તુવેર દાળના વધેલા ભાવ હજુ વધશે? દાળ મોંઘી થવાનાં કારણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતી થાળીમાં ખાટી-મીઠી દાળ, વઘારેલી ખીચડી અથવા દાળ ઢોકળીમાં મહત્ત્વનો ભાગ એવી તુવેર દાળના ભાવ આસમાને પહોંચેલા છે.
કારણ છે, માગ વધારે અને સપ્લાય ઓછી.
તુવેરની દાળ છૂટ બજારમાં 140થી 170 રૂપિયા કિલો દીઠ વેચાઈ રહી છે. હોલસેલ બજારમાં પણ તુવેર દાળના ભાવામં ગત વર્ષ કરતા વધારો થયો છે.
તુવેર દાળ ગુજરાતી થાળીમાં સામાન્ય રીતે વધુ વપરાતી સામગ્રી છે તેવામાં તેના ભાવમાં વધારો સીધો લોકો પર અસર કરે છે.
આ વર્ષે દેશમાં તુવેર દાળનું ઉત્પાદન 20થી 30 ટકા ઓછું થાય તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જુલાઈ 2022થી જુન 2023ની સીઝનમાં તુવેર દાળનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું છે.
ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 42 લાખ ટન હતું જ્યારે આ વર્ષની સીઝનમાં 37 લાખ ટન થવાની વાત સરકારી સૂત્રો કરે છે.
જોકે દાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા જાણકારો કહે છે કે તુવેર દાળનું ઉત્પાદન 28 લાખ ટનની આસપાસ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ભારતમાં તુવેર દાળનું ઓછું ઉત્પાદન છે અને તેને કારણે કોઈ અછત ન સર્જાય તે માટેના પ્રયાસો કેન્દ્રિય ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કરી દીધા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તુષાર ધોળકિયા બીબીસી ગુજરાતીને જણાવ્યું કે સરકાર હવે દાળના ઘરેલુ ભંડાર પર નજર રાખી રહી છે જેથી સંગ્રહખોરી ન થઈ શકે.
સામાન્ય રીતે દાળ એ ગુજરાતી ભોજનમાં પ્રોટીનનો મોટો સ્રોત માનવામાં આવે છે.
તુવેર દાળના ભાવો વધવા અને તેનું ઉત્પાદન ઘટવાના કારણો શું છે કારણો? અને તેની આપણી ભોજનની થાળી પર કેવી પડશે અસર?


તુવેર દાળના ભાવ કેટલા વધ્યા?

- છૂટક બજારમાં તુવેર દાળ 150 રૂપિયાની આસપાસ મળે છે.
- ઑક્ટોબર 2022માં છૂટક બજારમાં તુવેર દાળનો ભાવ 125ની આસપાસ હતો.
- દાળના ભાવમાં 15થી 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારો થયો છે.

તુવેરનું ઉત્પાદન ઓછું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણકારો કહે છે કે આ વર્ષની સીઝનમાં ખેડૂતોએ તુવેર દાળનું વાવેતર ઘણું ઓછું કર્યું છે તેને કારણે પણ ઉત્પાદન ઓછું થયું છે. ઉપરાંત કમોસમી વરસાદને કારણે પણ તુવેર દાળના પાક પર અસર થઈ છે.
મહારાષ્ટ્રના અકોલા સ્થિત પલ્સિસ મૅન્યુફેક્ટરિંગ કંપની રાધા ગ્રૂપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના માલિક નરેશ બિયાનીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, "ગત વર્ષે ખેડૂતોને કપાસ અને સોયાબીનના ભાવો વધારે મળ્યા હતા અની દાળના યોગ્ય ભાવો નહોતા મળ્યા તેથી આ વર્ષે ખેડૂતોએ કપાસ અને સોયાબીનનું વાવેતર વધારે કર્યું છે."
"ગુજરાતમાં તુવેર દાળનું ઉત્પાદન સારું છે પરંતુ કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીમાં ઓછું ઉત્પાદન થયું છે."
જાણકારોને કહેવા પ્રમાણે કર્ણાટકના ગુલબર્ગામાં તુવેર દાળના પાકમાં ફૂગનો રોગ લાગવાને કારણે પાક નિષ્ફળ રહ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદે દાળનો પાક ધોઈ નાખ્યો.
મુંબઈ ખાતેના ફૂડ ગ્રેઇનના ટ્રેડર અને એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, "કમોસમી વરસાદ અને માવઠાંને કારણે ઘઉં, તુવેર, ચણા અને મગ તથા અન્ય કેટલીક દાળમાં ઉત્પાદન ઓછું થયું છે."
રાજકોટમાં તુવેર દાળના વેપારી નિરજભાઈ કહે છે, "રાજકોટના હોલસેલ માર્કેટમાં કિલોએ 15 રૂપિયા સુધીનો વધારો થયો છે. રાજકોટના હોલસેલ બજારમાં તુવેર દાળના ભાવ પ્રતિ કિલો 120થી 136 રૂપિયા ચાલી રહ્યો છે."
"જે છૂટક બજારમાં 140થી 160 રૂપિયા છે. જોકે છેલ્લા 20 દિવસથી ભાવ સ્થિર છે."

