેલી મહિલાઓ છે.
સંશોધનો કહે છે કે, "ખેતીનાં 74 ટકા કાર્યોમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંપરાગત બીજની સાચવણી, બીજને બીજામૃતનો પટ આપવો, વાવણી, દેખરેખ, લણણી જેવી તમામ ખેત-પ્રક્રિયાઓમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર હોય છે."
"હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવાની પહેલમાં પણ મહિલા-ખેડૂતો અગ્રેસર જોવા મળી રહી છે. અને મનીષા અને લીમડી વસાવા આવાં જ એક ઉમદા અને પ્રેરણાદાયી ખેડૂત છે. અન્ય મહિલાઓ પણ આમનાંથી પ્રેરણા લઈ રહી છે."














