ખાંડના ભાવમાં વિશ્વબજારમાં ધરખમ વધારો કેમ થઈ રહ્યો છે? તેનો ભારત સાથે સંબંધ શું છે?

ખાંડના ભાવો કેમ વધે છે?
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

વિશ્વમાં ખાંડ બજારમાં ભયંકર તેજી જોવા મળી રહી છે.

ભારતમાં પણ છૂટક બજારમાં ખાંડના ભાવમાં બે-ત્રણ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

જાણકારો કહે છે કે આવનારા દિવસોમાં વિશ્વબજારમાં ખાંડના ભાવો હજુ ઉપર જઈ શકે છે.

ભારતમાં પણ ખાંડના ભાવો વધ્યા છે. જોકે ભારતમાં હજુ ખાંડ સરકારના નિયંત્રણમાં હોવાને કારણે દુનિયામાં સૌથી સસ્તી ખાંડ ભારતમાં મળી રહી છે.

છેલ્લા 45 દિવસમાં પ્રતિ કિલો ખાંડના ભાવો બે રૂપિયા સુધી વધ્યા છે. જાણકારો આવનારા દિવસોમાં ભારતમાં પણ ખાંડના ભાવો વધવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

દુનિયામાં ખાંડના ભાવ વધવાનું કારણે શું છે તે જાણીએ

ખાંડના ભાવો કેમ વધે છે?

ભારતમાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું

ખાંડના ભાવો કેમ વધે છે?

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે અને તેને કારણે તેના ભાવમાં ઉછાળો આવી શકે તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશનના જણાવ્યા પ્રમાણે ખાંડ વિવરણ વર્ષ 2022-23માં 15 એપ્રિલ સુધી ખાંડનું ઉત્પાદન 6 ટકા ઘટીને 311 લાખ ટન થયું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગત વિવરણ વર્ષમાં આજ સમયગાળા દરમિયાન ખાંડનું ઉત્પાદન 328.7 લાખ ટન થયું હતું.

આ વર્ષે કુલ 15 લાખ ટન ખાંડનું ઉત્પાદન ઓછું થયું છે. ખાંડ વિવરણ વર્ષ ઑક્ટોબરથી સપ્ટેમ્બર સુધીનું ગણવામાં આવે છે.

ભારતીય ખાંડ મિલ સંઘ ઇસ્માના કહેવા પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં ખાંડનું ઉત્પાદન 334 લાખ ટન રહેશે. જ્યારે કે ગત વર્ષે ખાંડનું ઉત્પાદન 358 લાખ ટન રહ્યું હતું.

ઇસ્માના જણાવ્યા પ્રમાણે ચાલુ સિઝનમાં 532 મિલોમાં પિલાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં હાલ 400 મિલોમાં પિલાણ બંધ થઈ ગયું છે.

માત્ર 132 મિલોમાં પિલાણ ચાલી રહ્યું છે. 15 એપ્રિલ, 2022માં એટલે કે ગત વર્ષે આજ સમયગાળામાં 305 મિલોમાં પિલાણ ચાલી રહ્યું હતું.

ઉગાર સુગરના ઍક્ઝિક્યૂટિવ ઑફિસર જતીન કોઠારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "ભારતમાં આ સિઝનમાં ખાંડનું 36 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન સંભવ છે. 6 મિલિયન મેટ્રિક ટન ખાંડનો સ્ટૉક કેરી ફોરવૉર્ડ છે."

"જેમાંથી સ્થાનિક વપરાશ 27.5 મિલિયન મેટ્રિક ટન થશે. ઉપરાંત 6.15 મિલિયન મેટ્રિક ટન નિકાસ થશે."

"જેથી ભારત પાસે 5.5 મિનિયન મેટ્રિક ટન સ્ટોક પડતર રહેશે જે આવતા વર્ષે કેરી ફોરવર્ડ થશે."

જતીન કોઠારી વધુમાં ઉમેરે છે કે વિશ્વમાં હાલ જે ખાંડના ભાવોમાં રેલી ચાલી રહી છે તે પ્રોડક્શન ડ્રિવન રેલી છે.

