ગુજરાતમાં ખેડૂતોને આ વર્ષે કપાસના પૂરતા ભાવ કેમ નથી મળી રહ્યા, શું છે કારણ?

ગુજરાતમાં કપાસની ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

"ખર્ચો વધી ગયો છે. ભાવો મળતા નથી. આ ભાવમાં તો નુકસાની ઝાઝી છે. ધિરાણનાં નાણાં પણ ચૂકવવાનાં છે. પૈસાની જરૂર છે એટલે ખેડૂતને મજબૂરીમાં ઓછા ભાવમાં કપાસ કાઢવાની ફરજ પડે છે."

"જ્યાં જરૂર હોય ત્યાં બધે રજૂઆતો કરી, પરંતુ તેઓ કહે છે આંતરરાષ્ટ્રીય બજારમાં માગ ઓછી હોવાને કારણે ભાવો નથી મળતા. પણ ખર્ચો વધે અને પાકના ભાવ ઘટે તો અમારે કરવું શું?"

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના આણંદપર ગામના કપાસ પકવતા ખેડૂત રાજેશ બોરિચા બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સામે કપાસની ખેતી અને વેચાણમાં સર્જાયેલ મુશ્કેલીઓ અંગે પોતાની વ્યથા કંઈક આવી રીતે જણાવે છે.

પાછલાં બે અઠવાડિયાંમાં કપાસના ભાવોમાં મોટું ગાબડું પડ્યું છે. જાણકારોનું કહેવું છે કે 15 દિવસ પહેલાં કપાસ 1,550 રૂપિયાથી 1,600 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાતો હતો તે તૂટીને આજે 1,400થી 1,450 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.

કૃષિબજારના નિષ્ણાતોના મતે બજારમાં કપાસના ભાવમાં હજુ વધુ ઘટાડો થવાની સંભાવના છે. આ સંભાવનાને લઈને જીનર અને સ્પિનર જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યા છે, જેને કારણે કેટલાક ખેડૂતોને ભાવ વધુ ગગડવાનો ડર લાગતાં તેઓ પોતાનો માલ જે મળે એ ભાવમાં કાઢી રહ્યા છે, તો ભવિષ્યમાં ભાવ વધવાની આશાએ કેટલાક ખેડૂતોએ પાકનો સંગ્રહ પણ કરી રાખ્યો છે.

જોકે, સરકારનું કહેવું છે કે ભલે ગત વર્ષની સરખામણીએ ભાવો નથી પણ હાલ જે ભાવો મળે છે તે 'પોષણક્ષમ' છે.

ખેડૂતોને કપાસના ભાવ કયાં કારણોસર નથી મળી રહ્યા એ અંગે બીબીસી ગુજરાતીએ કપાસ પકવતા ખેડૂતો અને રૂ બજારના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

કપાસના ભાવો નથી મળતા

ગયા વર્ષે 2,700 રૂપિયા પ્રતિ મણ ભાવ હતો

ગુજરાત કપાસ ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

ગયા વર્ષે કપાસના ખેડૂતોને 2,700 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો, પરંતુ મે-2023માં ભાવ 1,500 રૂપિયાની નીચે પહોંચી ગયો છે. ખેડૂતોને આ વખત 2,000 રૂપિયા પ્રતિ મણ જેટલો ભાવ મળવાની આશા હતી, પરંતુ હવે બીક છે કે જલદી માલ નહીં વેચાય તો તેને એક હજાર રૂપિયાના ભાવે પણ વેચવો પડશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટ જિલ્લાના તરગડિયા ગામના ખેડૂત ધીરૂભાઈ આ મુશ્કેલી અંગે કહે છે, "બજારમાં ભાવ વધુ હતા ત્યારે અમે કપાસ ન વેચ્યો. હવે બજાર તૂટી ગયું. જેમણે ઊંચા ભાવની અપેક્ષાએ કપાસ રાખી મૂક્યો હતો એ બધાને નુકસાની છે."

રાજકોટના ખેડૂત મિલન મોરાણીયા કપાસની ખેતીમાં પોતાના ખર્ચની વિગતો આપે છે.