તુવેર દાળના ભાવમાં 15 રૂપિયા સુધીનો વધારો

ઇમેજ સ્રોત, Getty Images
નરેશ બિયાનીના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે અકોલા બજારમાં તુવેર દાળનો હૉલસેલ માર્કેટનો ભાવ 90થી 107 રૂપિયા હતો જે આ વર્ષે વધીને 117 રૂપિયાની આસપાસ છે.
છૂટક બજારમાં તુવેર દાળ 150 રૂપિયાની આસપાસ મળે છે. ઑક્ટોબર 2022માં છૂટક બજારમાં તુવેર દાળનો ભાવ 125ની આસપાસ હતો.
રેંટિયો તુવેર દાળના સંચાલક નીતિનભાઈ વાણી કહે છે, "જાન્યુઆરી પછી બજાર ઉંચકાયું છે. ડિસેમ્બરમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે માલની અછત છે."
"જે માલ આવે છે તે 10 ટકા ખરાબ હોય છે."
મુંબઈ ખાતે ઇન્ડિયા પલ્સિસ ઍન્ડ ગ્રેઇન એસોસિયેશન IPGAના ચૅરમૅન બિમલ કોઠારી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "તુવેર દાળના ભાવ વધ્યા છે પણ ચિંતાની વાત નથી કારણ કે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે એવું નથી."
"કારણ કે જો તુવેર દાળના ભાવો વધશે તો લોકો ચણાની દાળ ખરીદશે કે અન્ય દાળનો ઉપયોગ કરશે. કેટલીક દાળ તેના MSP કરતા નીચા ભાવે મળી રહી છે."
નરેશ બિયાની કહે છે, “સરકાર પાસે 8 લાખ ટન તુવેર દાળ સ્ટૉકમાં છે. દેશની તુવેર દાળની જરૂરત અંદાજીત 36 લાખ ટન છે."
"એટલે જો આ સીઝનમાં 28 લાખ ટનની આસપાસ ઉત્પાદન થાય તો પાંચથી સાત લાખ ટન તુવેર દાળની આયાત કરવાની જરૂર પડશે એટલે બહુ વાંધો નહીં આવે."

આફ્રિકાના દેશો અને મ્યાંમારથી કરાશે દાળ આયાત

ભારતમાં દાળના કુલ ઉત્પાદનમાં તુવેર દાળનો હિસ્સો 13 ટકાની આસપાસ છે.
કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે એપ્રિલ, 2022થી લઈને જાન્યુઆરી, 2023 સુધીમાં ભારતે 7.31 લાખ ટન દાળની આયાત કરી છે.
દેશમાં આયાત થતી દાળોમાં 45 ટકા હિસ્સો તુવેર દાળનો છે. દેશમાં તુવેર દાળની આયાત આફ્રિકાના દેશો જેવા કે સુદાન, તાંઝાનિયા, મોઝામ્બિક, માલાવી ઉપરાંત મ્યાંમારથી થાય છે. જોકે સુદાનમાં હાલ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે જેને કારણે સરકારના કેટલાક ઑર્ડરો અટવાયા છે. પણ છતાં જાણકારો કહે છે કે દાળની માગને સરકાર પહોંચી વળશે.
જોકે કેટલાક જાણકારોના કહેવા પ્રમાણે તુવેર દાળની માગને પહોંચી વળવા માટે તેની આયાત કરવી સરળ નહીં હોય. વળી આયાત કરેલી દાળને ભારતના બજારોમાં પહોંચવામાં બે મહીનાથી વધુ સમય લાગશે.
દેવેન્દ્ર વોરા જણાવે છે, "સરકારે બે વર્ષ પહેલા દાળનું માર્કેટ ઓપન કર્યું, પણ તે પહેલાં સરકારે જે દાળના વેપાર પર નિયંત્રણો લાદ્યા હતા તેને કારણે તુવેર દાળને આયાત કરવી વેપારીઓ માટે મુશ્કેલ બની રહ્યું હતું."
" વળી સરકારે દેશમાં તુવેર દાળનું ઉત્પાદન વધતા અન્ય દેશોમાંથી દાળ આયાત કરવાનું ઓછું કર્યું."
"જેથી જે દેશોમાંથી તુવેર દાળ આયાત થતી હતી ત્યાં ઉત્પાદન ઓછું થવા લાગ્યું.”
બિમલ કોઠારી કહે છે, "ઇસ્ટ આફ્રિકાના દેશો અને મ્યાંમારમાં નવા પાકનો સપ્લાય થોડા દિવસોમાં આવી જશે એટલે ભારતમાં અછત નહીં સર્જાય."
જોકે, રેટિંયો તુવેર દાળના સંચાલક નીતિનભાઈ વાણી તેનાથી વિરુદ્ધ અભિપ્રાય આપતા કહે છે, "કેન્દ્ર સરકાર કહે છે કે તે તુવેર દાળ આયાત કરશે પણ માલ હજુ આવ્યો નથી."
"આ માલ આવ્યા બાદ ભાવમાં થોડો ફરક પડશે પણ ભાવ વધારે નહીં ઘટે."