કોમૉડિટી ઍક્સપર્ટ બિરેન વકીલ બીબીસી સાથે વાતચીતમાં કહે છે કે, "ભારતમાં છેલ્લાં 10 વર્ષના બજારોના ભાવોનો અભ્યાસ કરો તો ખબર પડશે કે અન્ય કોમૉડિટીના ભાવોમાં કેટલો ઉછાળો આવ્યો અને ખાંડના ભાવોમાં કેટલો ઉછાળો આવ્યો."

"સરકારના નિયંત્રણમાં હોવાને કારણે ભારતમાં ખાંડ વિશ્વમાં સૌથી સસ્તી મળે છે."

"નવી મુંબઈના વાશી બજારમાં એક મહીનામાં ખાંડના ભાવ 3300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 3520 રૂપિયા થયા છે."

"એટલે પ્રતિ ક્વિન્ટલ નજીવો 220 રૂપિયાનો વધારો થયો છે."

ગુજરાત સ્ટેટ ફેડરેશન ઑફ કો-ઑપ. સુગર ફેક્ટરીઝના ચૅરમૅન ઇશ્વરભાઈ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે કે, "ચાલુ વર્ષે એકરે 9 ટન ઉત્પાદન ઓછું થયું છે."

"ભારતમાં તેને કારણે કિલો દીઠ બે રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો છે. જેને કારણે બહુ ફરક નથી પડતો."

ખાંડના ભાવો કેમ વધે છે?

ઇથેનોલના ઉત્પાદન વધવાની અસર પણ ખાંડના ઉત્પાદન પર પડી

ખાંડના ભાવો કેમ વધે છે?
ઇમેજ કૅપ્શન, શેરડી પકવતા ખેડૂતો

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ક્રૂડ ઑયલ પરના આયાત બિલમાં ઘટાડો કરવા માટે અને પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રણ કરવાની યોજના બનાવી છે.

સરકારે વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાની યોજના બનાવી છે.

જાણકારો કહે છે કે 45 લાખ ટન ખાંડ બનાવાય તેટલા શેરડીના રસનો વપરાશ ઇથેનોલ બનાવવામાં કરાય છે. જેને કારણે પણ ભારતમાં ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે.

ગુજરાત સ્ટેટ ફેડરેશન ઑફ કો-ઑપ. સુગર ફેક્ટરીઝના વાઇસ ચૅરમૅન અને નેશલન ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડના વાઇસ ચૅરમૅન તથા ચલથાણ સુગર મિલના પ્રમુખ કેતન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "ભારતમાં ખાંડનો સ્ટૉક પૂરતો છે તેને કારણે ખાંડના ભાવો વધારે વધે તેવી સંભાવના નથી."

"પણ કેટલીક સુગર મિલ્સ ઇથેનોલના પ્રોડક્શન પર ધ્યાન આપે છે તેને કારણે દેશમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઓછું થયું છે."

જોકે ગુજરાતમાં માત્ર નર્મદા સુગર મિલ જ સીધા શેરડીના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરે છે જ્યારે કે અન્ય સુગર મિલો ખાંડની બાયપ્રોડક્ટ મોલાસીસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરે છે.

એટલે આની અસર ગુજરાતના ખાંડના કુલ ઉત્પાદન પર પડી ન હોવાનો જાણકારોનો મત છે.

ખાંડના ભાવો કેમ વધે છે?

ખાંડનું ઉત્પાદન ઘટવા પાછળ જળવાયુ પરિવર્તન પણ જવાબદાર

ખાંડના ભાવો કેમ વધે છે?

ઇમેજ સ્રોત, MANSI THAPLIYAL

કેટલાક જાણકાર ખાંડમાં ઘટેલા ઉત્પાદન માટે જળવાયુ પરિવર્તનને પણ જવાબદાર માને છે.