તેઓ કહે છે, "ડીઝલનો ભાવ વધારે છે, બિયારણના ભાવ વધુ છે, ખાતરના ભાવો વધારે છે. તો પાકના ભાવો પણ વધારો."

કપાસની ખેતીના જાણકારો પણ કહે છે કે હાલ ખેડૂતોને માલ વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ બાબતને ધ્યાને લઈ ખેડૂતો મજબૂરીમાં તેમનો માલ ઓછા ભાવે વેચી રહ્યા છે.

ભેંસાણ માર્કેટિંગ યાર્ડના ચૅરમૅન સ્વપ્નિલ કુબાવતે બીબીસી ગુજરાતીના ગુજરાતની વાત કાર્યક્રમમાં આ સ્થિતિનાં કારણો અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. કારણકે ખેડૂતો હવે 15 દિવસથી વધુ સમય સુધી માલ પકડીને બેસી શકે તેમ નથી. તેમણે ધિરાણ ભરવાનાં છે, ચોમાસું નજીક છે. નવા વાવેતરની તૈયારી કરવાની છે.”

જોકે, આ મામલે સરકારનું કહેવું કંઈક અલગ જ છે.

ગુજરાત સરકારનું કહેવું છે કે ખેડૂતોને ભલે નફાકારક ભાવો ન મળતા હોય પણ પોષણક્ષમ ભાવો તો મળી જ રહ્યા છે.

ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેની એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું, “ખેડૂતોને હાલ 1,500 રૂપિયાની આસપાસ ભાવો મળી રહ્યા છે તે પોષણક્ષમ છે જ. ભલે ઝાઝા નફાકારક ભાવ ન હોય પરંતુ ભૂતકાળમાં ન મળ્યા હોય તેટલા ભાવો તો તેમને મળી જ રહ્યા છે.”

રૂ બજારના નિષ્ણાત નાગજીભાઈ ભાયાણી કપાસની ખેતીના ખર્ચની વિગતો જણાવી ખેડૂતની વ્યથા તરફ ધ્યાન દોરે છે.

તેઓ કહે છે કે, "કપાસ અને મગફળી ખર્ચાળ પાક છે. 2005માં કપાસ વીણવાનો ખર્ચ પ્રતિ મણ 25-30 રૂપિયા હતો. જ્યારે આજે મજૂરી વધીને 300-400 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. તેથી કપાસમાં ગગડતા ભાવો ખેડૂતોને નડે છે. હવે સૌરાષ્ટ્રનો ખેડૂત સોયાબીન તરફ વળી રહ્યો છે."

જાણકારોના મતે સોયાબીન જેવાં અન્ય તેલીબિયાંની માગ વધી છે અને કપાસિયાની માગ ઘટી હોવાના કારણે પણ કપાસ પકવતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે.

કપાસના ભાવો નથી મળતા

ઇમેજ સ્રોત, Getty Images

‘માગ ઓછી અને પુરવઠો વધારે’

કપાસ ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

કપાસના પાકના ઘટેલા ભાવ અંગે રૂ બજારો સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે આ વખતે માગની સરખામણીએ પુરવઠો વધારે છે તેને કારણે કપાસના ભાવો નથી.

જ્યારે ગત વર્ષે માગ વધુ હતી અને પુરવઠો ઓછો, એ સ્થિતિને કારણે રૂના બજારમાં તેજી હતી.

હાલ બજારમાં કપાસના ઓછા ભાવો અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, "નિકાસની માગ ઓછી છે અને ઉત્પાદન વધુ છે ત્યારે સ્વાભાવિક રીતે આવું થાય. ભાવો વૈશ્વિક માગ અને પુરવઠા પર આધારિત છે."

ખેડૂતોને ગયા વર્ષ જેવા રેકૉર્ડબ્રેક ભાવ મળવાની આશા હતી. સારા ભાવની આશા રાખીને નાના ખેડૂતોએ કપાસ ભેગો કરીને રાખ્યો હતો, પણ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

જાણકારો કહે છે કે વિશ્વનો ચોથા ભાગનો કપાસ ભારતમાં પાકે છે. ગુજરાત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં મોખરે છે.