અલ નીનોની કેટલી અસર?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો કહે છે કે આવતા વર્ષે તુવેર દાળના પાક પર અલ નીનોની અસર પણ જોવા મળી શકે છે.
વરસાદમાં વધઘટને કારણે આવતા વર્ષે પણ તેનું ઓછું ઉત્પાદનની સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે તુવેરના પાકને પાણીની ઓછી જરૂરત હોય છે એટલે સામાન્ય કરતા ઓછો વરસાદ પણ પડ્યો તો તેના પાકને વાંધો નહીં આવે.
વિમલ કોઠારીના જણાવ્યા અનુસાર, "અલ નીનોની અસર થશે કે નહીં તે હાલ નહીં કહી શકાય કારણકે વાવેતર ક્યાં થયું છે અને ત્યાં વરસાદ કેવો છે તેના પર તેનો આધાર છે. પણ તુવેરના પાકમાં ઓછા પાણીએ પણ કામ ચાલી જાય છે."

શું કહેવું છે સરકારનું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં તુવેર દાળનું ઓછું ઉત્પાદન છે અને તેને કારણે કોઈ અછત નહીં સર્જાય તે માટેના પ્રયાસો કેન્દ્રિય ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કરી દીધા છે. સરકાર હવે દાળના ઘરેલુ ભંડાર પર નજર રાખી રહી છે જેથી સંગ્રહખોરી ન થઈ શકે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તુષાર ધોળકિયા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે, "સરકારે તુવેર દાળના મિલર્સ, સ્ટૉકિસ્ટ, ડીલર્સ અને ઇમ્પોર્ટર્સને દર સપ્તાહે તેમના સ્ટૉકની વિગતો સરકારની ઇપોર્ટલ પર સબમિટ કરવાના નિર્દેશ કર્યા છે."
"આ ઉપરાંત સરકાર જાહેર કરેલા સ્ટોકની ચકાસણી માટે વેરિફિકેશન ડ્રાઇવ પણ ચલાવી રહી છે."
તુષાર ધોળકિયા વધુમાં ઉમેરે છે કે, "રાજ્યમાં તુવેર દાળની અછત નથી અને સાથે તેનો સ્ટૉક પૂરતો રહે તે માટે સરકાર ઓપન માર્કેટમાંથી પણ દાળની ખરીદી કરી રહી છે."
ફૂડ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ 71 લાખ પરિવારોના 3.5 કરોડ સભ્યોને ન્યૂટ્રિશન સિક્યૉરિટી પૂરી પાડવા માટે ગુજરાત સરકાર આ પરિવારોને દર મહીને એક કિલો તુવેર દાળ માત્ર 50 રૂપિયાના સબસિડાઇઝ્ડ ભાવે પૂરી પાડે છે.
તુષાર ધોળકિયાએ વધુમાં જણાવ્યું, “હાલ એટલી હાલત ખરાબ નથી કે સ્ટૉક લિમિટ રાખવી પડે પરંતુ છતાં સંગ્રહખોરી ન થાય અને ભાવ ન વધે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.”