ગુજરાત સ્ટેટ ફેડરેશન ઑફ કો-ઑપ. સુગર ફેક્ટરીઝના ચૅરમૅન ઇશ્વરભાઈ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે કે, "જળવાયુ પરિવર્તનને કારણે મારે એક વિધા જમીનમાં ગત સિઝનમાં 35 ટન શેરડી પાકી હતી જ્યારે આ સિઝનમાં માત્ર 15 ટન જ પાકી."

જતીન કોઠારી જણાવે છે કે, "મહારાષ્ટ્ર અને કર્ણાટક કે જે ભારતના સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતાં રાજ્યો છે ત્યાં ખાંડનું ઉત્પાદન ઘણું ઓછું થયું છે."

"કારણકે પહેલા વરસાદ યોગ્ય પ્રમાણમાં ન પડ્યો અને પછી પૂર આવ્યા. વળી આવનારા ચોમાસામાં અલનીનોની ઇફેક્ટને પણ જાણકારો અવગણી શકતા નથી."

"તેને કારણે આવનારી સિઝનમાં શેરડીનું ઉત્પાદન ઓછું થાય તેવી સંભાવના છે અને પરિણામે ખાંડનું પણ."

ખાંડના ભાવો કેમ વધે છે?

વિશ્વના અન્ય દેશોમાં પણ ખાંડનું ઉત્પાદન ઓછું

ખાંડના ભાવો કેમ વધે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ડબલ્યુટીઓના આંકડા કહે છે કે વિશ્વમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન ભારત કરે છે.

ત્યારબાદ બ્રાઝિલનો નંબર આવે છે. જોકે ખાંડની નિકાસ કરવામાં બ્રાઝિલનો નંબર પહેલો છે.

આ ઉપરાંત થાઇલૅન્ડ, યુરોપિયન દેશો અને ચીન, પાકિસ્તાન જેવા દેશો પણ ખાંડનું ઉત્પાદન કરે છે.

પણ બ્રાઝિલને બાદ કરતા તમામ દેશોમાં આ વખતે ખાંડનું ઉત્પાદન ઓછું છે.

કોમૉડિટી ઍક્સપર્ટ બિરેન વકીલ કહે છે, "થાઇલૅન્ડ સહિતના યુરોપિયન દેશો પાસે સ્ટૉક જ નથી."

"ભારતમાં ખાંડનો પુરતો સ્ટૉક છે પરંતુ તેણે મર્યાદિત ક્વોટા સિવાય નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. તેથી વિશ્વબજારમાં ખાંડના ભાવો વધ્યા છે."

જાણકારો કહે છે કે આ બધા દેશોમાં પણ આ સિઝનમાં ખાંડનું 7-8 ટકા ઉત્પાદન ઓછું થયું છે.

આફ્રિકન દેશો, ફિજી અને કૅરેબિયન દેશોમાં પણ ખાંડનો સ્ટૉકનો રેશિયો નીચલા સ્તર પર છે.

બ્રાઝિલની વાત કરતા જતીન કોઠારી કહે છે કે, "બ્રાઝિલમાં હાલ સિઝન શરૂ થશે. બ્રાઝિલમાં છેલ્લી સિઝનમાં સોયાબિનનું બમ્પર ઉત્પાદન થયું હતું."

"બ્રાઝિલમાં સોયાબીન અને કૉર્નના સારા ભાવો મળી રહ્યા છે તેને કારણે હવે ખબર પડશે કે કેટલા ખેડૂતોએ આ સિઝનમાં શેરડી ઉગાડી છે."

"પરંતુ છતાં ગત વર્ષ કરતા બ્રાઝિલમાં આ વર્ષે 6-7 ટકા વધુ ઉત્પાદન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે."

જતીન કોઠારી વધુમાં ઉમેરે છે કે, "બ્રાઝિલ અને ભારત એ બે દેશો વિશ્વના દેશોમાં ખાંડની સૌથી વધુ નિકાસ કરે છે."