ભારત સરકારના ટેક્સ્ટાઇલ મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં ચાર કરોડથી વધુ ખેડૂતો કપાસના પાસ સાથે જોડાયેલા છે.

નાગજીભાઈ ભાયાણી ઘટેલા ભાવોનાં કારણો અંગે વાત કરતાં કહે છે, "નિકાસ કરતાં આયાત વધતી જાય છે. સરકારે યોગ્ય આયાત-નિકાસ નીતિ નક્કી કરવી જોઈએ. અહીંના ખેડૂતોને ભાવ નથી મળતો અને બહારથી કપાસ આયાત કરવામાં આવે તેને કારણે ખેડૂતો મૂંઝાયા છે."

સ્વપ્નિલ કુબાવત કહે છે, “ભારતમાં જે કપાસના ભાવો છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવો છે તેના કરતાં ઊંચા છે.”

પાછલાં પાંચ વર્ષની જો વાત કરીએ તો રાજ્યમાં કપાસનું વાવેતર વધ્યું છે અને સાથે કપાસનું ઉત્પાદન પણ.

ટેક્સ્ટાઇલ મંત્રાલયના અહેવાલ પ્રમાણે વર્ષ 2016-17માં 108.26 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું જ્યારે વર્ષ 2021-22માં વધીને 120.55 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું.

તે જ પ્રમાણે કપાસના ઉત્પાદનની વાત કરીએ તો વર્ષ 2016-17માં 345 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું. જે વર્ષ 2021-22માં 326 લાખ ગાંસડી થયું હતું.

જો દેશમાં નિકાસની વાત કરીએ તો વર્ષ 2016-17માં કપાસની નિકાસ 58.21 લાખ ગાંસડી હતી જ્યારે વર્ષ 2021-22માં ઘટીને 40 લાખ ગાંસડી થઈ ગઈ હતી.

દેશમાં કપાસના આયાતની વાત કરાય તો વર્ષ 2016-17માં 30 લાખ ગાંસડીની આયાત થઈ હતી, જે 2021-22માં ઘટીને 20 લાખ ગાંસડી થઈ ગઈ છે. જોકે કપાસની આયાત વર્ષ 2019-20માં 15.50 લાખ ગાંસડી હતી અને વર્ષ 2020-21માં 11.03 લાખ ગાંસડી હતી તેની સરખામણીએ વર્ષ 2021-22માં કપાસની આયાત વધી છે.

કપાસના ભાવો નથી મળતા

ઇમેજ સ્રોત, Getty Images

આંતરરાષ્ટ્રીય બજારોમાં મંદી હોવાનું કારણ

ગુજરાત કપાસ ખેતી

ઇમેજ સ્રોત, Getty Images

રૂ બજારના નિષ્ણાતો કપાસના ભાવો ન મળવાનું કારણ આંતરરાષ્ટ્રીય હોવાનું પણ કહે છે. તેમના જણાવ્યાનુસાર કોરોનાકાળ બાદ આંતરરાષ્ટ્રીય કાપડબજારમાં મંદી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પણ કાપડબજારમાં માગ ઓછી છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચૅરમૅન જયેશ બોઘરા બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાને આ મુદ્દે વાત કરતાં જણાવે છે, "ચીન જેવા દેશોમાં પણ કપાસનો પૂરતો સ્ટૉક છે. ઓપન બજારમાં વૈશ્વિક માગ ઓછી છે. તેને કારણે કપાસના ભાવો દબાયા છે. ગત વખતે માગ વધુ હતી અને પુરવઠો નહોતો."

સ્વપ્નિલ કુબાવત કહે છે, "બાંગ્લાદેશમાં સ્થાનિક પરિબળોને કારણે ભારતથી ત્યાં થતી કપાસની નિકાસમાં ઘટાડો થયો છે. ચીન પણ આપણું મોટું આયાતકાર હતું પણ ત્યાં પણ સ્ટૉક પૂરતો છે."

જાણકારોના મતે ઑસ્ટ્રેલિયા સાથે થયેલા કરારો આધારે પાછલા પાંચ મહિનામાં 51 હજાર ટન રૂની આયાત કરાઈ છે. આ વર્ષે ઑસ્ટ્રેલિયાથી વધુ અઢી લાખ ટન રૂ આવવાની તૈયારી છે. તેના કારણે પણ કપાસના ભાવો તૂટી રહ્યા છે.

નાગજીભાઈ ભાયાણી કહે છે, "દક્ષિણ ભારતના સ્પિનરો અને મિલરોને ઑસ્ટ્રેલિયન રૂ માફક આવે છે. તેને કારણે અહીંના કપાસ પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. કારણકે અહીંના કપાસનું રૂ પ્રોસેસ થતું અટકે છે."

કેટલાક જાણકાર એમ પણ કહે છે કે આપણે કપાસનું હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારવાની જરૂર છે સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની પણ જરૂર છે.

સ્વપ્નિલ કુબાવત કહે છે, "બ્રાઝિલ, અમેરિકા, ઑસ્ટ્રેલિયામાં આધુનિક ટેકનૉલૉજીનાં બિયારણો ઉપયોગમાં લેવાય છે. આપણે વર્ષ 2003માં જે ટેકનૉલૉજીનાં બિયારણોનો ઉપયોગ કરતા અત્યારે પણ તેનો ઉપયોગ કરીએ છીએ."

આ સિવાય કપાસની ખેતી સાથે અન્ય સમસ્યાઓ અંગે ધ્યાન દોરતાં તેઓ કહે છે કે, “નકલી બિયારણની સમસ્યા પણ વિકટ છે. સરકાર આયાત શુલ્ક લાગુ કરીને બહારનો કપાસ મોંઘો બનાવે તો સ્થાનિક ખેડૂતોને ફાયદો થાય એમ છે. સરકારે પડતર કિંમત ધ્યાને લઈને કપાસના એમએસપી નક્કી કરવી જોઈએ.”

કપાસના ભાવો નથી મળતા

ઇમેજ સ્રોત, Getty Images

ગુલાબી ઇયળની સમસ્યા

કપાસના ભાવો નથી મળતા

ઇમેજ સ્રોત, Getty Images

ઘણી વાર કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોનો પાક ધોવાઈ જાય છે તો સાથે ગુલાબી ઇયળની સમસ્યાને કારણે પણ પાક બગડી જાય છે. ક્યારેક નકલી બિયારણને કારણે પણ ખેડૂતોને નુકસાન જાય છે.

જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભગાભાઈ બીબીસીના સહયોગી હનિફ ખોખરને જણાવે છે, "મારું ખરીદેલું બિયારણ નકલી નીકળ્યું. મને કહેવાયું હતું કે આ બિયારણથી 40 મણ કપાસ થશે પણ ઊભો કપાસ સુકાઈ ગયો."

નાગજીભાઈ ભાયાણી કહે છે, "2002માં બીટી કૉટન બિયારણ આવ્યું, તેમાં એવું જિન્સ વિકસાવવવામાં આવ્યું, જેનાથી ત્રણ પ્રકારની ઇયળોનો ત્રાસ બંધ થયો. તેમાં ઝેરી પ્રોટીન વિકસાવવામાં આવ્યું હતું. પણ એ બાદ ગુલાબી ઇયળનો ત્રાસ શરૂ થયો છે. તેને કારણે પણ ઉત્પાદનમાં ઘટાડો થતો હોઈ ખેડૂતોને નુકસાન થાય છે."

તેઓ આ પડકારોના ઉપાયો અંગે વાત કરતાં આગળ કહે છે કે, "ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. તેમણે નોન-બીટી કૉટન બિયારણ ખેતરના સીમાડે વાવવાની જરૂર છે, જેથી જો ગુલાબી ઇયળનું આક્રમણ થાય તો તે સીમા પર જ ઝિલાઈ જાય અને અંદરના પાકને નુકસાન ન જાય."

કપાસના ભાવો નથી મળતા
કપાસના ભાવો નથી મળતા