"ભારતે ઍક્સપોર્ટના ક્વૉટા જેટલી 6.15 મિલિયન મેટ્રિક ટન ખાંડ નિકાસ પૈકીની મોટાભાગની ખાંડ નિકાસ કરી દીધી છે."

"એટલે વિશ્વમાં ખાંડની માગ હોવા છતાં સપ્લાય ઓછો છે."

ખાંડના ભાવો કેમ વધે છે?

અમેરિકામાં ખાંડ ભારત કરતા ઘણી મોંઘી

ખાંડના ભાવો કેમ વધે છે?

ઇમેજ સ્રોત, AVERAGE PA

ભારતમાં હાલ મુંબઈના વાશી બજારમાં M-30 અને S-30 પ્રકારની ખાંડના ભાવો પ્રતિ કિલો જે એક મહીના પહેલાં 32-33 રૂપિયા હતા તે હવે વધીને 35.50થી 36 રૂપિયા થયા છે.

જ્યારે કે અમેરિકામાં આ ભાવ ભયંકર રીતે ઉછળ્યા છે.

જાણકારો કહે છે કે ભારતમાં ખાંડના ભાવો એટલા માટે નિયંત્રણમાં છે કારણકે તેના ભાવો સરકાર કંટ્રોલ કરે છે જ્યારે યુએસમાં ફ્રિ માર્કેટ છે.

કોમૉડિટી ઍક્સપર્ટ બિરેન વકીલ જણાવે છે કે, "અમેરિકામાં હોલસેલ બજારમાં હાલ એક પાઉન્ડ ખાંડ એટલે કે 453 ગ્રામ ખાંડના ભાવ 24.80 સેન્ટ ચાલી રહ્યા છે."

"જે 6 મહીના પહેલાં ઑગસ્ટ, 2022ના રોજ 17 સેન્ટ હતા."

"અને 31 માર્ચ, 2020ના રોજ 11 સેન્ટ હતા. આમ છેલ્લા 6 મહીનામાં અમેરિકામાં ખાંડના ભાવોમાં 7.8 સેન્ટનો એટલે કે લગભગ 35 ટકાનો ઉછાળો આવ્યો છે."

ખાંડના ભાવો કેમ વધે છે?

“શેરડી પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા”

ખાંડના ભાવો કેમ વધે છે?

ઇમેજ સ્રોત, NURPHOTO

જાણકારો એ પણ મત વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં ભારતમાં ખેડૂતો શેરડી પકવવાનું બંધ કરીને અન્ય પાક તરફ વળી શકે છે કારણકે તેમને જે પ્રકારે ખર્ચો થાય છે તે પ્રમાણે ભાવો નથી મળતા.

જાણકારો તેના માટે સરકારની કંટ્રોલની નીતિ જવાબદાર ગણે છે.

બિરેન વકીલ કહે છે કે, “સરકાર ખાંડ અને ઘઉં જેવા પાકો માટે સંવેદનશીલ છે. સરકાર એક તરફ ઇચ્છે છે કે ખેડૂતોને વધુ ભાવો મળે અને બીજી તરફ ઇચ્છે છે કે લોકોને સસ્તી ખાંડ મળે."

"એટલે આ ઉદ્યોગ પ્રોફિટેબલ કેવી રીતે બનાવી શકાય? હકીકતમાં ભારતમાં લોકોને ખાંડ ટૅક્સ પેયર્સના ભોગે સસ્તી મળી રહી છે."

કેતન પટેલ કહે છે કે, "અન્ય કોમૉડિટીના ભાવો વધ્યા છે જ્યારે શેરડીના ભાવોમાં ઝાઝો ફરક નથી."

"મજૂરી વધી ગઈ છે. ખેડૂતોનો ખર્ચો પણ વધ્યો છે."

"હાલ શેરડીના પ્રતિ ક્વિન્ટલ 3100 રૂપિયા MSP છે જે વધારીને 3600 રૂપિયા આપવાની માગ અમે કરી છે. જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે."

ખાંડના ભાવો કેમ વધે છે?
ખાંડના ભાવો કેમ વધે છે?